પારસ (સફેદો) : દ્વિદળી વર્ગના ઓલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum flexile Vahl. (J. caudatum Wall. સહિત) છે. તે આસામ, આકા, લુશાઈ, ખાસી અને દક્ષિણ ભારતની ટેકરીઓ તેમજ પશ્ચિમઘાટમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી જોવા મળતી મોટી વેલ છે. તેની છાલ સફેદ, પર્ણો સામાન્યત: ત્રિપર્ણી, પંજાકાર સંયુક્ત; સમ્મુખ, અગ્ર પર્ણિકા 5 સેમી.થી 10 સેમી. લાંબી અને અણીવાળી, પાર્શ્વ પર્ણિકાઓ નાની; પુષ્પવિન્યાસ નાજુક લઘુપુષ્પગુચ્છી (panicle); દલપત્રો સફેદ, અણીવાળા કે કુંઠાગ્ર (obtuse); બીજાશય ઉપવલયી (ellipsoid).

આ જાતિ ખૂબ વૈવિધ્યવાળી (variable) છે. તેની ત્રણ જાત, var. travancorense, var. ovata અને var. hookeriana ઓળખી શકાઈ છે. ત્રાવણકોરેન્સ જાત દક્ષિણ ભારતમાં કેરળ સુધી પશ્ચિમ દરિયાકિનારે ઓછી ઊંચાઈએ થાય છે, જ્યારે બીજી બે જાત અનુક્રમે ખાસી અને લુશાઈ ટેકરીઓ પર જોવા મળે છે. બિહાર, બંગાળ, ખાસી, લુશાઈ અને આંદામાનના ટાપુઓમાં મળતી J. caudatum Wall જાતિ ‘હૂકરિયાના’ જાત સાથે ગાઢ  સામ્ય ધરાવે છે અને તેથી તેને J. flexile સાથે જોડી દેવામાં આવી છે.

આ વનસ્પતિ તેનાં સુગંધિત પુષ્પો માટે વાવવામાં આવે છે. તેને ફૂલ લગભગ આખા વર્ષ દરમિયાન આવે છે, પરંતુ ઠંડીના મહિનાઓમાં વધારે પ્રમાણમાં આવે છે. ચોમાસાની શરૂઆતમાં પુષ્પનિર્માણ શરૂ થાય છે; અને ધીમે ધીમે આખી વેલ પુષ્પોથી ભરાઈ જાય છે. તેનાં પુષ્પો J. officinale forma grandiflorum(ચમેલી)ને મળતાં આવે છે; છતાં તેની સુગંધી ઊતરતી કોટિની હોય છે. પુષ્પ આવી ગયા પછી તેની છટણી (pruning) કરવાથી તે વ્યવસ્થિત રહે છે.

પ્રસર્જન કટકારોપણ (cutting), દાબકલમ કે ગુટીથી થાય છે. J. officinale (ચમેલી), J. sambac (મોગરો) તેની અત્યંત નિકટની જાતિઓ છે.

મ. ઝ. શાહ