પાહુડદોહા : મુનિ રામસિંહે અપભ્રંશ ભાષામાં રચેલી 220 દોહાઓની કૃતિ. તેમાં પાહુડ એટલે તીર્થંકરોની પ્રાકૃત ભાષામાં રચાયેલા દોહાઓ છે. આ ગ્રંથ દસમી કે અગિયારમી સદીમાં રચાયો છે. 1933માં ડૉ. હીરાલાલ જૈને કારંજા(મહારાષ્ટ્ર)માંથી અંબાદાસ ચવરે દિગંબર જૈન ગ્રંથમાળાના ત્રીજા ગ્રંથ તરીકે ‘પાહુડદોહા’ને પ્રકાશિત કર્યો છે.
સાદી ભાષામાં રહસ્યવાદને ગંભીરતાથી રજૂ કરતો આ ગ્રંથ યોગી, મુનિ કે સંત કવિ રામસિંહે પોતાની જાતને સંબોધન કરીને રચ્યો છે. કવિ ષડ્-દર્શનોને મનની ભ્રાન્તિ દૂર કરવામાં નકામાં માને છે. ષડ્-દર્શનોને તે એક જ દેવના છ ભેદો જેવા માને છે. આત્મા જ દર્શનમય કે જ્ઞાનમય છે, બાકી બધું જંજાળ છે એમ ‘પાહુડદોહા’માં કહ્યું છે. વળી એમ પણ કહ્યું છે કે શિવ અને શક્તિ પરસ્પરાવલંબી હોવાથી તે બંનેના જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય છે.
તેમાં રૂઢિઓ, કર્મકાંડ, તીર્થયાત્રા, મંત્રતંત્ર, હઠયોગનું ખંડન કરી આત્મશુદ્ધિને તેનાથી ચઢિયાતી બતાવી છે. મન અને પરમેશ્વર એકરસ થાય પછી પૂજા કરવાયોગ્ય વસ્તુ જ રહેતી નથી એમ કવિ માને છે. તેમાં આત્મા અને પરમાત્માને પતિ-પત્ની તરીકે વર્ણવાયા છે. આધ્યાત્મિક વસ્તુઓ માટે કવિ જાતજાતનાં પ્રતીકો આપે છે. આથી ગ્રંથની ભાષા સાંકેતિક બની છે. સુંદર રૂપકો આખા ગ્રંથમાં મળે છે. તત્વજ્ઞાનનાં રહસ્યોની અનુભૂતિ પણ આ ગ્રંથમાં અનુસ્યૂત છે.
દેવેન્દ્રકુમાર શાસ્ત્રી