પિઝારો, ફ્રાન્સિસ્કો (જ. 1475, ટ્રુજિલો, સ્પેન; અ. 26 જૂન 1541, લીમા, પેરુ) : પેરુના ઇન્કા સામ્રાજ્યનો સ્પૅનિશ વિજેતા.
ફ્રાન્સિસ્કો પિઝારો કૅપ્ટન ગોન્ઝાલો પિઝારોનો ગેરકાયદેસર પુત્ર હતો. એની માતાનું નામ ફ્રાન્સિસ્કા ગોન્ઝેલેઝ હતું. એણે નાની વયે જાગીરદારો વચ્ચેની સ્થાનિક લડાઈઓમાં ભાગ લીધો અને ઇટાલીમાં પણ લડવા ગયો હતો. 1502માં એ હિસ્પાનિયોલા(અર્વાચીન હૈતી અને ડોમિનિકન (પ્રજાસત્તાક)માં ગયો. તેને શાંત જીવનને બદલે સાહસિક કારકિર્દી વધારે પસંદ હતી. 1510માં તે કોલંબિયા જનાર સંશોધન-ટુકડીમાં સામેલ થયો. ત્યાં એણે શાંત, નિરુપદ્રવી, વિશ્વાસુ અને પરિશ્રમ કરનાર તરીકે પ્રતિષ્ઠા મેળવી. 1513માં પ્રશાંત (પૅસિફિક) મહાસાગર શોધનાર દરિયાઈ ટુકડીમાં એ કૅપ્ટન તરીકે સામેલ થયો. 1519થી 1523 સુધી એ નવા સ્થપાયેલા પનામા શહેરનો મેયર અને મૅજિસ્ટ્રેટ હતો.
તેણે સૈનિક ડીએગો ડી અલમેગ્રો અને પાદરી હરનાન્ડો ડી લ્યુક સાથે મળીને દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારે 1524થી 1527 દરમિયાન ઘણી મુશ્કેલીઓ વેઠી નવો દેશ શોધ્યો. એ દેશને એમણે ‘પેરુ’ નામ આપ્યું. ત્યાંના લોકો ‘ઇન્કા’ તરીકે ઓળખાતા અને વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતા હતા. એ દેશ જીતવા એણે પનામાના સ્પૅનિશ ગવર્નર પાસે વધારે લશ્કરી મદદની માગણી કરી; પરંતુ એણે એવી મદદ આપવાનો ઇનકાર કર્યો; તેથી પિઝારો પોતે સ્પેન ગયો. ત્યાંના રાજા ચાર્લ્સ પાંચમાને આખી યોજના સમજાવી એની મદદ અને ટેકો પ્રાપ્ત કર્યાં. રાજાએ તેને વાઇસરૉય બનાવીને પોતાના વતી કામ કરવાની બધી સત્તા આપી. તે સ્પેનથી પનામા ગયો અને જાન્યુઆરી, 1530માં લશ્કર લઇને પેરુ પર આક્રમણ કરવા નીકળ્યો. એના વહાણમાં 180 માણસો અને 37 અશ્વો હતા. એ પછી બીજા માણસો બે વહાણો લઈને એની મદદમાં ગયા હતા.
તેણે પેરુના કજામાર્કા બંદરે જઈને ઇન્કાઓના સમ્રાટ અતાહુઅલ્પા(Atahuallpa)ને રૂબરૂ મુલાકાત માટે નિમંત્રણ આપ્યું. સમ્રાટ ત્રણ-ચાર હજાર માણસોને લઈને મુલાકાત માટે આવ્યો. એ માણસો પાસે હથિયાર તરીકે માત્ર નાની લાકડીઓ અને ગોફણો હતી. મુલાકાત દરમિયાન સમ્રાટને ‘બાઇબલ’ બતાવીને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાનું કહેવામાં આવ્યું; પરંતુ તેણે ઇનકાર કરતાં તેને કેદ કરવામાં આવ્યો અને 1533ની 29મી ઑગસ્ટે ગૂંગળાવીને મારી નાખવામાં આવ્યો. તેથી પેરુના લોકોએ શરણાગતિ સ્વીકારી. તે પેરુના પાટનગર કુઝકો તરફ આગળ વધ્યો અને 1533ના નવેમ્બરમાં એ જીતી લીધું. એણે 1535માં લીમા નામના નગરની સ્થાપના કરીને ત્યાં જ રહેવાનું શરૂ કર્યું. સ્પેનના રાજાએ તેને વધારે સત્તાઓ આપી હોવાથી તેનો સાથી અલમેગ્રો તેનો વિરોધી બન્યો. એટલે તેના ભાઈ હરનાન્ડોએ એને કેદ કરાવીને મારી નાખ્યો. તેથી અલમેગ્રોના ટેકેદારોએ એના પુત્રની આગેવાની નીચે સંગઠિત થઈને લીમા શહેરમાં તેના મહેલ પર હુમલો કર્યો. તે જ દિવસે એનું મૃત્યુ થયું; પરંતુ મરતા પહેલાં એણે પોતાના લોહીથી જમીન ઉપર ખ્રિસ્તી ધર્મનું પ્રતીક ‘ક્રૉસ’ બનાવી એને ચુંબન કર્યું અને ‘જિસસ’ બોલીને પડી જતાં, 66 વર્ષની વયે પ્રાણત્યાગ કર્યો. પેરુ દેશની ઇન્કા જાતિનું નિકંદન કાઢનાર તથા ઇન્કા સંસ્કૃતિનો ક્રૂરતાથી સર્વનાશ કરનાર તરીકે પિઝારો નામચીન છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી