પાનાત્યય : આયુર્વેદ અનુસાર નિયમરહિત અતિ મદ્ય(શરાબ)પાનથી થયેલ ખાસ રોગસ્થિતિ.
કોઈ પણ મદ્ય (શરાબ, દારૂ, મદિરા) જો તેના નિયમો પાળીને, ઔષધ રૂપે, વય મુજબ યોગ્ય માત્રામાં, જરૂર હોય ને લેવાય તો તે ‘ઔષધ’ બની શકે છે; પરંતુ જો તે ખાલી પેટે, નિયમરહિત, વધુ માત્રામાં અને વ્યસન રૂપે વારંવાર કે રોજ લેવાય ત્યારે તે શરીરમાં અનેક ભયાનક રોગો, ભયંકર નશો (મદ) અને અકાળે મૃત્યુ પેદા કરે છે.
મદ્યજન્ય મદ(નશા)ને સુશ્રુતે અગ્નિ સમાન ભસ્મકારી ગણાવેલ છે. શરાબના નશામાં વ્યક્તિ પોતાનાં મન, બુદ્ધિ અને ઇંદ્રિયો પરનું નિયંત્રણ ગુમાવી બેસે છે, જેથી તે ગુપ્ત રાખવા જેવી બાબતો પણ નિરર્થક બબડાટ-પ્રલાપમાં બોલી નાંખે છે અને સામાજિક રીતે અભદ્ર દેખાય છે.
મદ્યપાનની ત્રણ અવસ્થાઓ છે : પૂર્વાવસ્થા, મધ્યમાવસ્થા અને અંતિમાવસ્થા. પૂર્વાવસ્થામાં વ્યક્તિનો ઉત્સાહ, રતિશક્તિ, હર્ષ, પ્રેમ, આનંદ, સંતોષ અને ભાષણ કરવાની શક્તિ વધે છે. મધ્યાવસ્થામાં મોહ (ભ્રમ) અને નશાની બેભાનીમાં કદીક સારી, કદીક ખોટી ક્રિયાઓ થાય છે. નશાનો દર્દી ગમે તેમ બબડાટ કરે છે અને લથડિયાં ખાય છે. મદ્યપાનની અંતિમ અવસ્થામાં દર્દી મગજ પરનો કાબૂ ગુમાવી દેતાં કોઈ કાર્ય સારી રીતે કરી શકતો નથી. તેને કશું યાદ રહેતું નથી. નશામાં ચકચૂર થઈ બેહોશ જેવો થઈ જમીન પર કે ગમે ત્યાં સૂઈ જાય છે.
પાનાત્યય ચાર પ્રકારનો થાય છે : વાતદોષજન્ય, પિત્તદોષજન્ય, કફદોષજન્ય અને ત્રિદોષજ. (1) વાતદોષજ પાનાત્યયમાં, અંગો તૂટવાં, શરીર ને મન સ્તબ્ધ થવાં, હૃદય જકડાવું, શરીરમાં સોય ભોંકાવા જેવી પીડા થવી, શરીર કંપવું કે લથડિયાં ખાવાં તથા માથામાં પીડા થવી – એ લક્ષણો જણાય છે. (2) પિત્તજન્ય પાનાત્યયમાં પરસેવો થવો; લવરી, મુખશોથ, અંગદાહ, મૂર્ચ્છા અને આંખ તથા મુખ પર પીળાશ જેવાં લક્ષણો જણાય છે. (3) કફજ પાનાત્યયમાં કફની ચીકણી ઊલટી થવી, શરીર ઠંડું પડવું, મુખમાંથી લાળ પડવી જેવાં લક્ષણો જણાય છે. (4) ત્રિદોષજ પાનાત્યયમાં વાયુ, પિત્ત, કફનાં મિશ્ર લક્ષણો ઓછાંવત્તાં હોય છે.
પાનાત્યય રોગમાં દોષાનુસાર, દોષથી વિપરીત પ્રચુર મધુર રસયુક્ત ભોજન, શીતળ સુગંધી અને મનને પ્રિય શરબતોનું સેવન કરાવાય છે; વધુ દાહ હોય તેમાં પિત્તહર ચિકિત્સા કરાય છે; જેમ કે, ચંદનકાષ્ઠનો શીતળ લેપ કરવો, ચાંદનીમાં ફરવું, ખૂબ શીતળ જળનું સેવન કરવું અને એમાં સ્નાન કરવું વગેરે.
મદ્યપાનથી આવેલ નશાના અને તેથી થયેલા ઉપદ્રવોના નાશ માટે : (1) ઘી, સાકરમાં જીરાનું ચૂર્ણ ચટાડવું; (2) માથા પર ઠંડું પાણી રેડવું; (3) કોળાનો રસ કાઢી, તેમાં ગોળ નાંખી પાવો; (4) કોઠાનો ગર્ભ, દ્રાક્ષ, દાડમનો રસ અને દહીં સમભાગે લઈ, તેમાં ધાણાની ભૂકી અને સાકર નાંખી તે આપવું; (5) મધ, ખજૂર, દ્રાક્ષ, કોકમ, ફાલસાં અને દાડમના રસનું મિશ્ર શરબત બનાવી પિવડાવવું; (6) ખૂબ કાકડી ખવડાવવી વગેરે સરળ ઉપાયો છે.
બળદેવપ્રસાદ પનારા