પારજાતીયતા (transsexualism)
January, 1999
પારજાતીયતા (transsexualism) : જાતિપરિવર્તન-અભિમુખતા. પોતાની જાતિ (sex) સાથેના તાદાત્મ્યની વિકૃતિ તેમાં પરિણમે છે. એમાં વ્યક્તિ પોતાની જાતીય ભૂમિકાને અને જાતિને ઉલટાવવા માગે છે. તેની દેહરચના અને જનનાંગો પોતાની જાતિ મુજબનાં સામાન્ય હોય છે, છતાં વ્યક્તિને એવું લાગે છે કે પોતે સામી જાતિની છે. પુરુષનો દેહ ધરાવનાર પારજાતીય વ્યક્તિ માને છે કે પોતે મન અને આચારવિચાર પ્રમાણે સ્ત્રી જ છે. સ્ત્રીનો દેહ ધરાવતી પારજાતીય વ્યક્તિ પોતાને માનસિક રીતે પુરુષ માને છે. આવી વ્યક્તિ નથી હોતી ગાંડી કે નથી હોતી સજાતીય કામુક (homosexual).
આવી વ્યક્તિને પોતાને જન્મથી મળેલાં જાતીય અંગો અને દેહરચનાથી તીવ્ર અસંતોષ હોય છે. તેને પોતાનાં જનનાંગો બદલવાનું મન થાય છે. તેને વિજાતીય વ્યક્તિની જેમ વર્તવાની, વિજાતિને યોગ્ય પ્રવૃત્તિઓ કરવાની અને સામી જાતિને યોગ્ય કપડાં પહેરવાની સતત અને તીવ્ર ઇચ્છા થાય છે. તેથી તે ઘણી વાર ખાનગીમાં અને કેટલીક વાર જાહેરમાં પણ એવું કરે છે. લોકો પોતાને સામી જાતિની વ્યક્તિ ગણે અને એ પ્રમાણે પોતાની સાથે વર્તે એવું તે ઇચ્છે છે.
વિજાતીય વેશધારણ (transvestism) અને પારજાતીયતા વચ્ચે તફાવત રહેલો છે. વિજાતીય વેશધારણમાં વ્યક્તિ વિરુદ્ધ જાતિનો કેવળ વેશ ધારણ કરે છે અને આ વેશ તેનામાં જાતીય ઉત્તેજના પેદા કરે છે. બીજી બાજુ પારજાતીયતામાં વ્યક્તિ વિજાતીય ભૂમિકા ભજવે છે અને તેમાં જાતીય ઉત્તેજના થતી નથી; પરંતુ રાહત અનુભવે છે. પારજાતીય વ્યક્તિઓનું સંપૂર્ણ તાદાત્મ્ય વિરુદ્ધ જાતિ સાથે હોઈ કેટલીક વાર ઔષધોપચાર કે શસ્ત્રક્રિયા દ્વારા જાતિપરિવર્તન કરાવવામાં આવે છે અને ત્યારબાદનું જીવન વિજાતીય વ્યક્તિ તરીકે જીવે છે. આવી સૌપ્રથમ શસ્ત્રક્રિયા 193૦માં થઈ હતી. હવે આવી શસ્ત્રક્રિયા વ્યાપક બની છે. અમેરિકાના ટેનિસના ખેલાડી ડૉ. રિચાર્ડ સ્કિન્ડનો કિસ્સો જાણીતો છે. તેમણે એક વર્ષના પરિણીત જીવન બાદ, એક બાળકના પિતા બન્યા બાદ, સ્ત્રીના જાતીય અંત:સ્રાવની સારવાર લીધી અને 41 વર્ષની વયે શસ્ત્રક્રિયા કરાવી પુરુષમાંથી સ્ત્રી બન્યા. શસ્ત્રક્રિયા બાદ મોટાભાગની વ્યક્તિઓ પોતાની નવી ભૂમિકામાં સંતોષકારક જીવન જીવી શકે છે.
