પાપક્ષયવાદ : મોક્ષ માટે પાપકર્મોના નાશ વિશેનો અભિપ્રાય કે મત. કર્મનો એક અર્થ છે મનવચનકાયાની પ્રવૃત્તિ. પ્રવૃત્તિ એટલે ક્રિયા ક્ષણિક હોવાથી તેના ક્ષયનો પ્રશ્ન નથી. કર્મનો બીજો અર્થ છે પ્રવૃત્તિરૂપ કર્મનો આત્મામાં પડતો સંસ્કાર. આ સંસ્કારને કર્મસંસ્કાર, કર્મવાસના, કર્માશય, ધર્માધર્મ, અપૂર્વ, અષ્ટ કે કર્મ કહેવામાં આવે છે.
હવે કર્મના મુખ્ય બે પ્રકાર છે : સારાં કર્મ અને બૂરાં કર્મ. સારાં કર્મને પુણ્યકર્મ, શુક્લકર્મ, શુભકર્મ, કુશલકર્મ અને ધર્મ કહેવામાં આવે છે. બૂરાં કર્મને પાપકર્મ, કૃષ્ણકર્મ, અશુભકર્મ, અકુશલ કર્મ અને અધર્મ કહેવામાં આવે છે.
વળી કર્મોનો ક્ષય બે પ્રકારનો છે : આંશિક ક્ષય અને સંપૂર્ણ ક્ષય. પાપકર્મોનો આંશિક ક્ષય એટલે કેટલાંક પાપકર્મોનો ક્ષય, બધાંનો નહિ. પાપકર્મોનો સંપૂર્ણ ક્ષય એટલે બધાં જ પાપકર્મોનો ક્ષય.
પાતંજલ યોગભાષ્ય 2/13માં સ્પષ્ટપણે કહ્યું છે કે શુક્લ કર્મના ઉદયથી કૃષ્ણ કર્મોનો (પાપકર્મોનો) ક્ષય થાય છે. આમાંથી એ ફલિત થાય કે પાપકર્મોનો નાશ કરવા માટે શુભ પ્રવૃત્તિ કરવી જોઈએ. તેને કારણે શુક્લ કર્મો બંધાય અને છેવટે તેમનો ઉદય પાપકર્મોનો નાશ કરે. નિષ્કર્ષ એ કે પાપકર્મોનો નાશ કરવા પરોપકાર, વ્રતાચરણ, સ્વાધ્યાય, તપ, બ્રહ્મચર્ય વગેરે શુભ પ્રવૃત્તિ દ્વારા પુણ્યકર્મ(શુક્લ કર્મ)નું ઉપાર્જન કરવું જોઈએ. આ વસ્તુ મહદંશે સર્વસ્વીકૃત છે.
જૈન દર્શનમાં આંશિક કર્મક્ષય માટે પારિભાષિક શબ્દ ‘નિર્જરા’ પ્રયોજાય છે. કર્મનો આંશિક ક્ષય બે રીતે થાય છે. એક રીત એ છે કે કર્મ પોતાનું ફળ નિયત સમયે આત્માને આપી આપોઆપ ક્ષય પામે છે. આ સર્વસ્વીકૃત વસ્તુ છે. આને જૈનો ‘અકામ નિર્જરા’ કહે છે. પરંતુ આત્મા ઇચ્છાપૂર્વક તપસાધનના બળે કર્મનો ક્ષય કરે તો તે ક્ષયને ‘સકામ નિર્જરા’ કહે છે. તપ બે પ્રકારનાં છે : બાહ્ય અને આંતર. આંતર તપના છ પ્રકાર છે : પ્રાયશ્ચિત્ત (દોષશોધન), વિનય, રુગ્ણસેવા જેવી સેવા તથા ગુરુભક્તિ, સ્વાધ્યાય, ક્લેશશમન, કલ્યાણમય ભાવના-ધ્યાન. આમ જૈન મતે પણ પાપકર્મનો આંશિક ક્ષય ઉપર જણાવેલી શુભ પ્રવૃત્તિથી થાય છે, જે સર્વસ્વીકૃત છે.
હવે પાપકર્મોનો સંપૂર્ણ ક્ષય એટલે કે બધાં જ પાપકર્મોનો ક્ષય થઈ જાય અને કેવળ પુણ્યકર્મો જ બાકી રહે એવી સંભાવના સ્વીકારવામાં આવી નથી. બધાં જ પાપકર્મોના ક્ષય સાથે બધાં જ પુણ્યકર્મોનો ક્ષય પણ થાય છે જ. અને તેથી ઊલટું બધાં જ પુણ્યકર્મોના ક્ષય સાથે બધાં જ પાપકર્મોનો ક્ષય પણ થાય છે જ. એટલે બધાં જ પાપકર્મોનો ક્ષય તો જ શક્ય બને, જો બધાં જ કર્મોનો ક્ષય શક્ય હોય. અનંત પૂર્વ-જન્મોમાં આત્માએ સંચિત કરેલાં અનંત કર્મોનો ક્ષય તે અંતિમ જન્મે જ સિદ્ધ થાય. તે કઈ રીતે શક્ય છે તે વિશે કેટલીક વિચારણા થઈ છે.
કેટલાકનું કહેવું છે કે વ્યક્તિ જન્મથી માંડી મૃત્યુ સુધી મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કર્યા જ કરે છે. પ્રવૃત્તિથી કર્મબંધ થાય છે. બંધાયેલાં કર્મોનું ફળ ભોગવવા પ્રવૃત્તિ થાય છે, વળી તે પ્રવૃત્તિથી કર્મબંધ અને બંધાયેલ કર્મોનું ફળ ભોગવવા પ્રવૃત્તિ આમ ચક્ર ચાલ્યાં જ કરે છે, એટલે સર્વકર્મોનો ક્ષય શક્ય નથી અને પરિણામે મોક્ષ શક્ય નથી.
આની સામે કેટલાકને મતે સર્વકર્મનો ક્ષય શક્ય છે. ક્લેશરહિત કરાતાં કર્મો ફળ આપતાં નથી. એટલે ક્લેશરહિત જીવન્મુક્ત પૂર્વસંચિત સર્વકર્મનો ક્ષય ત્રણ રીતે કરી શકે છે એમ ‘ન્યાયમંજરી’કાર જયંત ભટ્ટ જણાવે છે. આ ત્રણ વિકલ્પો નીચે પ્રમાણે છે :
(1) ભોગ દ્વારા સર્વકર્મનો ક્ષય. જીવન્મુક્ત યોગી યોગસિદ્ધિના બળે ધર્માધર્મરૂપ સર્વકર્મોને ભોગવવાને યોગ્ય અનેક સેન્દ્રિય યોગજ નિર્માણશરીરોને ઉત્પન્ન કરે છે તેમજ મુક્ત આત્માઓએ ત્યજી દીધેલાં ખંડ અંત:કરણોને (=મનોને) ગ્રહણ કરે છે. આ મનોથી યુક્ત નિર્માણશરીરો વડે જીવન્મુક્ત યોગી એકસાથે બધાં જ કર્મોનાં બધાં ફળો ભોગવી લે છે. આમ ઉપભોગ વડે સર્વકર્મોનો ક્ષય થાય છે. ન્યાયભાષ્યકાર વાત્સ્યાયને આ પ્રક્રિયાનો સ્વીકાર કર્યો છે. પાતંજલ યોગમાં પણ આવી જ પ્રક્રિયા સ્વીકારાઈ છે. ભોગ દ્વારા સર્વકર્મનો ક્ષય થાય છે એ જૈનો પણ સ્વીકારે છે; પરંતુ તેમણે કર્મપ્રદેશભોગ અને કર્મવિપાકભોગ – એમ બે રીતે ભોગ સ્વીકાર્યો છે. કર્મપ્રદેશભોગ વડે સર્વકર્મનો ક્ષય જૈનોએ માન્યો છે. કર્મવિપાકભોગ દ્વારા સર્વ કર્મનો ક્ષય જૈન સિદ્ધાંત અનુસાર અશક્ય છે. વળી છેલ્લા જન્મમાં આયુષ્યના મર્યાદિત સમયગાળામાં બધાં કર્મોને ભોગવી લેવા ‘કેવલિસમુદઘાત’ નામની પ્રક્રિયા વડે કેવલીનો આત્મા આખા લોકમાં વિસ્તરે છે. આમ જૈનો પણ ભોગ વડે સર્વકર્મનો ક્ષય સ્વીકારે છે. મીમાંસકના મતે આસક્તિ વિના કરાતાં નિત્ય અને નૈમિત્તિક કર્મો તૃષ્ણામુક્ત વ્યક્તિને બંધનરૂપ થતાં નથી; જ્યારે સંચિત કર્મો ક્રમે ક્રમે પોતાનાં ફળ આપી ક્ષય પામે છે અને છેવટે આ રીતે જ સર્વકર્મોનો ભોગ દ્વારા ક્ષય થાય છે – ભલે ને તેમાં અતિદીર્ઘ સમય લાગે, પરંતુ મીમાંસકો કોઈ અલૌકિક પ્રક્રિયા શીઘ્ર ફલભોગ માટે અપનાવતા નથી. આમ તેઓ પણ ભોગ દ્વારા જ સર્વકર્મનો ક્ષય માને છે.
