પામુક, ફેરિટ ઓરહાન (જ. 7 જૂન 1952, ઇસ્તંબૂલ, તુર્કી) : 2૦૦6ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તુર્કી નવલકથાકાર. ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં તુલનાત્મક સાહિત્યના પ્રાધ્યાપક. તુર્કી ભાષા અને સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મેળવનાર તેઓ સૌપ્રથમ લેખક છે. ધીમે ધીમે ઘસાતા જતા, અમીર અને મજૂર વર્ગ વચ્ચેના બુઝર્વા વર્ગના કુટુંબમાં જન્મ. શિક્ષણ ઇસ્તંબૂલની શાળા-કૉલેજમાં. ઇસ્તંબૂલની ટૅક્નિકલ યુનિવર્સિટીમાં સ્થાપત્યનો અભ્યાસ. ચિત્રકલા પ્રત્યે તેમને આગવો લગાવ હતો. તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જર્નાલિઝમ, યુનિવર્સિટી ઑવ્ ઇસ્તંબૂલમાંથી 1976માં સ્નાતકની પદવી મેળવી હતી. આ દરમિયાન લેખનકાર્યમાં પૂરો સમય આપવાનો નિર્ધાર તેમણે કરી લીધો હતો.
1 માર્ચ, 1982ના રોજ પામુકે કોલંબિયા યુનિવર્સિટીનાં ગ્રૅજ્યુએટ આયલિન ટર્જિન સાથે લગ્ન કર્યાં. ટર્જિનને ઇતિહાસમાં અને પામુકને સાહિત્યમાં સવિશેષ રસ હતો. પુત્રી રૂયાનો જન્મ 1991માં થયો. તુર્કી ભાષામાં તેનો અર્થ ‘સ્વપ્ન’ થાય છે. 2૦૦1માં આયલિન અને પામુકનો લગ્નવિચ્છેદ થયો.
આર્મેનિયન જાતિસંહાર (genocide) માટે તેમણે કરેલાં વિધાનો માટે પામુક પર ખટલો ચલાવવામાં આવેલો. જોકે પ્રચંડ આંતરરાષ્ટ્રીય વિરોધને કારણે તેને પડતો મૂકવામાં આવ્યો હતો.
ઇસ્તંબૂલ પ્રત્યે પામુકને જબરું આકર્ષણ છે. જોકે કોલંબિયા યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે તેમની નિયુક્તિ થવાને લીધે તેઓ અમેરિકામાં વસવાટ કરે છે. તેની ‘કમિટી ઑન ગ્લોબલ થૉટ’ના તેઓ ફેલો છે અને તેની ‘મિડલ-ઈસ્ટ ઍન્ડ એશિયન લૅન્ગ્વેજિઝ ઍન્ડ કલ્ચર્સ ડિપાર્ટમેન્ટ’ તથા ‘સ્કૂલ ઑવ્ ધી આર્ટ્સ’ માટે પણ તેમની નિમણૂક કરવામાં આવી છે. બ્રિટિશ નિર્માતા સ્ટીફન ફ્રીઅર્સના અધ્યક્ષપદે નિમાયેલી ‘કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ કમિટી’માં તેમને સભ્ય તરીકે લેવામાં આવ્યા છે.
પામુક તુર્કી ભાષામાં સર્જન કરે છે. તેમની નવલકથાઓમાં અતીતનું જોડાણ વર્તમાન સાથે થાય છે. પોતાના દેશમાં ઇસ્લામની પ્રણાલિકા અને પશ્ચિમની આધુનિકતા વચ્ચે ઊભા થયેલા અલગાવપણા વચ્ચે સેતુ બનવાનો સંદેશ તેમના લખાણમાં સ્પષ્ટ વરતાય છે. તુર્કીના આ લેખકની નવલકથાઓનું ભાષાંતર 4૦થી વધુ ભાષાઓમાં થયું છે. જોકે દરેક વાતમાં પામુક છેવટે વાણીસ્વાતંત્ર્યનો પક્ષ લે છે, જે લોકોને ખૂબ ગમે છે. તુર્કસ્તાનની અસ્મિતાના તેઓ પ્રબળ પુરસ્કર્તા છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આર્મેનિયન પ્રજા પ્રત્યે આચરાયેલા જોર-જુલમ કે સમકાલીન કુર્દિશ પ્રજાના નરસંહાર વિરુદ્ધ તેમણે પોતાના અવાજને અને શબ્દને હંમેશ જાગતો રાખ્યો છે.
