પાલ, બિપિનચંદ્ર રામચંદ્ર (જ. 7 નવેમ્બર 1858, પોઈલ, જિ. સિલ્હટ, બાંગ્લાદેશ; અ. 20 મે 1932, કૉલકાતા) : બંગાળના પત્રકાર, લેખક અને રાજકીય નેતા. તેમણે સિલ્હટની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં તથા કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો. વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ આનંદમોહન બોઝ, દ્વારકાનાથ ગાંગુલી, અઘોરનાથ ચૅટરજી, કેશવચંદ્ર સેન જેવા પ્રતિષ્ઠિત આગેવાનોના સંપર્કમાં આવ્યા અને સમાજસુધારક તથા દેશભક્ત બન્યા. તેમને વાચનનો ખૂબ શોખ હોવાથી તેમણે જાણીતા બંગાળી અને અંગ્રેજી લેખકોની સાહિત્યિક કૃતિઓ વાંચી. તેઓ જ્ઞાતિપ્રથાના વિરોધી હતા અને પિતાની અનિચ્છા છતાં બ્રહ્મોસમાજમાં જોડાયા. તેમણે 1881માં એક વિધવા સાથે લગ્ન કર્યાં અને તેના અવસાન બાદ 1891માં ફરીથી વિધવા સાથે લગ્ન કર્યાં.
તેમણે કારકિર્દીની શરૂઆતમાં કટક, સિલ્હટ અને બૅંગાલુરુની હાઈસ્કૂલોના હેડમાસ્ટર તરીકે કામ કર્યું. પત્રકારત્વમાં અભિરુચિ હોવાથી તેમણે 1880માં સિલ્હટમાં બંગાળી સાપ્તાહિક ‘પરિદર્શક’ શરૂ કર્યું. ત્યારબાદ 1882માં ‘બંગાળ પબ્લિક ઓપિનિયન’માં તથા લાહોરથી પ્રસિદ્ધ થતા ‘ટ્રિબ્યૂન’ સામયિકમાં મદદનીશ તંત્રી તરીકે કામ કર્યું. આ દરમિયાન પોતાની લેખનપ્રવૃત્તિ ચાલુ રાખીને તેમણે બંગાળીમાં રાણી વિક્ટોરિયાનું જીવનવૃત્તાંત અને 1893માં અંગ્રેજીમાં કેશવચંદ્ર સેન વિશે પુસ્તક પ્રગટ કર્યું. રાજકારણમાં તેઓ લોકમાન્ય ટિળક, લાલા લજપતરાય અને અરવિંદ ઘોષથી આકર્ષાયા ને જહાલવાદી બન્યા હતા. તે અગાઉ સુરેન્દ્રનાથ બૅનરજી જેવા મવાલપક્ષીને તેમણે પોતાના ગુરુ માન્યા હતા. 1886માં સિલ્હટના પ્રતિનિધિ તરીકે કૉંગ્રેસના અધિવેશનમાં હાજરી આપી. તેમણે અને મિત્ર દ્વારકાનાથ ગાંગુલીએ 1887ના કૉંગ્રેસ અધિવેશનમાં, ખુલ્લા અધિવેશન માટે ઠરાવો ઘડનારી વિષયવિચારિણી સમિતિ ચૂંટાયેલા સભ્યોને રાખવાની ફરજ પાડી. આસામના ચાના બગીચાના કામદારો પર માલિકો દ્વારા ત્રાસ ગુજારાતો હોવાથી, તેમણે અને દ્વારકાનાથે કૉંગ્રેસમાં વારંવાર રજૂઆતો કરી, તેથી આસામના ચીફ કમિશનર હેન્રી કૉટને તેમની સ્થિતિમાં સુધારો કર્યો.
બિપિનચંદ્ર 1898માં બ્રિટિશ શિષ્યવૃત્તિ લઈને આધ્યાત્મિક અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા; પરંતુ શિષ્યવૃત્તિ છોડી દઈને તેમણે હિંદુ આસ્તિકવાદનો તથા રાજકીય દૃષ્ટિએ દેશનો પ્રચાર કર્યો. ન્યૂયૉર્કના નૅશનલ ટેમ્પરન્સ એસોસિએશનના આમંત્રણથી તેમણે યુનાઇટેડ સ્ટેટ્સની પ્રવચનયાત્રા કરી. ત્યાંથી પાછા ફરીને 1900માં તેમણે દેશના સ્વાતંત્ર્ય-સંગ્રામમાં ઝંપલાવ્યું. પોતાના સાપ્તાહિક ‘ન્યૂ ઇન્ડિયા’માં તેમણે સ્વરાજ કે સંપૂર્ણ સ્વતંત્રતા મેળવવા લોકોને આત્મબલિદાન આપવા જણાવ્યું. લૉર્ડ કર્ઝને 1905માં બંગાળનું વિભાજન કર્યા બાદ, તેમણે ‘વંદે માતરમ્’ દૈનિક અરવિંદ ઘોષના તંત્રીપદે શરૂ કર્યું. 1907માં તેમણે બંગાળ, ઉત્તરપ્રદેશ, આસામ અને મદ્રાસ (હાલના ચેન્નાઇ) ઇલાકાની પ્રચાર-યાત્રા યોજી. અનેક શહેરો તથા કસબાઓમાં આપેલાં ભાષણોમાં તેમણે વિદેશી માલના બહિષ્કારનો, બ્રિટિશ સરકાર સાથેના સર્વ સંબંધો કાપી નાખવાનો, રાષ્ટ્રીય શિક્ષણ આપવાનો અને શાંત પ્રતિકાર કરવાનો આગ્રહ સેવ્યો. ગુપ્ત ક્રાંતિકારી ચળવળના તેઓ વિરોધી હોવા છતાં, ‘વંદે માતરમ્’ રાજદ્રોહ કેસમાં અરવિંદ ઘોષ વિરુદ્ધ જુબાની આપવાનો ઇનકાર કરવાથી, બ્રિટિશ સરકારે તેમને 6 માસની કેદની સજા કરી અને તે તેમને પોતાના શત્રુ માનવા લાગી. જેલમાંથી મુક્ત થયા બાદ, ઑગસ્ટ, 1908માં તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને 1911 સુધી ત્યાં એકાંતવાસ સેવ્યો. આ દરમિયાન તેમણે ચિંતન કર્યું. તેના ફળસ્વરૂપે તેમણે ભારત, ગ્રેટ બ્રિટન અને બધાં બ્રિટિશ સંસ્થાનોને સમાન દરજ્જો તથા સ્વાયત્તતા આપીને સમવાયતંત્ર રચવાની હિમાયત કરી.
