પિટ્સબર્ગ : યુ. એસ.ના પેન્સિલવેનિયા રાજ્યમાં આવેલું ઔદ્યોગિક મહત્વ ધરાવતું શહેર. રાજ્યમાંનાં મોટામાં મોટાં શહેરો પૈકી ફિલાડેલ્ફિયા પછી તે બીજા ક્રમે આવે છે. ભૌ. સ્થાન : 40o 26′ ઉ. અ. અને 79o 59′ પ. રે. તે રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં ઍલિગેની, મોનાગહીલા અને ઓહાયો નદીઓના સંગમસ્થાને, ઍલિગેની પર્વતોની તળેટી-ટેકરીઓ પર વસેલું છે. ફિલાડેલ્ફિયાથી સીધેસીધા 402 કિમી.ના અંતરે તે આવેલું છે. આ શહેર 144 ચોકિમી. જેટલા મોટા વિસ્તારમાં પથરાયેલું છે અને પહાડી પ્રદેશની ઊંચાણ-નીચાણ ધરાવતી ભૂમિ પર સમુદ્રસપાટીથી 216થી 415 મીટરની ઊંચાઈએ આવેલું છે.

પિટ્સબર્ગ અને તેની આસપાસનો ઔદ્યોગિક પ્રદેશ  ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં

1758માં જનરલ જૉન ફૉર્બ્સની રાહબરી હેઠળ નદીઓના સંગમ નજીક બ્રિટિશ દળોએ ‘ફૉર્ટ પિટ’ નામે કિલ્લો બાંધેલો અને અહીંના લશ્કરી મથકને ગ્રેટ બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન વિલિયમ પિટના માનમાં ‘પિટ’ નામ અપાયેલું, બ્રિટિશ વસાહતીઓએ આ કિલ્લાની બહારના ભાગમાં જે  વસાહત સ્થાપી તેને ફૉર્બ્સે `પિટ્સબર્ગ’ નામ આપ્યું.

આબોહવા : આ શહેરમાં ભેજનું પ્રમાણ વધુ રહેતું હોવા છતાં આબોહવા મધ્યમસરની રહે છે. જાન્યુઆરીનું તાપમાન-5o સે. (શિયાળા ઠંડા) અને જુલાઈનું તાપમાન 29o સે (ઉનાળા માફકસરના) જેટલું તથા વાર્ષિક વરસાદનું પ્રમાણ 910 મિમી. જેટલું રહે છે.

