પારસન્સ, ટૉલકૉટ (જ. 13 ડિસેમ્બર 1902, કૉલારાડો સ્પ્રિંગ્ઝ, કૉલારાડો, યુ.એસ.; અ. 8 મે 1979, મ્યૂનિક, વેસ્ટ જર્મની) : જાણીતા અમેરિકન સમાજશાસ્ત્રી. પિતા એડ્વર્ડ પારસન્સ એ જ શહેરના ધાર્મિક સમુદાયના મિનિસ્ટર હતા. તેમણે સામાજિક સુધારક તરીકે સામાજિક સુધારણાના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું આખું કુટુંબ સામાજિક સુધારણાના રંગે રંગાયેલું હતું.
ટૉલકૉટે કોલંબિયાની એક્સપેરિમેન્ટલ બૉયઝ હાઈસ્કૂલમાં શરૂઆતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 1920માં કૉલેજમાં જીવશાસ્ત્રી બનવાના ધ્યેયથી પ્રવેશ મેળવ્યો, પરંતુ તેમને સામાજિક વિજ્ઞાનોમાં વધારે રસ હતો; તેથી 1924માં ઍમહર્સ્ટ કૉલેજમાંથી સમાજવિજ્ઞાનમાં સ્નાતકની ઉપાધિ મેળવી. વૉલ્ટર હૅમિલ્ટન અને ક્લૅરન્સ આયર્સ જેવા વિદ્વાનો પાસેથી તેઓ સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર શીખ્યા. 1924-25માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાં ઉચ્ચ અભ્યાસ કર્યો. આ સમય દરમિયાન હૅરોલ્ડ લાસ્કી, આર. એચ. ટોને, એલ. ટી. હૉબહાઉસ, ગિનિસબર્ગ જેવા વિદ્વાનોથી આકર્ષાયા. મેલિનોસ્કી અને રેડક્લિફ બ્રાઉન જેવા સામાજિક માનવશાસ્ત્રીઓથી તેઓ અત્યંત પ્રભાવિત થયા. પારસન્સને પોતાનો સિદ્ધાંત વિકસાવવામાં બૌદ્ધિક અનુભવના સ્તરે આ બધા વિદ્વાનો મદદરૂપ બન્યા. ત્યારપછી તેઓ એક વર્ષ માટેની ફેલોશિપ મેળવી હેડલબર્ગ યુનિવર્સિટીમાં દાખલ થયા. તેઓ વેબરના કાર્યથી પ્રભાવિત થયા. વેબરના કાર્યને જાણવા અને સમજવા માટે તેમણે જર્મન ભાષાનો અભ્યાસ કર્યો. 1927માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રી જોસેફ શૂમપીટર સાથે કાર્ય કરવાની તક મળી. 1931માં સમાજશાસ્ત્રનો અલગ વિભાગ સ્થાપવામાં આવતાં પારસન્સની અર્થશાસ્ત્રમાંથી સમાજશાસ્ત્રમાં બદલી કરવામાં આવી. તે પછી તેઓ સામાજિક મનોવિજ્ઞાનના વિકાસ તરફ વળ્યા તથા સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને માનવશાસ્ત્રને એકબીજા સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો. 1944માં સમાજશાસ્ત્ર વિભાગના તેઓ અધ્યક્ષ બન્યા. 1946માં પારસન્સના અધ્યક્ષપણા હેઠળ સામાજિક સંબંધોના આંતરવિદ્યાશાખાકીય વિભાગની સ્થાપના કરી. 1956 સુધી તેમણે આ હોદ્દો જાળવી રાખ્યો. એ પછી 1960થી 1973 દરમિયાન બનેલી ઘટનાઓ સમજવા નવો અભિગમ અપનાવવાની તેમને જરૂર જણાઈ. 1973માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી નિવૃત્તિ લીધી. ત્યારબાદ પણ તેઓ સક્રિય રહ્યા અને વિવિધ વિષયો ઉપર પોતાનું લેખનકાર્ય તેમણે ચાલુ રાખ્યું.
તેમણે કરેલ શોધ-અભ્યાસ ‘ધ કન્સેપ્ટ ઑવ્ કૅપિટાલિઝમ ઇન રિસેન્ટ જર્મન લિટરેચર’ને માટે હેડલબર્ગ યુનિવર્સિટીએ તેમને પીએચ.ડી.ની પદવી એનાયત કરી.
સમાજશાસ્ત્રમાં તે સિદ્ધાંત-પ્રસ્થાપક તરીકે પ્રતિષ્ઠિત છે. તેમણે આપેલો સામાજિક ક્રિયાનો સિદ્ધાંત વર્તનવાદ સાથે નિકટ સંબંધ ધરાવે છે; જેમાં બાહ્ય ઉદ્દીપકોની સાથે મનોવૈજ્ઞાનિક તત્ત્વો અને અન્ય પરિસ્થિતિ પણ મહત્વનાં હોય છે. તેમાં વ્યક્તિનું ભૂમિકા તથા કાર્યનું મુખ્ય મહત્વ હોય છે. વિવિધ વ્યક્તિઓ ભેગી મળે છે ત્યારે સામાજિક ક્રિયા ઉદભવે છે. આ ક્રિયા કરવા માટે વ્યક્તિએ નિશ્ચિત ભૂમિકા અદા કરવી પડે છે એવી તેમની રજૂઆત હતી.
પારસન્સે રચનાતંત્રીય કાર્યાત્મકવાદ હેઠળ વ્યવસ્થા, વ્યવસ્થાની જરૂરિયાતો, વ્યવસ્થાના ભાગોની પરસ્પરાવલંબિતા તથા વ્યવસ્થાની સ્થિરતા ઉપર વિશેષ ભાર મૂક્યો છે.
સમાજવિદ્યાને એક અલગ સુગ્રથિત શાસ્ત્ર તરીકે વિકસાવવામાં પારસન્સે મહત્વની ભૂમિકા અદા કરી છે.
તેમના ગ્રંથોમાં ‘ધ સ્ટ્રક્ચર ઑવ્ સોશિયલ એક્શન’ (1937), ‘ધ સોશિયલ સિસ્ટમ’ (1951), ‘ટાવર્ડ અ જનરલ થિયરી ઑવ્ એક્શન’ (1951), ‘ફેમિલિ સોશિયલિઝન ઍન્ડ ઇન્ટરએક્શન પ્રોસેસ’ (1955) તથા સોસાયટી ઇવોલ્યુશનરી ઍન્ડ કમ્પરેટિવ પર્સપેક્ટિવઝ (1966) વગેરેનો સમાવેશ થાય છે.
હર્ષિદા દવે