પામુકની નોંધપાત્ર નવલકથાઓમાં ‘ડાર્કનેસ ઍન્ડ લાઇટ’ (1979), ‘મિસ્ટર કેવડેટ ઍન્ડ હિઝ સન્સ’ (1982), ‘ધ સાયલન્ટ હાઉસ’ (1984), ‘ધ વ્હાઇટ કેસલ’ (1985), ‘ધ બ્લૅક બુક’ (199૦), ‘ન્યૂ લાઇફ’ (1995, 1997), ‘માય નેમ ઇઝ રેડ’ (2૦૦૦), ‘કાર’ (2૦૦2), ‘સ્નો’ (2૦૦4), ‘ધ મ્યુઝિયમ ઑવ્ ઇનોસન્સ’ (2૦૦8) વગેરેને ગણી શકાય. ‘અધર કલર્સ’ (1999) નિબંધ-વાર્તાસંગ્રહ અને ‘ઇસ્તંબૂલ મેમરીઝ ઑવ્ અ સિટી’ (2૦૦5) નગરનાં સ્મરણોની કથા છે. તેમના ઉપર્યુક્ત સર્જન માટે તેમને મિલિયેટ પ્રામ નૉવેલ કન્ટેસ્ટ (1979), ઓરહાન કમાલ નૉવેલ પ્રાઇઝ (1983), મદરાલી નૉવેલ પ્રાઇઝ (1984), ઇન્ડિપેન્ડન્ટ ઍવૉર્ડ ફૉર ફૉરેન ફિક્શન (199૦), પ્રિક્સ દ લા ડીકોવર્ટ યુરોપીન (1991), ધી ઇન્ટરનેશનલ ડબ્લિન લિટરરી ઍવૉર્ડ (2૦૦3), પીસ પ્રાઇઝ ઑવ્ ધ જર્મન બુક ટ્રેડ (2૦૦5) એનાયત કરવામાં આવ્યાં છે. આ સૌમાં શિરમોર સમું 2૦૦6ના સાહિત્ય માટેનું નોબેલ પ્રાઇઝ સ્વીડિશ એકૅડેમીએ 12 ઑક્ટોબર 2૦૦6ના રોજ આપ્યું ત્યારે પામુકની ઓળખ ઇસ્તંબૂલના વેદનાસભર આત્મા તરીકે આપવામાં આવી હતી. તેઓ એક એવા સર્જક છે, જેમણે સંસ્કૃતિઓના પ્રેમ અને સંઘર્ષને નવાં પ્રતીકોમાં રજૂ કર્યા છે. 7 ડિસેમ્બર, 2૦૦6ના રોજ પામુકે સ્ટૉકહોમમાં પોતાનું નોબેલ વ્યાખ્યાન તુર્કી ભાષામાં આપ્યું. તેનું શીર્ષક ‘બેબામિન બાવુલુ’ (માય ફાધર્સ સ્યૂટકેસ) રાખેલું. આ વ્યાખ્યાનમાં તેમણે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓ(સિવિલાઇઝેશન્સ)નું અવલોકન પોતાના પિતાના સંદર્ભમાં રૂપક રચીને રજૂ કર્યું હતું.
પામુકની નવલકથાઓમાં માનવજાતની મૂળભૂત ભયગ્રંથિઓની તપાસ છે. કેટલાંક રાષ્ટ્રોને એમ લાગે છે કે તેઓને દુનિયાની કેટલીક સત્તાઓએ સમૂળગાં અલગ કરી દીધાં છે. એમની કોડીની પણ કિંમત નથી. તેમને માટે બાકી રહ્યાં છે માત્ર માનહાનિ અને હીણપત, જેમના પર સફળ આક્રમણ કરી શકાય તેવી આંતરિક નિર્બળતા, ઉદ્ધતાઈભરી અવગણના, ફરિયાદ માટેનું કોઈ પણ કારણ, કાલ્પનિક અપમાન કે રાષ્ટ્રીય આપવડાઈની શેખી. પામુક તો કહે છે કે આમાંનું કંઈ પણ તેમનામાં જાગ્રત થાય છે ત્યારે તે બીજું કશું નહિ પણ તેમનામાં રહેલો આંતરિક અંધકાર છે. પશ્ચિમના જગતથી બહારનાં આ બધાં રાષ્ટ્રો ઉપર્યુક્ત ભયને લીધે મૂર્ખાઈ આદરે છે. આમાં છેવટે તેમને ભય પમાડતી માનહાનિની લાગણી છે. પશ્ચિમના જગતને તેમના ધનવૈભવનો મદ છે. તેઓ માને છે કે પશ્ચિમના જગતે જ જગતને પ્રબુદ્ધતા, જ્ઞાન અને આધુનિકતા આપ્યાં છે અને આ વિચારમાં તેઓ એટલા બધા ડૂબી ગયા છે કે પૂર્વના દેશોની જેમ આ પણ તેમનામાં રહેલી એકમાત્ર મૂર્ખાઈ જ છે. પામુકની પ્રેરણા ઇસ્તંબૂલ છે. ઇસ્તંબૂલનું પ્રારબ્ધ એ પામુકનું પ્રારબ્ધ છે. પોતે જે કંઈ છે તેનું કારણ ઇસ્તંબૂલ નગર, તેની શેરીઓ અને તેમનું ઘર છે.
વિ. પ્ર. ત્રિવેદી