ઔદ્યોગિક મહત્ત્વ અને આર્થિક પ્રવૃત્તિ : 1792માં જ્યૉર્જ ઍન્શટ્ઝે (George Anschutz) લોખંડ ગાળવાની સર્વપ્રથમ ભઠ્ઠી અહીં શરૂ કરી ત્યારથી આ સ્થળ પર લોખંડ-પોલાદ-ઉદ્યોગના વિકાસનાં પગરણ મંડાયાં છે. આ ઉદ્યોગના વિકાસ અને સરળ સંચાલન માટે જરૂરી લોહખનિજો અને ચૂનાખડકોનો કાચો માલ, પૂરતા પ્રમાણમાં પાણીની ઉપલબ્ધિ તથા ઇંધન માટેનો કોલસો નજીકમાંથી મળી રહે છે. પશ્ચિમ પેન્સિલવેનિયા વાર્ષિક આશરે 6 કરોડ ટન જેટલો કોલસો ઉત્પન્ન કરે છે, તે પૈકીનો 15% કોલસો પિટ્સબર્ગના લોખંડ-પોલાદ-ઉત્પાદનક્ષેત્રે વપરાય છે. ખનિજતેલ પણ અહીંથી મળી રહે છે. આ ઉપરાંત, યુ.એસ.માં સર્વપ્રથમ અણુશક્તિ-ઊર્જાઉત્પાદનનો પ્રારંભ પણ આ શહેર ખાતે જ થયેલો હોવાથી આ ઉદ્યોગને અણુઊર્જા પણ પર્યાપ્ત પ્રમાણમાં મળી શકે છે. ‘ગોલ્ડન ટ્રાયઍંગલ’ તરીકે ઓળખાતા ઍલિગેની, મોનાગહીલા અને ઓહાયો નદીઓ વચ્ચેના ચીપિયા જેવા વિસ્તારની આજુબાજુ તેમજ નદીકાંઠાઓ પર પિટ્સબર્ગનાં કારખાનાં હારબંધ ગોઠવાયેલાં નજરે પડે છે. આ શહેરની આસપાસના 70થી 80 ચોકિમી. વિસ્તારમાં લોખંડ-પોલાદનાં લગભગ 2,500 જેટલાં ઉત્પાદક કારખાનાં આવેલાં છે. વધુમાં 160 કિમી.ની ત્રિજ્યામાં આવેલાં કારખાનાં લગભગ 6,000 જેટલી જુદી જુદી પેદાશોનું ઉત્પાદન કરે છે. તેમાં મુખ્યત્વે પાયાની ધાતુઓ, યંત્રસામગ્રી અને કાચનો સમાવેશ થાય છે. આ રીતે જોતાં યુ.એસ.ના મુખ્ય ત્રણ ઔદ્યોગિક વિસ્તારો પૈકીના એક તરીકે પિટ્સબર્ગની ગણતરી થાય છે. આ કારણે તો પિટ્સબર્ગને ‘પોલાદનગરી’(Steel City)નું બિરુદ મળ્યું છે તે સર્વથા યોગ્ય છે. આ શહેર 60 જેટલા ઔદ્યોગિક નિગમોનું મુખ્ય મથક બની રહેલું છે. 1945થી અહીં ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસલક્ષી સંશોધનો થતાં રહ્યાં છે. 170 જેટલી સંશોધન-સંસ્થાઓ અને પ્રયોગશાળાઓ વિવિધ ક્ષેત્રે કામ કરી રહી છે. અણુ-ઊર્જાથી ચાલતી ‘નૉટિલસ’ નામની પનડૂબી (submarine) માટે જરૂરી અણુ-રિઍક્ટરનો અહીં જ વિકાસ કરવામાં આવેલો. અસંખ્ય ઔદ્યોગિક મથકોમાંથી થતા પ્રદૂષણના નિયંત્રણ માટે પણ વિશિષ્ટ સંસ્થા તથા પ્રયોગશાળાઓ કાર્યરત છે.

લોખંડ-પોલાદમાંથી બનાવાતાં યંત્રો અને યંત્રસામગ્રી, ઉપકરણો અને વિવિધ વપરાશી ચીજવસ્તુઓ ઉપરાંત પ્રક્રિયા કરેલી ખાદ્યપેદાશો, કાપડ, કાચનો સામાન, વીજળીનો સામાન, રંગ-રસાયણો વગેરેનું મોટા પાયા પર અહીં ઉત્પાદન થાય છે. ખનિજતેલના શુદ્ધીકરણ માટેની રિફાઇનરી પણ અહીં આવેલી છે. 20મી સદીના મધ્ય ભાગમાં અહીં પોલાદ-ઉદ્યોગ-ક્ષેત્રમાં મંદી આવેલી તેથી કમ્પ્યૂટર અને સ્વાસ્થ્ય જેવા સેવા-ઉદ્યોગોનો પણ મોટા પાયા પર વિકાસ થયો છે.

પરિવહન : પિટ્સબર્ગના ઔદ્યોગિક ઉત્પાદનની આંતરિક તેમજ બહારી નિકાસ માટે આ શહેર નદીબંદર તરીકે ઉપયોગમાં લેવાય છે. અહીંની નદીઓના સંગમસ્થાનેથી અને ત્યાંથી ઓહાયો તથા મિસિસિપી નદી મારફતે દેશમાં તેમજ વિદેશોમાં પિટ્સબર્ગની પેદાશોને માંગ પ્રમાણે પહોંચાડી શકાય છે. નદીઓ દ્વારા થતો જળવ્યવહાર અન્ય પરિવહન-માર્ગો કરતાં પ્રમાણમાં સસ્તો પડે છે. આ શહેર જળ, ભૂમિ તથા હવાઈ માર્ગે યુ.એસ.નાં અન્ય શહેરો સાથે સંકળાયેલું છે. પિટ્સબર્ગ આ રીતે ઘણા મહત્વના આંતરિક બંદર તરીકે કામ આપે છે. અહીંથી માલની વાર્ષિક હેરફેર લગભગ 5.8 કરોડ ટન જેટલી થાય છે. આ ઉપરાંત તે રેલમથક છે તથા ટ્રકો દ્વારા કરવામાં આવતી માલની હેરફેર માટેનું અગત્યનું મથક પણ છે. અહીંનો ‘પાન-લિંકન પાર્ક વે’ 51 કિમી. લાંબો છે, તે આ શહેરમાં થઈને પસાર થાય છે અને હવાઈ મથક નજીક થઈને પૂર્વ તરફ જાય છે. આ માર્ગનું ઘણું જ મહત્વ અંકાય છે. વધુમાં, યુ.એસ.માં પહેલાં હતી અને હવે અન્ય કોઈ રાજ્યમાં નથી, એવી વીજળીની ટ્રૉલીસેવા હજી અહીં ચાલુ છે.

સંદેશાવ્યવહાર : આ શહેરમાં ‘પ્રેસ’ અને ‘પોસ્ટ ગૅઝેટ’ નામનાં બે વર્તમાનપત્રો, 75 જેટલાં સાપ્તાહિકો, વ્યાપારી અને ધાર્મિક સામયિકો તથા વિદેશી ભાષાનાં પ્રકાશનો બહાર પડે છે. પિટ્સબર્ગના વિસ્તારને આવરી લેતાં 2 વ્યાપારી, 1 શૈક્ષણિક, અન્ય 2 મળી કુલ ચાર દૂરદર્શન-કેન્દ્રો તથા ઘણાં આકાશવાણી-મથકો છે.

ઉદ્યાનો-મનોરંજન-સ્થળો : આ શહેરમાં મનોરંજન માટે 20 જેટલા ઉદ્યાનો, અસંખ્ય નાનામોટા બાગબગીચા, રમતનાં મેદાનો તથા તરણસ્થાનોની સુવિધા છે. આ ઉપરાંત કુદરતી ચીજવસ્તુઓનાં સંગ્રહસ્થાનો છે. વળી મુખ્યત્વે ફૂટબૉલ અને બેઝબૉલની રમતો માટે ઉપયોગમાં લેવાતું ‘થ્રી રિવર્સ સ્ટેડિયમ’ ઍલિગેની નદી પર આવેલું છે.

સમાજકલ્યાણ-નગરવ્યવસ્થા : 1794માં  પિટ્સબર્ગ નગર તરીકે અને 1816માં શહેરનો દરજ્જો પામેલું હોવાથી નગર-વહીવટ માટે ત્યાં મેયર અને 9 સભ્યોની કાઉન્સિલની વ્યવસ્થા છે. અહીં 400 જેટલાં સ્વાસ્થ્યકેન્દ્રો તેમજ લોકકલ્યાણ માટે સામાજિક સંસ્થાઓની સગવડ છે. સામાન્ય જનતા, વેપારીઓ તેમજ ઉદ્યોગોની સગવડ માટે બહુરાષ્ટ્રીય કંપનીઓ, શરાફી પેઢીઓ તથા બૅન્કોની વ્યવસ્થા છે.

શહેરવિકાસ અને વસ્તી : 1950-60ના અરસા  સુધી વધતા ગયેલા ઔદ્યોગિકીકરણને લીધે આ શહેર પ્રમાણમાં ગંદકીવાળું રહેતું હોવાથી ક્યારેક રોગગ્રસ્ત બની જતું. સંખ્યાબંધ કારખાનાંને કારણે તથા ઝૂંપડપટ્ટીઓને કારણે તે પ્રદૂષણયુક્ત પણ રહેતું હતું. 1958 પછી નગરપાલિકાની વિકાસ યોજના હેઠળ શહેરને રોગ, ધુમાડો અને અન્ય પ્રદૂષણની મોટાભાગની તકલીફોમાંથી મુક્ત કરવામાં આવ્યું છે. રસ્તાઓ સુધર્યા છે. નાની-મોટી તેમજ ગગનચુંબી ઇમારતો ઊભી થઈ છે. 1958થી 1961 સુધીના એક તબક્કામાં અને 1980 સુધીના બીજા તબક્કામાં વિકાસ તથા સુધારણાનું આયોજન કરીને શહેરની કાયાપલટ કરવામાં આવી છે.