ભારત પાછા ફર્યા બાદ, 1913માં તેમણે ‘હિંદુ રિવ્યૂ’ માસિક શરૂ કરીને તેમાં પોતાના સમવાયતંત્રના વિચારનો પ્રચાર કર્યો. તેઓ હોમરૂલ ચળવળમાં અને કૉંગ્રેસમાં પણ જોડાયા. પ્રથમ વિશ્વવિગ્રહ બાદ, ટિળકના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસ અને હોમરૂલ લીગના પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે તેમણે ત્રીજી વાર ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો. બ્રિટન અને તેનાં સ્વશાસિત સંસ્થાનો દ્વારા થતું ભારતનું શોષણ તેમને સૌથી વધુ હાનિકારક લાગ્યું. રશિયામાં થયેલ બૉલ્શેવિક ક્રાંતિથી પણ તેઓ અત્યંત પ્રભાવિત થયા અને તેમને નૂતન વિશ્વના આગમનનાં એંધાણ વર્તાયાં. તેઓ 1919માં ભારત પાછા ફર્યા. ત્યારબાદ 1921માં બારિસાલમાં મળેલ બંગાળ પ્રાંતિક પરિષદનું પ્રમુખપદ સંભાળ્યું. તે સમયે દેશમાં ફેલાયેલી ગાંધીજીની અસહકારની અહિંસક ચળવળથી તેઓ અલગ રહ્યા. રાષ્ટ્રવાદી બંગાળીઓના લોકપ્રિય નેતા ચિત્તરંજન દાસની તેમણે ટીકા કરી અને મૌલાના મહંમદઅલી સાથે ભારતમાં કોમવાદના સ્વરૂપની બાબતમાં તેમને વિખવાદ થયો. ખિલાફતના પ્રશ્ન સાથે જોડાયેલ હોવાથી અને લોકોને ગાંધીજીમાં અતિશય વિશ્વાસ હોવાથી, તેમણે અસહકારની ચળવળનો વિરોધ કર્યો. આ બધાં કારણોને લીધે રાજકીય નેતા તરીકે તેમનાં વળતાં પાણી થયાં અને અપ્રિય બન્યા, તેથી તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લીધી.
બિપિનચંદ્ર એક સમર્થ વક્તા હતા. સ્વદેશી ચળવળ દરમિયાન તેમનાં ઉશ્કેરણીજનક પ્રવચનોથી હજારો લોકો પ્રભાવિત થયા હતા. રાજકારણમાં તેઓ જહાલપક્ષના પુરસ્કર્તા હતા. તેમનું પુસ્તક ‘ધ ન્યૂ ઇકૉનૉમિક મિનેસ ઑવ્ ઇન્ડિયા’માં તેમણે ભારતના મજૂરોનું વેતન વધારવા તથા કામના કલાકો ઘટાડવાની માગણી કરી. ધાર્મિક વિચારોમાં તેઓ શરૂઆતમાં બ્રહ્મોસમાજથી આકર્ષાયા અને તેમાં જોડાયા; ત્યારબાદ શંકરાચાર્યના વેદાંતના તત્વજ્ઞાનથી પ્રભાવિત થયા અને આખરે શ્રી ચૈતન્યના અનુયાયી વૈષ્ણવ બન્યા. સ્વદેશી ચળવળના ફલસ્વરૂપે માત્ર રાજકીય સ્વતંત્રતા નહિ, પરંતુ લોકોમાં જાગૃતિ આવે એમ તેઓ ઇચ્છતા હતા. તેઓ સામયિકોમાં અનેક લેખો લખતા. તેમણે નવજાગૃતિનો ઇતિહાસ, પોતાની આત્મકથા અને કેટલાંક જીવનચરિત્રો બંગાળીમાં લખ્યાં છે. ભારતીય સંસ્કૃતિનાં વિશિષ્ટ પાસાં વિશેય તેમણે લખ્યું છે.
અંજના શાહ