પાલ વંશ (ઈ. સ.ની આઠમીથી બારમી સદી) : બંગાળ પર શાસન કરનાર બૌદ્ધ ધર્મના પાલ વંશના શાસકો.
બંગાળમાં પાલ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજા હતો. બંગાળના સરદારો અને લોકોએ સર્વસંમતિથી તેની રાજા તરીકે પસંદગી કરી હતી. ગોપાલે લગભગ ઈ. સ. 750થી 770 સુધી રાજ્ય કરી લોકોને શાંતિ તથા સલામતી આપી. એ અને એના બધા જ વંશજો બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. એનો પિતા વપ્યત લશ્કરી સેનાપતિ અને પિતામહ દયિતવિષ્ણુ વિદ્વાન હતા.
ગોપાલના અવસાન પછી એનો પુત્ર ધર્મપાલ રાજા બન્યો, જેણે લગભગ ઈ. સ. 770થી 810 સુધી રાજ્ય કર્યું. બંગાળમાં ત્યાર સુધીમાં થયેલા બધા રાજાઓમાં તે સૌથી વધારે શક્તિશાળી અને પરાક્રમી હતો. એણે સમગ્ર ઉત્તર ભારતમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપીને ‘પરમેશ્વર’, ‘પરમભટ્ટારક’ અને ‘મહારાજાધિરાજ’ જેવા ખિતાબો ઉપરાંત ‘પરમસૌગત’ નામનો બૌદ્ધ ખિતાબ પણ ધારણ કર્યો હતો. જોકે રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદ ત્રીજા સાથેના યુદ્ધમાં એનો પરાજય થયો હતો એવો ઉલ્લેખ મળે છે. તેણે કનોજની ગાદી મેળવવામાં ચક્રાયુધને મદદ કરી હતી. તેણે સાહિત્ય, કલા તથા બૌદ્ધ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે મગધમાં ભાગલપુર પાસે ગંગા નદીના કિનારે એક ટેકરી પર વિક્રમશીલા વિદ્યાપીઠની સ્થાપના કરી, જેનો પછીથી ઘણો વિકાસ થયો હતો.
ધર્મપાલ પછી એનો પુત્ર દેવપાલ ગાદીએ આવ્યો. એની માતા રન્નાકુમારી રાષ્ટ્રકૂટ રાજાની પુત્રી હતી. દેવપાલે લગભગ ઈ. સ. 810થી 850 સુધી રાજ્ય કર્યું. એણે અનેક વિજયો મેળવી પિતા તરફથી વારસામાં મળેલું સામ્રાજ્ય ટકાવી રાખ્યું. જોકે કનોજના ગુર્જર-પ્રતિહાર રાજવી ભોજના હાથે તેનો પરાજય થયો હતો. તેણે છેક દક્ષિણમાં શક્તિશાળી પાંડ્ય રાજા શ્રીમાર શ્રીવલ્લભને હરાવ્યો હતો. તેના પિતાની માફક દેવપાલે પણ સાહિત્ય, કલા અને બૌદ્ધ ધર્મને પ્રોત્સાહન આપ્યું. તે વિદ્વાનોની કદર કરીને તેમને ઉચ્ચ સ્થાન આપતો હતો. તેની કીર્તિથી આકર્ષાઈને દક્ષિણના શૈલેન્દ્ર રાજવી બાલપુત્રદેવનું પ્રતિનિધિમંડળ તેના દરબારમાં આવ્યું હતું. તેણે બંગાળનાં સામ્રાજ્ય, સમૃદ્ધિ અને જાહોજલાલી ટકાવી રાખ્યાં હતાં.
ધર્મપાલ પછી અનુક્રમે વિગ્રહપાલ અને નારાયણપાલ બંગાળના રાજા બન્યા. નારાયણપાલના સમયમાં એક તરફ ગુર્જર પ્રતિહારો અને બીજી તરફ રાષ્ટ્રકૂટોની ચઢાઈઓને કારણે પાલ સામ્રાજ્ય નબળું પડ્યું. નારાયણપાલ પછી અનુક્રમે રાજ્યપાલ, ગોપાલ બીજો અને વિગ્રહપાલ બીજો ગાદીએ આવ્યા. આ બધા રાજાઓ નિર્બળ હોવાથી પાલ સામ્રાજ્ય છિન્નભિન્ન થયું. ચંદેલ રાજવી યશોવર્મન્, કલચુરી રાજવી યુવરાજ પહેલો તથા ઓરિસા અને કંબોજના રાજાઓ સ્વતંત્ર બની ગયા.
વિગ્રહપાલ બીજાનો પુત્ર મહીપાલ શક્તિશાળી હતો. તેણે ઈ. સ. 988થી 1038 સુધી એટલે કે 50 વર્ષ રાજ્ય કર્યું. એ દરમિયાન તેણે સમગ્ર બંગાળ તથા ઉત્તર બિહાર ઉપર પોતાની સત્તા સ્થાપિત કરી. તેથી તેને બીજા પાલ સામ્રાજ્યનો સ્થાપક ગણવામાં આવે છે. તેના સમયમાં નાલંદાના બૌદ્ધ આચાર્યોએ તિબેટમાં બૌદ્ધ ધર્મ તથા ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કર્યો. મહીપાલ પછી અનુક્રમે નયપાલ અને વિગ્રહપાલ ત્રીજો ગાદીએ આવ્યા. આ બંને રાજાઓના સમયમાં ચેદિના કલચુરી રાજા કર્ણે બંગાળ ઉપર ચઢાઈ કરી; પરંતુ એમાં નિષ્ફળ જતાં અંતે પોતાની પુત્રી યૌવનશ્રીને વિગ્રહપાલ ત્રીજા સાથે પરણાવી હતી. વિગ્રહપાલ ત્રીજા પછી અનુક્રમે મહીપાલ બીજો, શૂરપાલ, રામપાલ, કુમારપાલ, ગોપાલ ત્રીજો અને મદનલાલ નામના રાજાઓ થયા; પરંતુ તેઓ નબળા હોવાથી સામ્રાજ્યનું વિઘટન થતું ગયું. અંતે 1160માં મદનપાલના અવસાન સાથે પાલ વંશ અને પાલ સામ્રાજ્યનો અંત આવ્યો.
આમ પાલ વંશ બંગાળનો એક મહત્વનો રાજવંશ હતો, જેના રાજાઓએ લગભગ 400 વર્ષ સુધી શાસન કર્યું. એમના રાજ્યકાલ દરમિયાન બંગાળમાં સાહિત્ય, કલા તથા શિક્ષણનો વિકાસ થયો. વિદ્યા અને વિદ્વાનોને પ્રોત્સાહન મળ્યું. પાલ વંશના શાસન દરમિયાન સ્થપાયેલી વિક્રમશીલા વિદ્યાપીઠે દેશમાં અને વિદેશમાં ઘણી નામના પ્રાપ્ત કરી. બૌદ્ધ ધર્મના વિકાસ અને પ્રચારમાં પણ પાલ સમ્રાટોનું પ્રદાન નોંધપાત્ર હતું.
મુગટલાલ પોપટલાલ બાવીસી