પાનરવો (પાંડેરવો) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના ફેબેસી કુળમાં આવેલા પૅપિલિયોનૉઇડી (પલાશાદિ) ઉપકુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Erythrina variegata Linn. var. orientalis (Linn.) Merrill syn. E. indica Lam. (સં. મંદાર, પારિભદ્ર, રક્તકેસર, પારિજાત; હિં. દાદપ, મંદાર, ફરહદ, જલનીમ; બ. પલિતામંદાર, પાલિદામાર, પલિતુ-મુદાર; મ. પાંગરા, મંદાર; ગુ. પાનરવો, પાંડેરવો, તમ. કલ્યાણ-મુરુક્કુ, મરુક્કુ; તે. મૂળ મોતિચેટું, બોડિતા, બોડિસા, મલા. મૂળ મુરિક્કા, દેદપ; કન્ન. હાલીવાળ, પાંગરા, કોં. પારિંગા; અં. ઇન્ડિયન કોરલ ટ્રી) છે.
વિતરણ : પાનરવો ભારતના પાનખરનાં જંગલોમાં પહાડી પ્રદેશોમાં અને આંદામાન તથા નિકોબારના દ્વીપોમાં વન્ય (wild) સ્થિતિમાં વાર્ષિક 8૦-15૦ સેમી. વરસાદ ધરાવતા પ્રદેશોમાં અને ઉષ્ણ સમુદ્રકિનારે તથા 15૦૦ મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેને ઉદ્યાનોમાં શોભન વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.
બાહ્ય લક્ષણો : તે મધ્યમ કદનું લગભગ 18.૦ મી.ની ઊંચાઈ સુધી વૃદ્ધિ પામતું પર્ણપાતી (deciduous), કાંટાળું વૃક્ષ છે. થડ, શાખાઓ અને ઉપશાખાઓ ગીચ રીતે ગોઠવાયેલી હોય છે. તેના ઉપર 8 મિમી. લાંબી, મજબૂત, શંકુ આકારની છાલશૂળો (pricles) વડે આવરિત હોય છે. તેઓ 2-4 વર્ષમાં ખરી પડે છે. બહુ થોડી છાલશૂળો દીર્ઘસ્થાયી બને છે. છાલ લીસી, પીળાશ પડતી કે લીલાશ પડતી ભૂખરી, ચળકતી, પ્રમાણમાં જાડી અને બૂચ જેવી પોચી હોય છે તથા તેમાં સમય જતા ઊંડા ઊભા ચીરા જોવા મળે છે. પર્ણો ત્રિપર્ણી (trifoliate), સંયુક્ત, એકાંતરિત, મરકત-હરિત (emerald-green); પર્ણદંડો (petioles) લગભગ 6-15 સેમી. લાંબા; પત્રાક્ષ (rachis) 5-30 સેમી. લાંબો અને છાલ શૂળયુક્ત હોય છે. પર્ણિકાઓ લીસી, ચળકતી, 8-2૦ સેમી. x 5-15 સેમી., લંબાઈ અને પહોળાઈ લગભગ સરખી અને અંડાકાર કે હૃયાકાર તથા ટોચેથી અણીદાર હોય છે. પાનખર ઋતુમાં બધાં પર્ણો ખરી પડે છે ત્યારે તે ઠૂંઠું લાગે છે.
પુષ્પનિર્માણ ફેબ્રુઆરી-મે સુધી થાય છે. તેઓ પોપટની ચાંચ જેવાં ચળકતાં રાતાંથી માંડી સિંદૂરી લાલ રંગનાં, ઉન્નત (erect) 15-2૦ સેમી. લાંબી અગ્રસ્થ કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. તેની એક જાત(E. variegata var. alba)ને સફેદ પુષ્પો આવે છે. તેના પુષ્પોમાં ઝાકળનું પાણી ભરાય છે. તેને પીવા શક્કરખોર જેવાં પક્ષીઓ મોટા પ્રમાણમાં આવે છે. પુષ્પમાંથી સ્રવતા મધને લીધે પણ પતંગિયાં આકર્ષાય છે. પરિણામે આ વૃક્ષ ચેતનવંતું લાગે છે. ફળો શિંબી (legume) પ્રકારનાં, નળાકાર, મણકામય (torulose), 2૦-25 સેમી. લાંબાં, શરૂઆતમાં લીલાં, પાકે ત્યારે કાળા રંગનાં અને કરચલીયુક્ત હોય છે. ફળમાં 1-8 લીસાં, લંબચોરસ, ઘેરાં-લાલથી માંડી લગભગ કાળાં બીજ હોય છે.
તેનું પ્રસર્જન બીજ કે કટકારોપણ દ્વારા થાય છે. આ વૃક્ષ દરિયાકાંઠે અથવા પાણીની નજીક સહેલાઈથી ઊછરે છે.
વનસ્પતિરસાયણ (phytochemistry) : પર્ણોનું એક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : પાણી 6.85 %; ઈથર-નિષ્કર્ષ 5.35 %; આલ્બુમિનૉઇડો 16.73 %; પાચ્ય (digistible) કાર્બોદિતો 37.12 %; કાષ્ટતંતુઓ(wood fibres) 22.5 % અને ભસ્મ (ash) 11.25 %; પર્ણોમાં નાઇટ્રોજન 1.46 %; પોટાશ 1.81 અને ફૉસફોરિક ઍસિડ ૦.5 % હોય છે.
વનસ્પતિ ટેરોકાર્પનો, આઇસોફ્લેવૉનો, ફ્લેવૉનો અને ચાલ્કોનો જેવા ફીનૉલીય ચયાપચયકો (metabolites) ધરાવે છે. તે પૈકી કેટલાંક સંયોજનો પ્લાસ્મોડિયમરોધી (antiplasmodial) સક્રિયતા, પ્રતિફૂગ-જીવાણુક (antimycobacterial) સક્રિયતા અને વિવિધ કૅન્સર-કોષવંશો (cell lines) સામે કોષવિષાળુ(cytotoxic) સક્રિયતા દર્શાવે છે.
બીજ સ્થાયી તેલ ધરાવે છે. શુષ્ક લાલ બીજમાંથી 11.3 % જેટલું, આછું પીળું તેલ પ્રાપ્ત થાય છે. તેલના ભૌતિક-રાસાયણિક ગુણધર્મો આ પ્રમાણે છે : (વક્રીભવનાંક) 1.4596; સાબૂકરણ આંક 184.5; આયોડિન-આંક 63.3; ઍસિડ-આંક 1.24; અસાબૂકરણીય (unsaponifiable) દ્રવ્ય ૦.81 %. તે સંતૃપ્ત ફૅટી ઍસિડ 36.7 % અને અસંતૃપ્ત ફૅટી ઍસિડો(ઑલેઇક ઍસિડ 53.42 % અને લિનોલેઇક ઍસિડ 9.87 %) 63.3 % ધરાવે છે. અવશેષિત ખોળ અશોધિત (crude) પ્રોટીન 4.0 % અને ભસ્મ 4.2 % ધરાવે છે.
સફેદ બીજમાંથી 12 % જેટલું રતાશ પડતું તેલ પ્રાપ્ત થાય છે. તેની ભૌતિક-રાસાયણિક લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : (વક્રીભવનાંક) 1.440; સાબૂકરણ આંક 185.5; આયોડિન આંક 31.84 અને ઍસિડ-આંક 9.5. બીજ હાઇપેથોરીન ધરાવે છે. એને બાફીને અને ભૂંજીને ખાવાં જરૂરી છે, કેમ કે તે ઝેરી હોય છે.
