પારિજાતક : દ્વિદળી વર્ગમાં આવેલા ઓલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nyctanthes arbortristis Linn. (સં. પારિજાતક; હિં. હારસિંગાર; બં. શિઉલી) છે. ઘણા વનસ્પતિશાસ્ત્રીઓ તેને વર્બીનેસી કુળમાં મૂકે છે. કેટલાક તેને નીકટેન્થેસી નામના સ્વતંત્ર કુળમાં વર્ગીકૃત કરે છે.
આ વૃક્ષનું મૂળ વતન હિમાલયની પર્વતમાળા છે. ત્યાં તે નૈસર્ગિક રીતે ઊગે છે. આ ઉપરાંત નેપાળમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી તથા રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને આંધ્રમાં ગોદાવરીના તટ-પ્રદેશમાં પણ તે જોવા મળે છે. જોકે તેનો ઉછેર સર્વત્ર કરવામાં આવે છે, કારણ કે તેનાં પુષ્પો ખૂબ સુંદર નાજુક અને સુવાસિત હોય છે. તે પુષ્પો સફેદ રંગનાં અને કેસરી દાંડલીવાળાં હોય છે. પારિજાતક મહાક્ષુપ કે નાના વૃક્ષ રૂપે વધારેમાં વધારે 10 મી. ઊંચું હોય છે. તેને ભૂખરી કે લીલાશ પડતી સફેદ ખરબચડી છાલ હોય છે અને તેની અંતિમ શાખાઓ ચોખંડી હોય છે. આ શાખાઓ નતરોમી (strigose) હોય છે.
પર્ણો સાદાં, સમ્મુખ, અનુપપર્ણીય, અંડાકાર, તીક્ષ્ણ, પર્ણકિનારી દંતુર, પર્ણસપાટી ઉપરની બાજુએ ખરબચડી (scabrous) અને નીચેની બાજુએ ગાઢ રોમિલ હોય છે. પુષ્પો ત્રિશાખી પરિમિત (trichotomous cyme) પ્રકારે ગોઠવાયેલાં, દલચક્ર દીપકાકાર, સુગંધિત અને આકર્ષક હોય છે. પુષ્પો ખીલતાંની સાથે તરત જ ખરી પડે છે. ફળ ચપટું-કાષ્ઠમય હોય છે.
તેનાં પર્ણો બરછટ હોવાથી સૅન્ડપેપરની જેમ હાથીદાંતનાં આભૂષણો અને બનાવટ ઉપર ઘસવામાં કામ આવે છે. તેનાં સુગંધિત પુષ્પોમાંથી હાર, વેણી બનાવવામાં આવે છે. તેનાં પુષ્પોમાં બાષ્પશીલ સુગંધિત પદાર્થ રહેલો છે. જ્યારે તેની કેસરી રંગની દાંડીમાં નિકટેન્થીન રહેલું છે. તે ગ્લુકોસાઇડ રૂપે હોય છે. તેનો ઉપયોગ રેશમી અને ઊની કપડાંને રંગવામાં થાય છે. તેનાં બીજનાં મીંજમાં સ્થાયી તૈલી પદાર્થ રહેલો હોય છે. તે લીનોલીક ઍસિડનાં ગ્લિસરાઇડ્ઝ છે. આ ઉપરાંત તે ઓલીક, સ્ટિયરિક, પામિટિક અને મિરિસ્ટિક ઍસિડ ધરાવે છે. તેનાં પર્ણોમાં ટૅનિક ઍસિડ, મિથાઇલ સૅલિસિલેટ, મૅનિટોલ, એસ્કૉર્બિક ઍસિડ અને કૅરોટીન હોય છે. તેની છાલમાં ગ્લાયકોસાઇડ અને બે આલ્કેલૉઇડ્ઝ રહેલાં છે. ગ્લાયકોસાઇડ ઓછી માત્રામાં દેડકાના હૃદયના કંપવિસ્તાર(amplitude)ને વધારે છે, જ્યારે વધારે માત્રામાં અનુશિથિલન (diastolic) ગાળો ઘટી જતાં હૃદય બંધ પડી જાય છે. તે મધ્યસ્થ ચેતાતંત્રનું અવનમન (depress) કરે છે. જલદ્રાવ્ય આલ્કેલૉઇડ અન્નનળીના કેશીય હલનને સક્રિય બનાવે છે. જોકે ગ્લુકોસાઇડ અને આલ્કેલૉઇડની રક્તદાબ અને શ્વસન ઉપર અસર નહિવત્ હોય છે. તેનું કાષ્ઠ (વજન 880 કિગ્રા./ઘમી.) બદામી રંગનું, મધ્યમ પ્રકારનું મજબૂત હોય છે, જેનો ઉપયોગ છાપરું બનાવવામાં કરવામાં આવે છે. કુમળી શાખાઓમાંથી છાબડી અને ટોપલા બનાવવામાં આવે છે. છાલમાંથી ટૅનિન મેળવવામાં આવે છે.
આયુર્વેદ અનુસાર તે રેચક, કફોત્સારક, પિત્તરોધી (antibilious), મૂત્રવર્ધક, પ્રસ્વેદક અને પિત્તરેચક (cholagogue) છે. બાળકોના પેટમાં રહેલા ગોળ અને સૂત્ર જેવા કૃમિઓને માટે છાલનો ઉકાળો અપાય છે. છાલનો ઉકાળો કફોત્સારક ગણાય છે.
ગૃધ્રસી, તાવ, કફવૃદ્ધિ અને દમ પર તેનાં છાલ અને પાન વપરાય છે. તેનો ઉપયોગ ઢોરોને ચઢતા કોદરાના વિષ પર કરવામાં આવે છે. ખરજવું, ગલગંડ, દાદર, ઉદકમેહ, ખોડો અને સર્પદંશ પર તેનો ઉપયોગ થાય છે. આ વનસ્પતિને ઊધઈ ખાતી નહિ હોવાથી છાપરાં પર તેની ડાળીઓનું છાજ કરવામાં આવે છે.
કુકના મત પ્રમાણે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ નૈસર્ગિક રીતે ઊગતું વૃક્ષ નથી. રૉક્સબર્ગે આ વનસ્પતિને ઉછેરાતી સ્થિતિમાં જોઈ છે, જ્યારે ડાલઝેલે તેને નૈસર્ગિક સ્વરૂપે જંગલમાં નિહાળી છે. ગુજરાતભરમાં સુગંધિત પુષ્પ માટે તે ઉછેરાય છે. કટકા-કલમ દ્વારા અથવા ભેટકલમ દ્વારા તેને સહેલાઈથી ઉછેરી શકાય છે. એનાં પુષ્પોની મધુર સુવાસ મનને પ્રફુલ્લિત કરે છે. પુષ્પો એટલી મોટી સંખ્યામાં થાય છે કે આખું વૃક્ષ તેનાથી ઢંકાઈ જાય છે. પુષ્પો તરત જ ખરી પડે છે. તેથી વૃક્ષ નીચે સફેદ પુષ્પની ચાદર પાથરેલી હોય તેવું લાગે છે. વૈષ્ણવ હવેલીમાં શ્રીજીની પૂજામાં, ફૂલમંડળીમાં તેનાં પુષ્પોનો મોટાભાગે ઉપયોગ કરવામાં આવે છે.
જૈમિન વિ. જોશી
મ. ઝ. શાહ
આદિત્યભાઈ છ. પટેલ