પાનના રોગો : પરોપજીવી ફૂગ, બૅક્ટેરિયા, વિષાણુ, માઇકોપ્લાઝ્મા, સ્પાયરોપ્લાઝ્મા કે રિકેટ્સિયા જેવા પરોપજીવી સજીવોના વનસ્પતિ કે છોડનાં પાન પરના આક્રમણને કારણે તેની દેહધાર્મિક ક્રિયામાં અવરોધ થતાં પેદા થતા રોગો. તેથી આક્રમિત પાન કે પાનના વિસ્તારમાં ડાઘા-ટપકાં પીળાં ટપકાં કે પીળાં ધાબાં થાય છે. છોડના પાન ઉપર વિકૃત અસર થવાથી છોડની ઉત્પાદનશક્તિ અને તેની ગુણવત્તા ઘટી જાય છે. આમ પાનના રોગોની માઠી અસર છોડની વૃદ્ધિ અને ઉત્પાદન ઉપર થતી જોવા મળે છે. વનસ્પતિમાં પાનના રોગો કરતાં ઉપર્યુક્ત સજીવો સિવાય પણ ખરાબ હવામાનની – હવામાંના ઝેરી વાયુની – અસરથી પણ પાન ઉપર ટપકાં, ઝાળ કે ધાબાં થાય છે.
પાનનાં ટપકાંના રોગો દરેક પાક-વનસ્પતિમાં પરોપજીવીથી થતા હોય છે. તેનું નિયંત્રણ જે તે વનસ્પતિ કે પાકની સંભાળ દરમિયાન કરવામાં આવે છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