બીજ ચણા(પ્રોટીન 22.8 %)ની જેમ વિપુલ પ્રમાણમાં પ્રોટીન અને સમાન ઍમિનોઍસિડ – બંધારણ ધરાવે છે; પરંતુ તેમાં મિથિયૉનીન હોતો નથી. બીજ પ્રોટીનનું ઍમિનોઍસિડોનું બંધારણ આ પ્રમાણે છે : ઍલેનિન 7.2 %; આર્જિનીન 3.4 %; ઍસ્પાર્ટિક ઍસિડ 12.9 %; ગ્લુટામિક ઍસિડ 13.4 %; ગ્લાયસીન 7.6 %; હિસ્ટિડીન 3.9 %; આઇસોલ્યુસીન 3.6 %; લ્યુસીન 7.1 %; લાયસીન 5.1 %; મિથિયૉનીન ૦.5 %; ફીનાઈલ ઍલેનિન 3.3 %; પ્રોલીન 4.7 %; સેરીન 7.1 %; થ્રિયોનીન 5.7 %; ટાયરોસીન 2.2 % અને વેલાઇન 4.8 %. બીજ આઇસોલેક્ટિનો (EVL I, EVL II અને EVL III, કુન્ટઝ-પ્રકારના ટ્રિપ્સિન પ્રતિરોધકો (Inhibitors), ETIa અને ETIb અને કાઇમોટ્રિપ્સિન પ્રતિરોધક, ECI ધરાવે છે.
પાનરવો N-નૉરપ્રોટોસિનોમેનીન, પ્રોટોસિનોમેનીન, ઇરીસોડાયેનૉન, 3-ઇરીથ્રોઇડીન, ઇરીસોપીન, ઇરીથ્રેલીન, ઇરીથ્રેમીન, ઇરીસોડીન, ઇરીસોટ્રીન, ઇરીથ્રેટીન, N,N-ડાઇમિથાઇલ ટ્રીપ્ટોફેન, હાઇપેર્ફોરીન, 3-ડીમિથૉક્સિ ઇરીથ્રેટિડિનૉન, ઇરીથ્રિનીન, ઇરીથ્રેટિડિનૉન, ઇરીસોનીન, ઇરીસોપિટીન, 11-b-હાઇડ્રૉક્સિઇરીસોટ્રીન, ઇરીસોવીન, 11-હાઇડ્રૉક્સિ-એપિ-ઇરીથ્રેટિડીન, ઇરીથ્રેટિડીન, ઍપિ-ઇરીથ્રેટિડીન જેવાં આલ્કૅલૉઇડો તથા કૅમ્પેસ્ટેરૉલ, β-સિટોસ્ટેરૉલ અને β-ઍમાયરિન જેવાં સ્ટેરૉલ ધરાવે છે. ઇન્ડિકેનીન D અને E નામનાં આઇસોફ્લેવૉનો સાથે 11 જાણીતાં સંયોજનો ઉપરાંત, જેનિસ્ટેઇન, વ્હાઇટીઓન, ઍલ્પિનમ આઇસોફ્લેવૉનો-ડાઇમિથાઇલ ઍલ્પિનમ આઇસોફ્લેવૉન, 8-પ્રીનાઇલ ઇરીથ્રિનિન ‘C’ અને ઇરીસેનેગેલેન્સેઇન E તથા એક ઇરીથ્રિનેસિનેટ B જેવાં છ આઇસોફ્લેવૉનો પ્રાપ્ત થયાં છે.
ફ્લેવોનૉઇડોમાં એપિજેનિન, જેન્ક્વેનિન, આઇસો વાઇટૅક્સિન, સ્વર્ટિસિન, સેપોનેરિન, 5-O-ગ્લુકોસીલસ્વર્ટિસિન અને 5-O-ક્લુકોસીલઆઇસોસ્વર્ટિસિનનો સમાવેશ થાય છે. સ્વર્ટિઍમેરિન, ગ્લુકોસાઇડ અને બિટ્યુલિન, ટ્રાઇટર્પીન પણ અલગ કરવામાં આવ્યાં છે. અસાબૂકરણીય દ્રવ્યના આલ્કોહૉલ-અદ્રાવ્ય અંશમાંથી n-હૅક્ઝોસેમૉલ, હેપ્ટાકોસીન, નોન્એકોસેન અને પેટ્રોલિયમ ઈથર નિષ્કર્ષના અસાબૂકરણીય દ્રવ્યમાંથી મિરિસ્ટિક, સ્ટીઅરિક અને ઓલેઇક ઍસિડો પ્રાપ્ત થયા છે.
