પાષાણભેદ : દ્વિદળી (મૅ+લિયોપ્સોડા) વર્ગમાં આવેલા સેક્સીફ્રેગેસી (પાષાણભેદાદિ) કુળની એક વનસ્પતિ તેનું વૈજ્ઞાનિક નામ Bergenia Ligulata Engl. syn. B. ciliata (Haw.) sternb., saxifrage ciliata (Haw.) Royle, S. ligulata Wall, S thusanode Lindi, (સં. પાષાણભેદ, શૈલગર્ભજા, વટપત્રી, અશ્મભેદ, શૈલભેદ; હિ. પાખાનભેદ, પથ્થરચૂર, સિલફોડી, સિલભેદ; ગુ. પાષાણભેદ, પાખાનભેદ; બં. પથ્થરચુરી; મ. પાષાણભેદ; તા. સિરુપિલાઈ; તે. કૉંડાપિંડી, તેલાનુરુપિંડી, મલ; કલ્લુરવંશી, કલ્લુરવન્ની, આ. પથ્થરકુચી; કા. પાહાનભેદી, પાસાન-બેરુ; કાશ્મી. પાષાણભેદ; ઓ. પાસાનભેદી; પં. કાચાલુ, પાષાણભેદી; ઉર્દૂ, કાચાલુ, પાખાનભેદ) છે.
પાષાણભેદ અંગે સંદિગ્ઘતા પૂવર્તે છે. B. Ligulata ઉપરાંત, પાષાણભેદ તરીકે ઓળખવામાં આવતી વનસ્પતિઓ સારણી-1માં આપવામાં આવેલ છે :
સારણી-1 : પાષાણભેદ તરીકે ઓળખાવાતી વનસ્પતિઓ, કુળ, ઉપયોગી અંગ અને વનસ્પતિ-રસાયણો (phytochemicals)
ક્રમ | વાનસ્પતિક નામ | ગુજરાતી નામ | કુળ | ઉપયોગી અંગ | વનસ્પતિ-રસાયણો |
1 | Aerval Lanata (L.) Juss. | ગોરખ ગાંજો, કપૂરી મધુરી | ઍમરૅન્થેસી | મૂળ | α-એમાયરિન, β-સિટોસ્ટેરૉલ |
2 | Bergenia Ligulata (wall) Engl. | પાષાણભેદ | સૅક્સિફ્રેગેસી | મૂળ, ગાંઠામૂળી | કાઉમેરિન (બર્જેનીન), ગૅલિક ઍસિડ, ટૅનિક-ઍસિડ, ખનીજો અને મીણ |
3 | Bridelia crenulata willd. | મોંજ, માસાન | યુફોરબિયેસી | પ્રકાંડ, છાલ | ફ્રાઈડેલિન, એપિફ્રાઇડેલિનૉલ,
n-ઑક્ટાકૉસેનૉલ, -ઍમાયરિન, α-સિટૉસ્ટરૉલ-3, β-D-ગ્લુકોપાયરેનોસાઇડ અને લ્યુટીઓફેરૉલ |
4 | Bryophyllum calcinum Salish | પાનકૂટી, જખ્મેહયાત | ક્રેઝ્યૂલેસી | પર્ણો | સાઇટ્રિક અને મેલિક ઍસિડ, ફ્લેવોનૉઇડો |
5 | Coleus amboinicus Lour | પાષાણભેદ (બં) | લેમિયેસી | પર્ણો | બાષ્પશીલ તેલ (કાર્વેક્રૉલ) |
6 | Decalepis arayalpathra | પૅરિપ્લોકેસી | મૂળ | 2-હાઇડ્રૉક્સિ, 4-મિથૉક્સિ બૅન્ઝાલ્ડીહાઇડ | |
7 | Homonoia riporia Lour. | ક્ષુદ્ર પાષાણભેદ | યુફોરબિયેસી | ગાંઠામૂળી | આઇસૉફ્લેવોનૉઇડો |
8 | Iris pseudoachorus Linn. | આઇરિડેસી | Basil oil | ||
9 | Ocimum basilicum Linn. | ડમરો/પાષાણભેદ | લેમિયેસી | Basil oil | |
10 | Rotula aquatic Lour. | બોરેજીનેસી | સમગ્ર છોડ | ટૅનિનો | |
11 | Didymocarpus pedicillata R.Br. | પથ્થર ફોરી, શિલાપુષ્પ | ગૅસ્નેરિયેસી | સમગ્ર છોડ | આલ્કોનો, પૉલિટર્પીનો, ફ્લેવોનૉઇડ, ડાઇકાર્બોક્સિલિક ઍસિડ, બાષ્પશીલ તેલ |
વિતરણ : પાષાણભેદનું વિતરણ સમશીતોષ્ણ (temperate) હિમાલય (કાશ્મીરથી નેપાળ)માં 1500 મી. – 1800 મી.ની ઊંચાઈએ થાય છે. તે પાકિસ્તાન અને મધ્ય તથા પૂર્વ એશિયામાં સામાન્ય છે. તે મસૂરીમાં પણ મળી આવે છે. તે પથ્થર તોડનાર હોવાથી તેને ‘પાષાણભેદ’ કહે છે. તે પથ્થરો વચ્ચે આવેલ તિરાડોમાંથી બહાર નીકળે છે.
બાહ્યાકારવિદ્યા : તે બહુવર્ષાયુ (perennial) શાકીય 50 સેમી. સુધીની ઊંચાઈ ધરાવતી માંસલ (succulent) વનસ્પતિ છે. તે ટૂંકાં, જાડાં માંસલ અને ભૂસર્પી (procumbent) પ્રકાંડ અને અત્યંત મજબૂત પ્રકંદ (rootstock) ધરાવે છે. તેનાં મૂળ લાલ રંગનાં જાડાં અને 2.5-5.0 સેમી. લાંબાં હોય છે. તેમાંથી ઉપમૂળો નીકળી ચારે તરફ ફેલાયેલાં હોય છે. પર્ણો અંડાકાર કે ગોળાકાર, પુષ્પનિર્માણ સમયે 5-15 સેમી. લાંબાં, માંસલ, ઉપરની સપાટી લીલી અને નીચેની સપાટી રક્તાભ હોય છે. ઉપરની અને નીચેની સપાટી રૉમિલ, સમય જતાં લગભગ રોનવિહીન બને છે. પાનખરમાં પર્ણો ચમકીલા લાલ રંગનાં થાય છે અને ટૂંકા કડક રોમ ધરાવે છે તથા 30 સેમી. જેટલી લંબાઈ ધારણ કરે છે.
પુષ્પનિર્માણ માર્ચ-મે દરમિયાન થાય છે. પુષ્પો સફેદ, ગુલાબી કે જાંબલી રંગનાં, 3.2 સેમી. જેટલો વ્યાસ ધરાવતાં 10-25 સેમી. લાંબાં, પર્ણવિહીન પરિમિત લઘુ પુષ્પગુચ્છી (cymose panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે.
પાષાણભેદના પ્રકંદ સઘન, ઢોલક આકારના, કેટલેક અંશે નળાકાર, 1-3 સેમી. લાંબાં અને 1-2 સેમી. વ્યાસ ધરાવતાં હોય છે. તેમની બહારની સપાટી બદામી રંગની અને મૂળનાં ક્ષતચિહ્નોથી આવરિત હોય છે. તે સુવાસિત (aromatic) હોય છે અને કષાય (astringent) સ્વાદ ધરાવે છે.
વનસ્પતિ રસાયણ (phytochemistry) : તે મુખ્યફીનૉલીય સંયોજન બર્જેનિન (લગભગ 0.9 %) અને અન્ય ફીનૉલીય સંયોજનો ગૌણ માત્રામાં ધરાવે છે. ફીનૉલીય સંયોજનોમાં ઍફ્ઝેલેચિન, લ્યુકોસાયનિડીન, ગૅલિક ઍસિડ, ટૅનિક ઍસિડ, મિથાઈલ ગૅલેટ, (+) કૅટેચિન, (+) કૅટેચિન – 7 – O – β – D – ગ્લુકોપાયરેનોસાઇડ, 11-O-ગૅલોઈલ બર્જેનિન, એક લૅક્ટોન-પાષાનોલૅક્ટોનનો સમાવેશ થાય છે. તે સિટૉઇન્ડોસાઈડ I, -સિટોસ્ટૅરોલ અને β-સિયેસ્ટેરૉલ-D-ગ્લુકોસાઇડ, ગ્લુકોઝ (5.6 %), ટૅનિન (14.2 – 16.3 %), શ્લેષ્મ અને મીણ પણ ધરાવે છે.
ગાંઠામૂળીમાં કાઉમેરિનો (બર્જેનિન, 11-0-ગૅલૉઇલ બર્જેનિન, 11-0-P-હાઇડ્રૉક્સિબૅન્ઝૉઇલ બર્જેનિન, 11-0-બ્રોટોકૅટેચૉઇલ બર્જેનિન, 4-0-ગૅલૉઇલ બર્જેનિન), ફલેવો-નૉઈડો [(+) એફઝેલેચિન, એવિક્યુલેરિન, કેટેચિન, ઇરિયોડિકટીઑલ-7-0-β-D-ગ્લુકોપાયરેનોસાઇડ, રેપ્નાઉ/ટ્રિન)] : બૅન્ઝેનૉઇડો (ઍર્બુટિન, 6-0-P-હાઇડ્રોક્સિ બૅન્ઝૉઇલ ઍર્બુટિન, 6-0-પ્રોટોકેટેચ્યુઑઇલ ઍર્બુટિન, 4-હાઇડ્રૉક્સિબૅન્ઝૉઇક ઍસિડ), લૅક્ટોન (ઇડેહૅક્ઝેન-5-ઑલાઇડ, 3-(6′-O-P-હાઈડ્રૉક્સિ) હોય છે.
પરંપરાગત અને લોકઔષધીય (ethnomedicinal) ઉપયોગો : આયુર્વેદ અને યુનાની ચિકિત્સા-પદ્ધતિઓમાં પાષાણભેદ શીતન (cooling), મંદવિરેચક (laxative), વેદનાહર (analgesic), ગર્ભસ્રાવક (abortifacient) અને વાજીકર (aphrodisiac) ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ શુક્રાશય અશ્મરી (vesicular caliculi), મૂત્રસ્રાવ, ગર્ભાશયમાંથી થતો અતિરક્તસ્રાવ (haemorrhage), મૂત્રાશયના રોગો, મરડો, અત્યાર્તવ (menorrhagia), બરોળ ફૂલવી અને હૃદયના રોગોની ચિકિત્સામાં થાય છે. તે અવશોષક (absorbdent) ગણાય છે અને મરડામાં આપવામાં આવે છે. પાકિસ્તાન (સિંધ)માં તેનું મૂળ ઘસી મધ સાથે દાંત ફૂટતા હોય તેવાં બાળકોને આપવામાં આવે છે. ઇન્ડોચાઇનામાં તેનાં પર્ણો વાટી તેના રસનો કાનના દુ:ખાવામાં ઉપયોગ થાય છે.
સમગ્ર શુષ્ક છોડનો ઉષ્ણ જલીય નિષ્કર્ષનો મૂત્રપિંડ અ મૂત્રીય (urinary) અશ્મરી માટે મોં દ્વારા લેવામાં આવે છે. નેપાળમાં, ગોળકૃમિના નિકાલ માટે કૃમિનાશક તરીકે અને શરદીની ચિકિત્સા માટે પુખ્ત વ્યક્તિઓને ગાંઠામૂળીની 10 ગ્રા. જેટલી પેસ્ટ અથવા રસ ગોળની રસી સાથે દિવસમાં બે વાર 3-4 દિવસ માટે આપવામાં આવે છે. ભારતમાં પાષાણભેદનાં શુષ્ક મૂળોનો છેદ, ગૂમડાં, વ્રણ અને દાઝ્યા ઉપર ઉપયોગ કરવામાં આવે છે. તેનો આસવ (infusion) મરડાની ચિકિત્સામાં મોં દ્વારા લેવામાં આવે છે. તેનાં પ્રકંદનો પુખ્ત વ્યક્તિઓ દ્વારા ચર્વણ (masticator) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પાષાણભેદનાં તાજાં મૂળનો ક્વાથ ઉત્સર્જનતંત્રના વિકારો, જઠરના વિકારો અને મૂત્રજનનતંત્રની તકલીફો માટે પુખ્ત વ્યક્તિઓને મોં દ્વારા આપવામાં આવે છે. તેનો ઉષ્ણજલીય નિષ્કર્ષ ગૂમડાં ઉપર લગાવવામાં આવે છે અને તેનો નેત્રભિષ્યંદ (Opthalmia)ની ચિકિત્સા માટે સ્થાનિકપણે ઉપયોગ કરવામાં આવે છે.
ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો :
પાષાણભેદના ઔષધગુણવિજ્ઞાનીય ગુણધર્મો આ પ્રમાણે છે :
(1) પ્રતિમૂત્રાશ્મરીય (antiurolithic), (2) પ્રતિવિષાણુક (antiviral), (3) મુક્તમૂલક અપમાર્જન (free radical scavenging), (4) મધુપ્રમેહ રોધી (antidiabetic), (5) યકૃતસંરક્ષી (hepatoprotective), (6) મૂત્રલ (diuretic), (7) જ્વરહર (antipyretic), (8) વેદનાહર (analgesic), (9) પ્રતિ-ઑક્સેલ્યુરિયા (antioxaluria), (10) અર્બુદરોધી (antitumor), (11) હૃદ્સંરક્ષી (cardioprotective), (12) શોથહર (anti-inflammatory), (13) પ્રતિજીવાણુક (antibacterial).
આયુર્વેદ અનુસાર તેના ગુણધર્મો આ પ્રમાણે છે :
ગુણ |
|
ગુણ-લઘુ, સ્નિગ્ધ, તીક્ષ્ણ | રસ – કષાય, તિક્ત |
દ્વિપાક – કટુ | વીર્ય – શીત |
પ્રભાવ – અશ્મરી ભેદન | દોષઘ્નતા – ત્રિદોષ |
કર્મ – તે ત્રિદોષશામક, શોથહર, વ્રણરોપણ, સ્તંભન, રક્તપિત્તશામક, હદ્ય, કફનિસ્સારક, અશ્મરીભેદન, મૂત્રવિરેચનીય, બસ્તિશુદ્ધિકર, જ્વરઘ્ન અને વિષઘ્ન છે.
પ્રયોગ : તે ત્રિદોષજ વિકારોમાં ઉપયોગી છે. તેનો વ્રણશોથ અને નેત્રાભિષ્યંદમાં લેપ કરવામાં આવે છે. શિશુઓમાં દંતોદભેદ સમયે તેને મધ સાથે લગાડવામાં આવે છે. તેનો અતિસાર, પ્રવાહિકા અને અર્શમાં ઉપયોગ કરવામાં આવે છે. દંતકૃમિમાં પાષાણભેદના ફળનો ધુમાડો દાંતને આપવામાં આવે છે. તે હૃદયરોગ, રક્તપિત્ત, કાસ, યૉનિવ્યાપદ્(શ્વેત અને રક્તપ્રદર તથા કષ્ટાર્તવ)માં ઉપયોગી છે.
તેના કવાથમાં શિલાજિત અને સાકર મેળવી દૂધ સાથે પીવાથી પિત્તજ અશ્મરી મટે છે.
શુક્રાશ્મરીમાં પાષાણભેદ સાથે વરણાની છાલ, ગોખરુ, એરંડમૂળ, નાની-મોટી કંટકારિ તથા તાલીમખાનાનાં મૂળ લઈ ક્વાથ બનાવી તેમાં દહીં મેળવી પિવડાવવામાં આવે છે. પાષાણભેદ, વાયવરણાની છાલ, ગોખરુ, બ્રાહ્મી – આ બધાંના ક્વાથમાં શિલાજિત, કાકડીનાં બીજ અને ગોળ મેળવી પીવાથી દુર્ભેદ્ય પથરી પણ અવશ્ય મટે છે. પાષાણભેદ, ગરમાળો, ધમાસો, હરડે અને ગોખરુના ક્વાથમાં મધ મેળવીને પીવાથી પીડા અને દાહયુક્ત મૂત્રકૃચ્છ શીઘ્ર મટે છે.
પ્રમેહ ઉપર પાષાણભેદના મૂળનું ચૂર્ણ મધ સાથે આપવામાં આવે છે. તે જ્વરમાં પણ ઉપયોગી છે. અહિફેન (અફીણ) વિષમાં તે આપવામાં આવે છે.
પ્રયોજ્ય અંગ – મૂળ
માત્રા : – ચૂર્ણ – 3 – 6 ગ્રા., ક્વાથ : 50 – 100 મિલી.
વિશિષ્ટ યોગ : પાષાણભેદાદિ ક્વાથ, પાષાણભેદાદ્ય ધૃત્ત
अश्मभेदो हिमस्तिक्तः कषायो बस्तिशोधनः ।
भेदनो हन्ति दोषार्शोगुल्मकृच्छ्राश्महद्रुजः ।
योनिरोगान् प्रमेर्हांश्च प्लीहशूल व्रणानि च ।।
ભાવ પ્રકાશ
બળદેવભાઈ પટેલ
આદિત્યભાઈ છ. પટેલ