પિટ્સ ઇન્ડિયા ઍક્ટ : ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટ પર અંકુશ મૂકવા માટે ઈ. સ. 1784માં બ્રિટિશ પાર્લમેન્ટે પસાર કરેલો કાયદો. વડાપ્રધાન પિટની સરકારે આ કાયદો પસાર કર્યો હોવાથી તે પિટના કાયદા તરીકે ઓળખાય છે.
ઈ. સ. 1757માં પ્લાસીના વિજય પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો હિંદમાં એક રાજકીય સત્તા તરીકે ઉદય થયો. વેપારની સાથે રાજકીય તથા વહીવટી જવાબદારી પણ તેને હસ્તક આવી. માત્ર વ્યાપારી નફાને વરેલી કંપનીના હાથમાં એકાએક વ્યાપક રાજકીય સત્તા આવી જતાં કંપનીના અમલદારોએ હિંદમાં લૂંટ શરૂ કરી. હિંદ અને બ્રિટનમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. કંપનીની રાજકીય સત્તા પર અંકુશ મૂકવા તથા તેના વહીવટને વ્યવસ્થિત કરવાની માંગ ઊઠી. ઈ. સ. 1773માં બ્રિટિશ સરકારે ‘નિયામક ધારો’ (Regulating Act) પસાર કરી આ દિશામાં પ્રથમ પગલું ભર્યું; પરંતુ આ કાયદાથી કંપનીના વહીવટ પર બ્રિટિશ સરકારનો અંકુશ સ્થપાયો ન હતો. કંપનીના શાસકો પોતાની રીતે રાજકીય અને લશ્કરી નિર્ણયો લેતા હતા. તેને લીધે બિનજરૂરી અને ખર્ચાળ વિગ્રહો ખેલાયા હતા. કંપનીના શાસકોની આ સ્વેચ્છાચારી નીતિ પર બંધારણીય નિયંત્રણો મૂકવાની જરૂર હતી. આ સમયે અમેરિકન સ્વાતંત્ર્યવિગ્રહ ખેલાયો હતો. બ્રિટનનાં અમેરિકન સંસ્થાનો સ્વતંત્ર થતાં તેની બ્રિટિશ વ્યાપાર પર વિપરીત અસર પડી હતી. આ ખોટ પૂરી કરવા માટે બ્રિટનનું ધ્યાન હિંદ પ્રત્યે દોરાયું હતું. હિંદમાં બ્રિટિશ વ્યાપારી હિતોની સુરક્ષા તથા તેના સંવર્ધન માટે સ્થિર અને કાર્યક્ષમ તંત્રની રચના કરવી જરૂરી હતી. તે માટે કંપનીના વહીવટ પર બ્રિટિશ સરકારનું નિયંત્રણ સ્થાપવાની માગ ઊભી થઈ હતી. કંપનીના અમલદારોની અત્યાચારી નીતિને કારણે બ્રિટિશ વિચારકો હિંદમાં કંપનીની સત્તાઓને અંકુશિત કરવાનો આગ્રહ સેવતા હતા. આ સંજોગોમાં લૉર્ડ નૉર્થ અને ફૉક્સની સંયુક્ત સરકારે ઈ. સ. 1782માં એક કાયદો પસાર કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ તેમની સરકારનું પતન થતાં તે પ્રયાસ નિષ્ફળ ગયો. છેવટે પિટની સરકારે ઑગસ્ટ 1784માં એક કાયદો પસાર કર્યો, જે ‘પિટ્સ ઇન્ડિયા ઍક્ટ’ તરીકે ઓળખાયો.
જોગવાઈઓ : પિટના કાયદામાં મુખ્યત્વે બે પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી : (1) ગૃહ-સરકારને લગતી અને (2) હિંદની સરકારને લગતી.
(1) ગૃહ-સરકારને લગતી જોગવાઈઓ : ઇંગ્લૅન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સંચાલન માટે જે વ્યવસ્થા હતી તેમાં આ કાયદાથી ફેરફારો કરવામાં આવ્યા. બ્રિટિશ સરકાર દ્વારા નિયુક્ત છ સભ્યોના બનેલા એક ‘નિયામક મંડળ’(board of control)ની રચના કરવામાં આવી. તેને હિંદમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની હસ્તકના પ્રદેશોના વહીવટ પર અંકુશ રાખવા માટેની તમામ સત્તાઓ સોંપવામાં આવી. કંપનીના સંચાલક મંડળે હિંદના વહીવટ અંગેના તમામ દસ્તાવેજો તથા પત્રવ્યવહારની નકલો નિયામક મંડળને મોકલવી જરૂરી બની. સંચાલક મંડળના નિર્ણયોમાં ફેરફાર કરવાની સત્તા નિયામક મંડળને હસ્તક હતી. સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયા આ મંડળનો અધ્યક્ષ હતો. વહીવટી ખર્ચ પેટે હિંદની મહેસૂલી આવકમાંથી વાર્ષિક 16,000 પાઉન્ડની મર્યાદા સુધીની રકમ મંજૂર કરવાની સત્તા બ્રિટિશ પાર્લમેન્ટને હતી. વ્યાપારી કાર્યવહી તથા કર્મચારીઓની નિયુક્તિ અંગેની સત્તા સંચાલક મંડળના હાથમાં રાખવામાં આવી; તેમ છતાં પોતાને અસ્વીકાર્ય કર્મચારીઓને પાછા બોલાવી લેવાની સત્તા નિયામક મંડળને આપવામાં આવી.
(2) હિંદ સરકારને લગતી જોગવાઈઓ : આ કાયદાથી હિંદમાં ગવર્નર જનરલની કાઉન્સિલના સભ્યોની સંખ્યા ચારથી ઘટાડીને ત્રણની કરવામાં આવી, જેમાંનો એક સરસેનાપતિ હતો. બાકીના બે કંપનીના વરિષ્ઠ અધિકારીઓ હતા. પ્રાન્તીય સરકારો પર પણ ગવર્નર જનરલ અને કાઉન્સિલની સત્તા સર્વોપરી બનાવવામાં આવી. આ રીતે ગવર્નર જનરલના સ્થાનને મજબૂત બનાવવામાં આવ્યું. કેન્દ્રની જેમ પ્રાન્તોમાં પણ કાઉન્સિલના સભ્યોની સંખ્યા ચારને બદલે ત્રણની નક્કી કરવામાં આવી. ગવર્નર જનરલ, ગવર્નરો તથા તેમની કાઉન્સિલના સભ્યોની નિયુક્તિ સંચાલક મંડળ કરતું; પરંતુ પોતાને અસ્વીકાર્ય હોય તો નિયામક મંડળ તેમને પાછા બોલાવી શકતું. ભ્રષ્ટ અમલદારો પર કામ ચલાવવા માટે ઇંગ્લૅન્ડમાં એક અદાલતની રચના કરવામાં આવી. હિંદની સરકારોને કરકસરપૂર્વક વહીવટ કરવાની સૂચના પણ આપવામાં આવી.
આ કાયદાથી હિંદમાં બેવડું તંત્ર અમલમાં આવ્યું. વ્યાપારી ક્ષેત્રે કંપનીના અધિકારો સુરક્ષિત રહ્યા; પરંતુ રાજકીય, લશ્કરી તથા વહીવટી ક્ષેત્રે બ્રિટિશ સરકારનો અંકુશ પ્રસ્થાપિત થયો. ઉચ્ચ અમલદારો સરકારની ઇચ્છા વિરુદ્ધ પદ પર રહી શકતા નહિ, જેથી સરકારને અનુકૂળ એવી વ્યક્તિઓને જ નિયુક્ત કરવાની કંપનીને ફરજ પડતી હતી. કંપનીના વહીવટ પર તાજનો અંકુશ ક્રમશ: વધતો ગયો, જેની પરાકાષ્ઠા 1858માં કંપનીના શાસનની નાબૂદીમાં આવી. હિંદમાં ગવર્નર જનરલનું સ્થાન મજબૂત બનવાથી તેની કામગીરી સરળ બની. પ્રાન્તીય સરકારો પર કેન્દ્રનો અંકુશ વધવાથી વહીવટી એકસૂત્રતા આવી શકી. ભ્રષ્ટ અને અત્યાચારી અમલદારોની પ્રવૃત્તિ પર અદાલતી અંકુશ સ્થાપી શકાયો. આ સાથે બેવડી વ્યવસ્થાને કારણે બંને મંડળો વચ્ચે મતભેદ, વિવાદ, વહીવટી ઢીલ વગેરે દૂષણો પણ ઊભાં થયાં.
રોહિત પ્ર. પંડ્યા