(2) બીજા મતે તત્વજ્ઞાન વડે સર્વકર્મોનો ક્ષય. આ મતવાદીઓ કહે છે કે ભોગ કરવાના આયાસથી શું ? યોગીનાં કર્મો ફળો આપ્યા વિના જ ક્ષય પામશે. તત્વજ્ઞાનનો જ એવો પ્રભાવ છે કે તે ઉત્પન્ન થતાં જ અનંત કાળનાં સંચિત સર્વ કર્મો એકાએક ક્ષય પામી જાય છે; જેમ ભોગથી સર્વકર્મોનો ક્ષય શાસ્ત્રપ્રમાણથી જ્ઞાત થયો છે તેમ તત્વજ્ઞાનથી સર્વકર્મોનો ક્ષય પણ શાસ્ત્રપ્રમાણથી જ અમે જાણ્યો છે એમ તેઓ કહે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ‘હે અર્જુન ! જેમ પ્રજ્વલિત અગ્નિ ઈંધણને બાળી ભસ્મ કરી નાંખે છે તેમ જ્ઞાનરૂપ અગ્નિ સર્વકર્મોને બાળીને ભસ્મ કરી નાંખે છે.’ (ગીતા 4. 37) આ કેવળ શ્રદ્ધા નથી; કારણ કે વેદના જાણકારોમાં અગ્રણી એવા વ્યાસમુનિએ જ સમ્યક્ પ્રકારે આ કહ્યું છે. જે અર્થ વેદને સંમત ન હોય તેને તે કહે નહિ.
(3) ત્રીજા મત મુજબ કર્મોનો ક્ષય થતો નથી; પણ સહકારી કારણોની વિકલતાને કારણે કર્મો ફલોત્પાદન કરતાં નથી. આ મતવાદીઓ કહે છે કે જ્ઞાનાગ્નિથી કર્મોનો ક્ષય થતો નથી; પરંતુ સહકારી કારણના (અજ્ઞાન-મિથ્યાજ્ઞાન અને દોષોના) અભાવે કર્મો સ્વરૂપથી સત્તા ધરાવતાં હોવા છતાં પોતાનું ફળ જન્મ આદિ ઉત્પન્ન કરી શકતાં નથી. જ્ઞાન ઉત્પન્ન થતાં અજ્ઞાન(મિથ્યાજ્ઞાન)નો ક્ષય થાય છે. અજ્ઞાનરૂપ સહકારી કારણ વિના કર્મો પોતાનું ફળ ઉત્પન્ન કરી શકતાં નથી. આમ કર્મો સ્વરૂપથી અસ્તિત્વ ધરાવે છે; પણ તત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાન દૂર થતાં મિથ્યાજ્ઞાનરૂપ સહકારી કારણની વિકલતાને કારણે તેમની ફલોત્પાદકતા ગુમાવે છે.
ઉપર આપેલા ત્રણ વિકલ્પોમાંથી દાર્શનિક ચિંતકોને જે વિકલ્પ રુચતો હોય તે તેઓ સ્વીકારે છે. સર્વકર્મોનો ક્ષય થતાં તદન્તર્ગત પાપકર્મોનો ક્ષય થઈ જ જાય. જે પ્રક્રિયા સર્વકર્મના ક્ષયની છે તે જ પ્રક્રિયા સર્વ પાપકર્મોના ક્ષયની છે.
નગીનભાઈ જીવણલાલ શાહ