પિત્તપાપડો (1) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ફ્યુમેરિયેસી (પર્પટાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Fumaria Vaillantii Loisel syn. F. indica Pugsley, F parviflora subsp vaillantii Hook. f. (સં પર્પટ, કટુપત્ર, કલ્પાંગ, પર્પટક, વરતિક્ત, પિત્તહરા, રેણુ, કવચ, ચર્મકંટક, સૂક્ષ્મપત્ર, રજોરેણુ, અવકંટક; હિં પિત્તપાપરા, ધમગજરા, શાહતરા, બં શોતારા, પિત્તપાપરા, બન-શુલ્ફા, બંધાનિયા મ. પિત્તપ્રાપા, પિત્તપડા ગુ. પિત્તપાપડો, ખડસલિયો,  કન્ન પર્પટકમુ, કલ્લુ સાબ્બાસિજે; તા. થુરા, થરા, થુશા, તુરુ, ચાથારસી, તે. ચતરાસી, કાશ્મી, શાહતેરાહ; પં. શાહતરા; યુ. શાહોતરાહ; ફા. શાહતર; અ. શાહતરજ, અં. ફ્યુમિટરી) છે.

વિતરણ :  પિત્તપાપડાનું વિતરણ એશિયા, યુરોપ અને આફ્રિકામાં થયેલું છે. તે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં 2700 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તે બલુચિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન અને મૉંગોલિયામાં થાય છે. તે હિમાલય, ઉત્તર ભારત, સિંધુ-ગંગા નદીનાં મેદાનોમાં તેમજ દક્ષિણ ભારતમાં ઉટીની તળેટીમાં અને રસ્તાની બંને બાજુએ થાય છે.

પિત્તપાપડો કે શાહતરા તરીકે જાણીની ભારતીય વનસ્પતિને Fumaria officinalis Linn. કે F. Parviflora Lam. તરીકે ખોટી રીતે દર્શાવાય છે, જેઓ યુરોપમાં થાય છે; પરંતુ ભારતમાં જોવા મળી નથી. આંતરજાતીય (interspecific) સંકરણ થવાને કારણે Fumariaની જાતિઓની ઓળખ મુશ્કેલ છે.

બાહ્યાકારવિદ્યા : તે આછા લીલા રંગની બહુશાખિત, એકવર્ષાયુ, ઉપોન્નત (subcrect) કે પ્રસારિત અને લગભગ 60 સેમી. સુધી ઊંચાઈ ધરાવતી વનસ્પતિ છે. પર્ણો બહુવિભાજિત (multifid), સાંકડા ખંડોમાં વિભાજિત થયેલાં, પર્ણછેદન પક્ષવત્ નિદર (pinnatisect) પ્રકારનું, ખંડ વધતેઓછે અંશે નીલાભ (glaucous), લાંબો, રેખીય અથવા રેખીય-લંબચોરસ (Linear-oblong), ચપટો અને ટોચેથી અણીદાર (acute) હોય છે. પુષ્પો સફેદ કે ગુલાબી, જાંબલી ટોચવાળાં, અગ્રસ્થ કે પર્ણસંમુખ કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ 2.00 મિમી. લાંબા ગોળાકાર અને એકબીજમય હોય છે.

વનસ્પતિરસાયણ (phytochemistry) : તે પેન્ટાટ્રાઈએકાન્ટેન (0.5 %), પ્રોટોપીન સાથે સામ્ય ધરાવતું આલ્કલૉઇડલ સંયોજન (0.13 %), ટૅનિન, ફ્લૉબેફિન્સ અને શર્કરાઓ ધરાવે છે. તેની ભસ્મમાં પોટૅશિયમના ક્ષારો પુષ્કળ પ્રમાણમાં હોય છે. પ્રાણીઓ પર પ્રયોગ કરતાં આલ્કલૉઇડલ સંયોજન દ્વારા તેમના રુધિરના દબાણમાં ઘટાડો થતો હોવાનું જાણવા મળ્યું છે.