ઘણાં વર્ષો સુધી પિટ્સબર્ગમાં પૂરથી તારાજી થતી રહેતી હતી, તેથી ઍલિગેની અને મોનૉંગહીલા નદીઓ પર પૂરનિયંત્રણ માટે નવ જેટલાં જળાશયો તૈયાર કરવામાં આવ્યાં છે. મધ્યમવર્ગના લોકો પરાંઓમાં રહેવા જવાને કારણે મૂળ શહેરની વસ્તી જે 2020 મુજબ 3,02,971 જ્યારે મેટ્રો શહેરની વસ્તી 23,70,930 છે.

પિટ્સબર્ગની મોટાભાગની વસ્તી યુ.એસ.ની મુલકી પ્રજાની છે, તે પૈકી આશરે 24% અશ્વેતો છે. 1880થી 1920ના ગાળામાં જ્યારે અહીં ભારે ઉદ્યોગો વિકસતા હતા ત્યારે મધ્ય યુરોપમાંથી જર્મન, અંગ્રેજ, આયરિશ, ઇટાલિયન, પોલિશ, હંગેરિયન, રશિયન લોકો અહીં આવીને વસેલા છે. 1970-80 સુધી અહીંની 25% વસ્તી વિદેશી વંશજોની હતી, જે તે પછીથી અમેરિકી-વિદેશી મિશ્ર લોહીની વસ્તી થઈ છે. 1960થી ’70ના દાયકા દરમિયાન અહીંનાં 25% મકાનો યુ.એસ.માં હલકી કક્ષાનાં ગણાતાં હતાં. તે પછીથી તેમાં ઘણો સુધારો થયો છે; તેમ છતાં અહીંની મોટાભાગની અશ્વેત પ્રજા હજી પણ ગીચ ઝૂંપડપટ્ટીમાં રહે છે. અન્ય મોટાં ઔદ્યોગિક શહેરોની જેમ અહીં આવેલી ઝૂંપડપટ્ટીઓ નજીકનાં પરાંઓની આલીશાન ઇમારતોથી સ્પષ્ટપણે અલગ પડી આવે છે.

યુ.એસ.ના કોઈ પણ શહેર કરતાં પિટ્સબર્ગમાં વધુમાં વધુ (720) પુલો છે. અહીં રહેણાકનાં આવાસો ઊંચીનીચી ટેકરીઓ પર આવેલા હોવાથી ઉપરનીચેના રસ્તાઓ પર અવરજવર કરવા માટે, બસો કે મોટરો માટે લિફ્ટ-એલિવેટરની સુવિધા છે, નદીઓના સ્તરથી 120 મીટરની ઊંચાઈ સુધી જઈ શકાય છે.

પેન્સિલવેનિયા રાજ્યનું ઔદ્યોગિક નગર પિટ્સબર્ગ

અહીં પોલાદનો ઉપયોગ કરીને તૈયાર કરેલી ગગનચુંબી ઇમારતો શહેરના સત્તાવાર સંકુલ ‘9-હેક્ટર ગેટવે સેન્ટર’માં જોવા મળે છે. ગોલ્ડન ટ્રાયઍંગલના પશ્ચિમ છેડેના સામેના ભાગમાં 14.6 હેક્ટર વિસ્તારવાળું ‘પૉઇન્ટ સ્ટેટ પાર્ક’ આવેલું છે. 64 માળવાળી ‘યુ.એસ. સ્ટીલ ઇમારત’ પેન્સિલવેનિયા રાજ્યની મોટામાં મોટી ઇમારત છે. અહીંના વ્યાપારી વિસ્તારની પૂર્વમાં નાગરિક સભાગૃહ પ્રકારનું ‘સિવિક એરીના’ આવેલું છે, જેની છત ગોળાકાર ઘૂમટવાળી છે. આ ગોળાકાર ઘૂમટને જરૂરિયાત મુજબ કાઢી નાખી શકાય છે, જેથી ખુલ્લા આકાશ તળે કાર્યક્રમો યોજી શકાય.

