પાપડી(વાલ) : દ્વિદળી (મેગ્નેલિયોપ્સીડા) વર્ગમાં આવેલા લેગ્યુમિનોઝી (શિંબી) કુળના ઉપકુળ પૅપિલિયોનૉઇડી(ફેબેસી; પલાશાદિ)ની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lablab purpureus(L) Sweet syn. Dolichos lablab L, D. purpureus L; Vigna aristata Piper (સં. નિષ્પાવ, વલ્લ, રાજશિંબ, શ્વેતશિંબિક, હિં. સેમ. સેબી; બં. બોરા, વરવટી; મ. ધેવડા, વાલ પાપડી; ગુ. વાલ, વાલોળ, વાલ પાપડી, પાપડી; ક. ચળ્ળવરિ, તટ્ટવરે, ગટવરિ; તે ચિંમકુંડ, અનુસુલુ; તા. વેલવંરૈ; મરા. વેલ્લવર,; અ. બિનસ; અં. હાયેસિથ બીન, લેબલેબ્ બીન, બોનેવિસ્ટ બીન, ઇન્ડિયન બીન, ઇજિપ્શિયન કિડની બીન, ઑસ્ટ્રેલિયન બીન) છે.
ઉદભવ અને વિતરણ – પાપડીના વન્ય (wild) સ્વરૂપોનું મૂળવતન ભારત કે દક્ષિણ-પૂર્વ એશિયા હોવાનું મનાય છે. આઠમી સદીમાં દક્ષિણ-પૂર્વ એશિયામાંથી તેનો આફ્રિકામાં પ્રવેશ થયો હતો. તેનું ઘણા ઉષ્ણકટિબંધ અને ઉપોષ્ણ કટિબંધમાં વ્યાપક પ્રમાણમાં વિતરણ થયું હતું. હાલમાં તે મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, મેઇનલૅંડ ચાઇના, ઇરાક, કેન્યા, તાન્ઝાનિયા, યુગાન્ડા, ઇથિયોપિયા, સુદાન, મોઝેમ્બિક, ઝેમ્બિયા, ઝિમ્બાબ્વે, સાઉથ આફ્રિકા, ઘાના, નાઇજિરિયા, સીરિયા, મૅડાગાસ્કર, મધ્ય અને દક્ષિણ અમેરિકામાં થાય છે. ભારતમાં 21૦૦ મી.ની ઊંચાઈ સુધી બધે થાય છે, છતાં દક્ષિણ ભારતમાં ખાસ કરીને સૂકા પાક તરીકે ઉગાડવામાં આવે છે. તે ચેન્નાઈ, કોલર, બૅંગાલુરુ અને મૈસૂર તરફના પ્રદેશોનો મહત્વનો કઠોળ પાક છે. તે સૂરત, બેલગાંવ, રત્નાગિરી જિલ્લાઓમાં વવાય છે. ઉત્તર ભારતમાં સામાન્યપણે તેનો પાક લેવાતો નથી.
બાહ્યાકારવિદ્યા (Morphology) : તે બહુવર્ષાયુ (perennial) વળવેલ (twining) કે ભૂપ્રસ્તરી (creeping) શાકીય વનસ્પતિ છે. તેનું વાવેતર એકવર્ષાયુ (annual) તરીકે થાય છે. મોટા ભાગની જાતો (varieties) 3.૦ મી. સુધીની લંબાઈ ધરાવતી મજબૂત વળવેલ સ્વરૂપ ધરાવે છે. બહુ થોડી જાતો ભૂપ્રસારી અર્ધ-ઉન્નત (semi-erect) કે ક્ષુપિલ (bushy) સ્વરૂપ ધરાવે છે. પર્ણો ત્રિપર્ણી (trifoliate) સંયુક્ત હોય છે. પર્ણિકાઓ પહોળી અંડ-ચતુષ્કોણી (ovate-rhomboid) અને 7-15 સેમી. લાંબી હોય છે. તેની ઉપરની સપાટી લીસી અને નીચેની રોમમય (hairy) હોય છે.
પુષ્પો સફેદ, રતાશ પડતાં કે જાંબલી રંગનાં અને કક્ષીય કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. તેઓ અનિયમિત દ્વિલિંગી અને પતંગિયાકાર હોય છે. ફળ શિંબી (legume), ચપટું કે ફૂલેલું, રેખીય કે પહોળું, 2.5-12.5 સેમી. લાંબું અને દીર્ઘસ્થાયી (persistent) પરાગવાહિનીના અવશેષ સહિત અંત:વક્ર હોય છે. બીજ ગોળ, અંડાકાર, વૃક્કાકાર કે ચપટાં તથા સફેદથી માંડી ઘેરાં કાળા રંગનાં હોય છે.
