પારાશર્ય મુકુન્દરાય
January, 1999
પારાશર્ય, મુકુન્દરાય (જ. 13 ફેબ્રુઆરી 1914, મોરબી; અ. 19 મે 1985, ભાવનગર) : ઉપનામ : ‘પારાશર્ય’, ‘માસ્તર’, ‘પ્રભુરામ વ. શાસ્ત્રી’, ‘અકિંચન’, ‘મકનજી’. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણી તથા રાજકોટ ખાતે; માધ્યમિક શિક્ષણ રાજકોટ તથા ભાવનગર ખાતે અને ઉચ્ચ શિક્ષણ ભાવનગરમાં. બી.એ. (1940) અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે.
ધર્મપરાયણ અને સાહિત્યસેવી પરિવારમાં ઉછેર; મોટીબા, માતાપિતા અને પ્રભાશંકર પટ્ટણીના ગાઢ સંસ્કાર; સાહિત્યાનુરાગી શિક્ષકોનું માર્ગદર્શન; પ્રબોધ ભટ્ટ, ભૃગુરાય અંજારિયા, હરિવલ્લભ ભાયાણી આદિ સાહિત્યાનુરાગી મિત્રોનો ગાઢ સંપર્ક; સૌરાષ્ટ્રનાં સ્થળોનો પગપાળા પ્રવાસ; ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનું ઊંડું અને વ્યાપક વાચન; ભાગવતનું સતત પારાયણ; સ્વાતંત્ર્યની ચળવળનું પ્રેરક વાતાવરણ; સંગીત, ચિત્ર વગેરે કલામાં ઊંડી અભિરુચિ વગેરે તેમની સર્જકપ્રતિભાને પ્રભાવિત કરનારાં પરિબળો હતાં.
શુદ્ધ, સૌંદર્યલક્ષી કવિતાધારાના આ વિશિષ્ટ કવિની કવિતામાં સંસ્કૃત પરંપરાનું, મધ્યકાલીન તથા અર્વાચીન ગુજરાતી કવિતાનું અનુસંધાન સાંપડે છે. ભાવની સચ્ચાઈ અને ગહનતા, ચિત્રાત્મક અભિવ્યક્તિ, અર્થસભરતા, પ્રાસાદિકતા અને મંજુલ કાવ્યબાની તેમની કવિતાની તરી આવતી લાક્ષણિકતાઓ છે. ભક્તિકવિતામાં અને મુક્તક-સ્વરૂપમાં તેમની સિદ્ધિ સવિશેષ ઉલ્લેખનીય છે. ‘અર્ચન’ (પ્રબોધ ભટ્ટ સાથે, 1938), ‘સંસૃતિ (1941) અને ‘ભદ્રા’ (1980) એ કાવ્યસંગ્રહો ઉપરાંત ઋજુભાવોને પ્રાસાદિક બાનીમાં અને મધુર ઢાળોમાં આલેખતાં ગીતોનો સંગ્રહ ‘ફૂલ ફાગણનાં’ (1956), વ્યંગ્યાર્થથી દીપ્તિવંત સુચારુ મુક્તકોનો સંગ્રહ ‘દીપમાળા’ (1960), ઉત્કટ ભક્તિભાવને સરળ સહજ રીતે મુખ્યત્વે લોકઢાળમાં આલેખતાં પદોના સંગ્રહો ‘કંઠ ચાતકનો’ (1970) અને ‘પ્રાણ પપૈયાનો’ (1979), જીવની શિવઝંખનાને આલેખતું, ‘મેઘદૂત’ પરથી પ્રેરિત વિશિષ્ટ કાવ્ય ‘અલકા’ (1981) અને ભાગવતનાં સુદામા અને ગજેન્દ્રમોક્ષનાં કથાનકોને ભક્તિપૂર્ણ રીતે આલેખતાં ‘બે આખ્યાનો’ (1983) તેમની પાસેથી સાંપડ્યાં છે. ‘शिवस्तुति’(1977)માં પોતાની, પિતા વિજયશંકરની અને પ્રબોધ ભટ્ટની શિવસ્તુતિઓ સંગૃહીત કરી છે.
