પાયરૉક્સીન (Pyroxene) : સમલક્ષણધારક ખનિજો માટે અપાયેલું સામૂહિક નામ. ખડકનિર્માણ સિલિકેટ ખનિજોનો એવો સમૂહ જેમાં Sio4 ટેટ્રાહેડ્રા(આયનોસિલિકેટ)ની લાક્ષણિક શૃંખલા એક પ્રકારનું માળખું રચે છે. તેનો એક એકમ (Sio3) ઝ્ સ્વરૂપનો હોય છે, પરંતુ રજૂઆતની અનુકૂળતા માટે તેને બદલે Si2O6 અથવા Si4O12 સામાન્યત: વધુ ઉપયોગમાં લેવાય છે. આમ ત્રિપરિમાણવાળું એક માળખું રચાય છે. (પાયરૉક્સીનને મળતા આવતા સંબંધિત પાયરૉક્સીનૉઇડ્ઝ પણ આવા જ સિલિકેટની લાંબા અંતરની આવર્તિત શૃંખલા જ હોય છે.) ત્રિપરિમાણવાળી આવી શૃંખલાના પટ જુદી જુદી અનેક રીતે ગોઠવાતાં, રચાતાં જુદાં જુદાં માળખાં જુદા જુદા સૂત્ર દ્વારા રજૂઆત પામે છે. પાયરૉક્સીન માટે આ પ્રકારની ઓછામાં ઓછી ચાર ગોઠવણીઓ જાણવામાં છે : બે ઑર્થોરૉમ્બિક અને બે મૉનોક્લિનિક સમમિતિ મુજબની.

પાયરૉક્સીન વર્ગનાં ખનિજો

નામ સૂત્ર સ્ફટિક વર્ગ
ઑર્થોરૉમ્બિક પાયરૉક્સીન :
* ઑર્થોએન્સ્ટેટાઇટ-
ઑર્થોફેરોસિલાઇટ (Mg, Fe)2, (Si2O6) ઑર્થોરૉમ્બિક
* પ્રોટોએન્સ્ટેટાઇટ Mg2 (Si2O6) ઑર્થોરૉમ્બિક
*(આ બંને પ્રકારો એન્સ્ટેટાઇટ, હાઇપરસ્થીન, બ્રૉન્ઝાઇટ, ફેરોસિલાઇટ નામથી પણ ઓળખાય છે.)
મૉનોક્લિનિક પાયરૉક્સીન :
ડાયૉપ્સાઇડ-હેડનબર્ગાઇટ Ca(Mg,Fe) (Si2O6) મૉનોક્લિનિક
જૉહાન્સનાઇટ CaMn(Si2O6) ’’
શેફ્ફેરાઇટ Ca(Mg,Mn) (Si2O6) શેફ્ફેરાઇટ
ઑગાઇટ (Ca,Mg,Fe,Al)2 ’’
ઑમ્ફેસાઇટ (Ca,Na) ((Si,al)2O6) ’’
(Mg, Fe’’, Fe’’’, Al) (Si2O6)
એજિરીન (=ઍક્માઇટ) NaFe (Si2O6) ’’
જેડાઇટ NaAl (Si2O6) ’’
સ્પૉડ્યૂમિન LiAl (Si2O6) ’’
* ક્લાઇનોએન્સ્ટેટાઇટ (ઊંચા તાપમાને) Mg2 (Si2O6) ’’
* ક્લાઇનોએન્સ્ટેટાઇટ (નીચા તાપમાને) Mg2 (Si2O6) ’’
* ક્લાઇનોફેરોસિલાઇટ Fe2 (Si2O6) ’’
* પિજિયોનાઇટ (Mg,Fe,Ca) (Mg,Fe) (Si2O6) ’’

*આ ખનિજસ્વરૂપો ઊંચા તાપમાને વિકસે છે અને સામાન્યત: લાવા જેવા ઝડપથી ઠરેલા ખડકોમાં જ જોવા મળે છે. પ્રમાણમાં ધીમે ધીમે ઠંડા પડવાના સંજોગો હેઠળ પિજિયોનાઇટ ઑગાઇટ અને ઑર્થોપાયરૉક્સીનમાં ફેરવાઈ જાય છે; જ્યારે ક્લાઇનોએન્સ્ટેટાઇટ (અને ક્લાઇનોહાઇપરસ્થીન) તેમનાં ઑર્થોરૉમ્બિક સમકક્ષ ખનિજોમાં ફેરવાય છે. અમુક પાયરૉક્સીન-પ્રકારોનું વર્ણન કરવામાં નીચેના પૂર્વગોનો ઉપયોગ થાય છે :

એચ. હેસ (1949) મુજબ પાયરૉક્સીન ખનિજસમૂહ માટે અપાતું સર્વસામાન્ય સૂત્ર (W)1-p (X, Y)1+p (Z2O6) છે; જેમાં p શૂન્યથી 1 સુધી ચલિત રહે છે; W = Ca2+, Na+; X = Mg2+, Fe2+, Mn2+, Ni2+, Li+; Y = Al3+, Fe3+, Cr3+, Ti4+; અને Z = Si4+, Al3+ હોય છે; Alનું પ્રમાણ કુલ Z આયનના 4થી ભાગ્યે જ વધારે હોય છે.

પાયરૉક્સીન સમૂહમાં સમાવિષ્ટ ખનિજોને તેમનાં રાસાયણિક બંધારણ અને સ્ફટિક-રચના મુજબ વહેંચી નાખીને પ્રત્યેકને અલગ અલગ નામ આપવામાં આવેલાં છે.