પાપડીની ઉપજાતિઓ (subspecies) અને જાતો (varieties) : ‘Lablab’ પ્રજાતિની સમાનનામી (synonymous) પ્રજાતિ ‘Dolichos’ છે. Lablab એકલપ્રરૂપી (monotypic) પ્રજાતિ તરીકે હાલમાં ઓળખવામાં આવે છે. પાપડી (L. purpureus)ની ત્રણ ઉપજાતિઓ નોંધાઈ છે : (i) ઉપજાતિ uncinatus : વન્ય પૂર્વજ, નાની કટાર આકારની શિંગો; 4 x 1.5 સેમી.; (ii) ઉપજાતિ – purpureus : કઠોળના પાક તરીકે ઉછેરવામાં આવે છે. વધારે મોટી કટારાકારની શિંગો; 1૦ x 4 સેમી; વ્યાપારિક જાતોનો સમાવેશ; (iii) ઉપજાતિ-bengalensis : એશિયાઈ ઉદભવ, રેખીય લંબચોરસ આકારની શિંગો, 14 સેમી. x 1.0 – 25 સેમી. સુધીનું કદ. જોકે આ ઉપજાતિઓ શિંગોના આકારમાં મહત્વનો બાહ્યાકારવિદ્યાકીય તફાવત ધરાવતી હોવા છતાં ઉપજાતિ bengalensis અને ઉપજાતિ purpureus જનીનીય દૃષ્ટિએ ઘણી સમાનતાઓ ધરાવે છે.
સંવર્ધિત (cultivated) જાતિ L. purpureusની બે જાતો છે : var. typicus અને var. lignosus. ટાઇપીકસ જાત લાંબા વેલાવાળી જાત છે. તેની શિંગો સુંવાળી, ખાદ્ય અને રેસા વિનાની હોય છે. તેની શિંગોનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. લિગ્નોસસ જાત ઠીંગણા છોડવાળી જાત છે. તેની શિંગો બરછટ રેસાવાળી હોય છે. તેના શુષ્ક બીજનો દાળ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. છોડવાળી જાત ચેન્નાઈ, તમિળનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જુવાર કે મકાઈના પાક સાથે કે એકલા પાક તરીકે ઉગાડવામાં આવે છે.
આ પાકમાં સંશોધન વધુ થયેલ ન હોવાથી મોટાભાગે સ્થાનિક જાતો વવાય છે; તેમ છતાં દિલ્હીની ભારતીય કૃષિસંશોધન સંસ્થાએ ‘પુસા અર્લી પ્રૉલિફિક’, તમિળનાડુ કૃષિ-યુનિવર્સિટીએ ‘કૉઇમ્બતૂર અર્લી’, બૅંગાલુરની ભારતીય બાગાયત-સંશોધન સંસ્થાએ ‘આર્કા જય’ અને ‘આર્કા વિજય’ તેમજ મહારાષ્ટ્રના નહેરુ કૃષિ – વિદ્યાલયે ‘જે.ડી.એલ. 37’ જેવી જાતો બહાર પાડી છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટી – નવસારી ખાતેથી આસપાસના વિસ્તાર માટે ‘કતારગામ’ તથા ‘કપાસી’ નામની ખૂબ જ સુંવાળી જાતની ભલામણ કરેલ છે.
વાવેતર-સમય : શાકભાજીની જાતો માટે મે/જૂન અને કઠોળની જાતો માટે ઑક્ટો./નવેમ્બર અનુકૂળ ગણાય છે.
વાવણીનું અંતર : શાકભાજીની જાતો માટે 120 x 6૦ સેમી. અથવા 90 x 6૦ સેમી. અને કઠોળની જાતો માટે 45 x 20 સેમી. રાખવામાં આવે છે.
વાવેતર માટે બીજનું પ્રમાણ : શાકભાજીની જાતો માટે 20થી 25 કિલો/પ્રતિ હેક્ટર અને કઠોળની જાતો માટે 6૦ કિલો/પ્રતિ હેક્ટર રાખવામાં આવે છે.
