પાનલૌવા (Painted Snipe) : ભારતમાં ચોમાસામાં પ્રમાણમાં ઓછું જોવા મળતું પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Rastratula benghalensis. તેનું કદ તેતરથી નાનું, 25 સેમી.નું હોય છે.

આ પંખીમાં નર ઝાંખો, તેનું માથું અને છાતી લીલાશ પડતાં રાખોડી હોય છે, ઉપરનો ભાગ લીલો હોય છે. તે માદા કરતાં કદમાં નાનો હોય છે. નર અને માદા બંનેની આંખ મોટી, ચાંચ લાંબી અને છેડેથી થોડી વાંકી અને રંગે બદામી હોય છે. આંગળાં સહિત પગ રંગે લીલા અને લાંબા હોય છે.

ચોમાસા દરમિયાન માદા ઉપરના ભાગે કાંસાવરણી લીલી દેખાય છે અને તેમાં કાળી અને ઝાંખી બદામી રેખાઓ અને નિશાન હોય છે. માથા વચ્ચે આછો બદામી પટ્ટો હોય છે. આંખ ફરતું સફેદ રંગનું વર્તુળ અને આંખ પાછળ સફેદ પટ્ટો હોય છે. તે સિવાય માથું, ડોક અને છાતી કથ્થાઈ રંગનાં, ખભા પાસે બદામી લાંબા પટ્ટા, પેટનો ભાગ ધોળો અને પાંખમાં ગોળ પીળાં નિશાન હોય છે. ચોમાસા બાદ માદા નર જેવી થઈ જાય છે. માદાનો રંગ વધારે આકર્ષક હોય છે. ઈંડાં મૂકવાની ચોમાસાની ઋતુ દરમિયાન નર પાણીની વનસ્પતિથી માળા બનાવે છે. ઈંડાં મૂક્યા પછી માદા તે સેવવા કે બાલઉછેર કરવા રોકાવાને બદલે નરને તે કામ સોંપી પોતે નવા પતિની શોધમાં નીકળી પડે છે. આમ એક પછી એક એમ બે-ત્રણ નર સાથે આવો જ સંવનન-વ્યવહાર કરે છે. આ રીતે પાનલૌવાનું પોતાનું ત્રિયારાજ ચાલે છે.

પાનલૌવા

તે સ્વભાવે શરમાળ અને બીકણ પંખી છે. તે મોટા ભાગે સંધ્યાચર હોય છે. નદી-તળાવના કિનારામાં ઊગેલ ઘાસ, ચીઆ/પાન જેવી વનસ્પતિમાં તેનું રહેઠાણ હોય છે. કિનારાના કાદવમાં ચારો ચરે છે. પાણીમાંની વિવિધ વનસ્પતિઓ અને જીવાત એ તેનો ખોરાક છે.

તેને રંગીન ગારખોદ પણ કહે છે. તેનું દેશી નામ પાનલૌવા છે. મોર ઢેલોને રીઝવવા કળા કરે છે, તેથી ઊલટું આ માદા પંખી નરને રીઝવવા નરની આગળ પાંખ ને પૂંછડી પહોળાં કરી કળા કરે છે. આ પંખીની જાતિમાં માદા અને નરનું પ્રમાણ 1 : 3 કે 4 નું હોય છે.

બળદેવભાઈ કનીજિયા