મૅગ્નેશિયો Mg-સમૃદ્ધ (દા.ત., મૅગ્નેશિયોડાયૉપ્સાઇડ = એન્ડાયૉપ્સાઇડ)
ફેરો – Fe-સમૃદ્ધ
ક્રોમ – Cr-ધારક
ટિટેન – Ti-ધારક
સબકૅલ્શિક – ઓછી Ca માત્રા

ઑગાઇટ અને એજિરીન વચ્ચેના મધ્યમ પ્રકારોને એજિરીન-ઑગાઇટ કહેવાય છે. પાયરૉક્સીન સમૂહનાં ખનિજો ઍમ્ફિબોલ ખનિજોનાં સમલક્ષણો ધરાવે છે. મુખ્ય તફાવત સંભેદનો છે, પાયરૉક્સીનમાં 9૦0 જ્યારે ઍમ્ફિબોલમાં 124o હોય છે. રેસાદાર પાયરૉક્સીન જવલ્લે જ મળે છે. આ ખનિજો બેઝિક-અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકોમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે, પરંતુ અમુક પ્રકારો તો વિકૃત ખડકોમાં જ જોવા મળે છે; કણજન્ય સ્વરૂપમાં તે ભાગ્યે જ મળે છે.

ભૌતિક ગુણધર્મો : પાયરૉક્સીન સમૂહનાં સર્વસામાન્ય ખનિજો શ્વેત(શુદ્ધ ડાયૉપ્સાઇડ અને એન્સ્ટેટાઇટ)થી માંડીને પીળા, લીલા, કથ્થાઈ અને લીલા-કાળા (ફેરોસિલાઇટ, હેડનબર્ગાઇટ, એજિરીન) રંગોની જુદી જુદી ઝાંયમાં મળે છે. સ્પૉડ્યૂમિન જાંબલી-ગુલાબી રંગમાં મળે છે. જો તે રત્નપ્રકારનું હોય તો કુંઝાઇટ કહેવાય છે; દરિયાઈ-લીલો પ્રકાર હિડ્ડેનાઇટ તરીકે ઓળખાય છે. પાયરૉક્સીન ખનિજોની વિશિષ્ટ ઘનતાનો ગાળો 3.2 (એન્સ્ટેટાઇટ)થી 4.૦(ફેરોસિલાઇટ)નો રહે છે; કઠિનતા 5.1થી 6 રહે છે. શૃંખલાની ગોઠવણી-સ્થિતિ સંભેદ-દિશા નક્કી કરે છે. ઑર્થોપાયરૉક્સીનમાં (21૦) અને ક્લાઇનોપાયરૉક્સીનમાં (11૦) હોય છે.

પ્રાપ્તિ : ફેરોમૅગ્નેશિયન ખનિજોના ગુરુત્વસ્વભેદનમાંથી પ્રાપ્ત બેસાલ્ટ, પાયરૉક્સીનાઇટ, ચાર્નોકાઇટ અને અલ્ટ્રાબેઝિક ખડકોમાં પાયરૉક્સીન મળી રહે છે, આ જ કારણે તે ઑલિવીન અને સ્પાઇનેલ સાથે મળે છે. ડાયૉપ્સાઇડ અને હેડનબર્ગાઇટ વિકૃત અને સ્કાર્ન ખડક-પેદાશો છે. ઑગાઇટ એક સર્વસામાન્ય ખનિજ તરીકે બેસાલ્ટમાં તેમજ સામાન્ય વિકૃત ખડકોમાં હૉર્નબ્લેન્ડ સાથે મળે છે. ક્લાઇનોએન્સ્ટેટાઇટ પાર્થિવ પ્રકાર તરીકે જૂજ હોય છે, પણ ઉલ્કાઓમાં સામાન્ય હોય છે. એજિરીન એ નેફેલીન સાયનાઇટનું લાક્ષણિક પાયરૉક્સીન ગણાય છે. જેડાઇટ એ ઉચ્ચ દાબ હેઠળ બનતી પેદાશ છે અને રત્ન-પ્રકાર જેડની જાત છે. ઑમ્ફેસાઇટ આની સાથે સંબંધ ધરાવે છે, જે પાયરોપ ગાર્નેટ સહિત ઇક્લોગાઇટમાં જોવા મળે છે. જૉહાન્સનાઇટ એ સ્કાર્ન પેદાશ સ્વરૂપે મળતું વિરલ પાયરૉક્સીન છે, જે શેફ્ફેરાઇટ, રૉડોનાઇટ અને ઉચ્ચકક્ષાના મૅંગેનીઝ ધાતુ ખનિજ સહિત મળે છે. સ્પોડ્યૂમિન એ લિથિયમ-ધારક ગ્રૅનાઇટ પેગ્મેટાઇટ જેવા સ્થૂળકણરચનાવાળા ખડકો પૂરતું મર્યાદિત છે.

પાયરૉક્સીન પરિવર્તિત થતાં જલયુક્ત ખનિજો બનાવે છે. પ્રતિક્રમી (retrograde) વિકૃતિમાં પાયરૉક્સીન સંડોવાતાં તેમાં પાણી ઉમેરાય છે અને પરિવર્તન થાય છે. ઍમ્ફિબોલ, ક્લોરાઇટ, સર્પેન્ટાઇન એ એવી પરિવર્તિત પેદાશો છે. સ્પોડ્યૂમિન યુક્રિપ્ટાઇટ અને આલ્બાઇટમાં પરિવર્તન પામે છે. જો વધુ પરિવર્તન થતું રહે તો આલ્બાઇટ અને અબરખ બને છે. આવું જૂથ સાઇમૅટોલાઇટ કહેવાય છે.

ગિરીશભાઈ પંડયા