પાયરાઇટ (Pyrite) : લોહમાક્ષિક, લોહ સલ્ફાઇડ (Fe2S) બંધારણ ધરાવતું ધાતુખનિજ. આ પાયરાઇટ ‘લોહ પાયરાઇટ’ અથવા ‘પાયરાઇટ’ નામથી વધુ જાણીતું છે. તદ્દન શુદ્ધ પાયરાઇટમાં લોહ 46.6% અને સલ્ફર (ગંધક) 53.4% રહેલું છે. જ્યારે તેને બાળવામાં આવે છે ત્યારે તેમાં રહેલી ગંધક માત્રાને કારણે દહનશીલ બની રહે છે.
પાયરાઇટને – ‘મૂર્ખાઓનું સોનું’ (Fools Gold) તરીકે પણ ઓળખવામાં આવે છે. પાયરાઇટની ચમક ધાતુ જેવી હોય છે અને તેનો પિત્તળ જેવો પીળો રંગ તેને સોના (Gold) જેવો દેખાવ આપે છે.
‘પાયરાઇટ’નું નામકરણ ગ્રીક ભાષામાંથી અપાયેલ છે. પાયરાઇટનો પથ્થર અથવા ખનિજ પદાર્થને ઘર્ષણ આપતાં તે સળગી ઊઠે છે.
બધા જ સલ્ફાઇડ ખનિજોમાં પાયરાઇટ બહોળા પ્રમાણમાં મળી રહેતું ઘણું જ વ્યાપક ખનિજ છે. ખનિજિય ઉત્પત્તિ સ્થિતિના સંદર્ભમાં તે લગભગ બધા જ પ્રકારના સંજોગો હેઠળ બની શકે છે. મેગ્માના ઊંચા તાપમાનથી માંડીને મહાસાગર તળ પરના 0 સે. તાપમાન સુધી તેની ઉત્પત્તિ શક્ય બની રહે છે. પાયરાઇટ જૂનામાં જૂના સ્ફટિકમય ખડકોથી માંડીને નવામાં નવા ખડકો સુધીની અનેક રચનાઓમાં બહોળા પ્રમાણમાં વિતરણ પામેલું ખનિજ છે. વિપુલ નિક્ષેપો રૂપે અને અનુષંગી ખનિજ તરીકે મળી આવે છે. વિકૃતિજન્ય જળકૃત ખડકોમાં ઊંચાથી નીચા તાપમાને તૈયાર થયેલી ધાતુખનિજ-શિરાઓમાં પણ તે મળી આવે છે. કોલસાના સ્તરોમાં, શેલ, ચૂના ખડકોમાં તો ક્યારેક ઊર્ધ્વપાતન પેદાશ તરીકે પણ તે મળી આવે છે. બધી જ ભૂસ્તરીય વયના ખડકોમાં મળી રહેતું પાયરાઇટ સર્વસામાન્ય ખનિજ છે.
પાયરાઇટ ઘણા ભાગે અન્ય ઑક્સાઇડના સ્ફટિકની નસોમાં અન્ય સલ્ફાઇડ તેમજ જળકૃત ખડકોમાં જોવા મળે છે. આ ઉપરાંત ખાણોમાં આવેલ કોલસાના સ્તરોમાં, અશ્મિ(Fossil)માં પણ પાયરાઇટનું અસ્તિત્વ એક સંયોજક ઘટક તરીકે હોય છે.
ઉપયોગ : (1) અગાઉના યુદ્ધ અંગેનાં સાધનોમાં દારૂગોળો સળગાવવામાં 16મી તથા 17મી સદીમાં પાયરાઇટનો ઉપયોગ થતો. (2) દક્ષિણ ઑસ્ટ્રેલિયાની આદિવાસી પ્રજા અગાઉના સમયમાં અગ્નિ પેટાવવામાં વાપરતી હતી. (3) પાયરાઇટનો સલ્ફર ઑક્સાઇડના ઉત્પાદનમાં ઔદ્યોગિક ધોરણે મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. આ સલ્ફર ઑક્સાઇડ કાગળના ઉત્પાદનમાં તદ્ઉપરાંત સલફ્યુરિક તેજાબ બનાવવામાં વાપરવામાં આવે છે. (4) પાયરાઇટનો ઔદ્યોગિક ધોરણે તદ્દન નવો ઉપયોગ, non-rechargable lithium metal batteryમાં કૅથોડ(Cathode) તરીકે થઈ રહ્યો છે. (5) પાયરાઇટનો અન્ય નવો ઉપયોગ, ઓછી કિંમતની Photovoltaic Solar Panelના ઉત્પાદનમાં થઈ રહ્યો છે
પ્રકાશ ભગવતી