પિકાસો, પાબ્લો (જ. 25 ઑક્ટોબર 1881, માલાગા, સ્પેન; અ. 8 એપ્રિલ 1973) : યુગલક્ષી સ્પૅનિશ ચિત્રકાર. માલાગાની સ્થાનિક કલાશાળામાં પિતા રૂઇઝ બ્લાસ્કો એક સામાન્ય કલાશિક્ષક હતા. બાળપણથી જ પિકાસોએ ચિત્રકારની પ્રતિભાનાં લક્ષણો દાખવ્યાં હતાં. તેમણે પ્રથમ બાર્સિલોના તથા પછી માડ્રિડ અકાદમીમાં કલાશિક્ષણ મેળવ્યું. પાબ્લોએ તરુણાવસ્થાથી જ પિતાની `બ્લાસ્કો’ અટકનો ત્યાગ કરીને મોસાળ પક્ષની `પિકાસો’ અટક ધારણ કરી હતી.
તેમની કલા-કારકિર્દીમાં અનેકવિધ તબક્કા જોવા મળે છે. પિકાસોની કલામાં સ્પેનની પ્રાદેશિક સંસ્કૃતિનું દર્શન વારંવાર થતું હોવા છતાં પિકાસોની કલા વીસમી સદીમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી શકી. વીસમી સદીની શરૂઆતથી જ પિકાસોએ હિંમત માંગી લે તેવા પ્રયોગો કરી રૂઢિચુસ્તોને આંચકા આપી નવો વાદ – ઘનવાદ (cubism) સાથી ચિત્રકાર બ્રાકના સહયોગથી શરૂ કર્યો. એમાં પણ ઝાઝો સમય ચીટકી ન રહેતાં પોતે પરાવાસ્તવવાદ (surrealism) સાથે સંકળાયા. વિપુલ પ્રમાણમાં ચિત્રસર્જન કરવા ઉપરાંત શિલ્પ, સિરૅમિક, નાટકના પડદા અને નાટ્યલેખન પણ અજમાવ્યાં. યુવાનીના પ્રારંભે જ પૅરિસને ઘર બનાવ્યું અને આખી જિંદગી એક ફ્રેંચ મૅન તરીકે જીવ્યા.
પિકાસોનાં શરૂઆતનાં (1896થી 1902) પ્રભાવવાદી ચિત્રોમાં ઝબકારા મારતા તેજસ્વી રંગો, ધૂંધળું ધુમ્મસ તથા વાતાવરણમાં ઓગળી જતાં સ્વરૂપો ચીતરાયાં છે. તેમના રંગોમાં જીવનની ઉષ્મા ધબકતી જોવા મળે છે. આ પ્રભાવવાદી (impressionistic) સમય 1902 સુધી ચાલ્યો. બ્લૂ સમય (1903-1904) દરમિયાન પિકાસોના માનસમાં અને તેથી ચિત્રોમાં ઉલ્લાસનું સ્થાન ગ્લાનિ, શોક અને કરુણાએ લીધું. આ સમયનાં તેમનાં ચિત્રોમાં બીમાર બાળક, ગરીબ લાચાર મા, અસહાય પ્રેમી યુગલ, ભૂખ્યો ગિટારવાદક, કાગડાને હૂંફ આપતી સ્ત્રી જેવાં પાત્રો જોવા મળે છે. એ ચિત્રોમાં ઝાંખો ભૂરો અને ગ્રે – એ બે મુખ્ય રંગ વડે જ અસહાય પરિસ્થિતિ અને મૂંગી વેદનાને તેમણે પ્રભાવક રીતે વાચા આપી છે. ભાવવાહી ચહેરા આ સમયનાં ચિત્રોનું આગવું લક્ષણ છે. પિંક સમય(1905-1906)નાં ચિત્રોમાં ફરી એક વાર જીવનનો ઉલ્લાસ જોવા મળે છે. ગુલાબી અને અન્ય ઊઘડતા રંગો હવે મુખ્ય બની રહે છે. માનવજીવનની મિજાજ-મસ્તી અને સક્રિયતા આ ચિત્રોમાં દેખાય છે.