લણણી : શાકભાજી માટેની જાતોમાં જાતની ખાસિયત મુજબ રોપણી કર્યાથી 45થી 6૦ દિવસે પ્રથમ વીણી મળે છે. તે પછી દર 10થી 15 દિવસે વીણી કરવી પડે છે.
જ્યારે કઠોળ માટેની જાતોમાં મોટાભાગની શિંગો સુકાઈ જાય ત્યારે છોડ કાપી લઈ, સૂકવી, લાકડીના ફટકા મારી અથવા બળદ કે ટ્રૅક્ટર ચલાવી બીજ છૂટાં પાડી સફાઈ કરી સંગ્રહ કરવામાં આવે છે.
ઉત્પાદન : શાકભાજી માટેની શિંગોનું ઉત્પાદન 25થી 30 ટન/પ્રતિ હેક્ટર અને સૂકાં બીજ(કઠોળ)નું ઉત્પાદન 2 ટન/પ્રતિ હેક્ટર થાય છે.
વનસ્પતિ-રસાયણ (phytochemistry) : પાપડીનાં અપરિપક્વ બીજનું પોષણમૂલ્ય (પ્રતિ 100 ગ્રા.) આ પ્રમાણે છે : ઊર્જા 50 કિ. કૅલરી; કાર્બોદિતો 9.2 ગ્રા.; લિપિડ 0.27 ગ્રા.; પ્રોટીન 2.95 ગ્રા.; વિટામિનો થાયેમીન (B1) ૦.૦56 મિગ્રા. રાઇબોફ્લેવિન (B2) ૦.૦88 મિગ્રા.; નાયેસિન (B3) 0.48 મિગ્રા.; ફોલેટ (B9) 47 માઇક્રોગ્રા.; ઍસ્કોર્બિક ઍસિડ (C) 5.1 મિગ્રા.; ખનિજો : કૅલ્શિયમ 41 મિગ્રા.; આયર્ન 0.76 મિગ્રા.; મૅગ્નેશિયમ 42 મિગ્રા.; મૅંગેનીઝ 0.21 મિગ્રા.; ફૉસ્ફરસ 49 મિગ્રા.; પોટૅશિયમ 262 મિગ્રા. અને ઝિંક 0.38 મિગ્રા.
પાપડીની ત્રણ જાતો(રૉંગાઇ બ્રાઉન, રૉંગાઇ વ્હાઇટ અને હિગ્વર્થ બ્લૅક)ના બીજ ટ્રીસિન અવરોધક દ્રવ્યો, હીમેગ્લુટિનિન, સાયનોજનીય ગ્લાયકોસાઇડો, ઑક્ઝેલેટો, ફાઇટેટો, ટેનિનો અને સેપેનિનો ધરાવે છે. શુષ્ક બીજમાં 33 % સ્ટાર્ચ અને 25 % પ્રોટીન, ૦.8 % લિપિડ અને આહારીય (dietary) રેસા 7.2 % જેટલા હોય છે.
તે રેફિનૉઝ અને સ્ટેચીઑઝ નામના ઓલિગોસૅકેરાઇડ 3.5 %, ફાઇટિક ઍસિડ 82.0 મિગ્રા./ગ્રા.; ફૉસ્ફરસ 430 મિગ્રા./ગ્રા. અને ફાઇટેટ-ફૉસ્ફરસ 243 મિગ્રા./ગ્રા. ધરાવે છે.
સાઉદી અરેબિયાની પાપડીના બીજમાં ઍમિનોઍસિડના બંધારણમાં ગ્લુટામિક ઍસિડ, ઍસ્પાર્ટિક ઍસિડ, લ્યૂસીન અને લાયસિનનું પ્રમાણ વધારે હોય છે. ફૅટી ઍસિડના બંધારણમાં તેલ 24.2 % સંતૃપ્ત ફૅટી ઍસિડ 18.42 %, એકલ-અસંતૃપ્ત (monounsaturated) ફૅટી ઍસિડ અને 57.38 % બહુ અસંતૃપ્ત (polyunsaturated) ફૅટી ઍસિડ અને લિનોલૅઇક ઍસિડ (44 %) મુખ્ય ફૅટી ઍસિડ તરીકે જોવા મળે છે. પાપડીના બીજમાંથી ડોલિચિન અને આર્સેલિન નામનાં પ્રોટીન પ્રાપ્ત થયાં છે. શિંબની પાત્રે (in vitro) પ્રોટીનની પચનીયતા (digestibility) 64.36 – 70.30 % જોવા મળે છે. મુખ્ય બીજ પ્રોટીન ગ્લોબ્યુલિનો છે. બીજપ્રોટીનમાં ટ્રીપ્ટોફેન અને સલ્ફર ધરાવતા ઍમિનોઍસિડ સિવાય બધા આવશ્યક ઍમિનોઍસિડોની સાંદ્રતા પ્રમાણમાં ઊંચી હોય છે. કુલ ફીનૉલીય સંયોજન 0.2-10.32 %; ટેનિન0.2-30.40 %; L-DOPA (3, 4ડાઇહાઇડ્રૉક્સિફીનાઇલ એલેનીન) 0.21-0.49 %; ફાઇટિક ઍસિડ 0.314-421 %; હાઇડ્રૉજન સાઇનાઇડ 0.22-0.33 મિગ્રા./100 ગ્રા., ટ્રીપ્સિન અવરોધક સક્રિયતા 24.30-34.56 TIU/મિગ્રા. પ્રોટીન.
બીજના ગ્લાયકોસાઇડોના મિશ્રણમાંથી છ નવા ઑલીએનન પ્રકારના ટ્રાઇટર્પીન બિસ્ડેસ્મોસાઇડો અલગ તારવવામાં આવ્યા છે અને લેબ્લેબોસાઇડ A, B અને Cનું બંધારણ નિર્ધારિત કરવામાં આવ્યું છે. ‘ટાઇપિકસ’ જાતના બીજમાંથી બે લૅક્ટિન પ્રાપ્ત થયા છે. બંને લૅક્ટિનો ગ્લાયકોપ્રોટીનો છે.
બાષ્પશીલ ઘટકોમાં મુખ્યત્વે બાષ્પશીલ ટર્પીનો, ટર્પીનોઇડો અને તેમનાં વ્યુત્પન્નોનો સમાવેશ થાય છે. તેઓ શોધાયેલાં કુલ સંયોજનોનો 46 % જેટલો ભાગ બનાવે છે. સૌથી સામાન્ય સંયોજનોમાં આઇસોપેન્ટાઇલ આલ્કોહૉલ, 3, 7, 11 ટ્રાઇમિથાઇલહેન્ટ્રાઇઍકોન્ટેન, (E)-2- ઑક્ટેન, 7, 11, 17, 21 ટેટ્રામિથાઇલહેન્ટ્રાઇઍકોન્ટેન/ 7, 11, 17, 25 ટેટ્રામિથાઇલહેન્ટ્રાઇઍકોન્ટેન, મિથાઇલ બ્યુટાઇરેટ, આઇસોપેન્ટાઇલ ફૉર્મેટ, 13, 17 ડાઇમિથાઇલ નોનેકોસેન, 13 મિથાઇલનોનેકોસેન, 5 મિથાઇલ હેન્ટ્રાઇઍકોન્ટેન, 3, 11, 19ટ્રાઇમિથાઇલહેન્ટ્રાઇઍકોન્ટેન અને 3, 7ડાઇમિથાઇલ હેન્ટ્રાઇએકોન્ટેનનો સમાવેશ થાય છે.
પાપડીનાં પુષ્પોમાંથી ફ્લેવોનૉઇડો અલગ કરવામાં આવ્યા છે. આ સંયોજનો લ્યુટીઓલિન, કોસ્મોસિઇન, લ્યુટીઓલિન-4∧-O-β-D-ગ્લુકોપાયરેનોસાઇડ અને લ્યુટીઓલિન-7-O-β-D-ગ્લુકોપાયરેનોસાઇડ તરીકે ઓળખવામાં આવ્યા છે.
વનસ્પતિના વિવિધ ભાગોમાંથી છ રોટૅનૉઇડો(ડીગ્યુએલિન, ડીહાઇડ્રોડીગ્યુએલિન, રોટૅનૉલ, રોટેનૉન, ટેફ્રોસિન અને સુમેટ્રૉલ) અલગ કરવામાં આવ્યા છે. મૂળમાં રોટેનૉઇડોનું મહત્તમ પ્રમાણ અને બીજમાં લઘુતમ હોય છે.
