પાલ શિલ્પ શૈલી : બિહાર અને બંગાળમાં 8મીથી 13મી સદી દરમિયાન પાલ રાજાઓના આશ્રયે પાંગરેલી વિશિષ્ટ શિલ્પ શૈલી. આ શૈલીનાં શિલ્પોમાં કેન્દ્રસ્થાને માનવઆકૃતિ રહેલી હોવાથી તેના શરીર અને શૃંગારની અભિવ્યક્તિ સ્પષ્ટ તરી આવતી જણાય છે. કમલાકાર આંખો અને જાડા હોઠ એમની વિશેષતા છે. નાલંદા આ શૈલીનું સર્વોત્તમ કેન્દ્ર હતું. ઉપરાંત રાજગૃહ, બોધગયા, કુકિહર, દિનાજપુર, ભાગલપુર અને રાજશાહીમાંથી પણ સંખ્યા બંધ શિલ્પકૃતિઓ મળી છે. આમાંની કેટલીક કૉલકાતાના ઇન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત છે.
નાલંદામાંથી મળેલ 9મી સદીની બોધિસત્વ પદ્મપાણિની અને 10મી સદીની વજ્રસત્વની પ્રતિમાઓ મૂર્તિવિધાનની દૃષ્ટિએ સુંદર નમૂનાઓ છે. આ બંને ઉપરાંત કૉલકાતા મ્યુઝિયમમાં સુરક્ષિત શ્રીદેવી સહિત વિષ્ણુ, સરસ્વતી, તીર્થંકર પાર્શ્વનાથ વગેરેની પ્રતિમાઓ ગુપ્તકાલીન ભાવવ્યંજના અને આંગિક મૃદુતા વ્યક્ત કરે છે. અલબત્ત, આ મૂર્તિઓમાં ગુપ્તકાલીન મૂર્તિઓની અપેક્ષાએ અલંકરણ વધેલું નજરે પડે છે. સમય જતાં રૂપાંકન ઘટતું અને અલંકરણ મુખ્ય બનતું હોવાને લઈને શિલ્પો જાણે ધાતુ શિલ્પોની નકલરૂપ કરવામાં આવ્યા હોય એવાં બની ગયાં છે.
પાલકાલમાં બિહાર-બંગાળમાં વજ્રયાનનો ઉદય થતાં ગુપ્તકાલીન આધ્યાત્મિકતાનું સ્થાન તાંત્રિક વિચારો અને આચારોએ લીધું ને તેનો પ્રભાવ બૌદ્ધ કલા પર પડ્યો. અલબત્ત, તાંત્રિક મતે પાલકલાને જોમ અને જુસ્સો બંને બક્ષ્યાં. બુદ્ધ, અવલોકિતેશ્વર, મૈત્રેય, લોકેશ્વર, મંજુશ્રી, ખદિરવાણી તારા અને શ્યામ તારા વગેરે આ કાલની પ્રતિમાઓનાં સરસ દૃષ્ટાંત પૂરાં પાડે છે.
બિહાર અને બંગાળમાં ઉત્તરકાલીન પાલ રાજાઓ અને સેન રાજાઓની સત્તા પ્રવર્તતી હતી. આ પાલ-સેન કલાનું સ્વરૂપ ઉપરોક્ત પૂર્વવર્તી કાલ કરતાં વધારે રૂપક્ષમતાવાળું બનતું જાય છે. અગાઉના હૃષ્ટપુષ્ટ અંગવિન્યાસ અને આછા અલંકારોને સ્થાને સુડોળ લાલિત્યમય અંગવિન્યાસ અને વિપુલ અલંકાર સજાવટ પ્રયોજાયાં છે. બુદ્ધ ગયા, રાજગૃહ, ચંપા, રાજશાહી, દિનાજપુર, ઢાકા, સિલહટ વગેરે અનેક સ્થળોએ આ શૈલીનો વિકાસ થયો હતો. આ શૈલી કાશ્મીર, નેપાળ, તિબેટ, થાઇલૅન્ડ, જાવા, સુમાત્રા અને શ્રીલંકામાં પણ પ્રસાર પામી હતી. આ શૈલીની ઘણી ખરી મૂર્તિઓ બૌદ્ધ ધર્મને લગતી અને કેટલીક શૈવ, વૈષ્ણવ અને શાક્ત સંપ્રદાયોને લગતી મળી છે.
કલકત્તા ઇન્ડિયન મ્યુઝિયમમાં સંગૃહીત મંજુશ્રી, મારીચી, ઉષ્ણીષવિજયા, ઢાકામાંથી મળેલી અવલોકિતેશ્વરની પ્રતિમા કલાત્મક બૌદ્ધ પ્રતિમાઓ છે. કૉલકાતાના નાહર સંગ્રહની હેવજ્ર નામના તાંત્રિક બૌદ્ધ દેવતાની 12મી સદીની પ્રતિમામાં દેવતાને દેવી સાથે રતિક્રીડામગ્ન દર્શાવ્યા છે. આ પ્રકારની ધબ-ચૂમ (ક્રીડારત) મૂર્તિઓનો તિબેટની બૌદ્ધકલામાં વ્યાપક પ્રસાર થયો હતો.
સેન રાજાઓના પ્રોત્સાહનથી કંડારાયેલી સદાશિવની પ્રતિમાઓમાં ઇન્ડિયન મ્યુઝિયમમાં સંગૃહિત સદાશિવની પ્રતિમા આ શૈલીનું સુંદર દૃષ્ટાંત છે. બિહારમાં મહાનાડમાંથી મળેલી ગંગાની મૂર્તિ અને બંગાળમાંથી મળેલી ચામુંડા, સ્કંદ અને નૃસિંહનાં મૂર્તિશિલ્પો સુઘાટ્ય કલાના સરસ નમૂના છે. આમાં ગંગાની મૂર્તિ ઉત્તમ છે. દિલ્હીના નૅશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત આ 12મી સદીની પ્રતિમામાં કલ્પવૃક્ષની નીચે હાથમાં જળપાત્રો લઈને ઊભેલી ગંગા બતાવી છે. તેના ઉપવસ્ત્રના છેડાની ગડીઓ નદી-તરંગોની સૂચક છે. મસ્તકને ફરતું કલ્પવૃક્ષ અંકિત મંડલ ગંગાસ્નાનથી સર્વ ઇચ્છાઓની પૂર્તિનું સૂચન કરે છે. રૂપક્ષમતા, લાવણ્ય અને ભાવાભિવ્યક્તિનો આમાં સુમેળ સધાયો છે.
પ્રવીણચંદ્ર પરીખ