પિત્રોડા, સામ (જ. 4 મે 1942, ટિટલાગઢ, ઓરિસા) : દૂરસંચાર ટૅક્નૉલૉજીના દૂરદર્શી નિષ્ણાત અને સફળ ઉદ્યોગપતિ. ઉચ્ચશિક્ષણ માટે તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં દાખલ થયા. ત્યાંથી તેમણે ભૌતિકશાસ્રના વિષય સાથે એમ.એસસી.ની ઉપાધિ 1964માં મેળવી. ત્યારબાદ અમેરિકાની ઇલિનૉઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી ઇલેક્ટ્રૉનિક્સ વિષય સાથે 1966માં એમ. એસ.ની ઉપાધિ મેળવી.
દૂરસંચાર-પ્રણાલીઓ અને સેવાઓનાં લગભગ તમામ ખાતાંઓ સાથે તેઓ સંકળાયેલા રહ્યા છે. તેમાં દૂરસંચારણ ટૅક્નૉલૉજીમાં રચના (design), વિકાસન (development), ઇજનેરી હાર્ડવેર-સૉફ્ટવેર, ગુણવત્તા-અંકુશ (quality control), વેચાણ, પ્રશિક્ષણસ્થાપન (installation) નિભાવ, પરવાના, કાનૂની અને નાણાકીય બાબતો, કૉર્પોરેટ-પ્રબંધન અને નિયમનનો સમાવેશ થાય છે.
જનરલ ટેલિફોન્સ અને ઇલેક્ટ્રૉનિક્સ કંપનીમાં ડિજિટલ ઇલેક્ટ્રૉનિક્સ સ્વિચિંગ-પ્રણાલી તથા કમ્પ્યૂટરની રચના અને વિકાસન માટે તેમણે આશરે દશ વર્ષ કામ કર્યું.
તેમણે ઇલેક્ટ્રૉનિક સ્વિચિંગ-પ્રણાલીના 50થી વધુ વિશ્વવ્યાપી પેટન્ટ મેળવ્યા છે. 75 જેટલા ટૅક્નિકલ અભ્યાસના લેખો પ્રસિદ્ધ કર્યા છે અને 100થી વધુ પરિસંવાદો તથા ચર્ચા-ગોષ્ઠિઓમાં ભાગ લીધો છે.
‘યુ.એસ. દૂરસંચારણના પ્રવાહો અને નીતિ’ (1981) તથા યુ.એન.ના અભ્યાસ પર આધારિત ‘વિકસતા દેશોમાં દૂરસંચારણ’ નામનાં પુસ્તકો તેમણે લખ્યાં છે.
બ્રાઝિલના ઇલેક્ટ્રૉનિક સ્વિચિંગ-પ્રણાલીના ક્ષેત્રે તથા ચીનમાં દૂરસંચારણક્ષેત્રે સંશોધન અને વિકાસ કાર્યક્રમમાં તેમણે સહાય કરી હતી. દૂરસંચારણને લગતી કામગીરી અંગે યુ.કે., ફ્રાંસ, જર્મની, યુગોસ્લાવિયા, કૅનેડા, કોરિયા, જાપાન, ફિલિપાઇન્સ, સીરિયા અને સાઉદી અરેબિયાની તેમણે મુલાકાત લીધી છે.
તેમણે વિવિધ હોદ્દાઓ ઉપર રહીને નોંધપાત્ર કામગીરી બજાવી છે. દા. ત., વેસ્કૉમ સ્વિચિંગ, શિકાગોના 1974-80 સુધી મૅનેજિંગ ડિરેક્ટર, રૉકવેલ ઇન્ટરનેશનલ, શિકાગોના 1980-83 સુધી ઉપપ્રમુખ, માઇક્રોટૅક્નૉલૉજી ઇન્કૉર્પોરેટેડ, મિલવૉકીના 1980થી આજ સુધી અધ્યક્ષ, ઇલિનૉઈ યુનિવર્સિટીની ઔદ્યોગિક સલાહકાર સમિતિના સભ્ય.
તેમની શક્તિઓનો ભારતને લાભ મળે તે હેતુથી તેમને ભારત સરકારના ટૅક્નૉલૉજી મિશનના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1999ના ફેબ્રુઆરીમાં તેમણે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લીધી હતી. તેમણે ભારતના દૂરસંચાર તંત્રને અદ્યતન બનાવી દૂર-સુદૂરના ગ્રામીણ વિસ્તારો સુધી સક્ષમ દૂરસંચાર સુવિધા સુલભ કરવાનું યુગવર્તી કાર્ય કર્યું છે.
1998માં તેમણે પુન:ભારતના સંચાર વિકાસમાં રુચિ દાખવી. સરકારે તેમને નિજી કંપની દ્વારા કાર્ય કરવા વિનંતી કરી. તેમણે વર્લ્ડટેલ કંપની દ્વારા સંચારક્ષેત્રે પુન:પ્રવેશ કર્યો. એમાં આંધ્રપ્રદેશ સરકારનું આમંત્રણ મળતાં હૈદરાબાદમાં કાર્યક્ષેત્ર સ્વીકાર્યું.
પ્રહલાદ છ. પટેલ