પિંજર (1950) : પંજાબી નવલકથા. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા લેખિકા અમૃતા પ્રીતમની આ નવલકથા હિન્દુ-મુસ્લિમ રમખાણ અને વૈમનસ્યની પશ્ચાદભૂમાં લખાઈ છે. એમની કૃતિમાં એમણે એક તરફ રક્તપિપાસા તો બીજી તરફ માનવતાનો પણ પરિચય આપ્યો છે. કથાનાયિકા પારોનો વિવાહ રામચંદ્ર જોડે થયો હતો અને લગ્નની તૈયારીઓ થઈ રહી હતી. પારો, રામચંદ્રનાં સ્વપ્નાં જોતી હતી ત્યાં જૂની અદાવતને કારણે મુસલમાન યુવક રશીદ એને ઉઠાવી ગયો ને એને ઘરમાં પૂરી દીધી. પંદર દિવસ પછી લાગ જોઈને પારો ત્યાંથી ભાગીને એને ઘેર ગઈ. ત્યાં એની માએ તો એને પ્રેમથી સ્વીકારી, પણ એના બાપે મુસલમાનને ત્યાં રહેલી એટલે એને પાછી કાઢી. એ આત્મહત્યા કરવા જતી હતી, ત્યાં રશીદે આવીને એને બચાવી લીધી. એનાં પછી રશીદ જોડે લગ્ન કરાવ્યાં, ધર્માંતર કરાવ્યું અને હમીદા નામ રાખ્યું. તેને એક છોકરો થયો, પણ પારોને જીવનમાં કશો રસ રહ્યો નહોતો.
પારો કોઈ સાસરિયાની ડોસી જોડે રામચંદ્રને ગામ ગઈ હતી. ત્યાં અચાનક રામચંદ્રનો ભેટો થયો. પારોને રશીદ ઉપાડી ગયો તે પછી પારોની નાની બહેનનાં રામચન્દ્ર જોડે લગ્ન ગોઠવી દીધાં હતાં ને રામચંદ્રની બહેનનાં પારોના ભાઈ જોડે. ભારતનું વિભાજન થતાં, રામચંદ્રનું કુટુંબ ભાગે છે. પારોની ભાભીને મુસલમાનો ઉપાડી ગયા હોય છે. તેને રશીદ મહામહેનતે પાછી લઈ આવે છે. એથી પારોને રશીદ પ્રત્યે કૂણી લાગણી જન્મે છે ને રામચન્દ્ર તથા પારોનાં પિયરિયાંને પણ રશીદ તરફ કોમળભાવ જન્મે છે. આમ આ કથામાં માણસ મૂળ તો સદભાવનાવાળો અને સ્નેહાળ હોય છે તે પ્રતીતિકર રીતે દર્શાવ્યું છે. કથાપ્રવાહ એકધારો સરળતાથી વહે છે. અમૃતા પ્રીતમની આ યશસ્વી કૃતિ છે.
ચન્દ્રકાન્ત મહેતા