પિક્રિક ઍસિડ (પિક્રોનાઇટ્રિક ઍસિડ ટ્રાયનાઇટ્રોફીનૉલ નાઇટ્રોઝેન્થિક ઍસિડ કાર્બેઝૉટિક ઍસિડ ફીનૉલટ્રાયનાઇટ્રેટ C6H2(NO2)3 OH)
January, 1999
પિક્રિક ઍસિડ (પિક્રોનાઇટ્રિક ઍસિડ, ટ્રાયનાઇટ્રોફીનૉલ, નાઇટ્રોઝેન્થિક ઍસિડ, કાર્બેઝૉટિક ઍસિડ, ફીનૉલટ્રાયનાઇટ્રેટ C6H2(NO2)3 OH) : ઉગ્રપણે સ્ફોટક નાઇટ્રો-સંયોજન. ફીનૉલને સંકેન્દ્રિત સલ્ફયુરિક ઍસિડ સાથે ગરમ કરતાં ફીનોલ સલ્ફૉનિક ઍસિડ મળે છે. તેના નાઇટ્રેશન દ્વારા પિક્રિક ઍસિડ મળે છે. તે પીળાશ પડતો સ્ફટિકમય પદાર્થ છે. તે પાણી, આલ્કોહૉલ, બેન્ઝિન, ઈથર વગેરેમાં દ્રાવ્ય છે. સ્વાદમાં તે બહુ કડવો હોય છે. તેનું ઘટત્વ 1.767 અને ગ.બિં. 1220 સે. છે. વધુ ગરમ કરવાથી 3000 સે.એ ધડાકો થાય છે.
પિક્રિક ઍસિડ સ્ફોટક હોવાથી જોખમી છે, ખાસ કરીને ધાતુ તથા ધાતુક્ષારો સાથે વધુ ઝડપથી ધડાકો કરે છે. ચામડી દ્વારા શોષાતાં તેની ઝેરી અસર થાય છે.
પિક્રિક ઍસિડનો ઉપયોગ સ્ફોટક દ્રવ્યો, દીવાસળી, વિદ્યુત-બૅટરીઓ વગેરેમાં, પિક્રેટ સંયોજનો બનાવવામાં, તાંબાના નિરેખણ (etching) માટે, ટેક્સ્ટાઇલ રંગકામમાં રંગબંધક (mordant) તરીકે તથા પ્રક્રિયક તરીકે થાય છે.
જ. પો. ત્રિવેદી