પુષ્પોમાં આઇસોક્વિનોલીન અને આઇસોકોકોલિનીન આલ્કેલૉઇડો ઉપરાંત, ઇરીથ્રિટૉલ, 7-મિથૉક્સિ 8-(15-હાઇડ્રૉક્સિપેન્ટાડેસીલ)-કાઉમેરિન, ઍબાયસિનૉન, સ્ટિગ્મોઇડિન A, B અને C, ઍલ્પિનમઆઇસોફ્લેબૉન, ઇરીથ્રિનિન A, B અને C, ઓસેજિન, ઇરીથ્રેબાયસિન I અને ફેઝીઓલિન હોય છે. 29 નૉર સાયક્લોઆર્ટેનૉલ, 3 -ઍસિટૉક્સિ-B-નૉરકોલેસ્ટ-5-ઇન, ડોકોસેનૉઇક મિથાઇલ ઍસ્ટર, સ્ટિગ્મેસ્ટેરૉલ, કૅમ્પેસ્ટેરૉલ, b-સિટોસ્ટેરૉલ અને તેના આર્ચિડેટ અને કૅપ્રિક ઍસિડની હાજરી પણ નોંધાઈ છે.
મૂળમાંથી વેરૅન્ગેલૉન (સ્કેન્ડેનૉન), 5,7,4′ – ટ્રાઇમિથૉક્સિ-6,8-ડાઇપ્રીનાઇલ આઇસોફ્લેવૉન, ઇરીક્રિસ્ટેગેલિન, ઇરીથ્રેબાયસિન-II, ફેઝીઓલિન, ફેઝીઓલિડિન, આઇસોબેવાસિન, સિન્નેમીલફીનૉલ અને ઇરીવેરિએસ્ટીરીન પ્રાપ્ત થયાં છે.
પ્રણાલિકાગત ઉપયોગો : ભારતમાં પાનરવાનો ઉપયોગ રોગજન્ય (pathogenic) પરજીવીઓનો નાશ કરવા અને સાંધાઓમાં થતી પીડા દૂર કરવા માટે થાય છે. પર્ણોનો રસ મધ સાથે આપવાથી દર્દીમાં રહેલા પટ્ટીકૃમિઓ અને ગોળકૃમિઓનો નાશ થાય છે. સ્ત્રીઓ આ રસનો સ્તન્યસ્રવણ (lactation) અને આર્તવ (menstruation) ઉત્તેજવા તથા પૂર્વપક્વ (premature) પ્રસૂતિ વિલંબિત કરવા ઉપયોગ કરે છે. પર્ણોની હૂંફાળી પોટીસ આમવાતી (rheumatic) સાંધાઓની પીડામાં રાહત મેળવવા લગાડવામાં આવે છે. છાલ રેચક (laxative), મૂત્રલ (diuretic), વાજીકર(aphrodisiac) અને કફોત્સારી (expectorant) તરીકે ઉપયોગી છે. વનસ્પતિના વિવિધ ભાગો ચેતાકીય શામક (nervine sedative), નેત્રલોશન (collyrium), નેત્રાભિષ્યંદ (ophthalmia), દમરોધી (anti-asthmatic), અપસ્મારરોધી (anti-epileptic), જંતુઘ્ન (antiseptic) અને સ્તંભક (astringent) તરીકે ઉપયોગમાં લેવાય છે. છાલનો ઉપયોગ તાવમાં, યકૃતના રોગોમાં અને આમવાતમાં થાય છે. પર્ણોના રસનો વ્રણ વિરોહણ (healing) અને દાહમાં ઉપયોગ કરવામાં આવે છે. ઢોરોમાં સ્નાયુઓની વેદનાથી મુક્તિ મેળવવા પર્ણોની લુગદી લગાડવામાં આવે છે. પર્ણોનો નિષ્કર્ષ સૂત્રકૃમિનાશક (nematicidal) ગુણધર્મ ધરાવે છે. મૂળનો નિષ્કર્ષ પ્રતિસૂક્ષ્મજીવીય (antimicrobial) સક્રિયતા ધરાવે છે. છાલ સ્તંભક, જ્વરહર (febrifuge) અને કૃમિહર (anthelmintic) હોય છે. તે સ્ટ્રીક્નિન માટે પ્રતિવિષ (antidote) કાર્ય કરે છે. તેનાં પર્ણો મૃદુવિરેચક (aperient) છે. છાલ પિત્તાશયની પથરીમાં, કફોત્સારી જ્વરહર અને કૃમિહર તરીકે ઉપયોગી છે.