પિત્તપોપડો પેપ્રેસીન, પેપ્રેસિનીન, ઑક્સિહાઇડ્રેસ્ટિનીન, નૉરઑક્સિહાઇડ્રેસ્ટિનીન, ફ્યુમેરેમીન, ફ્યુમૅરિલીન, ફ્યુમૅરિલિસીન, 8-મિથૉક્સિડાઈહાઇડ્રો-સેન્ગ્યુઈનેરીન, ઑક્સોસૅન્ગ્યુઇરીન, પેપ્રાફ્યુમીન, પેપ્રારીન, પેપ્રાલીન, ફ્યુયુરિફીન, (+) – α – હાઇડ્રેસ્ટીન સ્ટાયલોપીન, બિસ્નૉર-આર્જિમોનીન, ફ્યુમૅઝિટીન (+) પેપ્રેઇન, પેપ્રેઝીન, ફ્યુમેરિ-ફ્લોરીન, લેસ્ટાઉર્વિલીન, ફૅરુલૉઇલ ટાયરેમીન, ફ્યુમેરિટીન N-ઑક્સાઇડ, પેર્ફ્યુમીન, N-મિથાઇલકોરીડેલ્ડીન, નાર્સેઇમીન, નેર્લુમિડીન, એડલુડુમિડીન, ફ્યુમેરિઝીન, પ્રોટોપીન, પ્રોટોપીન નાઇટ્રેટ, β-હાઇડ્રેસ્ટીન, l-ટેટ્રાહાઇડ્રોકોપ્ટિસીન, DL-ટૅટ્રાહાઇડ્રોકોપ્ટિસીન અને નેર્લુમિસીન આલ્કેલૉઇડો ધરાવે છે.

બીજમાં ઉત્પન્ન થતાં આલ્કેલૉઇડોમાં નેર્સેઇમિસીન, નૉરસેન્ગ્યુઇનેરીન, (+) એડમિડીન, (±) બાઈક્યુક્યુલીન અને ડાઈહાઈડ્રોકોપ્ટિસીનનો સમાવેશ થાય છે.

બીજમાંથી પ્રાપ્ત થતા તેલનું ફૅટી ઍસિડ બંધારણ આ પ્રમાણે છે : પામિટિક 13.0 %, સ્ટીઅરિક 1.8 %, ઓલેઇક 24.2 % અને લિનોલેઇક 60.6 %.

પિત્તપાપડામાં આઇસૉક્વિનૉલીન આલ્કૅલૉઇડો-ઍરડલુમિસેઇન, ઍડલુમિડિસેઇન, કૉપ્ટિસીન, ક્રિપ્ટોપીન, ફ્યુમેરિસીન, ફ્યુમેરિલીન, ફ્યુમેરિટીન, ફ્યુમેરોફાઇસિન, O-મિથાઇલ – રેડ્ડીએનીન, ઑક્સોકોપ્ટિસીન, ફ્યુમેરોફાયસીન, પેર્ફ્યુમીન, સિનેક્ટીન અને N-મિથાઇબસ્ટાયલોપીનની હાજરી જોવા મળી છે.

સારણી 1 : પિત્તપાપડાના વિવિધ ભાગોમાં આવેલાં વનસ્પતિ-રસાયણો.

