પારનેરા : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં આવેલી ટેકરી અને તે જ નામ ધરાવતું ગામ. ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વ ધરાવતી પારનેરાની ટેકરી વલસાડ શહેરથી આશરે 6 કિમી. દૂર દક્ષિણમાં 20o 33′ ઉ. અ. અને 72o 57′ પૂ. રે. પર આવેલી છે. જંગલ-આચ્છાદિત આ ટેકરીની દક્ષિણે તેની નજીકમાં જ પાર નદી વહે છે. પ્રાકૃતિક રચનાના સંદર્ભમાં જોતાં તે દરિયાકાંઠાનાં આશરે 27 મીટરની ઊંચાઈવાળાં મેદાનોમાં સ્પષ્ટપણે જુદી તરી આવે છે અને સમુદ્રસપાટીથી તે લગભગ 187 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. તેનો શિખરભાગ વ્યૂહાત્મક દૃષ્ટિએ અગત્યનો હોવાથી તેના પર કિલ્લાનું બાંધકામ કરવામાં આવેલું છે.
સર્વપ્રથમ ધરમપુરના રાજાએ તેના પર કિલ્લો બંધાવ્યો હતો. ત્યાર-પછી આ પ્રદેશ પંદરમી સદીના અંતમાં મુસ્લિમ સુલતાનોના હાથમાં રહેલો. પોર્ટુગીઝ લેખકોના મત મુજબ આ ટેકરી પર 1558 અને 1568માં એમ બે વાર સંશોધન-સફરો ખેડવામાં આવેલી. બીજી વારની સંશોધન-સફરમાં તેના પર આવેલા કિલ્લાને તોડી પાડવામાં આવ્યો હતો.
1676માં છત્રપતિ શિવાજીના મુખ્ય સરદાર મોરોપંતે આ કિલ્લાનું પુનર્નિર્માણ કરાવેલું અને ત્યારપછી લગભગ એક સદી સુધી આ ટેકરી પરનો કિલ્લો મરાઠા શાસન હેઠળ રહ્યો, પણ 1780માં અંગ્રેજ લશ્કરે તેનો કબજો મેળવી લીધો. આ કિલ્લામાં તે પછીથી લશ્કરી ટુકડીઓ તથા શસ્ત્રસરંજામ રાખવામાં આવતાં હતાં. ખાસ કરીને તો પીંઢારાઓનો સામનો કરવા માટે લશ્કરી ટુકડીઓ આ ટેકરી પરના કિલ્લાનો ઉપયોગ કરતી હતી. ઓગણીસમી સદીની શરૂઆતમાં અહીં રાખવામાં આવેલા લશ્કરને તેમજ 1857ના સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન શસ્ત્રસરંજામને અન્યત્ર ખસેડી લેવામાં આવ્યાં. આજે આ ટેકરી પર કિલ્લાનાં માત્ર ખંડિયેરો જોવા મળે છે.
આ ટેકરીની નજીકમાં જ તેના ઈશાન ભાગમાં આવેલા મેદાનમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 8 પસાર થાય છે. રસ્તાની આસપાસ લંબગોળાકારમાં પારનેરા ગામ વસેલું છે. ગામમાં ટપાલકચેરી, દવાખાનું, પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ વીજળીની સુવિધા છે.
બીજલ પરમાર