મોટાભાગના લોકો પારજાતીય વ્યક્તિને તિરસ્કાર અને ઘૃણાથી જુએ છે અને તેની સતત હાંસી ઉડાવે છે. ટીકા-મશ્કરીનો ભોગ બનેલી કેટલીક પારજાતીય વ્યક્તિઓ આવું વર્તન છોડી દે છે તો કેટલીક આવી વ્યક્તિઓ સલામત સ્થળે પકડાઈ ન જવાય એ રીતે વિજાતીય વર્તન ચાલુ રાખે છે. કેટલીક પારજાતીય વ્યક્તિઓ જાહેરમાં બિનધાસ્ત રીતે પોતાને અનુકૂળ એવું વર્તન કરતી રહે છે. તે પોતાને માટે સામી જાતિનું નામ અપનાવે છે અને વિજાતીય પહેરવેશ પણ પહેરે છે. પોતાની વિશિષ્ટ મનોદશાને લીધે તે ખૂબ એકલાપણું અને ચિંતા અનુભવે છે. એને દૂર કરવા માટે તે વિજાતીય જૂથમાં પણ વારંવાર ભળે છે.
એશિયાના દેશોમાં પારજાતીય વ્યક્તિઓની સંખ્યા જાણવા મળતી નથી. એક અંદાજ મુજબ યુ.એસ.માં દર ચાળીસ હજાર પુરુષે એક પુરુષ સ્ત્રી બનવા માગે છે, જ્યારે દર એંશી હજાર સ્ત્રીએ એક સ્ત્રી પુરુષ બનવા માગે છે.
મોટાભાગના દેશોમાં હળવા પારજાતીય વર્તનને ગુનો ગણવામાં આવતો નથી. આધુનિક ચિકિત્સકો પારજાતીયતાને ‘વૈકલ્પિક જાતીય વર્તનતરેહ’ ગણે છે.
કેટલાક તજ્જ્ઞોના મતે જનીનોની ખામીને લીધે ગર્ભ-અવસ્થામાં જ આવું વલણ પ્રસ્થાપિત થાય છે. માતાના કે ગર્ભના શરીરમાં રહેલા અંત:સ્રાવો ગર્ભના જાતીય વિકાસ ઉપર અસર કરે છે. તેથી જેના દેહમાં ઍન્ડ્રોજિનનો ખૂબ સ્રાવ થાય તે છોકરીમાં પુરુષ બનવાનું વલણ વિકસે છે. જેના દેહમાં ઍન્ડ્રોજિનનો અત્યંત ઓછો સ્રાવ થાય તે છોકરામાં સ્ત્રૈણ તત્વ વિકસે છે. જેના ઉદરમાં પુરુષ-ગર્ભ વિકસતો હોય એવી ગર્ભવતી સ્ત્રી જો પૅન્ટોબાર્બિટલ કે ઍક્ટિનોમાયસિન ડી જેવા પદાર્થોનું સેવન કરે તો તેનો પુત્ર જન્મ પછી સ્ત્રૈણ લક્ષણોવાળો બને છે.
પોતાને પુત્ર જન્મે એમ માબાપ ઇચ્છતાં હોય પણ પુત્રી જન્મે ત્યારે એવાં કેટલાંક માબાપ એ પુત્રીને પુત્રની જેમ ઉછેરે છે. એ જ રીતે પુત્રીની ઇચ્છાવાળાં માબાપને ત્યાં જન્મેલા પુત્રને કેટલીક વાર પુત્રીની જ જેમ કપડાં અને ઘરેણાં પહેરાવી શણગારવામાં આવે છે. આમાંથી પણ પારજાતીયતા ઉદભવી શકે.
