પાયદળ : પગપાળા સૈનિકોવાળી લશ્કરની પાંખ. સદીઓ સુધી વિશ્વના દરેક દેશના લશ્કરમાં આ પાંખમાં ભરતી કરાયેલા સૈનિકોની સંખ્યા અન્ય પાંખોના સૈનિકોની સંખ્યા કરતાં ઘણી વધારે રાખવામાં આવતી. યુદ્ધની ભૂમિ પર તેમનું સ્થાન પ્રથમ હરોળમાં હોવાને કારણે દુશ્મનના આક્રમણનો પહેલો આઘાત તેમના પર પડતો હોય છે અને તેને લીધે સૌથી વધારે ખુવારી આ પાંખના સૈનિકોની થતી હોય છે. પાયદળ જેમ જેમ આગળ કૂચ કરતું જાય છે તેમ તેમ કબજે કરેલા દુશ્મનના વિસ્તારોનો વહીવટ કરવાની જવાબદારી આ પાંખના સૈનિકોને ઉપાડવી પડે છે. લશ્કરમાં તેના મહત્વના સ્થાનને કારણે પાયદળને ‘The Queen of the Armed Forces’ કહે છે. લડાયક એકમ તરીકે તેનું મુખ્ય કાર્ય શત્રુની હરોળ સુધી પહોંચી શસ્ત્રો દ્વારા તેના પર ઘાતક હુમલા કરવાનું અને તેનાં સૈનિકો તથા સાધનોનો નાશ કરવાનું હોય છે.
યુદ્ધ દરમિયાન પાયદળ જે શસ્ત્રસરંજામનો ઉપયોગ કરે છે તેમાં વિવિધ પ્રકારની બંદૂકો, લાઇટ મશીન-ગનો (LMG), હાથગોળા (granades), પ્રક્ષેપાસ્ત્ર (missiles), તોપખાનું (artillery), બખ્તર-ગાડીઓ વગેરેનો સમાવેશ થાય છે. હવાઈ દળનાં વિમાનો દ્વારા તેમને એક સ્થાનથી બીજા સ્થાન સુધી પહોંચાડવાની તાલીમ પણ આપવામાં આવે છે અને તેથી તેમને છત્રીધારી સૈનિકો (airborne infantry) તરીકે ઓળખવામાં આવે છે. પાયદળના સૈનિકો જ્યારે કૂચ કરવા માટે યાંત્રિક વાહનોનો ઉપયોગ કરે છે ત્યારે તે પાંખને ‘મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી’ નામથી ઓળખવામાં આવે છે. તેવી જ રીતે જ્યારે તે કૂચ દરમિયાન પૈડાં ધરાવતાં વાહનોનો ઉપયોગ કરે છે ત્યારે પાયદળની તે પાંખને ‘મોટરાઇઝ્ડ ઇન્ફન્ટ્રી’ નામથી ઓળખવામાં આવે છે.
પ્રાચીન કાળનાં યુદ્ધોમાં પાયદળનું જ વધારે મહત્વ હતું. દરેક દેશના લશ્કરમાં આવા સૈનિકોની ભરતી મોટી સંખ્યામાં કરવામાં આવતી. ચૌદમી સદીમાં લશ્કરમાં અશ્વદળ દાખલ થતાં પાયદળનું મહત્વ ઘટ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) તથા બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન વિવિધ પ્રકારની અદ્યતન તોપો દાખલ થતાં પાયદળનું મહત્વ ફરી વધ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગેરીલા યુદ્ધ માટે પણ પાયદળના સૈનિકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ યુદ્ધમાં પાયદળ (તોપખાનું), બખ્તરગાડીઓ તથા હવાઈ દળ વચ્ચે સાધવામાં આવેલ સમન્વયને કારણે મિત્રરાષ્ટ્રોની સેનાને જર્મનીના લશ્કર સામે અભૂતપૂર્વ સફળતા મળી હતી.
સામ્યવાદી ચીનના લશ્કરમાં સેંકડો અને હજારોની સંખ્યામાં પાયદળના સૈનિકોની ભરતી કરવામાં આવે છે. 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે ઈશાન દિશામાંથી આવા સૈનિકોનાં ધાડાં ભારતના પ્રદેશમાં ધસી આવ્યાં હતાં.
પાયદળના સૈનિકો કૂચ કરતા હોય ત્યારે દરેક સૈનિક તેનાં શસ્ત્ર ઉપરાંત આશરે વીસ કિલોનું વજન ધરાવતી વસ્તુઓ વહન કરતો હોય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે