પાપ : હિન્દુ માન્યતા મુજબ ધર્મશાસ્ત્ર કે નીતિશાસ્ત્રમાં વખોડવામાં આવેલું, આ લોક અને પરલોકમાં અશુભ ફળ આપે અને મનુષ્યનું અધ:પતન કરે એવું આચરણ. પાપકર્મ કરવાથી પછીનો જન્મ ખરાબ મળે છે અને દુ:ખ ભોગવવું પડે છે તેવું માનવામાં આવે છે. મનુષ્યનું પતન કરનારા કર્મને ‘પાતક’ એવા શબ્દથી ઓળખવામાં આવે છે, પરંતુ પાપ અને પાતક વચ્ચે સૂક્ષ્મ ભેદ શાસ્ત્રીય રીતે તારવવામાં આવ્યો છે. પાપ ઉત્પન્ન કરનારું કર્મ પાતક કહેવાય; જ્યારે એવાં કર્મનું ફળ એ પાપ છે. સામાન્ય વ્યવહારમાં પાપ અને પાતક બંનેને પર્યાય માનવામાં આવે છે. વળી શાસ્ત્રમાં જે કર્મોનો નિષેધ કરવામાં આવ્યો છે તે કરવાથી અધર્મ કે પાપ જન્મે છે.
પાતકના આઠ પ્રકારો છે : (1) અતિપાતક (વધુ સંખ્યામાં મહાપાતકો), (2) મહાપાતક, (3) અનુપાતક-મહાપાતકની પાછળ થતાં પાતકો, (4) ઉપપાતક, (5) સંકરીકરણ – વર્ણસંકરતાનાં કારણરૂપ પાતકો, (6) અપાત્રીકરણ – અયોગ્ય બનાવનારાં પાતકો, (7) જાતિભ્રંશકર (અધમ જાતિ પ્રાપ્ત કરાવે તેવાં) પાતકો અને (8) પ્રકીર્ણ પાતકોનો સમાવેશ થાય છે.
મનુસ્મૃતિ જેવા ધર્મશાસ્ત્રના ગ્રંથોમાં (1) બ્રહ્મહત્યા, (2) સુરાપાન, (3) સ્તેય, (4) ગુરુપત્નીગમન અને (5) આ ચાર મહાપાતકો કરનારા સાથે સંસર્ગ – એમ પાંચ મહાપાતકો ગણાવવામાં આવ્યાં છે. તદુપરાંત, ગાય, જમીન કે સોનાનો ગેરવાજબી કબજો, સ્ત્રીઓનું અપહરણ અને તેમની સાથે વ્યભિચાર, અસત્ય બોલવું, ક્રૂર આચરણ, નિંદા કરવી, નિંદાપાત્ર આચાર, ખોટી સાક્ષી આપવી, મિત્રનો વધ કરવો, નિષિદ્ધ પદાર્થોનું ભક્ષણ કરવું, બીજાની થાપણ કે વસ્તુ ઓળવી લેવી વગેરેને મોટાં પાતકો ગણ્યાં છે; જ્યારે ઉપપાતકોમાં ગોવધ, પરસ્ત્રીગમન, પોતાની જાતનું વેચાણ, વડીલોની સેવા ન કરવી, સંતાનોનું ભરણપોષણ ન કરવું, દેવાળું કાઢવું, ભડવાઈ, મોટા ભાઈની પહેલાં લગ્ન કરવું વગેરેનો સમાવેશ થાય છે.
જૈન ધર્મ મુજબ પાપની સંખ્યા અઢારની છે. એમાં (1) જીવહિંસા, (2) અસત્ય બોલવું, (3) ચોરી કરવી, (4) વિષય સેવવો, (5) પરિગ્રહ કરવો, (6) ક્રોધ કરવો, (7) અહંકાર, (8) કપટ, (9) લોભ, (1૦) રાગ, (11) દ્વેષ, (12) કલહ કરવો, (13) કોઈ પર આળ ચડાવવું, (14) ચાડી ખાવી, (15) રતિ હોવી, (16) માયામોષ (કપટયુક્ત ચોરી), (17) ભાવપાપ (ખરાબ ધર્મમાં આસ્થા રાખી હિંસા વગેરે ખરાબ ભાવો આચરવા) અને (18) દ્રવ્યપાપ – એટલાંનો સમાવેશ થાય છે. વળી (1) કઠોર વાણી, (2) મિથ્યા વચન, (3) ચાડી ખાવી અને (4) નિષ્પ્રયોજન વાર્તા કરવી – એ ચાર વાણીનાં પાપ છે. ઉપરાંત, શાસ્ત્રમાં નિષિદ્ધ કર્મ કરવાથી અને કરવાલાયક કર્મ ન કરવાથી પણ પાપ મળે છે.
બહુ ખરાબ પાપકર્મ કરનારાને કાંટા, વીંછી અને સાપ જેવી બીજાને પીડા કરનારી યોનિમાં, મધ્યમ પાપકર્મ કરનારને આંબો, ફણસ વગેરે વૃક્ષો જેવી યોનિમાં અને સામાન્ય પાપકર્મ કરનારને પીપળો, તુલસી, હાથી, ગાય જેવી યોનિમાં જન્મ મળે છે.
આ જન્મમાં ધર્મશાસ્ત્રમાં કહેલું પાપનું અશુભ ફળ ભોગવી લેવાથી કે તેમાં કહેલું પ્રાયશ્ચિત્ત કરવાથી પાપ નાશ પામે છે; આમ છતાં જો પાપ દૂર ન થાય તો નરકમાં જઈને કે બીજા જન્મમાં પાપનું ફળ ભોગવવું પડે છે એવી માન્યતા છે. પોતાના પાપને જાહેર કરી પસ્તાવો કરવાથી પણ પાપ નાશ પામે છે. મનુષ્ય પાપીનો સંસર્ગ કરવાથી તેના પાપમાં ભાગીદાર બની દુ:ખી થાય છે; તેથી એ પણ પાપનો જ એક પ્રકાર છે. સંક્ષેપમાં, અનીતિથી સ્વાર્થ સાધવા અન્ય મનુષ્ય કે પ્રાણીને મુશ્કેલીમાં મૂકવાથી પાપ થાય છે અને તેનું ફળ ખરાબ મળે છે અને આ લોક કે પરલોકમાં, આ જન્મ કે બીજા જન્મમાં તે ભોગવ્યા સિવાય છૂટકો થતો નથી એમ હિન્દુ ધર્મશાસ્ત્રનું કહેવું છે.
કે. કા. શાસ્ત્રી
પ્ર. ઉ. શાસ્ત્રી