પારિસ્થિતિક નિકેત (ecological niche) : સજીવની કોઈ પણ જાતિના વિતરણનું અંતિમ એકમ. તેની રચનાકીય (structural) અને નૈસર્ગિક (instinctive) મર્યાદાઓને લીધે તેનું રહેઠાણ નિશ્ચિત હોય છે. જૉસેફ ગ્રિન્નેલે (1917, 1928) સૌપ્રથમ વાર સૂક્ષ્મ આવાસ(micro- habitat)ના અર્થમાં આ શબ્દ પ્રચલિત કર્યો. કોઈ પણ બે જાતિ એક પ્રદેશમાં એક જ પરિસ્થિતિકીય નિકેતમાં લાંબો સમય રહી શકતી નથી.

આ પારિભાષિક શબ્દ સજીવનું ભૌતિક રહેઠાણ જ દર્શાવે છે તેમ નથી; પરંતુ તેનો જૈવ સમાજમાં કાર્યની દૃષ્ટિએ ફાળો [નિવસનતંત્રમાં તેની પોષી (trophic) કક્ષા] અને પર્યાવરણીય પ્રવણતા(અસ્તિત્વ માટેની અન્ય પરિસ્થિતિઓ સહિત)માં પણ તેનું સ્થાન દર્શાવે છે. આ ત્રણ પાસાંઓને આધારે તેના (i) સ્થાનીય (spatial) નિકેત (ગ્રિન્નેલ, 1917); (2) પોષી (trophic) નિકેત (ચાર્લ્સ એલ્ટન, 1927) – અને (3) બહુપારિમાણિક (multidimenstional) કે બૃહત્ (hypervolume) નિકેત (જી. ઈ. હચિન્સન, 1957) એમ ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. આમ પારિસ્થિતિક નિકેત સજીવના આવાસ ઉપરાંત તે સજીવ શક્તિનું રૂપાંતર કેવી રીતે કરે છે, ભૌતિક અને જૈવિક પર્યાવરણ સામે તે કેવો પ્રતિચાર દર્શાવી રૂપાંતર પામે છે તેમજ બીજી જાતિ દ્વારા તે કેવી રીતે બંધન(constrained)માં રહે છે તેનો પણ નિર્દેશ કરે છે. એક કે જુદાં જુદાં ભૌતિક સ્થાનોમાં વિવિધ જાતિઓ વચ્ચે રહેલા તફાવતો કે એકથી વધારે સ્થાનોએ એક જ જાતિમાં રહેલા તફાવતોના સંદર્ભમાં તેનું પરિસ્થિતિ-વિદ્યામાં ખૂબ મહત્વ છે. આમ, જાતિ-સંકલ્પના (species concept) તેનાં વર્ગીકરણવિદ્યાકીય (taxonomic) લક્ષણો કરતાં મુખ્યત્વે કાર્યાત્મક (functional) લક્ષણોને આધારે સ્વીકારવામાં આવે છે.

(1) સ્થાનીય નિકેત : ‘મેપલ ઓક’ના વનના ભોંયતળિયે સહસ્રપાદ(millipede)ની સાત જાતિઓનાં વિતરણ દ્વારા સ્થાનીય નિકેતનું સુંદર ષ્ટાંત મળી રહે છે. (ઑનીલ, 1967)

સારણી 1 : મેપલના વનના ભોંયતળિયે વિવિધ સૂક્ષ્મ આવાસોમાં થતા સહસ્રપાદ(દ્વિપાદ-diplopoda)માં સ્થાનીય નિકેત વિયોજન (પ્રાપ્તિ ટકાવારીમાં)

ક્રમ સૂક્ષ્મ આવાસ Euryurus Pseudopolydesmus Narceus Scytonotus Fontaria Cleidogonia Abcion
erythropygus serratus americanus granulatus virginiensis caesioannularis lacterium
1. થડના કેન્દ્રમાં અંત:કાષ્ઠ (heartwood) *93.9 0 0 0 0 0 0
2. થડનું સપાટી પરનું કાષ્ઠ 0 *66.7 4.3 6.7 0 14.3 0
3. થડની બાહ્ય સપાટી પર છાલની નીચે 0 20.8 *71.4 0 0 0 0
4. થડની નીચે, પરંતુ થડની સપાટી પર 3.0 8.3 6.9 *60.0 0 0 15.8
5. થડની નીચે, પરંતુ ભૂમિ- સપાટી પર 3.0 4.2 12.5 0 *97.1 14.3 36.8
6. બિછાત(litter)નાં પર્ણોમાં 0 0 0 26.7 0 *42.8 0
7. બિછાતની નીચે ભૂમિ-સપાટી પર 0 0 4.7 6.7 2.9 28.6 *47.4
* આવી નિશાની કરેલ સૂક્ષ્મ આવાસમાં તે મુખ્યત્વે જોવા મળે છે.

આકૃતિ 1 : Notonecta (ડાબી બાજુ) અને Corixa (જમણી બાજુ)-અર્ધપંખી (Hemiptera) જલીય માંકડ

સાતેય જાતિઓ (સારણી 1) વનના ભોંયતળિયે એક સામાન્ય આવાસમાં થાય છે. અને તે બધાં અપઘટકો (detrivore) હોવાથી એક જ પોષી-કક્ષામાં આવે છે; છતાં સહસ્રપાદની નિશ્ચિત જાતિ નિશ્ચિત સૂક્ષ્મ આવાસમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. થડના કેન્દ્ર તરફથી પર્ણબિછાતની નીચે સુધી અપઘટનના વિવિધ આનુક્રમિક તબક્કા જોવા મળે છે, જેથી એક સામાન્ય આવાસમાં જુદા જુદા સૂક્ષ્મ આવાસો ઉત્પન્ન થાય છે. આમ, Euryurus erythropygus થડના કેન્દ્રના અંત:કાષ્ઠમાં Pseudopolydesmus serratus થડની બાહ્ય સપાટી પર છાલ નીચે; Scytonotus granulatus થડના સપાટી પરના કાષ્ઠમાં, Narceu’s amaricanus થડની નીચે પરંતુ થડની સપાટી પર, Fontaria virginiensis થડની નીચે પરંતુ ભૂમિસપાટી પર, Cleidogonia caesioannularis બિછાતનાં પર્ણોમાં અને Abcion lacterium બિછાતની નીચે ભૂમિસપાટી પર પ્રભાવી રૂપે જોવા મળે છે.

સ્થાનીય નિકેતનું બીજું ઉદાહરણ Setaria glauca (કૂંચી, ઝીપટી ઘાસ) નામના તૃણના કોહવાતા સાંઠા પર થતી ફૂગની ત્રણ જાતિઓનું છે. (શર્મા અને ત્રિવેદી, 1972)

સારણી 2 : Setaria glauca ની વિવિધ આંતરગાંઠો પર 76.8 મિમી. વિસ્તારમાં ફૂગની ત્રણ જાતિઓનાં ફળકાયની સંખ્યા

ક્રમ

 

સૂક્ષ્મ આવાસ

(આંતરગાંઠનો ક્રમ)

Myrothecium

roridum

Myrothecium

Striatisporum

Stagonospora

graminellavar.

var.

ophoides

1. ઉપરની પુષ્પવિન્યાસ 12 10 15
આંતર- 5 9 8 14
ગાંઠો 4 8 6 12
2. નીચેની 3 4 3 8
આંતર- 2 2 1
ગાંઠો 1 1

આ બધી ફૂગ એક સામાન્ય આવાસમાં એટલે કે કોહવાતી આંતરગાંઠો પર થાય છે અને તે અપઘટકોની એક જ પોષીકક્ષા ધરાવે છે; પરંતુ પ્રત્યેક જાતિ ઘાસની ઉપરની આંતરગાંઠો પર વધારે પ્રમાણમાં થાય છે (સારણી 2). આમ, આ ઘાસની ઉપરની અને નીચેની આંતરગાંઠોના બાહ્યાકાર અને અંત:સ્થ રચનાને લગતા તફાવતોને કારણે બે સ્પષ્ટ સૂક્ષ્મ આવાસ બને છે.

(2) પોષી-નિકેત : આ પ્રકાર સજીવની જાતિની પોષી-કક્ષા સાથે સંબંધિત હોય છે. દક્ષિણ અમેરિકાના ગૅલાપેગોસના ટાપુઓમાં થતી પક્ષીઓની વિવિધ જાતિઓનું દૃષ્ટાંત પોષી-નિકેતની સંકલ્પનાની સમજૂતી આપે છે. આ ટાપુઓમાં Geospiza (ભૂમિ પર થતી ચકલીઓની જાતground finches) Camarhynchus (વૃક્ષ પર થતી ચકલીઓની જાતtree finches) અને Certhidia (મધુર કંઠે ગાતી ચકલીની જાત-warbler finch) નામની ત્રણ પ્રજાતિઓ એક સામાન્ય આવાસમાં થાય છે, છતાં પોષી-સ્થાન(trophic position)ની દૃષ્ટિએ તફાવત દર્શાવે છે. વૃક્ષ પર થતી ચકલીઓની એક જાતિ Camarhynchus crassirostrisને પોપટ જેવી ચાંચ હોય છે અને મૂળભૂત રીતે તે વનસ્પતિ-આહારી હોય છે, જ્યારે બાકીની જાતિઓ કીટાહારી હોય છે. તે પૈકી ત્રણ જાતિઓ જુદા જુદા કદનાં કીટકોનું ભક્ષણ કરે છે. અન્ય એક જાતિ C. heliobates મગ્રોવની કળણભૂમિમાં થતા કીટકો પર પોષણ માટે અવલંબિત હોય છે. C. Pollidus (લક્કડખોદ, ચકલીની જાતwood-pecker finch) વૃક્ષની છાલની તિરાડોમાં કીટકોની શોધમાં તે ઉપર ચઢે છે. જોકે તેની ચાંચ લાકડા પર પ્રહાર કરી શકે છે, છતાં તેને લક્કડખોદની જેમ વિતાન્ય (extensible) જીભ હોતી નથી. ભૂમિ પર થતી જાતિઓ પણ વિવિધ પોષી-નિકેત ધરાવે છે. આ જાતિઓનો ખોરાક બીજ છે, છતાં તે બીજ-પ્રકારોની પસંદગીમાં ભિન્નતા દર્શાવે છે અને તેથી તેમને જુદા-જુદા પ્રકારની ચાંચ હોય છે.

આકૃતિ 2 : બહુપારિમાણિક કે બૃહત્કદ નિકેત : (અ) સ્વતંત્ર પરિબળો સહ દ્વિપારિમાણિક નિકેત (આ) આંતરઅવલંબિત દ્વિપારિમાણિક નિકેત; (ઇ) ત્રિપારિમાણિક નિકેત; (ઈ) આચ્છાદિત નિકેત દર્શાવતી બે વસ્તીઓ,

તે જ પ્રમાણે ઍરૂ (mweru), આફ્રિકાની નજીક થતી સુઘરી(weaver-bird)ની જાતિઓ પણ પોષી-નિકેતનું સુંદર ઉદાહરણ છે. Ploceus melanocephalus અને P. Collaris એક જ માળામાં રહેતી જાતિઓ હોવા છતાં એક કીટાહારી અને બીજી બીજ-આહારી છે.

પાણીમાં થતા માંકડ Notonecta અને Corixa બંનેનું રહેઠાણ એક હોવા છતાં Notonecta સક્રિય પરભક્ષી (predator) છે જ્યારે Corixa સડતી વનસ્પતિઓમાંથી પોષણ મેળવે છે.

(3) બહુપારિમાણિક અથવા બૃહત્નિકેત : જી. ઇ. હચિન્સને (1965) આ સંકલ્પના રજૂ કરી. બહુપારિમાણિક નિકેતના અભ્યાસ માટે કોઈ એક નિશ્ચિત પર્યાવરણીય પરિબળ(દા. ત. તાપમાન)ની સજીવની જાતિના જીવન અને પ્રજનન પર સહિષ્ણુતાની મર્યાદાના સંદર્ભમાં અસર તપાસવામાં આવે છે, અને તેનો આલેખ તૈયાર કરવામાં આવે છે. તે જ રીતે અન્ય પરિબળ(દા. ત., સાપેક્ષ ભેજ)નો અભ્યાસ કરવામાં આવે છે. અને આલેખની બીજી ધરી પર દર્શાવવામાં આવે છે. આલેખમાં જોવા મળતી આવરિત જગા તે જાતિનો નિકેત-નિર્દેશ કરે છે. આ બંને પરિબળો(તાપમાન અને સાપેક્ષ ભેજ)ની સ્વતંત્ર અસર હોય તો આવરિત સ્થાન દ્વિપારિમાણિક પેટીના સ્વરૂપે જોવા મળે છે. જોકે તાપમાન અને સાપેક્ષ ભેજની જૈવિક અસરો સ્વતંત્ર હોતી નથી. ઊંચા તાપમાનની સહિષ્ણુતા સાપેક્ષ ભેજના વધારા સાથે સાંકળી શકાય છે. આંતરપ્રક્રિયા કરતાં પરિબળોની આવી સ્થિતિમાં નિકેત પેટી જેવો હોવાને બદલે ઉપવલયાકાર હોય છે. હવે જો પ્રાપ્ય ફૉસ્ફરસની સહિષ્ણુતા પર તાપમાન અને સાપેક્ષ ભેજની આંતરપ્રક્રિયાની અસર થતી હોય તો હવે નિકેત ત્રણેય પરિબળો દર્શાવે છે. અને તે ત્રિપારિમાણિક બને છે.

આકૃતિ 3 : બે જાતિઓના પારિસ્થિતિક નિકેત એટલી હદ સુધી આચ્છાદિત થાય છે જેથી તેમની વચ્ચે તીવ્ર સ્પર્ધા થતાં કાં તો એક જાતિનો અંત આવે છે અથવા નિકેતોનું અપસરણ થાય છે.

સજીવની વસ્તીને ઘણાં પર્યાવરણીય પરિબળો અસર કરતાં હોવાથી નિકેત બહુપારિમાણિક બૃહત્કદ (hypervolume) ધરાવે છે. તે જાતિનો મૂળભૂત (fundamental) નિકેત છે. જો બે જાતિઓના મૂળભૂત નિકેત એકબીજા દ્વારા આચ્છાદિત થતા હોય તો તે બંને જાતિઓ એકબીજા સાથે સ્પર્ધા કરે છે.

જો બે નિકેત પુષ્કળ પ્રમાણમાં આચ્છાદિત થતા હોય તો પ્રાકૃતિક પસંદગી દ્વારા નિકેત-વિસ્થાપન(displacement)ની પ્રક્રિયા શરૂ થાય છે. તેને લીધે રહેઠાણ, ખોરાકની પસંદગી, બાહ્યાકારવિદ્યા, દેહધર્મવિદ્યા અથવા એક કે બંને જાતિઓની વર્તણૂકમાં ફેરફારો થાય છે. આ સંકલ્પના અજૈવ અને જૈવ પરિબળોની સમગ્ર અસર દર્શાવે છે; જેમાં સજીવની નિશ્ચિત જાતિ વિશિષ્ટ રીતે અનૂકૂલન પામેલી હોય છે.

બળદેવભાઈ પટેલ