પાયરોફિલાઇટ : શંખજીરાને લગભગ મળતું આવતું અને તેની અવેજીમાં ઉપયોગમાં લેવાતું ખનિજ. રાસા. બં. : Al2O3 . 4SiO2. H2O. સિલિકા 66.7%, ઍલ્યુમિના 28.3% અને જળમાત્રા 5.00. સ્ફ. વ. : ઑર્થોરૉમ્બિક. સ્ફ. સ્વ. : પત્રબંધી રચનાવાળું, વિકેન્દ્રિત-પર્ણવx; અંશત: રેસાદાર; દળદાર, દાણાદારથી ઘનિષ્ઠ (સૂક્ષ્મ સ્ફટિકમય) સ્વરૂપે પણ મળે; આછા પારભાસકથી અપારદર્શક. સંભેદ : મુખ્યત્વે બેસલ. ભંગસપાટી : પડો નમનીય પણ સ્થિતિસ્થાપક નહિ, સ્પર્શ ગ્રીઝ જેવો ચીકણો લાગે. ચમક : દળદાર સ્વરૂપોમાં નિસ્તેજ, છૂટાં પડતાં પડની સપાટીઓ ચમકતી દેખાય, પતરીઓ મૌક્તિક. રંગ : સફેદ, સફરજન જેવો લીલાશ પડતો, રાખોડી લીલો, કથ્થાઈ લીલો, પીળાશ પડતો કે ગેરુ જેવો પીળો, રાખોડી-સફેદ. ચૂર્ણરંગ : સફેદ. કઠિનતા : 1થી 2. વિ. ઘ. : 2.8થી 2.9. પ્રકા. અચ. : ∝ = 1.552, β = 1.588, ϒ = 1.600. પ્રકા. સંજ્ઞા: -Ve, 2V = 57o. રાસાયણિક બંધારણ સિવાયના મોટા ભાગના અન્ય ગુણધર્મો શંખજીરાને મળતા આવે છે. ચૂર્ણ તરીકે ફેસ પાઉડર સિવાયના ઉપયોગમાં આવે છે. પત્રબંધ સ્વરૂપો ઘનિષ્ઠ હોય ત્યારે સ્ટિયેટાઇટને સમકક્ષ ગણાય છે. ચીનમાં મળતા ઘનિષ્ઠ પ્રકારો ઍગલમેટોલાઇટ નામે ઓળખાય છે. શંખજીરા કરતાં થોડુંક જ વધુ કઠિન હોવા છતાં ગરમ કરવાથી પીગળતું નથી, તેથી અગ્નિરોધક દ્રવ્ય (refractory) તરીકે તેમજ સિરૅમિક ઉદ્યોગમાં વપરાય છે. આ ઉપરાંત પાયરોફિલાઇટ અન્ય ઉપયોગોમાં (1) સ્લેટની પેન્સિલ (2) ફ્રેન્ચ ચૉક જેને દરજીના ચૉક તરીકે ઓળખવામાં આવે છે. (3) ચાઈનીઝ જનતામાં પાયરોફિલાઇટના આભૂષણો પ્રખ્યાત છે. (4) ઇંટના ઉત્પાદન અંગેની પ્રક્રિયામાં (5) ગાસ્કેટ અને ઉંચા દબાણને વહન કરવાના માધ્યમ તરીકે.

પ્રાપ્તિસ્થિતિ : ઍલ્યુમિનિયમ નિક્ષેપો પર થતી ઉષ્ણજળજન્ય સંપર્ક-વિકૃતિની પેદાશ ગણાય છે. તે સ્ફટિકમય શિસ્ટ ખડકોમાં પત્રબંધી  રચનાવાળા જથ્થાઓમાં મળે છે. કાઇનાઇટ ખનિજ સાથે અસાર ખનિજ તરીકે મળે છે. સ્ટિયેટાઇટને સમકક્ષ દળદાર ઘનિષ્ઠ સ્વરૂપો પણ શિસ્ટ ખડકોમાં મળે છે. તે જ્વાળામુખીજન્ય બ્રૅસિયા અને લાવાપ્રવાહોના આંતરસ્તરોવાળા સ્લેટ અને ટફ ખડકોમાં પણ મળે છે.

પ્રાપ્તિસ્થાનો : રશિયા (યુરલ પર્વતો), સ્વિટ્ઝર્લૅન્ડ, બેલ્જિયમ, સ્વીડન, બ્રાઝિલ (મિનાસ ગુરેઈસ) તેમજ અમુક પ્રમાણમાં યુ. એસ. અને ભારતમાંથી મળે છે. ભારતમાં તે મુખ્યત્વે મધ્યપ્રદેશ (42%), ઓરિસા (22%), ઉત્તરપ્રદેશ (17%), મહારાષ્ટ્ર (10.5%) અને રાજસ્થાન(8.5%)માંથી મળે છે.

ગિરીશભાઈ પંડ્યા