ગર્ટ્રૂડ સ્ટાઇનના વ્યક્તિચિત્ર (પૉર્ટ્રેટ) દ્વારા 1907માં ભૂમિતિ પર આધારિત ઘનવાદી(cubist) ચિત્રોની પિકાસોએ શરૂઆત કરી. ચહેરા પર ઉપસાવેલાં અણિયાળાં ખાંચાખૂંચી અને પશ્ચાદભૂમાં કરેલી વાતાવરણની બાદબાકીને અહીં ઘનવાદની લાક્ષણિકતા ગણાવી શકાય.
તેમનાં અગાઉનાં ચિત્રો પરથી એવો અણસાર આવવો મુશ્કેલ છે કે પિકાસો ભૂમિતિ પર આધારિત કલાશૈલીનું નિર્માણ કરશે. પણ મધ્ય અને પશ્ચિમ આફ્રિકાની નિગ્રો લોકકલાઓનો યુરોપમાં જે પ્રવાહ વહેતો થયો હતો તેમાંથી પિકાસો તથા બ્રાકને ભૂમિતિ-આધારિત કળાનું નિર્માણ કરવાનો માર્ગ મળ્યો. ઘનવાદનો પહેલો તબક્કો વિશ્લેષણાત્મક એટલા માટે કહેવાય છે કે તેમાં કુદરત કે માનવઆકૃતિનું વિશ્લેષણ કરાયું હોય તેવું લાગે છે. ‘મેઇડ્ઝ ઑવ્ ઍવિન્યૉન’ને વીસમી સદીની પ્રથમ મહાકૃતિ કહી શકાય. અહીં પ્રભાવવાદ સામે જોરદાર પ્રહાર છે. પ્રહાર એ અર્થમાં કે રંગો હવે પોતાની વાતાવરણ સર્જવાની શક્તિ ગુમાવીને સંપૂર્ણ ભાવશૂન્ય બને છે. વિશ્લેષણાત્મક ઘનવાદ દરમિયાનનાં સંખ્યાબંધ સ્ટિલલાઇફ-ચિત્રો અને સંગીતવાદનનાં ચિત્રોમાં રંગતત્વ સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય છે અને ચિત્રની ગૂંથણી ‘ઍબ્સ્ટ્રૅક્ટ’ની સમીપ જઈ પહોંચે છે. પિકાસોએ ઘનવાદી નગરચિત્રો (cityscapes) અને શિલ્પો પણ બનાવ્યાં છે.
સંશ્લેષણાત્મક ઘનવાદ(1908-1921)ના સમયગાળા દરમિયાન વિશ્લેષણ કરવાનું વલણ દૂર થાય છે અને ભૌમિતિક આકારો દ્વારા નવસર્જન પર ભાર મુકાય છે. એક જ ચહેરાનાં અનેક ખૂણેથી ઝડપાયેલાં શ્યો ઉપરાછાપરી ચીતરવામાં આવ્યાં હોય છે. (ભારતીય પરંપરામાં મધ્યયુગનાં જૈન લઘુચિત્રો અને ‘ચૌરપંચાશિકા’માં આવાં લક્ષણો મળે છે; જેમ કે, અધ્ધર લટકતી એક આંખ). આ સાથે જ વિશ્લેષણાત્મક ઘનવાદને સ્થાને રમતિયાળ વળાંકોવાળી રેખાઓ અને તેજસ્વી ઘેરા રંગો કૅન્વાસ પર આવ્યાં, પણ આ તેજસ્વી રંગો વાતાવરણને તાદૃશ નથી કરતા. આ જ સમય દરમિયાન ‘કૉલાજ’ની શરૂઆત થઈ. આ સમયનાં ચિત્રોના વિષયોમાં સ્ટિલલાઇફ, બેઠેલી, રડતી-કકળતી, ઊંઘમાં સ્વપ્નો સેવતી સ્ત્રીઓ અને મૅન્ડલિન, ગિટાર તથા એવાં અન્ય વાદ્યો વગાડતા વાદકોનો સમાવેશ થાય છે.
નવશિષ્ટ (Neo-classical) સમયગાળા દરમિયાન, 1920ની આસપાસથી પિકાસોની કેટલીક માનવ-આકૃતિઓ ઘનવાદનાં બંધનો ફગાવી ગ્રેકોરોમન શિલ્પની પેઠે અતિશય શારીરિક સૌષ્ઠવ ધારણ કરવા માંડે છે. હવે તેમનાં ચિત્રોમાં ભવ્ય, માંસલ, ક્યારેક તો અદોદળાં અને ભારેખમ સ્ત્રીપુરુષો જોવા મળે છે. દરિયાકિનારે રેતીમાં કેલિ કરતાં યુગલ, દોડતી સ્ત્રીઓ અને પિકાસોનો એક પ્રિય વિષય – ‘માતા અને બાળક’ અહીં વારંવાર નજરે પડે છે. એમાં વિશાળ કદનાં બાવડાં, પંજા, પેટ, છાતી, જાંઘ, પાની જોવા મળે છે.
1925ની આસપાસ તેઓ અન્ય પરાવાસ્તવવાદી ચિત્રકારોના સંસર્ગમાં આવ્યા અને તેમનો પ્રભાવ ઝીલ્યો. પોતાનાં ઘણાં ચિત્રોનું વલણ પરાવાસ્તવવાદી હોવા છતાં પિકાસોએ પોતે પરાવાસ્તવવાદી ચિત્રકાર હોવાનો હંમેશાં ઇનકાર કર્યો છે. માનવમનના ગર્તોમાંથી નીકળતી નકારાત્મક ભાવનાઓનું વરવું તાંડવ હવે પિકાસોનાં ચિત્રોમાં જોવા મળે છે. આ ચિત્રોમાં ચીતરેલા નારીદેહોમાં માનવમનમાં ધરબાયેલી વાસના અને કામવૃત્તિ આક્રમક સ્વરૂપે જોવા મળે છે, જે જોનારને વિચલિત કરે છે. આ ઉપરાંત યાતનાઓ, દર્દો અને ત્રાસને પિકાસોએ ચિત્રિત કર્યાં છે.
અભિવ્યક્તિવાદી સમયગાળા દરમિયાન 1934માં તેઓ સ્પેન પાછા ફર્યા પછી સ્પેનની સંસ્કૃતિ સમા બુલફાઇટ અને કૂકડાની લડાઈનાં હિંસક ચિત્રો ભડક રંગો સાથે પિકાસોના કૅન્વાસ પર ઊતરી આવ્યાં. આ સમયગાળા દરમિયાનમાં તેમનાં ચિત્રોમાં કરુણમિશ્રિત વીર રસ ડોકાય છે. પુરાણી ગ્રીકકથાનો નરઋષભ રાક્ષસ ‘મીનાતુર’ તેમનાં અનેક ચિત્રો, રેખાંકનો અને એચિંગમાં દેખાય છે. 1937માં સ્પેનના ગર્નિકા ગામ પર થયેલ બૉમ્બવર્ષા અને તેથી થયેલ તારાજી અને માનવહ્રાસ તેમણે વિશાળકદના ‘ગર્નિકા’ નામના ચિત્રમાં એકરંગી ચિત્રણથી આલેખ્યાં છે. આ જ સાથે ‘ડૂસકાં અને હીબકાં ભરતી સ્ત્રીઓ’નાં અનેક અર્થઘટનો પણ ચીતર્યાં. આ બધાં ચિત્રો દ્વારા તેમણે માનવમૂલ્યોના હ્રાસ સામેનો પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. આ શ્રેણીમાં ‘વૉર’ અને ‘પીસ’ પર પણ મહત્વનાં ચિત્રો છે.
જિંદગીનાં અંતિમ વર્ષોમાં વૅલાસ્કેથ, દલાક્રવા અને માનેનાં કેટલાંક ચિત્રોને પોતીકી શૈલીમાં તેમણે કંડાર્યાં. આ બધાં ચિત્રોમાં ભૂતકાળમાં વિવિધ સમયે અજમાવેલી બધી શૈલીઓનો યથોચિત ઉપયોગ કર્યો છે.
પિકાસોના શિલ્પમાં પરાવાસ્તવવાદી ઝોક જોવા મળે છે. અહીં તૈયાર વસ્તુઓમાંથી અવનવી આકૃતિઓ નિપજાવી ‘રેડીમેડ’ની શૈલી અપનાવી જણાય છે; દા.ત., સાઇકલની સીટ પર ગવર્નર મૂકી નિપજાવેલું આખલાનું મોં, કાંસાના દેહ પર બાળકને રમવાની ધાતુની મોટરગાડી મૂકી સર્જેલ ‘બબૂન વિથ હર ઑફસ્પ્રિંગ’.
અમિતાભ મડિયા