પિચબ્લેન્ડ (pitchblende) : યુરેનિયમનું ખનિજ, યુરેનિનાઇટનો પ્રકાર. રાસા. બં. : UO2. સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટે-ભાગે ક્યૂબ કે ક્યૂબોઑક્ટાહેડ્રા સ્વરૂપોમાં; નાના સ્ફટિકો વૃક્ષાકાર જૂથ સ્વરૂપે; ક્યારેક દળદાર, ઘનિષ્ઠ કે દાણાદાર તો ક્યારેક દ્રાક્ષ-ઝૂમખાવત્ પોપડી રૂપે; વિકેન્દ્રિત-રેસાદારથી સ્તંભાકાર સંરચનાઓમાં પણ મળે. યુગ્મતા (111) ફલક પર હોય, પણ વિરલ. મોટેભાગે અપારદર્શક. સંભેદ: ઑક્ટાહેડ્રલ, ચમકવાળી સપાટીઓ પર જોઈ શકાય. ભં.સ.: વલયાકારથી ખરબચડી, બરડ. ચ. : આછો ધાતુમય, ડામર જેવો કે ગ્રીઝ જેવો. રં. : કાળો, કથ્થાઈ કાળો કે રાખોડી કાળો. ચૂ. રં. : કાળો, કથ્થાઈ કાળો કે ઑલિવ-લીલો. ક. : 5થી 6. વિ.ઘ. : 7.5થી 10 મોટાભાગના કુદરતી સ્ફટિકો માટે; 6.5થી 9 પિચબ્લેન્ડમાં; 10.95 UO2ની કૃત્રિમ બનાવટોમાં. પ્રા. સ્થિ. : ઉષ્ણતાજન્ય શિરાનિક્ષેપોમાં, સ્તરબદ્ધ જળકૃત ખડકોમાં, પેગ્મેટાઇટમાં, તેમજ અન્યત્ર. પ્રા. સ્થાનો : યુ.એસ., કૅનેડા, ઝાયર, ઑસ્ટ્રેલિયા, જર્મની, બોહેમિયા, ચેક રિપબ્લિકન અને સ્લોવેકિયા, ભારત. ભારત : બિહારમાં ગયાની સિંગાર-અબરખ ખાણમાં પેગ્મેટાઇટ શિરાઓમાં તે બેઝિક સંકેન્દ્રણ-વિભાગો અને ગઠ્ઠામય જૂથ સ્વરૂપે તેમજ આંધ્રપ્રદેશમાં નેલોરના પેગ્મેટાઇટમાંથી મળે છે.
પિચબ્લેન્ડ ખનિજમાં ઓછા પ્રમાણમાં રેડિયમ જોવા મળે છે. રેડિયમની પિચબ્લેન્ડમાં ઉપસ્થિતિ યુરેનિયમના કિરણોત્સર્ગી (radio active) ગુણધર્મના ક્ષીણ થવાની પ્રક્રિયાને આભારી છે. પિચબ્લેન્ડમાં ઓછા પ્રમાણમાં સીસા (lead)નું તત્ત્વ પણ જોવા મળે છે.
યુરેનિયમની કાચા સ્વરૂપની ધાતુમિશ્રિત માટી (ore) પિચબ્લેન્ડ છે. આથી પિચબ્લેન્ડને પ્રાપ્તિસ્થાનની ખાણ પાસે યુરેનિયમ ઉત્પાદનના પ્રથમ ચરણ તરીકેની પ્રક્રિયા કરવામાં આવે છે.
ગિરીશભાઈ પંડ્યા