પાળિયાદ : ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના બોટાદ તાલુકામાં ગોમા નદીના દક્ષિણ કાંઠે આવેલું ગામ. ભૌ. સ્થાન : 22o 10′ ઉ. અ. અને 71o 35′ પૂ. રે. તે બોટાદથી વાયવ્ય કોણમાં 16 કિમી.ને અંતરે અને રાણપુરથી નૈર્ઋત્ય કોણમાં 17 કિમી.ને અંતરે આવેલું છે. તે બોટાદ-જસદણ રેલમાર્ગ પરનું રેલમથક છે, પરંતુ ગામ ત્યાંથી 8 કિમી. દૂર છે.
પાળિયાદ બોટાદ તાલુકામાં બોટાદ પછી બીજા ક્રમે આવતું વ્યાપારી મથક છે. તાલુકામાં થતી કપાસ, મગફળી, બાજરો, જુવાર જેવી ખેતીની પેદાશો અહીંના બજારમાં વેચાણ અર્થે આવે છે અને તેથી આજુબાજુનાં ગામો માટેનું જરૂરી ચીજવસ્તુઓ માટે ખરીદ-વેચાણનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં જિન-પ્રેસમાં રૂની ગાંસડીઓ બંધાઈને બોટાદ તેમજ અમદાવાદ ખાતે મોકલવામાં આવે છે. મગફળી અને તલ પીલવાની એક મિલ છે. ચર્મ-ઉદ્યોગનો પણ અહીં વિકાસ થયો છે. નજીકમાં લિગ્નાઇટ કોલસાના થરો મળી આવ્યા છે. સુકભાદર નદી પર પાળિયાદ નજીક સિંચાઈ માટેનો નાનો બંધ છે.
પાળિયાદ મૂળ સરવા ગામનું પરું હતું. સરવૈયા રાજપૂતો પાસેથી ઠેબાણી શાખાના ખાચર કાઠીઓએ 1710માં પાળિયાદ જીતીને તેને આજુબાજુના પ્રદેશનું મુખ્ય મથક બનાવ્યું હતું. ત્યારબાદ સરવા ગામનું મહત્ત્વ ઘટી ગયું. 1809માં વડોદરાના આસિસ્ટંટ રેસિડન્ટ ગ્રીનવુડે અહીં થાણું નાખીને કાઠીઓને દબાવ્યા હતા. 1943માં ‘એટેચમેન્ટ સ્કીમ’ અનુસાર 20 જૂન, 1943થી પાળિયાદને તત્કાલીન ભાવનગર રાજ્ય સાથે જોડી દેવાયું હતું, હવે તે નવા રચાયેલા બોટાદ જિલ્લામાં છે.
1938માં, 26 જૂનથી 15 ઑગસ્ટ 1939 દરમિયાન અને 1963માં પાળિયાદે ભૂકંપના આંચકા અનુભવેલા, આ કારણે 1939માં અને 1963માં લોકોને ગામ ખાલી કરી જવાની ફરજ પડેલી. ભૂકંપથી થયેલી તારાજી બાદ ગામ ફરીથી નવેસર વસેલું છે.
પાળિયાદમાં દાના ભગતના ઉપદેશથી વિસામણ (વિશળ) ખાચર તેમના શિષ્ય બનેલા. વિસામણે ગુરુની પ્રેરણાથી ગોળ અને ચોખાનું અન્નક્ષેત્ર શરૂ કરેલું. વિસામણ ‘વિશળ પીર’ તરીકે ઓળખાતા હતા. તેમની અને સોનગઢના જીવા ભગતની સમાધિઓ અહીં આવેલી છે. તેનાં દર્શને હજારો લોકો, વિશેષે કરીને કાઠીઓ આવે છે. અહીં ભાદરવા સુદ બીજને દિવસે કમખિયા નામનો મેળો ભરાય છે. અહીં કૈલાસધામ અને બે બહેનોનું દેવળ પણ છે. 2011 મુજબ પાળિયાદની વસ્તી 11,977 હતી.
શિવપ્રસાદ રાજગોર