પાયરાઇટ : લોહમાક્ષિક. લોહસલ્ફાઇડ (FeS2) બંધારણ ધરાવતું ધાતુખનિજ. પાયરાઇટ શબ્દ કેટલાંક સલ્ફાઇડધારક ધાતુખનિજો માટે પણ ઉપયોગમાં લેવાય છે.; દા. ત., સુવર્ણ પાયરાઇટ, આર્સેનોપાયરાઇટ.  લોહધારક આ પાયરાઇટ ‘લોહપાયરાઇટ’ અથવા માત્ર ‘પાયરાઇટ’ નામથી વધુ જાણીતું છે. તદ્દન શુદ્ધ પાયરાઇટમાં લોહ 46.6 % અને ગંધક 53.4 % રહેલું હોય છે. જ્યારે તેને બાળવામાં આવે છે ત્યારે તેમાં રહેલી વધુ ગંધક-માત્રાને કારણે દહનશીલ બની રહે છે. પાયરાઇટમાં ક્યારેક નજેવી માત્રામાં નિકલ અને કોબાલ્ટ પણ રહેલાં હોય છે; ક્યારેક તેમાં સોનું, તાંબું, નિકલ અને આર્સેનિક ભૌતિક મિશ્રણ (mechanical mixture) રૂપે રહેલાં મળી આવે છે, પરંતુ આ તત્ત્વો તેની રચનામાં રહેલાં લોહ કે ગંધકની અવેજીમાં ગોઠવાયેલાં હોતાં નથી.

આકૃતિ 1 : પાયરાઇટનો કુદરતી સ્ફટિક

પાયરાઇટનો સ્ફટિકવર્ગ ક્યૂબિક છે. વધુ પ્રમાણમાં તે ક્યૂબ સ્વરૂપે મળી આવે છે. ક્યૂબ ઉપરાંત પાયરિટોહેડ્રન અને ઑક્ટાહેડ્રન પણ ઘણા સ્ફટિકોમાં જોવા મળે છે. મોટાભાગના સ્ફટિકોમાં ક્યૂબ અને પાયરિટોહેડ્રન ફલકો રેખાંકનોવાળા હોય છે. બે પાયરિટોહેડ્રનની આંતરગૂંથણી ‘આયર્ન ક્રૉસ’ યુગ્મતાને નામે ઓળખાય છે. ક્યારેક તે દળદાર, દાણાદાર, સોયાકાર, વૃક્કાકાર, અધોગામી સ્તંભાકાર કે દ્રાક્ષનાં ઝૂમખાં જેવાં સ્વરૂપે પણ મળી આવે છે. આ ખનિજ અપારદર્શક હોય છે. FeS2 બંધારણ ધરાવતું પાયરાઇટ. ઑર્થોરૉમ્બિક સ્ફટિકવર્ગમાં સ્ફટિકીકરણ પામતા મર્કેસાઇટ(FeS2)નું દ્વિરૂપ ખનિજ છે. મર્કેસાઇટ તેના આછા રંગ, ઓછી વિ. ઘ. અને સ્ફટિકસ્વરૂપથી પાયરાઇટ કરતાં જુદું પડી આવે છે.

પાયરાઇટ (1૦૦) ફલક પર અસ્પષ્ટ અને (311) ફલક પર વધુ અસ્પષ્ટ સંભેદ દર્શાવે છે, જ્યારે (11૦) ફલક પર ક્યારેક તે વિભાજકતા દર્શાવે છે. તેનો પ્રભંગ વલયાકારથી ખરબચડો અને બરડ હોય છે. તેની કઠિનતા 6થી 6.5 અને વિ. ઘ. 5.૦૦થી 5.૦28 જેટલી હોય છે. ચળકાટ ધાત્વિક અને રંગ પિત્તળ જેવો પીળો હોય છે. જો તે અતિસૂક્ષ્મ દાણાદાર કે ઘનિષ્ઠ સ્ફટિકજૂથ રૂપે હોય તો તેનો રંગ લીલાશ પડતો હોય છે. વાતાવરણમાં ખુલ્લું રહેવાથી રંગ ઝાંખો પડે છે. પાયરાઇટ સોના જેવું દેખાતું હોવાથી ભૂસ્તરશાસ્ત્રની પરિભાષામાં તેને ‘મૂર્ખાઓનું સોનું (fools’ gold)’ નામથી નવાજવામાં આવેલું છે, પરંતુ તે સોના કરતાં વધુ કઠિન અને બરડ હોવાથી મૃદુ અને તન્ય સોનાથી સરળતાથી અલગ પાડી શકાય છે. વળી તે તાંબાના ખનિજ ચાલ્કોપાયરાઇટ જેવું પણ દેખાતું હોવાથી બંનેને અલગ તારવવામાં કઠિનતાનો ગુણધર્મ ઉપયોગી બની રહે છે. ચાલ્કોપાયરાઇટ કરતાં તે વધુ કઠિન હોય છે.

આકૃતિ 2 : પાયરાઇટનાં સ્ફટિક સ્વરૂપો

બધાં જ સલ્ફાઇડ ખનિજોમાં પાયરાઇટ બહોળા પ્રમાણમાં મળી રહેતું ઘણું જ વ્યાપક ખનિજ છે. ખનિજીય ઉત્પત્તિસ્થિતિના સંદર્ભમાં તે લગભગ બધા જ પ્રકારના સંજોગો હેઠળ બની શકે છે. મૅગ્માના ઊંચા તાપમાનથી માંડીને મહાસાગર તળ પરના ૦o સે. તાપમાન સુધી તેની ઉત્પત્તિ શક્ય બની રહે છે. પાયરાઇટ જૂનામાં જૂના સ્ફટિકમય ખડકોથી માંડીને નવામાં નવા ખડકો સુધીની અનેક રચનાઓમાં બહોળા પ્રમાણમાં વિતરણ પામેલું ખનિજ છે. અમુક અગ્નિકૃત ખડકોમાં મૅગ્માજન્ય સંકેન્દ્રણોમાંથી વિપુલ નિક્ષેપો રૂપે તે મળે છે તો ઘણા અગ્નિકૃત ખડકોમાં તે અનુષંગી ખનિજ તરીકે રહેલું હોય છે. સંપર્કજન્ય કણશ: વિસ્થાપન ધાતુખનિજ નિક્ષેપોમાં, વિકૃતિજન્ય જળકૃત ખડકોમાં, ઊંચાથી નીચા તાપમાને તૈયાર થયેલી ધાતુખનિજ-શિરાઓમાં પણ તે મળે છે, પછી એ શિરાઓ ભલે ઘણી ઊંડાઈએ ઊંચા તાપમાને કે છીછરી ઊંડાઈએ ઓછા તાપમાને બની હોય. શિરાઓમાં મુખ્યત્વે તે ચાલ્કોપાયરાઇટ, સ્ફૅલેરાઇટ અને ગૅલેના સાથે સંકળાયેલું હોય છે. કોલસાના સ્તરોમાં, શેલ, ચૂનાખડકોમાં તો ક્વચિત્ ઊર્ધ્વપાતન પેદાશ તરીકે પણ તે મળી આવે છે. બધી જ ભૂસ્તરીય વયના ખડકોમાં મળી રહેતું પાયરાઇટ સર્વસામાન્ય ખનિજ છે.

આકૃતિ 3 : તડોમાંથી બહાર તરફ વિસ્તરતું વિસ્થાપન. કોવેલાઇટના પ્રવેશથી તેમજ તેની શિરાઓ દ્વારા ભેદાવાથી જોવા મળતા પાયરાઇટના અવશિષ્ટ ટુકડાઓ

યુ.એસ., કૅનેડા, મેક્સિકો, ચિલી, બોલિવિયા, પેરુ, ઇંગ્લૅંડ, ફ્રાન્સ, સ્પેન, જર્મની, ઇટાલી (એલ્બા ટાપુ), ચેકોસ્લોવેકિયા, નૉર્વે, સ્વીડન, ઑસ્ટ્રિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, સાયપ્રસ, પોર્ટુગલ, ઑસ્ટ્રેલિયા, ગ્રીસ વગેરે પાયરાઇટપ્રાપ્તિ માટેનાં અગત્યનાં સ્થાનો છે. કૅનેડા અને સ્પેનમાં પાયરાઇટના અતિવિશાળ જથ્થા આવેલા છે.

ઑક્સીભૂત સંજોગો હેઠળ પાયરાઇટ વિવિધ લોહસલ્ફેટમાં પરિવર્તન પામે છે અને છેવટે ગૉઇથાઇટ અને લિમોનાઇટમાં ફેરવાય છે. આ લોહ-ઑક્સાઇડ ખનિજ-નિર્દેશકો(gossans)નો મુખ્ય ઘટક બની રહે છે. પાયરાઇટમાં રહેલી ગંધકની ઊંચી ટકાવારી(53.4 %)ને કારણે તે ગંધકના તેજાબની બનાવટો માટે મુખ્ય સ્રોત બની રહે છે. ક્યારેક કેટલીક જગાઓમાં તેનું ગંધકની જરૂરિયાત માટે ખનનકાર્ય થાય છે. અન્યત્ર, પાયરાઇટ-સમૃદ્ધ અન્ય ધાતુખનિજોની ધાતુશોધનક્રિયામાં તે આડપેદાશ તરીકે પણ મેળવાય છે. યુ.એસ.માં ગંધકની માંગ પ્રાકૃત ગંધકથી પૂરી પાડવામાં આવે છે, પરંતુ બીજે ગંધકના સ્રોત તરીકે પાયરાઇટ મહત્વનો ફાળો આપે છે.

ભારત : બિહારમાં આમજોર પાસે નીચલી સોન ખીણમાં પાયરાઇટયુક્ત શેલની પ્રાપ્તિ, કર્ણાટકના ચિતલદુર્ગ જિલ્લામાં અને આસામનાં કોલસાક્ષેત્રોના પાયરાઇટયુક્ત શેલ તેમજ કોલસાની પ્રાપ્તિ નોંધપાત્ર ગણી શકાય. બિહારમાંનો પાયરાઇટનો અનામત જથ્થો આશરે 4૦ કરોડ ટન જેટલો હોવાની ગણતરી મુકાયેલી છે.

ગિરીશભાઈ પંડ્યા