પારિજાતનાટક (17મી સદી) : કુમાર તાતાચાર્ય-રચિત સંસ્કૃત નાટક. તાંજોરના ગ્રંથાલયમાંથી મળેલ ગ્રંથ અને આંધ્રલિપિની બે પ્રતોને આધારે એનું સંપાદન દેવનાથાચારિયરે કર્યું છે. ભાગવત, હરિવંશ અને વિષ્ણુપુરાણને આધારે એનું કથાવસ્તુ ઘડાયું છે. કવિએ કરેલાં નાટકોચિત સુરેખ પરિવર્તનોને લીધે નાટકનો કાર્યવેગ અને રસ ચરમ કક્ષાએ પહોંચ્યાં છે. અન્વિતિ પણ મોટે ભાગે જળવાઈ રહી છે.

પ્રથમ અંકમાં પ્રસ્તાવના પછી પ્રવેશેલા કલહપ્રિય નારદને ‘પારિજાતહરણથી બંનેમાં મોટો કલહ થાય’ એવી અશરીરી વાણી સંભળાય છે. નારદ શ્રીકૃષ્ણને પારિજાત કુસુમ આપવા જાય છે. માર્ગમાં નારદને શ્રીકૃષ્ણની પરિચારિકા મન્દારિકા શ્રીકૃષ્ણ અને રુક્મિણીની દ્યૂતક્રીડા વિશે સમાચાર આપે છે. શ્રીકૃષ્ણ ઉપરાઉપરી બાજી હારી જાય છે અને હોડ માટેનું દ્રવ્ય તેમની પાસે બચતું નથી. બદલામાં રુક્મિણીએ ‘સકળલોકમાં શ્રેષ્ઠ’ એવું કંઈક લઈ આવવાનું શ્રીકૃષ્ણને કહ્યું હોય છે. એટલે નારદ રુક્મિણીના અંત:પુરમાં પ્રવેશે છે. શ્રીકૃષ્ણ તેમનો આદરસત્કાર કરે છે. નારદને અલૌકિક સુગંધ વિશે પૂછે છે ત્યારે નારદ કહે છે કે આ તો ઇન્દ્રના નંદનવનમાંથી લાવેલા પારિજાતની સુગંધ છે. નારદ તે પુષ્પ શ્રીકૃષ્ણને આપે છે અને શ્રીકૃષ્ણ રુક્મિણીને તે દ્યૂતની હોડમાં મૂકેલી વસ્તુ તરીકે આપે છે. નારદ હવે સત્યભામાને ગુસ્સે કરવા જાય છે. શ્રીકૃષ્ણ પણ સત્યભામા સુલભકોપા હોઈ ગુસ્સે થશે જ એમ વિચારીને તેને શાંત કરવા જાય છે. ત્યાં તેની દાસી કહે છે કે સત્યભામા બે સખીઓ સાથે પ્રમદવનમાં છે.

બીજા અંકમાં શ્રીકૃષ્ણ અને તેમનો મિત્ર વિદૂષક વસન્તક પ્રમદવનમાં પ્રવેશે છે અને લતામંડપમાં છુપાઈને દેવી સત્યભામાનું એકાંત સંભાષણ સાંભળે છે. સત્યભામા સખીઓ સમક્ષ રુક્મિણીએ માધવ પર વશીકરણનો પ્રયોગ કર્યો છે, અને માધવનો જે પહેલાંનો પ્રેમ હતો તે હવે રહ્યો નથી એમ નિ:શ્વાસ સાથે કહે છે ત્યારે અવસર જોઈને શ્રીકૃષ્ણ અને વસન્તક પ્રવેશે છે અને જવા ઇચ્છતી પ્રણયકુપિતા સત્યભામાને રોકીને કોપનું કારણ પૂછે છે. સત્યભામા જવાબ આપતી નથી. શ્રીકૃષ્ણ કહે છે, ‘એ તો નારદે જ સાક્ષાત્ રુક્મિણીને આપ્યું હતું, મેં નહિ. તારે તે પુષ્પ જોઈતું હોય તો હું આપું.’ સત્યભામા આથી વધારે ગુસ્સે થાય છે અને રડવા લાગે છે. આખરે શ્રીકૃષ્ણ સ્વર્ગમાંથી પારિજાતવૃક્ષ લાવીને સત્યભામાના પ્રાંગણમાં રોપવાનું વચન આપે છે. બીજા અંકના અંતે કૃષ્ણ આવેલા તાપસોને સત્કારવા જાય છે.

ત્રીજા અંકમાં બલદેવ વગેરેથી ઘેરાયેલા કૃષ્ણ સભામાં પ્રવેશે છે. તાપસો પ્રવેશીને આશીર્વચનો ઉચ્ચારે છે. કૃષ્ણ સત્કાર કરીને તેમનું કુશળ પૂછે છે. પ્રત્યુત્તરમાં ઋષિઓ નરકાસુરે હરી લીધેલાં અદિતિનાં કુંડળ, વરુણનું છત્ર, તેણે કરેલો ધર્મનો અપલાપ, અસંખ્ય રાજકન્યાઓનું બળપૂર્વક હરણ વગેરે ઉપદ્રવોનું નિરૂપણ કરે છે. શ્રીકૃષ્ણ નરકાસુરના વધની પ્રતિજ્ઞા કરીને ઋષિઓને વિદાય કરે છે. પછી પારિજાતનું હરણ અને નરકાસુરનો વિનાશ આ બે અનિવાર્ય કાર્યો માટે માધવ બળરામ અને ઉદ્ધવ સાથે મંત્રણા કરે છે. દરમિયાન નરકાસુરે કેદ કરેલી રાજકન્યાઓનું વૃત્તાંત જાણવા કૃષ્ણે મોકલેલો રાજહંસ નામનો દૂત આવે છે. પ્રણામપૂર્વક યુવતીઓનો પ્રેમસંદેશ આપે છે. તેમનું ચિત્રપટ જોઈ કૃષ્ણ પણ તેમના પ્રેમમાં પડે છે. સત્યભામા પારિજાત સંબંધી ઉપાલંભ આપે છે. કૃષ્ણ સત્યભામા અને પ્રદ્યુમ્ન સાથે પ્રાગ્જ્યોતિષ જવા નૌકા તૈયાર કરવાનો આદેશ આપે છે અને પ્રાગ્જ્યોતિષપુર પહોંચે છે તથા નરકાસુર સાથે યુદ્ધ માટે સજ્જ થાય છે.

ચોથા અંકમાં નારદ અને તેમનો મિત્ર પર્વત આકાશમાંથી યુદ્ધ નિહાળે છે. તેઓ નરકના સેનાપતિ નિશુંભ, હયગ્રીવ, મુર, પંચજન વગેરે સાથેના અતિઘોર યુદ્ધનું વર્ણન કરે છે. પ્રદ્યુમ્ન લડતાં થાકે છે ત્યારે વાસુદેવ યુદ્ધમાં ઊતરે છે અને નરકાસુરનો વધ કરે છે.

પાંચમા અંકમાં રાજકન્યાઓને દ્વારકા મોકલવામાં આવે છે અને ગરુડ પર સવાર થઈ શ્રીકૃષ્ણ દેવલોકમાં જઈને ઇન્દ્રને હરાવે છે તથા પારિજાતને હરીને દ્વારકા આવે છે. સ્વર્ગથી દ્વારકા સુધીના માર્ગમાં આવતા લોકાલોક પર્વત, ચન્દ્રોદય, રત્નાકર, મન્દરપર્વત વગેરેનું નિરૂપણ શ્રીકૃષ્ણ કરે છે. બલરામ, ઉદ્ધવ વગેરે પારિજાતની સુગંધ માણતા કૃષ્ણનું સ્વાગત કરે છે અને રાજકન્યાઓ સાથે કૃષ્ણના વિવાહનું મુહૂર્ત નિશ્ચિત થાય છે, મંગળ ગવાય છે. નારદના ભરતવાક્ય સાથે નાટક સમાપ્ત થાય છે.

નાટકનો પ્રધાન રસ શૃંગાર છે. વીર પણ મહત્વનો અંગભૂત રસ છે. ત્રણ અંકો સુધી કાર્યવેગ સરસ જળવાયો છે, પણ ચોથા અંકમાં યુદ્ધના અને પાંચમામાં માર્ગનાં વર્ણનોમાં થોડું લંબાણ થયું છે, જે રસક્ષતિ કરે છે. નાટક પંચસંધિઓને અનુસરે છે. કૃષ્ણ દક્ષિણ નાયક છે. રુક્મિણી અને સત્યભામા અનુક્રમે ધીરા-જ્યેષ્ઠા અને અધીરા નાયિકાઓ છે. નાટકમાંના વિવિધ સંવાદો પ્રેક્ષકોને જકડી રાખે છે. વસન્તકનું પાત્ર હાસ્ય નિપજાવે છે અને કાલિદાસના વિદૂષકનું સ્મરણ કરાવે છે. નારદ ‘પારિજાતહરણ’ માટે મહત્વનો ભાગ ભજવતા હોઈ એ બીજું મહત્વનું પાત્ર છે. બલરામ, ઉદ્ધવ, દૂત વગેરે ગૌણ પાત્રો છે.

પારુલ માંકડ