અન્ય ઉપયોગો : તેના પર છાલશૂળો હોવાથી તેના થડનો વાડ બનાવવામાં ઉપયોગ થાય છે. દ્રાક્ષ, મરી અને પાનના વેલા ચઢાવવામાં તેની શાખાઓનો ટેકા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
તેની છાલનો ઉપયોગ શીશીના બૂચ બનાવવામાં, યંત્રોમાં ઝમતા પ્રવાહી તેલને રોકવા સંવેષ્ટન (packing) તરીકે અને વિદ્યુતનાં સાધનોમાં અવરોધક તરીકે થાય છે. રેસાવાળી છાલમાંથી દોરડાં બનાવવામાં આવે છે. તેનાં પર્ણોનો ખાતર બનાવવામાં ઉપયોગ થાય છે. તેનું લાકડું પોચું અને હલકું હોવા છતાં મજબૂત હોય છે. તેનો ઉપયોગ છરીના હાથા, તલવારનાં મ્યાન, રમકડાં, પીપડાં અને ચા, ફળ તથા દીવાસળીની પેટીઓ બનાવવામાં થાય છે.
પર્ણો અને કુમળા પ્રરોહ(shoot)નો ઉપયોગ શાકભાજી તરીકે થાય છે. પર્ણો ઢોરોના ચરાણ માટે કિંમતી ગણાય છે. લીલાં પર્ણોનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં [6 વર્ષનાં 40 વૃક્ષોનાં એક વારના પર્ણકર્તન (lopping)થી લઘુતમ 2 ટન જેટલું] થાય છે. લીલાં પાનને ચોખા સાથે મિશ્ર કરવાથી ઢોરો માટે પોષક આહાર બને છે.
ઔષધગુણવિજ્ઞાનીય(pharmacological) ગુણધર્મો : સ્નાયુ વિશ્રાંતિકર (muscle relaxant) સક્રિયતા પાનરવો આલ્કેલૉઇડોનો વિપુલ સ્રોત છે. આ આલ્કેલૉઇડો સ્નાયુ વિશ્રાંતિકર સક્રિયતા દર્શાવે છે અને હૅક્ઝાબાર્બિટૉલની શમનકારી (sedative) અસરમાં વધારો કરે છે. ઉંદરોમાં આલ્કેલૉઇડોની LD5૦ (lethaldose5૦ વિનાશક માત્રા5૦) લગભગ 3૦6.4 મિગ્રા./કિગ્રા. છે.
પર્ણોમાંથી નિષ્કર્ષિત આલ્કેલૉઇડો પ્રતિશોથકારી (anti-inflammatory) સક્રિયતા ધરાવે છે.
બીજ પ્રબળ જૈવજંતુનાશક (biopesticide) ગુણધર્મ દર્શાવે છે. તેનો ઈથર-નિષ્કર્ષ (૦.1થી 1.૦ %) Pericallia ricinii (સૈનિક-શલભ)ની પ્રોટીએઝ સક્રિયતામાં ઘટાડો કરે છે. તેના આહારના ઉપયોગથી 1૦-6૦ % ઇયળોનો અને 1૦-8૦ % કોશિત(pupa)નો નાશ થાય છે.
મૂળનો નિષ્કર્ષ પાત્રે (in-vitro) Staphylococcus aureus અને Mycobacterium smegmatis સામે પ્રતિજીવાણુક (antibacterial) સક્રિયતા ધરાવે છે. પર્ણો અને બીજના 7૦ % આલ્કોહૉલીય નિષ્કર્ષો Bacillus Megaterium, B. cereus અને S. albus સામે પ્રતિજીવાણુક સક્રિયતા દર્શાવે છે.
પાનરવાના અન્ય ઔષધગુણ-વિજ્ઞાનીય ગુણધર્મો આ પ્રમાણે છે : વ્રણરોધી (anti-ulcer), કૃમિઘ્ન, અસ્થિછિદ્રતારોધી (anti-osteoporotic), હૃદ્વાહિકીય (cardiovascular) અને શ્વસન સંબંધી પ્રભાવ, CNS (Central Nervous System, કેન્દ્રસ્થ ચેતાતંત્ર) ઉપર પ્રભાવ, કોષવિષાળુતા (cytotoxicity), વેદનાહર (analgesic), પ્રતિ-ઉપચાયી (anti-oxidant) અને મૂત્રલ.
આયુર્વેદ અનુસાર, પાનરવાના ગુણધર્મો આ પ્રમાણે છે :
ગુણ | |
ગુણ – લઘુ | રસ – કટુ, તિક્ત |
વિપાક – કટુ | વીર્ય – ઉષ્ણ |
કર્મ |
દોષકર્મ – તે તિક્ત અને ઉષ્ણ હોવાથી કફ અને વાયુનું શમન કરે છે.
બાહ્ય કર્મ – તેનો બાહ્ય પ્રયોગ શોથહર, વ્રણશોધન અને કર્ણરોગઘ્ન તરીકે કરવામાં આવે છે.
પાચનતંત્ર – તે તિક્ત અને ઉષ્ણ હોવાથી રોચન, દીપન, પાચન, અનુલોમન, શૂલહર અને કૃમિઘ્ન છે. તે પિત્તસ્રાવમાં વધારો કરે છે.
રુધિરાભિસરણતંત્ર – તે રક્તપ્રસાદન અને શોથહર છે.
શ્વસનતંત્ર – તે કટુતિક્ત હોવાથી કફનિસ્સારક છે.
ઉત્સર્જનતંત્ર – તે ઉષ્ણ હોવાથી મૂત્રજનન હોય છે.
પ્રજનનતંત્ર – તે ઉષ્ણ હોવાથી આર્તવજનન અને વાજીકર છે.
ચેતાતંત્ર – તે વાતશામક હોવાથી મસ્તિષ્કશામક, આક્ષેપહર અને નિદ્રાજનન છે.
ત્વચા – તે કુષ્ઠઘ્ન છે.
તાપક્રમ – તે તિક્ત હોવાથી જ્વરઘ્ન છે.
સાત્મીકરણ – તે મેદોનાશક છે અને કુપીલુવિષનો પ્રતિરોધી છે.
પ્રયોગ
દોષપ્રયોગ – પાનરવો કફવાતજન્ય રોગોમાં ઉપયોગી છે.
બાહ્ય કર્મ – પત્રસ્વરસ કાનના રોગોમાં નાખવામાં આવે છે. ગ્રંથિશોથ, સંધિશોથ, વ્રણશોથ અને નેત્રાભિષ્યંદમાં તેનો લેપ કરવામાં આવે છે.
