પિચ : ક્રિકેટમેદાનના મધ્યભાગમાં આવેલો નાનકડો સપાટ પટ્ટો. દડો ઘણુંખરું ત્યાં ભૂમિસ્પર્શ કરીને દાંડિયા તરફ આગળ વધે છે. એ પટ્ટો કે પિચ ક્રિકેટની રમતમાં અનેરું મહત્વ ધરાવે છે.

પિચ ત્રણ પ્રકારની જોવા મળે છે. (1) કુદરતી : જેના પર હરિયાળી ઊગી હોય છે. તેને ‘ટર્ફ’ વિકેટ કહેવામાં આવે છે. (2) કૃત્રિમ પિચ : આ પિચ ઈંટ અને માટીની બનાવેલી હોય છે, પિચની રચનાના આધારે ફાસ્ટ કે સ્પિન બૉલરો કે બૅટ્સમૅનોને યારી મળે છે. (3) મૅટિંગ : મૅટિંગ એટલે જાડી છતાં મુલાયમ કાથીની દોરીથી ગૂંથેલી લાંબી સાદડી. લીલા રંગની આ સાદડી પિચ પર બિછાવવામાં આવે છે અને તેની પર રમત રમાય છે.

પિચના બંને છેડે સામસામે સમાંતરે વચ્ચોવચ્ચ ત્રણ ત્રણ સ્ટમ્પ ઊભા ખોસેલા હોય છે, જેને વિકેટ કહેવામાં આવે છે. આ બંને વિકેટની વચ્ચે 22 વાર એટલે કે 20 મી.નું અંતર હોય છે. પિચની પહોળાઈ 10 ફૂટ=3.05 મી.ની હોય છે. પ્રથમ તથા ત્રીજા સ્ટમ્પ વચ્ચેનું અંતર 22.50 સેમી. હોય છે.

પિચના બંને છેડે રોપવામાં આવેલા ત્રણ સ્ટમ્પની બંને બાજુ 8 ફૂટ 9 ઇંચ એટલે કે 2.64 મી. લાંબી રેખા દોરવામાં આવે છે, જેને ‘બૉલિંગ ક્રીસ’ કહેવામાં આવે છે. આ બૉલિંગ ક્રીસની સામે અને તેને સમાંતરે 4 ફૂટ એટલે કે 1.22 મી. દૂર એક રેખા દોરવામાં આવે છે, જેને ‘પૉપિંગ ક્રીસ’ કહેવામાં આવે છે.

પિચ તૈયાર થયા બાદ તેના પર પાણી છાંટવામાં આવે છે, રોલર ફેરવવામાં આવે છે. પિચ દેખાવમાં સપાટ લાગે છે, પરંતુ વચ્ચેથી થોડી ઊપસેલી હોય છે. પિચ પર દડો પડ્યા બાદ તે કેટલી ઝડપથી ઊછળે છે તે બાબત ખૂબ મહત્વની છે. મૅચ દરમિયાન દિવસો જતાં પિચ તૂટવા લાગે છે અને તે કાં તો ફાસ્ટ કે સ્પિન બૉલરોને યારી આપનારી બની જાય છે. પિચને વરસાદ કે કુદરતી આફતોથી બચાવવા તેના પર પૂરા કદનું આવરણ બિછાવવામાં આવે છે.

જગદીશ બિનીવાલે