પાપડીનાં બીજમાંથી ત્રણ પ્રકારના સેરીન પ્રોટીએઝ અવરોધકો(inhibitors)નું શુદ્ધીકરણ કરવામાં આવ્યું છે. તેમને ડોલિકોસ પ્રોટીએઝ ઇન્હિબિટર 1, 2 અને 3 (DI-1, DI-2 અને DI-3) તરીકે ઓળખવામાં આવે છે. ત્રણેય અવરોધકો ટ્રીપ્સિન અને પ્લાસ્મિનની સક્રિયતાનો અવરોધ કરે છે; પરંતુ થ્રોમ્બિન અને કેલિફ્રેઇન (માનવ જીવદ્રવ્ય કેલિક્રેઇન અથવા સૂવરનું સ્વાદુપિંડીય કેલિફ્રેઇન) ઉપર કોઈ અસર થતી નથી. DI-1 કાઇમોટ્રીપ્સિન ઉપર મહત્તમ અસર કરે છે; જ્યારે DI-2 સૂવરના સ્વાદુપિંડીય ઇલેસ્ટ્રેઝ ઉપર પ્રતિરોધક અસર દર્શાવે છે. DI-1 મિશ્રણ(DI-1, DI-2, અને DI-3)ની પૂર્વ ચિકિત્સા દ્વારા સ્યુડોમોનીય ઇલેસ્ટેઝ-પ્રેરિત સંક્રમિત અલ્પરક્તદાબ (infected hypotension)નું પ્રેરણ (induction) અવરોધાય છે અને સ્યુડોમોનીય ઇલેસ્ટેઝ-ચિકિત્સિત ગિની પિગ જીવદ્રવ્ય(plasma)માં બ્રેડીકાઇનિનના નિર્માણના વધારાને અટકાવે છે. ઉપરાંત ગિની પિગમાં DI-1ની પૂર્વચિકિત્સા આપતાં, સ્યુડોમોનીય ઇલેસ્ટેઝના ઇંજેક્શન દ્વારા કેલિક્રેઇનની સક્રિયતામાં વધારો થતો અવરોધાય છે.
પ્રણાલિકાગત ઉપયોગો વાલની શિંગો સમગ્ર દેશમાં શાકભાજી તરીકે વપરાય છે. છોડનો ઢોરોના ચારા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ‘ટાઇપીકસ’ જાતથી વિરુદ્ધ ‘લિગ્નોસસ’ જાતનાં બીજ શિંગ કરતાં વધારે ઉપયોગી છે. વિકાસના બધા તબક્કે લીલી શિંગો એકત્રિત કરી, તેનાં કોમળ બીજ રાંધીને કે તળીને મીઠા સાથે મેળવી લીલા વટાણાની જેમ ખવાય છે. પાકાં અને સૂકાં બીજની દાળ બનાવી ખાવાના ઉપયોગમાં લેવાય છે. શિંગો, બીજ અને દાળનો ઢોરોના ખાણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
વનસ્પતિના ક્વાથનો આલ્કોહૉલીય માદકતા (intoxication), કૉલેરા, અતિસાર, ગ્લોબફિશ વિષાળુતા, પરમિયો (gonorrhoea), શ્વેતપ્રદર (leucorrhoea) અને વમન (nausea)માં ઉપયોગ થાય છે. બીજનો ઉપયોગ જઠર ઉત્તેજવા, વિષાળુતા સામે વિષઘ્ન (antidote) તરીકે, આર્તવ અને ઉદ્વેષ્ટ (spasm)માં તથા કૉલેરા, અતિસાર, આંતરડાના દુ:ખાવામાં, આમવાત (rheumatism) અને લૂ (sunstroke)માં કરવામાં આવે છે. શિંગોના રસનો સ્તંભકો (astringent), પાચક (digestive), ક્ષુધાવર્ધક (stomachic), કૃમિઓનો બહાર નિકાલ કરવા અને કાન તથા ગળાના સોજામાં ઉપયોગ થાય છે. પુષ્પોનો ગર્ભાશયશોથ અને આર્તવની ચિકિત્સા માટે ઉપયોગ કરવામાં આવે છે. છોડનો પ્રતિશોથકારી (anti-inflammatory), વાજીકર (aphrodisiac), મધુપ્રમેહરોધી (antidiabetic), જ્વરહર (febrifuge) તરીકે અને વાતુળ (flatulent), પિત્તદોષ (bilious) તથા ક્ષુધાવર્ધક અને કફના વિકારોમાં ઉપયોગ થાય છે.
ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો : (1) પાપડીના વિવિધ રંગોમાંથી ફ્લેવોનૉઇડો (કૅમ્પ્ફેરૉલ અને ક્વિર્સેટિન) અલગ કરવામાં આવ્યાં છે. પુષ્પોમાં ફ્લેવોનૉઇડોનું મહત્તમ પ્રમાણ હોય છે. અલગ કરેલાં ફ્લેવોનૉઇડોનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે. તેઓ ફૂગરોધી (antifungal) સક્રિયતા દર્શાવે છે.
(2) છોડ ટ્રાઇગોનેલીન નામનું આલ્કેલૉઇડ ધરાવે છે. તે અલ્પગ્લુકોઝરક્ત (hypoglycemic) સક્રિયતા દર્શાવે છે.
આ ઉપરાંત તે આયર્ન-ન્યૂન પાંડુતા (anaemia), પ્રતિશોથકારી અને વેદનાહર (analgesic), પ્રતિ-ઉપચાયી (anti-oxidant), કોષવિષાળુ (cytotoxic) અસર, અલ્પલિપિડરક્ત (hypolipidemic), પ્રતિસૂક્ષ્મજીવીય (antimicrobial), કીટનાશક (insecticidal), યકૃતસંરક્ષી (hepatoprotective), અશ્મરીરોધી (antilithiatic) અને ઉદ્વેષ્ટરોધી (antispasmodic) ગુણધર્મો ધરાવે છે.
આડઅસરો : વાલનાં બીજ રાંધ્યા સિવાય ખાવાં નહિ. રાંધ્યા સિવાયનાં બીજ ઉદરીય સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે અને તેઓને વિષાળુ ગણવામાં આવે છે. જે લોકોને શરદી કે ફ્લુ થયાં હોય તેમણે પાપડીનો ઉપયોગ કરવો નહિ. તેની શિંગો રાંધતી કે બાફતી વખતે શક્ય તેટલી વાર પાણી બદલતા રહેવું. તેનાં સૂકાં બીજમાં સાયનોજનીય ગ્લુકોસાઇડો ઉચ્ચ માત્રામાં આવેલાં હોય છે; તેથી તેમને વિષાળુ ગણવામાં આવે છે.
આયુર્વેદ અનુસાર, વાલોળ – વાતકર, રુચિકર, તૂરી, સ્વાદે પ્રિય, કંઠશુદ્ધીકારક, ગ્રાહક અને અગ્નિદીપક હોઈ કફ અને પિત્તનો નાશ કરે છે. મોટી વાલોળ રુચિકર, વાતલ, અગ્નિદીપક અને સ્વાદે પ્રિય છે. કાળી વાલોળ – કંઠ્ય, મેધ્ય, અગ્નિદીપક, તૂરી, રસકાળે મધુર, રુચિકર અને ગ્રાહક છે. સફેદ વાલોળ વાત અને કફને કરનાર અને વિષનાશક છે. તેના બાકીના ગુણ કાળી વાલોળ જેવા છે.
ચરકના મત મુજબ, વાલ વાત અને પિત્ત કરનાર છે. વાલ રસમાં મધુર અને રુક્ષ છે, વિપાકમાં અમ્લ છે. પચવામાં ભારે (ગુરુ) અને સર છે. ધાવણ વધારનાર, રક્તપિત્ત કરનાર અને ગરમ છે. તે વિષ, કફ, શોથને હરનાર છે અને શુક્રનો નાશ કરે છે.
ઔષધિપ્રયોગો (1) વીંછીના વિષ ઉપર – વાલોળની ભાજીનો રસ ચોપડવામાં આવે છે. (2) વાલોળની ભાજી અને ભીલામો એકઠાં કરી, તેમને વાટી, ગરમ કરી મરોડ ઉપર લેપ કરવામાં આવે છે. (3) પાઠા ઉપર – સાત વર્ષ જૂની વાલોળનાં મૂળિયાંની ગાંઠ ગાયના તાજા દૂધમાં ઘસી પિવડાવાય છે અને તેનો લેપ કરવામાં આવે છે. (4) કંઠની સુધારણા માટે – વાલોળના રસનું સેવન કરવામાં આવે છે.
निष्पावो मधुरो रूक्षो विपाकेडम्लो गुरु: सर: ।
कषाय: स्तन्यपित्ताम्रमूत्रवात विबन्धकृत् ।
विदाह्युष्णो विषश्लेष्मशोयह्यत् शुक्रनाशन: ।।
॥ ભાવપ્રકાશ ॥
બળદેવભાઈ પટેલ