‘સત્યકથા’ : 1, 2, 3, (1966, 1984, 1985), ‘‘સત્વશીલ’ (1978), ‘મારાં મોટીબા અને બીજી સત્યકથાઓ’ (1981) તથા ‘મારી મા’ (1985) પારાશર્યનાં યશોદાયી વ્યક્તિચિત્રોના સંગ્રહો છે. અને ‘પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન’ (1983) અરૂઢ રીતિનું જીવનચરિત્ર છે. ઉદાત્ત જીવનષ્ટિ, વૈવિધ્યપૂર્ણ, પ્રભાવક ઘટનાઓનું રસમય આલેખન અને તેજસ્વી પાત્રસૃષ્ટિ આ વ્યક્તિચિત્રોને આસ્વાદ્ય અને પ્રેરક બનાવે છે. એમાં પ્રયોજાયેલું સરળ અને પારદર્શક ગદ્ય પારાશર્યને સારા ગદ્યકાર તરીકે સ્થાપે છે. પ્રેમ અને ત્યાગની રસમય કથા આલેખતી લઘુનવલકથા ‘ઊર્મિલા’(1943)માં નિરૂપણની કલાત્મકતા છે. આગવો દૃષ્ટિકોણ અને જીવંત વાતાવરણથી ‘દેવકુસુમ’(1945)માંની ચાર પૌરાણિક વાર્તાઓ રસપ્રદ બની છે. સંવાદાત્મક રજૂઆત ધરાવતા ‘મારા ગુરુની વાતો’ (1976)ના નિબંધો તથા ‘ગૃહસ્થાશ્રમ અને બીજા નિબંધો’(1991)માં ચિંતનને અત્યંત સરળ-સચોટ રીતે રજૂ કરવામાં પારાશર્યની સિદ્ધિ છે. ‘આલેખનની ઓળખ’ (1980) અને ‘રુચિનો દોર’(1995)ના વિવેચનલેખો દ્વારા પારાશર્ય સહૃદય, તટસ્થ ભાવક હોવાની પ્રતીતિ થાય છે, તેમની સૂક્ષ્મ અને પરિપક્વ સાહિત્યસૂઝનો તથા સંશોધનદૃષ્ટિનો પરિચય સાંપડે છે. ઊર્મિલા (1943, 1998) અને ‘ગૌરી’ (2004) એમની નવલકથાઓ છે.
આ ઉપરાંત પારાશર્યે કરેલાં સંપાદનો આ મુજબ છે : વિજયશંકર પટ્ટણીનાં પુસ્તકો ‘જૂના સાથીઓ અને બીજી વાતો’ (1958), ‘બે નિબંધો’ (1960), ‘અનુબાબાની વાતો’ (1965), ‘સંસ્કૃતમાં લખાયેલ ‘अनुचिन्तनम्’ (અનુવાદ સાથે) (1966), ‘ર્જીણમંદિર’ (1968), ‘અધિકાર અને રાજ્યાધિકાર’ (1972). ‘સરોરુહ’ (1983) અને ‘કેશવકૃતિ’ (1983) અનુક્રમે પ્રબોધ ભટ્ટ અને ભક્ત કવિ કેશવલાલ હ. ભટ્ટનાં કાવ્યોનાં સંપાદન છે. ‘સ્વામી રામદાસનો ઉપદેશ’ (1957) અંગ્રેજીમાંથી કરેલો અનુવાદ છે. મુકુન્દરાય વિ. પારાશર્ય સ્મૃતિગ્રંથ ત્રણ ભાગમાં અનુક્રમે 1. ‘સ્મૃતિદર્શન’, 2. ‘છીપે પાક્યાં મોતી’ અને 3. ‘પારાશર્યનું ભાવવિશ્વ’નામે પ્રસિદ્ધ થયો છે, જેનું સંપાદન કનુભાઈ જાની, દિલાવરસિંહ જાડેજા અને હરિકૃષ્ણ પાઠકે કર્યું છે. તેમનાં ઘણાં કાવ્યો, વાર્તાઓ અને લેખો અપ્રસિદ્ધ છે.
તેમના ‘પ્રાણ પપૈયાનો’ને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું, ‘સત્યકથા : 1’ને તથા ‘મારાં મોટીબા અને બીજી સત્યકથાઓ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિક પ્રાપ્ત થયેલ. ‘સત્વશીલ’ને 1978નો નર્મદ સુવર્ણચંદ્રક પણ સાંપડેલો.
સનતકુમાર દિ. મહેતા