વનસ્પતિનો ભાગ વનસ્પતિ-રસાયણ
હવાઈ ભાગ પેપ્રેસીન, પેપ્રેઝીન, સિટોસ્ટરૉલ, સ્ટિમેસ્ટેરોલ, કૅમ્પેસ્ટેરૉલ
મૂળ પ્રોટૉપીન, ઑક્ટેકોસેનૉલ, નેર્સેઇમીન, નેર્લુમિડીન, ઍડ્લુમિડીન
પર્ણ અને પ્રકાંડ નેર્લુમિસીન, પ્રોટોપીન, નેર્લુમિડીન, નૉનઍકોસેનૉલ
બીજ ફ્યુમેરિલીન, ટેટ્રાહાઇડ્રોકોપ્ટિસીન, બાઇક્યુક્યુલીન, ઑક્સિસેન્ગ્યુઇનેરીન

પરંપરાગત ઉપયોગો :

તેનો ઉપયોગ યકૃત અને જઠરના રોગો, ચામડીના રોગો, શોષ-રોગ, મસ્તકનો તાપ, આંખની બળતરા, પથરી, થાક, માનસિક વિહવળતા, નશો, મૂત્ર સાથે થતો ધાતુસ્રાવ, રક્ત અંગેના રોગો, બરોળના રોગો અને દૂષિતવાયુજન્ય જ્વરમાં કરવામાં આવે છે. તે રુધિર સમૃદ્ધ કરનાર અને આંખોનું તેજ વધારનાર ગણાય છે.

ઔષધગુણવિજ્ઞાનીય (Pharmacological) ગુણધર્મો :

પિત્તપાપડાના ઔષધગુણવિજ્ઞાનીય ગુણધર્મો આ પ્રમાણે છે :

(1) પ્રતિ-ઉપચાયી (anti-oxidant), (2) યકૃતસંરક્ષી (hepatoprotective), (3) પ્રતિઅલ્પહાઇડ્રોક્લોરીય (antihypo-chlorhydric), (4) પ્રતિલિપિડપેરૉક્સિકારક (anti-lipidperoxidative), (5) વેદનાહર (analgesic), (6) વ્રણરોધી (antiulcer), (7) શોથહર (anti-inflammatory), (8) પીડા-સંવેદનરોધી (anti-nociceptive), (9) કૉલીનઍસ્ટરેઝરોધી (anticholinesterase), (10) ફૂગરોધી (antifungal), (11) બોધાત્મક (cognitive) વિકાર, (12) મધુપ્રમેહરોધી (anticliabetic), (13) કોષવિષાળુ (cytotoxic), (14) શૂલરોધી (anticolic).

છોડનો મિથેનૉલીય નિષકર્ષ sarcinia subflava સામે પ્રતિસૂક્ષ્મજીવીય (antimicrobial) સક્રિયતા દર્શાવે છે. શ્વેત ઉંદરોમાં L-ટેટ્રાહાઇડ્રોકોપ્ટિસીન પ્રતિમનોવિક્ષિપ્તિ મનોવિયોજી (anti-psychotic neuroleptic), ગિનીપિગ, સસલાં અને શ્વેત ઉંદરોમાં પ્રોટોપીન અરેખિત સ્નાયુમાં શિથિલક (relaxant) તથા નિશ્ચેષ્ટ (anaesthetized) કૂતરાઓમાં જલપિત્તવર્ધી (hydrochlo retic) સક્રિયતા દર્શાવે છે. નાર્સેઇમીન, નેર્લુમિડીન, એડ્લુમિડીન અને પ્રોટોપીન નાઇટ્રેટ શોથહર સક્રિયતા દર્શાવે છે. પ્રોટપીન નાઇટ્રેટ કેન્દ્રસ્થ ચેતાતંત્ર (central nervous system) ઉપર ઉત્તેજિત અસર તથા નેર્લુમિડીન અને પ્રોટોપીન ફૂગરોધી સક્રિયતા દર્શાવે છે.

આર્યુવેદ અનુસાર પિત્તપાપડાને તૃષ્ણાનિગ્રહણ (ચરક) ગણમાં મૂકવામાં આવે છે. તેના આયુર્વેદિક ગુણધર્મો આ પ્રમાણે છે :

ગુણ
ગુણ – લઘુ રસ – તિક્ત
વીર્ય – કટુ વિપાક – શીત
કર્મ

દોષકર્મ : તે તિક્ત હોવાથી કફ અને તિક્ત-શીત હોવાથી પિત્તશામક છે.

