પાધ્યે પ્રભાકર નારાયણ (ભાઉપાધ્યે)
January, 1999
પાધ્યે, પ્રભાકર નારાયણ (ભાઉપાધ્યે) (જ. 29 નવેમ્બર 1926; અ. 1996) : મરાઠી લેખક, પત્રકાર તથા મજૂરનેતા. સમગ્ર શિક્ષણ મુંબઈ ખાતે. 1942માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા તથા 1946માં તે જ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. થોડાક સમય સુધી શિક્ષકની નોકરી કર્યા પછી પત્રકારત્વનો વ્યવસાય પસંદ કર્યો. સાથોસાથ મજૂર ચળવળમાં સક્રિય રહ્યા. માત્ર લેખનપ્રવૃત્તિમાં રસ હતો.
અભ્યાસકાળથી વાર્તાઓ લખવાનો આરંભ કર્યો. 1967-97ના ત્રણ દાયકામાં નવલકથા, વાર્તા અને નાટકના ક્ષેત્રમાં વિપુલ લેખનકાર્ય કર્યું છે. તેમણે લખેલ નવલકથાઓમાં ‘કાંટા’ (1961), ‘બૅ. અનિરુદ્ધ ધોપેશ્વરકર’ (1966), ‘અગ્રેસર’ (1967), ‘જેલ બર્ડ્ઝ’ (1982), ‘ડોંબાર્યાચા ખેળ’ (1987), ‘વણવા’ (1977), ‘સર્જિકલ વૉર્ડ નં. 7’ (198૦), ‘વાસુનાકા’ (1983), ‘વૈતાગવાડી’ (1987), તથા ‘હોમસિક બ્રિગેડ’ (197૦), નો તથા તેમના વાર્તાસાહિત્યમાં ‘એક સુન્હેરા રુવાબ’ (1969), ‘થાલીપીઠ’ (1982), ‘થોડી સી જો પી લી’ (1966) તથા ‘સુરંગી’ (1981)નો સમાવેશ થાય છે. વળી ‘ઑપરેશન ધક્કા’ (1969) નાટક અને ચલચિત્રક્ષેત્રની કેટલીક વ્યક્તિઓ અંગે ખાસ લખેલ ‘સજની હૈ યૂં હી મેહફિલ’(1981) પણ તેમની નોંધપાત્ર કૃતિઓ છે.
તેમની નવલકથા ‘બૅ. અનિરુદ્ધ ધોપેશ્વરકર’ને લલિત સંસ્થાનું પારિતોષિક પ્રાપ્ત થયું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે