પિગુ, આર્થર સેસિલ (જ. 18 નવેમ્બર 1877, રાઇડ આઇલ ઑવ્ વાઇટ; અ. 7 માર્ચ 1959, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : અર્થશાસ્ત્રમાં કેમ્બ્રિજ-વિચારસરણીના નામે પ્રચલિત થયેલી વિચારસરણીના અગ્રણી પુરસ્કર્તા તથા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની શાખાના પ્રવર્તક વિખ્યાત બ્રિટિશ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી. ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીની ઉચ્ચ શિક્ષણની જાણીતી કિંગ્ઝ કૉલેજમાં પ્રોફેસર ઑવ્ પોલિટિકલ ઇકૉનૉમીનું જે પદ પિગુના ગુરુ અને વિખ્યાત અર્થશાસ્ત્રી આલ્ફ્રેડ માર્શલ ધરાવતા હતા (1885-1908) તે જ પદ પરથી તેઓ નિવૃત્ત થતાં પિગુની નિમણૂક કરવામાં આવી. આ પદ પર પિગુએ ત્રણ દાયકા કરતાં પણ વધારે સમય (1908-44) કામ કર્યું; સાથોસાથ 1918-19 અને 1924-25 દરમિયાન ઇંગ્લૅન્ડની સરકારની ચલણ અંગેની સમિતિઓ(committees of currency)ના સભ્ય તરીકે તથા 1919-20માં આવકવેરા અંગે નિમાયેલા શાહી કમિશન પર તેમણે કામ કર્યું.
અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં વિપુલ પ્રદાન કરનાર આ અર્થશાસ્ત્રી કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાંના તેમના પ્રદાન માટે વધુ ખ્યાતિ ધરાવે છે. 1912માં ‘વેલ્થ ઍન્ડ વેલ્ફેર’ નામનો તેમનો ગ્રંથ પ્રકાશિત થયો. તે જ ગ્રંથ પાછળથી 1920માં ‘ઇકૉનૉમિક્સ ઑવ્ વેલ્ફેર’ નામથી પ્રકાશિત થયો. તે દ્વારા તેમણે સામાજિક કલ્યાણ અંગેની તેમની વિભાવનાનું વિશ્લેષણ રજૂ કર્યું. પ્રોફેસર માર્શલે ‘વસ્તુનિષ્ઠ મૂલ્ય’(objective value)ની વિભાવના પર ભાર મૂક્યો હતો, જ્યારે પિગુએ ‘સામાજિક કલ્યાણ’ (social welfare) પર વધુ ભાર મૂક્યો હતો. જોકે પિગુનું આ અંગેનું વિશ્લેષણ માર્શલના વિશ્લેષણ કરતાં વધુ અમૂર્ત (abstract) અને ગાણિતિક હતું. કલ્યાણ એ મનોવ્યાપારને લગતી વિભાવના હોવા છતાં નાણાંના રૂપમાં વ્યક્ત થતી પસંદગીઓ દ્વારા તે માપી શકાય છે એવો પિગુનો દાવો છે. તેમના મંતવ્ય મુજબ સામાજિક કલ્યાણ એ વ્યક્તિગત કલ્યાણનો સરવાળો હોય છે અને તે વ્યક્તિગત સંતોષ અને અસંતોષના સંતુલન પર નિર્ભર હોય છે. તેમની દૃઢ માન્યતા હતી કે સામાજિક આર્થિક કલ્યાણ એ માત્ર રાષ્ટ્રીય આવકના કદ પર આધાર રાખતું નથી, પરંતુ તે રાષ્ટ્રીય આવકની ન્યાયી વહેંચણી પર પણ આધાર રાખે છે.
તેથી તેમણે સામાજિક કલ્યાણ હાંસલ કરવાની દિશામાં જાહેર વિત્તવ્યવસ્થા હેઠળ સરકારની દખલગીરીની પણ તરફેણ કરી હતી. કરવેરા અને જાહેર ખર્ચ જેવાં સાધનો દ્વારા ધનિકો પાસેની ખરીદશક્તિની પુન: વહેંચણી ગરીબ લોકોની તરફેણમાં કરીને સામાજિક કલ્યાણનું સ્તર વધારી શકાય એવી તેમની માન્યતા હતી. મહત્તમ સામાજિક કલ્યાણ સાધવાની પ્રક્રિયામાં અવરોધક નીવડતાં ઇજારાશાહી જેવાં પરિબળોની પણ તેમણે છણાવટ કરી હતી. તેમણે વ્યાપાર-ચક્રનો સિદ્ધાંત પણ તારવ્યો હતો. તેમના મંતવ્ય મુજબ શોધખોળો, વેતન-દરો, કૃષિ-નીપજ તથા વ્યાપારી આલમનું માનસ અર્થતંત્રમાં અવારનવાર આવતી ઊથલપાથલ માટે જવાબદાર ગણાય. મુક્ત વેતનદરની નીતિ વડે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી હાંસલ કરી શકાય એવી તેમની મૂળભૂત માન્યતા હતી; પરંતુ પાછળથી તેમણે સ્વીકાર્યું કે મૂડીરોકાણનું કુશળતાપૂર્વક સંયોજન કરવાથી પણ બેકારીનું નિવારણ કરી શકાય છે. ભાવસપાટીમાં ઘટાડો થવાથી સંપત્તિના મૂલ્યમાં વધારો થતો હોય છે, જેને લીધે વપરાશની પ્રક્રિયાને પ્રોત્સાહન મળે છે અને તેને પરિણામે આવક અને રોજગારીમાં વધારો થાય છે એવું તેમનું તારણ હતું. તેમનું આ વિશ્લેષણ ‘પિગુ-અસર’ તરીકે જાણીતું બન્યું છે. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર ઉપરાંત જકાતનીતિ તથા જાહેર અર્થવિધાનના ક્ષેત્રે તેમણે કરેલું વિશ્લેષણ મૌલિક ગણાય છે. ખાનગી ચોખ્ખી પેદાશ (private net product) અને સામાજિક ચોખ્ખી પેદાશ (social net product) વચ્ચેના તફાવતને તેમણે જે રીતે રજૂ કર્યો તેને લીધે જાહેર ખર્ચ અંગેની નીતિ ઘડવામાં તે વિશ્લેષણ મદદરૂપ નીવડ્યું છે. અર્થશાસ્ત્રમાં ‘કેમ્બ્રિજ-સ્કૂલ’ના નામે ઓળખાતી વિચારસરણીને સૈદ્ધાંતિક ઓપ આપવામાં તથા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની વિશિષ્ટ શાખાનું નવસર્જન કરવામાં પ્રોફેસર પિગુનું પ્રદાન શકવર્તી ગણાય છે.
તેમણે લખેલા ગ્રંથોમાં ‘પ્રિન્સિપલ્સ ઍન્ડ મેથડ્ઝ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ પીસ’ (1905), ‘વેલ્થ ઍન્ડ વેલ્ફેર’ (1912), ‘અનએમ્પ્લૉયમેન્ટ’ (1914), ‘ઇકૉનૉમિક્સ ઑવ્ વેલ્ફેર’ (1920), ‘એસેઝ ઇન ઍપ્લાઇડ ઇકૉનૉમિક્સ’ (1923), ‘ઇન્ડસ્ટ્રિયલ ફ્લક્ટ્યૂએશન્સ’ (1927), ‘ધ થિયરી ઑવ્ અનએમ્પ્લૉયમેન્ટ’ (1933), ‘એમ્પ્લૉયમેન્ટ ઍન્ડ ઇક્વિલિબ્રિયમ’ (1941) તથા ‘વેલ ઑવ્ મની’ નોંધપાત્ર છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે