પિટ્સબર્ગ (કૅન્સાસ, યુ.એસ.) : યુ.એસ.ના મધ્યભાગમાં આવેલા કૅન્સાસ રાજ્યના અગ્નિકોણમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 37o 30′ ઉ. અ. અને 94o 45′ પ. રે. તે કૅન્સાસ શહેરથી દક્ષિણે 210 કિમી. અંતરે તથા મિસુરી રાજ્યની હદથી પશ્ચિમે 6 કિમી. અંતરે આવેલું છે. યુ.એસ.માં વધુમાં વધુ બિટૂમિનસ પ્રકારનો મૃદુ કોલસો ધરાવતા ક્ષેત્ર તરીકે તે જાણીતું છે. અહીં નજીકના પ્રદેશમાંથી સીસા અને જસતનાં ખનિજો, માટી, ખનિજતેલ તેમજ કુદરતી વાયુ પણ મળે છે. પુષ્કળ પ્રમાણમાં મળી આવતા કોલસાનું તે મથક હોવાથી કોલસો અન્યત્ર લઈ જવા માટે રેલમાર્ગની તેમજ જસતનું ધાતુગાળણ કારખાનું નાખવાની અહીં જરૂરિયાત જણાતાં, 1876માં આ નગર વસાવવામાં આવેલું. અહીં વસ્તી વધવાથી અને નગરનો વિકાસ થવાથી 1880માં તેને શહેર તરીકેનો દરજ્જો મળેલો છે. આ શહેરમાં પિટ્સબર્ગ સ્ટેટ યુનિવર્સિટી આવેલી છે. સારી જાતની મૃદ (clay) – ઉપલબ્ધિને કારણે અહીં માટીની પાઇપો, રસાયણો, ખાતરો, યંત્રસામગ્રી, વિમાનોનાં ઉપકરણો, ભીંતપાટિયાં (wall-boards), પ્રક્રિયા કરેલું માંસ તેમજ ઢોરઢાંખર માટેની ખાદ્યસામગ્રીનું ઉત્પાદન થાય છે. 2020 મુજબ વસ્તી 20,646 હતી.
ગિરીશભાઈ પંડ્યા