પારેખ હસમુખભાઈ ઠાકોરભાઈ (એચ. ટી. પારેખ)
January, 1999
પારેખ, હસમુખભાઈ ઠાકોરભાઈ (એચ. ટી. પારેખ) (જ. 10 માર્ચ 1911, રાંદેર; અ. 18 નવેમ્બર 1994, મુંબઈ) : ભારતના ઔદ્યોગિક અને નાણાક્ષેત્રના અગ્રણી વહીવટકર્તા. 1933માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.-(અર્થશાસ્ત્ર)ની પરીક્ષામાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરી જેમ્સ ટેલર પારિતોષિક મેળવ્યું તથા 1936માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાંથી બૅંકિંગ અને નાણાશાસ્ત્રના વિષયો સાથે બી.એસસી.ની ઉપાધિ પ્રાપ્ત કરી.
1937માં મુંબઈની શેરદલાલની એક પ્રતિષ્ઠિત પેઢી હરકિશનદાસ લક્ષ્મીદાસ ઍન્ડ કું.માં જોડાયા. તે જ સમય દરમિયાન તેમણે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. 1956માં તેમની નિમણૂક ભારતીય ઔદ્યોગિક ધિરાણ અને રોકાણ નિગમ લિમિટેડ (ICICI)માં નાયબ જનરલ મૅનેજરપદે કરવામાં આવી. સમયાંતરે તેમની પસંદગી 1958માં જનરલ મૅનેજર, 1969માં નાયબ ચેરમૅન અને મુખ્ય સંચાલક તરીકે અને 1972માં નિયામકમંડળના ચેરમૅનપદે કરવામાં આવી. જૂન, 1978માં તેમણે ચેરમૅનપદેથી નિવૃત્તિ સ્વીકારી. 1977માં તેમણે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કૉર્પોરેશન લિ. (Housing Development Finance Carporation Ltd.)ની સ્થાપના કરી જેનો હેતુ જરૂરિયાતમંદોને પોતાની માલિકીનું રહેઠાણ કરવાની આકાંક્ષા સંતોષવામાં નાણાકીય સહાય પૂરી પાડવાનો હતો.
હસમુખભાઈને આર્થિક વિકાસ, ઔદ્યોગિક ધિરાણ, મૂડીબજાર વગેરે વિષયોમાં ઊંડો રસ હતો. તેમણે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ-(International Monetary Fund)માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિકાસલક્ષી દેશોની આર્થિક પ્રગતિ અને ઔદ્યોગિક વિકાસ માટેનાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોમાં પણ તેમણે અગ્ર ભાગ ભજવ્યો હતો.
તેમણે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કૉર્પોરેશન, (એચ. ડી. એફ. સી. ડેવલપર્સ), ભારત બીજલી લિ., હિંદુસ્તાન જીઓફિઝિકલ કંપની લિ.નું ચૅરમૅનપદ અને હિંદુસ્તાન ઑઇલ એક્સપ્લોરેશન જેવી સંસ્થાઓનું નાયબ ચૅરમૅનપદ સંભાળ્યું હતું.
તેમની નિમણૂક અનિલ સ્ટાર્ચ પ્રૉડક્ટ્સ લિ., અટીક ઇન્ડસ્ટ્રિઝ લિ., ચોકસી ટ્યૂબ કું., હિંદુસ્તાન સ્પિનિંગ ઍન્ડ વીવિંગ મિલ્સ લિ., કેલ્વિનેટર ઑવ્ ઇન્ડિયા લિ., કૅલ્બેક્સ ઇન્ટરનૅશનલ લિ., એક્સ્પો મશીનરી લિ., મફતલાલ ઇન્ડસ્ટ્રિઝ લિ., મહારાષ્ટ્ર હાઇબ્રિડ સીડ્ઝ કંપની લિ., સિમ્પ્લેક્સ મિલ્સ કંપની લિ. અને ઇન્ડિયન ઍલ્યુમિનિયમ કંપની લિ.ના નિયામકપદે કરવામાં આવી હતી. તેઓ સોશ્યલ સર્વિસ લીગના પણ પ્રમુખ હતા.
તેમનાં પ્રકાશનોમાં ‘ધ બૉમ્બે મની માર્કેટ’, ‘ધ ફ્યૂચર ઑવ્ જૉઇન્ટ સ્ટૉક એન્ટરપ્રાઇઝ ઇન ઇન્ડિયા’, ‘ઇન્ડિયા ઍન્ડ રીજિયોનલ ડેવલપમેન્ટ’, ‘ઇન્ડિયન કૅપિટલ માર્કેટ’, ‘ભૂત, ભવિષ્ય અને વર્તમાન’, ‘ધ સ્ટૉરી ઑવ્ અ ડેવલપમેન્ટ બૅન્ક’, (આઇ. સી. આઇ. સી. આઇ.) અને આત્મકથાસ્વરૂપ ‘હીરાને પત્રો અને હીરાને વધુ પત્રો’ ગણાવી શકાય.
1983માં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફાઇનાન્શિયલ મૅનેજમેન્ટ ઍન્ડ રિસર્ચની સ્થાપનામાં અગ્રભાગ લેવા બદલ સંસ્થાના ગ્રંથાલયનું ‘એચ. ટી. પારેખ ગ્રંથાલય’ નામકરણ કરવામાં આવ્યું હતું. 1984માં તેમને લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સ ઍન્ડ પોલિટિકલ સાયન્સ(યુનિવર્સિટી ઑવ્ લંડન)ની માનાર્હ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી. તેમને ઔદ્યોગિક વિકાસ અને ગૃહસંવર્ધનના ક્ષેત્રમાં નાણાંની સહાય પૂરી પાડવાની સેવાઓની કદર રૂપે ભારત સરકાર તરફથી ‘પદ્મવિભૂષણ’નો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.
જિગીશ દેરાસરી