પિટ્સબર્ગ યુનિવર્સિટી નજીક 42 માળની ‘કથીડ્રલ ઑવ્ લર્નિંગ’ ઇમારત આવેલી છે. આ ઉપરાંત રોમન તેમજ 19મી સદીની સ્થાપત્યશૈલીનાં મકાનો પણ અહીં નજરે પડે છે. આ શહેર જાણીતા સંગીતકારો, નૃત્યકારો, કલાકારો, ચિત્રકારો, અભિનયકારો તેમજ જીવશાસ્રીઓની જન્મભૂમિ અને કર્મભૂમિ પણ રહ્યું છે. કલા-સંગ્રહાલય, સંગ્રહસ્થાનો, પુસ્તકાલયો, પ્લૅનેટેરિયમ, વેધશાળા તેમજ ઑરકેસ્ટ્રા પણ અહીં છે.

શિક્ષણક્ષેત્રે અહીં પિટ્સબર્ગ યુનિવર્સિટી, કાર્નેગી-મેલોન યુનિવર્સિટી તેમજ અન્ય એક એમ ત્રણેક યુનિવર્સિટીઓ તેમજ તેની સંલગ્ન કૉલેજો છે. આ પૈકી 1900માં સ્થપાયેલી ચેધામ કૉલેજ, 1933માં સ્થપાયેલ પૉઇન્ટ પાર્ક કૉલેજ અને 1966માં સ્થપાયેલ ઍલિગેની કાઉન્ટી કોમ્યુનિટી કૉલેજ જાણીતી છે.

ઇતિહાસ : ઍલિગેની, મોનૉંગહીલા અને ઓહાયો નદીકાંઠાના વિસ્તારમાં, શ્વેત વસાહતીઓ આવ્યા તે અગાઉ, ઇરોક્વૉઇ ઇન્ડિયનો વસતા હતા. અઢારમી સદીના મધ્યકાળ દરમિયાન ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટને આ વિસ્તાર પર તેમનો કબજો જમાવેલો. 1754થી 1763 દરમિયાન ફ્રેન્ચો અને અહીંના ઇન્ડિયનો વચ્ચે લડાઈ થયેલી. 1758માં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે પણ અહીં લડાઈ થયેલી, તેમાં અંગ્રેજોએ અહીં કબજો જમાવેલો. ઍલિગેની અને મોનાગહીલા નદીઓના સંગમસ્થાન નજીક તેમણે ‘ફૉર્ટ પિટ’ નામનો કિલ્લો બાંધ્યો, આજુબાજુ વસાહત સ્થાપી અને તેને `પિટ્સબર્ગ’ નામ આપ્યું. 1775થી 1783 દરમિયાન પશ્ચિમ તરફ જનારા વસાહતીઓ માટેનું આ કેન્દ્ર બની રહેલું, એ કારણે તે વખતે આ સ્થળ ‘પશ્ચિમનું પ્રવેશદ્વાર’ તરીકે ઓળખાતું હતું. લોકોની અવરજવરને કારણે તે વેપારનું તેમજ હોડીઓ બનાવવાનું મથક બની રહેલું. ક્રમે ક્રમે લોકોની જરૂરિયાતો પૂરી કરવા તે ચીજવસ્તુઓના ઉત્પાદન-મથક તરીકે વિકસતું ગયું. ત્યારપછી તો અહીંના પ્રદેશમાંથી કોલસો મળી આવવાની સાથે ઉદ્યોગો પર ઉદ્યોગો વિકસતા ગયા અને તેના પરિણામ-સ્વરૂપે તે પેન્સિલવેનિયા તથા યુ.એસ.નું પ્રમુખ ઔદ્યોગિક મથક બની રહ્યું છે.

ગિરીશભાઈ પંડ્યા

મહેશ ત્રિવેદી