પામ (તાડ) : એકદળી વર્ગના એરિકેસી કુળની વૃક્ષસ્વરૂપ ધરાવતી વનસ્પતિ. તેની પ્રત્યેક જાતિની આગવી વિશિષ્ટતા હોય છે. કેટલીક જાતિઓ બગીચામાં શોભાની વનસ્પતિ તરીકે તો કેટલીક ફળ અથવા રસ માટે ઉગાડવામાં આવે છે. તાડની કેટલીક જાતિઓ નીચે મુજબ છે :
(1) રૉયલ અથવા બૉટલ પામ : તેનું વૈજ્ઞાનિક નામ Roystonea regia O. F. Cook. syn-Oreodoxa regia H.B. & K. છે. તે 12 મી. કે તેથી વધારે ઊંચાઈ ધરાવતી તાડની સુંદર જાતિ છે અને મૂળ ક્યૂબાની છે. તેનું પ્રકાંડ શીશી આકારનું હોય છે અને સિમેન્ટ જેવો રંગ ધરાવે છે. પર્ણો 3.૦ મી. જેટલાં લાંબાં, પર્ણિકાઓ લગભગ 8૦ સેમી. લાંબી અને 2.5 સેમી. પહોળી હોય છે.
તે બાગ-બગીચામાં બંને બાજુએ વૃક્ષોવાળો માર્ગ બનાવવા માટે ખૂબ જાણીતું છે. તેનો ઉપરનો નાજુક ભાગ શાકભાજી તરીકે વપરાય છે. તેના થડનો દરિયાકિનારે વહાણને લાંગરવાના થાંભલા તરીકે અને બાંધકામમાં પણ ઉપયોગ થાય છે.
તેનું પ્રસર્જન બીજથી થાય છે.
(2) ઍરિકા અથવા સોપારી પામ : તેનું વૈજ્ઞાનિક નામ છે Areca lutescens syn. Chrysalido carpus lutescens. તે જાતિ મૂળ માડાગાસ્કરની છે.
આ જાત કૂંડામાં શોભન-છોડ તરીકે વર્ષો સુધી રાખી શકાય છે. જમીનમાં લૉનની વચ્ચે અથવા અન્ય સ્થળે પણ ઉછેરી શકાય છે. એના મૂળમાંથી ચારે બાજુ પીલાં ફૂટીને તેની ઉપર લીલાં પીંછાકાર સંયુક્ત પર્ણો ઉત્પન્ન થાય છે. તેને જમીનમાં રોપ્યો હોય તો 5.૦થી 7.૦ મી. ઊંચો થાય છે. મોટા ટબમાં પણ એ સુંદર શોભા આપે છે.
તેને તડકામાં તેમજ છાંયામાં ઉછેરી શકાય છે. પ્રસર્જન બાજુમાં ફૂટતાં પીલાંઓને છૂટાં કરીને અથવા બીથી થાય છે.
સોપારીનું ઝાડ (બૉટનિકલ નામ Areca catechu) : આ છોડનું જાતભાઈ છે. તેને પણ ઍરિકા પામ અથવા બીટલ-નટ પામ કહે છે.
(3) ફિશ-ટેઇલ પામ : તેનું વૈજ્ઞાનિક નામ Caryota urens Linn. (ગુ. શિવજટા, શંકરજટા, ભૈરવતાડ) છે. તેને કીટ્ટુલ, સૅઇગો કે ટૉડી પામ પણ કહે છે. તે 12.૦થી 18 મી. ઊંચું સુંદર વૃક્ષ છે. તેનું પ્રકાંડ લીસું, નળાકાર અને વલયિત (annulate) હોય છે. તેનાં પર્ણો દ્વિપીંછાકાર, સંયુક્ત, મોટાં, 5.4થી 6 મી. લાંબાં અને 3થી 3.6 મી. પહોળાં હોય છે. મોટાભાગના તાડમાં જોવા મળે છે તેમ આ તાડનાં પર્ણો અગ્રસ્થ મુકુટ (crown) બનાવતાં નથી. પર્ણિકાઓ આકર્ષક અને માછલીની પૂંછડી આકારની હોય છે. તેનો પુષ્પવિન્યાસ 3થી 6 મી. લાંબો અને લટકતો હોય છે. તેનો દેખાવ શિવની જટા જેવો બનતો હોવાથી તેને શિવજટા કહે છે.
શ્રીલંકા અને ઓરિસામાં તેના કીમતી અને મજબૂત રેસાઓને કીટ્ટુલ કહે છે. તેનો ઉપયોગ રાચરચીલું મઢવામાં થાય છે. તેમાંથી બનતાં દોરડાં ખૂબ મજબૂત હોય છે અને હાથીને બાંધવામાં અને દરિયાઈ સ્ટીમર લાંગરવામાં ઉપયોગી છે. તેમાંથી બ્રશ અને સાવરણા પણ બનાવાય છે.
આ તાડમાંથી રસ (તાડી) કાઢવામાં આવે છે. તેનો તાજો રસ મીઠો અને પારદર્શક હોય છે. તે 13.6 % સુક્રોઝ અને અતિ અલ્પ અપચાયી (reduced) શર્કરા ધરાવે છે. જ્યારે કિણ્વિત (fermented) રસમાં 1.૦ % અપચાયી શર્કરા, 3 %થી 4.5 % આલ્કોહૉલ અને ૦.3 % ઍસેટિક ઍસિડ હોય છે. મીઠી તાડીનો ઉપયોગ ગોળ બનાવવામાં થાય છે.
મૃદુ અને કાંજીયુક્ત ગરમાંથી સાબુદાણા બનાવાય છે.
(4) પંખા-તાડ (જાવા ફૅન પામ) : તેનું વૈજ્ઞાનિક નામ Livistonia roundifolia mart. syn. L. altissima Zoll. છે. તે ટટ્ટાર, 12થી 15 મી. ઊંચું તાડ છે અને મૂળ ફિલિપાઇન્સ અને મલાયાનું છે. ભારતમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડાય છે. તેનાં પર્ણો ૦.9થી 1.5 મી.નો વ્યાસ ધરાવે છે અને પંખા આકારનાં હોય છે. તેનું 3૦થી 9૦ ખંડોવાળું પાણિવત્ દર (palmati fid) પ્રકારનું છેદન જોવા મળે છે. પર્ણદંડ 1.8 મી. લાંબો હોય છે અને તેના નીચેના ભાગમાં આકુંચિત (compressed) કંટ આવેલા હોય છે. પર્ણો ઘણાં સુંદર હોવાથી ઉદ્યાનોમાં તેને કૂંડામાં ઉગાડવામાં આવે છે. 3થી 4 ગોળાકાર ગુચ્છમાં પીળા રંગનાં પુષ્પો ઉત્પન્ન થાય છે.
ઉનાળામાં તેનાં પર્ણો પીળાં પડવા લાગે છે. તેથી તેને છાંયામાં ખસેડવાં હિતાવહ હોય છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે.
તે તાડની સૌથી સુંદર જાતિઓ પૈકીની એક ગણાય છે. પ્રકાંડના મધ્ય ભાગમાં આવેલા ગરમાંથી સાબુદાણા બનાવાય છે. પર્ણોનો સંવેષ્ટન(packing)માં, છાપરું છાજવામાં, રેઇનકોટ અને હૅટ બનાવવામાં ઉપયોગ થાય છે. તેની કલિકાઓ શાકભાજી તરીકે ઉપયોગી છે. તેના થડનો થાંભલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
પંખા-તાડની બીજી જાતિઓમાં L. australis Mart. (ઑસ્ટ્રેલિયન પંખા-તાડ), L. chinensis R. Br. syn. L. mauritiana Wall. (ચાઇનીઝ પંખા-તાડ), L. jenkinsiana Griff. (આસામ પંખા-તાડ) છે. Princhardia grandisને પણ પંખા-તાડ કહે છે.
આ સિવાય ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળતી નીચેની જાતિઓને પણ તાડ કહે છે :
Phoenix sylvestris Linn. (wild date palm) : ખજૂરીની એક જાતિ, જેમાંથી નીરો નીકળે છે અને તાડી બને છે.
Phoenix dactylifera Linn. (date palm) : ખજૂરી. તેને ફળ બેસે છે ખજૂર તરીકે પ્રસિદ્ધ છે.
Borasus flabellifer Linn. (પામીરા તાડ અથવા તાડ) : તેનાં પર્ણો છાપરાં ઢાંકવાના કામમાં આવે છે. તેના ફળને તાડફળી કહે છે.
Cocos nucifera Linn : નાળિયેરી.
Hyphaene indica Becc. (ઇંડિયન ડોમ પામ) : તેને રાવણ-તાડ કે દીવ-તાડ કહે છે. તેનું પ્રકાંડ યુગ્મશાખી (dichotomous) શાખા-વિન્યાસ ધરાવે છે અને તે બાગબગીચામાં ઉગાડાય છે. તેને બ્રાંચિંગ પામ પણ કહે છે. પનામા હેડ પામ (Carludovica palmeta).
મ. ઝ. શાહ