પાચનતંત્ર – અરુચિ, અગ્નિમાંદ્ય, શૂળ, કૃમિ અને વિબંધમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
રુધિરાભિસરણતંત્ર ફિરંગ-ઉપદંશ અને અનેક રક્તવિકારોમાં અને શોથમાં તે વપરાય છે.
શ્વસનતંત્ર – તે કાસમાં ઉપયોગી છે.
ઉત્સર્જનતંત્ર – તેનો મૂત્રકૃચ્છ્રમાં ઉપયોગ કરવામાં આવે છે.
પ્રજનનતંત્ર – કષ્ટાર્તવ અને ધ્વજભંગમાં તેનો ઉપયોગ લાભદાયી છે.
ચેતાતંત્ર – તેનો આક્ષેપક, અનિદ્રા વગેરેમાં ઉપયોગ થાય છે.
ત્વચા – તે કુષ્ઠરોગમાં ઉપયોગી છે.
તાપક્રમ – તે જ્વરમાં વાપરવામાં આવે છે.
સાત્મીકરણ – તે મેદોરોગ અને કપીલુવિષમાં અપાય છે.
ધોળો પાનરવો ગુણમાં સારો હોય છે. તે તીખો, ઉષ્ણ, પથ્ય તથા અગ્નિદીપક હોય છે અને અરુચિ, કફ, વાત, કૃમિ, મેદ અને શોફનો નાશ કરે છે. તેનાં પુષ્પો પિત્તરોગ અને કર્ણવ્યાધિનો નાશ કરે છે. તેની છાલનો ઉપયોગ કમળી અને વીંછીના વિષ પર થાય છે. ધોળા પાનરવાની છાલ વાતરક્તાદિ, રક્તદોષ અને ધાતુવિકાર પર ઉપયોગમાં લેવાય છે.
ઉદકમેહના દર્દીને તેની છાલનો ક્વાથ પિવડાવવામાં આવે છે. કૃમિમાં તેના પાનનો રસ મધ નાખીને પિવડાવાય છે. તેનાં પાન અને આમળાના ચૂર્ણનો ક્વાથ પીવાથી અમ્લપિત્ત મટે છે.
તેનાં પાન રસાયન, રેચક, મૂત્રલ, સ્તન્યવર્ધક અને રજ:સ્રાવ વધારનાર છે. તે સિફિલિસ, તાવ અને કષ્ટાર્તવમાં વપરાય છે. તેનાં પાન ગૂમડાની ગાંઠો પર ગરમ કરીને બાંધવામાં આવે છે. પાનનો તાજો રસ કર્ણશૂલ અને દંતશૂલમાં વેદનાહર તરીકે લેવામાં આવે છે.
વાજીકરણ માટે સફેદ પાનરવાના મૂળનું ચૂર્ણ ઠંડા દૂધ સાથે લેવામાં આવે છે.
પ્રયોજ્ય અંગ ત્વક્, પત્ર
માત્રા – ત્વકક્વાથ 5૦-1૦૦ મિલી. પત્રસ્વરસ 5-1૦ મિલી.
બીજ – 3-6 ગ્રા.; પુષ્પક્વાથ 5૦-6૦ ગ્રા.; ક્ષાર ૦.5-1.૦ ગ્રા.
વિશિષ્ટ યોગ – પારિભદ્રાવલેહ
पारिभद्रोडनिलश्लेष्मशोकमेद: कृमिप्रमुत् ।
तत्पत्रं पित्तरोगघ्नं कर्णव्याधिविनाशनम् ।।
ભાવપ્રકાશ
पारिभद्र कटूष्ण:स्यात् कफवातनिकृन्तन: ।
अरोचकहर: पथ्यो दीपनश्चापि कीर्तित: ।।
રાજનિઘંટુ
બળદેવભાઈ પટેલ
મ. ઝ. શાહ
આદિત્યભાઈ છ. પટેલ
મૃગેન્દ્ર વૈષ્ણવ