પાર્ટી (1984) : હિંદી ચલચિત્ર. નિર્માણસંસ્થા : નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન. દિગ્દર્શન અને છબીકલા : ગોવિંદ નિહાલાની. કલાકારો : રોહિણી હટંગડી, મનોહરસિંહ, વિજયા મહેતા, દીપા શાહી, કે. કે. રૈના, સોની રઝદાન, શફી ઇનામદાર, ઓમ્ પુરી, અમરીશ પુરી, આકાશ ખુરાના, નસીરુદ્દીન શાહ, ગુલશન કૃપાલાની, પર્લ પદમશી. અવધિ 118 મિનિટ.
એક સાહિત્યકારનું સન્માન કરવા મિસિસ રાને એક પાર્ટી આપે છે. પાર્ટીમાં આવેલા બુદ્ધિજીવીઓ દંભી અને છીછરા પુરવાર થાય છે. અમૃત નામનો એક કવિ તે પ્રસંગે ગેરહાજર હતો. આદિવાસીઓના કલ્યાણની પ્રવૃત્તિ માટે તેણે સાહિત્યકાર તરીકેની કારકિર્દીને તિલાંજલિ આપી દીધી હતી.
મૂળ મરાઠી નાટક ઉપર આધારિત આ ચિત્રમાં નાટક અને ચલચિત્રના માધ્યમનો સુંદર સમન્વય જોવા મળે છે. નાટકનો મૂળ હેતુ કલા વિરુદ્ધ જીવન અંગેનો હતો, જ્યારે ચલચિત્ર તેથી વધુ ઊંચાઈએ જાય છે. વ્યક્તિ કલાકાર અને માનવી તરીકે કઈ રીતે ભિન્ન કે સંકળાયેલી છે તેની ચર્ચા અહીં પ્રસ્તુત થાય છે.
પીયૂષ વ્યાસ