પિટમૅન, સર આઇઝેક (જ. 4 જાન્યુઆરી 1813, ટ્રોબિજ, વિલ્ટ–શાયર; અ. 12 જાન્યુઆરી 1897, સમરસેટ) : લઘુલિપિના આંગ્લ શોધક. કારકિર્દીનો પ્રારંભ કર્યો ક્લાર્ક તરીકે. ત્યારબાદ શાળાના શિક્ષક બન્યા. એ દરમિયાન તેમણે ‘સ્ટેનોગ્રાફિક સાઉન્ડ હૅન્ડ’ (1837) બહાર પાડ્યું. તેઓ સ્વીડનબૉર્ગ પંથના ‘ન્યૂ જેરૂસલેમ ચર્ચ’માં જોડાયા હતા. તેથી તેમને શિક્ષક તરીકેની નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા. આથી તેમણે લઘુલિપિ શીખવવા બાથ ખાતે ફોનેટિક સંસ્થા સ્થાપીને 1839થી ’43 સુધી આ પ્રવૃત્તિ ચલાવી. 1842માં તેમણે ‘ફોનેટિક જર્નલ’ શરૂ કર્યું અને 1845માં લઘુલિપિની તાલીમ માટે સંસ્થાનો પ્રારંભ કર્યો. તેમણે લઘુલિપિ વિશે સંખ્યાબંધ પ્રમાણભૂત પુસ્તકો લખ્યાં છે. એમના પુસ્તક ‘ફોનૉગ્રાફી’(1840)ની અનેક આવૃત્તિઓ પ્રકાશિત થઈ હતી. તેમણે જોડણી-સુધારણાની ઝુંબેશ પણ ખૂબ ઉત્સાહપૂર્વક ચલાવી હતી. તેના વ્યાપક પ્રચાર માટે નવેસર ઉચ્ચારશાસ્ત્ર પણ પ્રયોજ્યું હતું. 1849માં તેમને ‘નાઇટ’નો ખિતાબ અપાયો હતો.
મહેશ ચોકસી