પાચનતંત્ર : તે તૃષ્ણાશામક, દીપન, ગ્રાહી, કૃમિઘ્ન અને યકૃદુત્તેજક છે.

રુધિરાભિસરણતંત્ર : તે રક્તશોધક અ રક્તસ્તંભન છે.

ઉત્સર્જનતંત્ર : તે મૂત્રલ છે. ઉત્સર્ગ ત્વચા, યકૃત અને વૃક્કથી થાય છે.

ચેતાતંત્ર : તે મગજ માટે શામક છે.

ત્વચા : તે સ્વેદજનન અને કુષ્ઠઘ્ન છે.

પ્રયોગ

દોષપ્રયોગ : તે કફપિત્તજન્ય વિકારોમાં ઉપયોગી છે.

પાચનતંત્ર : તૃષ્ણા, અરુચિ, અગ્નિમાંદ્ય, કૃમિ, યકૃતવિકાર અને કમળામાં તેનો ઉપયોગ થાય છે.

રુધિરાભિસરણતંત્ર : રક્તપિત્ત, વાતરક્ત વગેરે વિકારોમાં ઉપયોગી છે.

ઉત્સર્જનતંત્ર : તે મૂત્રકૃચ્છ્રમાં લાભદાયી છે.

ચેતાતંત્ર : તે ભ્રમ, મૂર્ચ્છા, મદાત્યય વગેરેમાં ઉપયોગી છે.

ત્વચા : કુષ્ઠ વગેરે ત્વચાના રોગોમાં તે પ્રયુક્ત છે.

તાપક્રમ : તાવ અને દાહમાં તે ઉપયોગી છે.

તે કડવો, શીતળ, સંગ્રાહી, વાતલ, લઘુ અને પાકકાળે તીખો છે અને પિત્ત, કફ, જ્વર, રક્તદોષ, દાહ, અરુચિ, ગ્લાનિ, ભ્રમ, મદ, પ્રમેહ, ઊલટી, તરસ અને રક્તપિત્તનો નાશ કરે છે. પિત્તજ્વરમાં તેનો કાઢો લીંડીપીપરનું ચૂર્ણ નાખી આપવામાં આવે છે. પિત્તપાપડો, ચંદન, વીરણવાળો અને સૂંઠનો કાઢો કરીને પણ પિત્તજ્વરમાં  અપાય છે. પિત્ત પર તેનાં પર્ણોનો રસ અને ગાયનું ચોખ્ખું દૂધ એકત્ર કરી સાકર નાખી પિવડાવવામાં આવે છે અથવા પિત્તપાપડો અને સૂંઠનો કાઢો પિવડાવાય છે.

પ્રયોજ્ય અંગ : પંચાંગ.

માત્રા : ચૂર્ણ – 3-6 ગ્રામ; કવાથ-50-100 મિલી.

વિશિષ્ટ યોગ : પર્પટાડિ ક્વાથ, પર્પરાદ્યરિષ્ટ

ભારતના બજારોમાં ‘શાહતરા’ કે ‘પિત્તપાપરા’ નામે ઔષધ તરીકે વેચાય છે.

पर्पटो वरतिक्तश्च स्मृत: पर्पटकश्च स: ।

कथित: पांशुपर्यायस्तथा कवच नामक: ।।

पर्पटो हन्ति पितास्रभ्रमतृष्णाकफज्वरान् ।

संग्राही शीतलस्तिक्तां दाहनुद्वातलोलघु: ।।

                                   ભાવ પ્રકાશ

पर्पट: शीतलस्तिक्त: पितश्लेष्मज्वरापह: ।

रक्तदाहारुचिग्लानिमदभ्रमविनाशन: ।।

                                       ધન્વંતરિ નિઘંટુ

બળદેવભાઈ પટેલ

મૃગેન્દ્ર વૈષ્ણવ