માતાનું વ્યક્તિત્વ અત્યંત બળવાન અને પિતાનું વ્યક્તિત્વ નબળું હોય એવાં કેટલાંક કુટુંબોમાં પુત્ર માતા, સ્ત્રી-જાતિ અને સ્ત્રીની ભૂમિકા સાથે ગાઢ તાદાત્મ્ય સાધતો જાય છે. માતા લાંબા સમયથી માંદી હોય કે ઘરમાં ગેરહાજર હોય એવાં કેટલાંક કુટુંબોમાં પુત્રી પોતાના પિતા અને પુરુષજાતિ સાથે તાદાત્મ્ય સાધી મર્દાના બનતી જાય છે. કેટલીક વાર પારજાતીય વર્તન માતાપિતાના અનુકરણથી શિખાય છે.
અમુક હદ સુધી પારજાતીયતાની સુધારણા શક્ય છે. પારજાતીય વ્યક્તિને તેની સામાજિક કુશળતા વધારવાની તાલીમ અપાય છે. જો આઠ વર્ષ સુધીની વયના બાળકનું વર્તન સામી જાતિના જેવું હોય તો છોકરાને છોકરાઓની સાથે કે છોકરીને છોકરીઓની સાથે રમવા અને પ્રવૃત્તિ કરવા પ્રોત્સાહન અપાય છે. આવા બાળકને સમજાવવામાં આવે છે કે તેના આવા વર્તનને લીધે જ તે ટીકા કે મશ્કરીનો ભોગ બને છે. ઉપરાંત બાળપણમાં અને પુખ્ત વયે જાતિ મુજબ આદર્શ વર્તન કેવું હોય તેનો નમૂનો તેને બતાવવામાં આવે છે. આવા બાળકનાં માબાપને જાતિ મુજબ યોગ્ય વર્તન કરવા સતત જાગ્રત રહેવાની સલાહ અપાય છે, જેથી સંતાન ખોટું ન શીખે. ઉપરાંત માબાપને તેમની બાળક પ્રત્યેની અપેક્ષાઓ સુધારવાનું કહેવાય છે. જ્યારે સંતાન જાતિને યોગ્ય વર્તન કરે ત્યારે તેને પુરસ્કાર અપાય છે.
પુખ્ત વય સુધીમાં પારજાતીય વર્તન દૃઢ બને છે. તેથી તે પછી એને સુધારવું બહુ જ અઘરું છે. આત્યંતિક કિસ્સાઓમાં અંત:સ્રાવ અને શસ્ત્રક્રિયા વડે વ્યક્તિની જાતિ બદલવામાં આવે છે. શરૂઆતમાં તેણે બે વર્ષ સુધી વિજાતીય વ્યક્તિ તરીકે જીવન ગુજારવાનું હોય છે. જો તેને તે ફાવી જાય અને તેનું વિજાતીય જીવન સંતોષજનક હોય તો તેને અંત:સ્રાવની સારવાર અપાય છે. તે જે જાતિની બનવા માગતી હોય તે જાતિના અંત:સ્રાવની ગોળી કે ઇન્જેક્શન આપવાથી તેની શરીરરચના અને ક્રિયામાંથી જન્મની જાતિનાં લક્ષણો અદૃશ્ય થતાં જાય છે અને વિરુદ્ધ જાતિનાં લક્ષણો પ્રગટે છે. તેને વિજાતીય વર્તન અને ભૂમિકાની તાલીમ અપાય છે. ઊભા થતા કાનૂની પ્રશ્નો વિશે તેને સલાહ અપાય છે. છેલ્લે, શસ્ત્રક્રિયા વડે જનન-અંગોની રચના બદલવામાં આવે છે; પણ આ રીતે પુરુષ બનનાર વ્યક્તિ બીજી સ્ત્રીને ગર્ભવતી બનાવી શકતી નથી અને શસ્ત્રક્રિયાથી સ્ત્રી બનનારી વ્યક્તિ પોતે ગર્ભધારણ કરી શકતી નથી.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે