પાલ, બેન્જામિન પિયરી (જ. 26 મે 1906, મુક્ધદપુર, પંજાબ; અ. 14 સપ્ટેમ્બર 1989, નવી દિલ્હી) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતીય કૃષિવૈજ્ઞાનિક. તેમણે વનસ્પતિશાસ્ત્ર વિષયમાં એમ. એસસી.ની ડિગ્રી રંગૂન યુનિવર્સિટી-મ્યાનમારમાંથી અને વનસ્પતિઉછેર (plant breeding) અને જનીનવિદ્યા વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી (1932) કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઇંગ્લૅન્ડમાંથી પ્રાપ્ત કરી. કેમ્બ્રિજમાં તેમણે ખ્યાતનામ બ્રિટિશ વ્હીટ-બ્રીડર સર આર. એચ. બિફ્ફનના માર્ગદર્શન હેઠળ કામ કર્યું હતું.
તેમણે મદદનીશ ચોખા સંશોધન અધિકારી તરીકે 1933માં મ્યાનમારમાં અને દ્વિતીય આર્થિક વનસ્પતિશાસ્ત્રી તરીકે પુસા (બિહાર) ખાતે 1937માં કામગીરી બજાવી અને એ જ સંસ્થામાં વનસ્પતિશાસ્ત્રના વડા તરીકે સપ્ટેમ્બર, 1950 સુધી સેવાઓ આપી. તેઓ ભારતીય કૃષિ-સંશોધન સંસ્થા (IARI), ન્યૂ દિલ્હીના મુખ્ય નિયામક તરીકે સપ્ટેમ્બર, 1950માં નિમાયા. ત્યારપછી તેમણે ભારતીય કૃષિ-અનુસંધાન પરિષદ (ICAR), ન્યૂ દિલ્હીના ડિરેક્ટર જનરલ તરીકે મે, 1965થી જાન્યુઆરી, 1972 સુધી જવાબદારી સંભાળી.
ડૉ. પાલે 160 જેટલા સંશોધન-લેખો અને સાત પુસ્તકો લખ્યાં છે. તેમણે ઘણા વિદ્યાર્થીઓને એમ.એસસી. અને પીએચ.ડી. માટે માર્ગદર્શન પૂરું પાડેલું. તેમનું મુખ્ય સંશોધન-ક્ષેત્ર પાક-સુધારણા અને ઘઉંની રોગપ્રતિકારક જાતો વિકસાવવાનું હતું. તેને કારણે તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. તેમની પાછલી કારકિર્દી દરમિયાન ખાસ કરીને શોભન-બાગાયત (ornamental horticulture) તરફ તેઓ આકર્ષાયા. તેમણે 50 કરતાં વધુ ગુલાબની જાતો વિકસાવી; જેમાં ખૂબ જાણીતી જાતો ‘ડૉ. હોમી ભાભા’, ‘પૂર્ણિમા’, ‘દિલ્હી-પ્રિન્સેસ’, ‘બનજારન’, ‘કુમકુમ’, ‘અપ્સરા’, ‘પ્રિયદર્શિની’ વગેરે છે. તેમની ગુલાબની કામગીરી અને તેમના પુસ્તક ‘ધ રોઝ ઇન ઇન્ડિયા’ને લીધે તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તેમણે ગુલાબનાં પ્રદર્શનોમાં ઘણાં પારિતોષિકો પ્રાપ્ત કર્યાં હતાં. તેમણે બોગનવેલની પાંચ જાતો, ઉપરાંત જાસૂદ (Hibiscus) અને ક્રોટોનની નવી જાતો પણ વિકસાવી હતી.
તેમણે વિવિધ સંસ્થાઓના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી; જેમ કે, હૉર્ટિકલ્ચરલ સોસાયટી ઑવ્ ઇંડિયા; ઇંડિયન બોટૅનિકલ સોસાયટી; ઇન્ડિયન સોસાયટી ઑવ્ જિનેટિક્સ ઍન્ડ પ્લાન્ટ બ્રીડિંગ; બોટૅની ઍન્ડ ઍગ્રિકલ્ચર સેક્શન ઑવ્ ઇંડિયન સાયન્સ કૉંગ્રેસ – દિલ્હી; ઍગ્રિહૉર્ટિકલ્ચરલ સોસાયટી, ઇંડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી, રોઝ સોસાયટી ઑવ્ ઇંડિયા; બોગનવેલિયા સોસાયટી ઑવ્ ઇંડિયા અને ઈકૉલૉજિકલ સોસાયટી અને ભારતીય કૃષિ પરિષદની બાગાયતને લગતી વૈજ્ઞાનિક સમિતિ. આ ઉપરાંત તેમણે અર્બન આર્ટ કમિશનના સલાહકાર, દિલ્હી લૅન્ડસ્કેપ કમિટીના સભ્ય તરીકે પણ સેવાઓ આપી હતી.
તેમને `પદ્મશ્રી'(1968)નું સન્માન આપવામાં આવેલું. તે ઉપરાંત પંજાબ કૃષિ યુનિવર્સિટી – લુધિયાણા, ગોવિન્દવલ્લભ પંત કૃષિ અને ટૅક્નોલૉજી યુનિવર્સિટી પંતનગર, હરિયાણા કૃષિ યુનિવર્સિટી હિસ્સાર, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર અને ઓરિસા કૃષિ અને ટૅક્નોલૉજી યુનિવર્સિટી ભુવનેશ્વર વગેરે સંસ્થાઓ તરફથી તેમને ડી. એસસી.ની માનાર્હ ડિગ્રી આપવામાં આવી હતી.
ભારતીય કૃષિ-સંશોધન પરિષદ (ICAR) તરફથી રફી અહમદ કિડવાઈ પારિતોષિક (1957) ઉપરાંત ઇંડિયન બોટૅનિકલ સોસાયટીના બીરબલ સહાની ચંદ્રક (1962), ઇંડિયન નૅશનલ એકૅડેમીનો શ્રીનિવાસ રામાનુજન ચંદ્રક (1964), રોઝ સોસાયટી, ઇંડિયા તરફથી ગોલ્ડ ઑનર ચંદ્રક (1968), ઍગ્રિ-હૉર્ટિકલ્ચરલ સોસાયટી, ઇંડિયાનો ગ્રાન્ટ ચંદ્રક (1970), એશિયાટિક સોસાયટી, ઇંડિયાનો બારક્લે ચંદ્રક (1972) તેમજ ઇંડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીનો આર્યભટ્ટ ચંદ્રક પણ તેમને પ્રાપ્ત થયાં હતાં.
ડૉ. પાલ રૉયલ સોસાયટી – લંડનના ફેલો; જાપાન એકૅડેમીના સભ્ય; લેનિન ઑલ યુનિયન એકૅડેમી ઑવ્ ઍગ્રિકલ્ચરલ સાયન્સિઝ(USSR)ના સભ્ય; લીનિયન સોસાયટી ઑવ્ લંડનના સભ્ય; ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ રિઇન્સ્ટિટ્યૂટ, ફિલિપાઇન્સના બોર્ડ ઑવ્ ટ્રસ્ટીઝના સભ્ય (4 વર્ષ સુધી); ઇન્ટરનેશનલ કૉંગ્રેસ ઑવ્ જિનેટિક્સ – ટોકિયો(1968)ના ઉપપ્રમુખ અને રૉયલ નૅશનલ રોઝ સોસાયટી(U.K.)ના સભ્યપદે રહી ચૂક્યા હતા.
ડૉ. પાલ વિવિધ હોદ્દાઓ પર રહ્યા તે દરમિયાન તેમણે ચીન (1944); ઑસ્ટ્રેલિયા (1949); ફ્રાન્સ (1954 અને 1966); જાપાન (1956); ન્યૂઝીલૅન્ડ (1964); ઇંગ્લૅન્ડ (1965); અમેરિકા (1966); રશિયા(1967) અને ફિલિપાઇન્સ (1967 અને 1968)ની મુલાકાત લીધી હતી. તેમને પદ્મવિભૂષણના ખિતાબ(1989)થી પણ વિભૂષિત કરવામાં આવ્યા હતા.
ઝીણાભાઈ શામજીભાઈ કાત્રોડિયા