પાધ્યે, પ્રભાકર આત્મારામ (. 4 જાન્યુઆરી 19૦9, લાંગે, જિલ્લો  રત્નાગિરિ; . 1984 પૂણે) : મરાઠી પત્રકાર, વિવેચક અને સૌંદર્યશાસ્ત્રના જ્ઞાતા. શિક્ષણ રત્નાગિરિ, મુંબઈ અને પુણે ખાતે. 1932માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી અર્થશાસ્ત્ર સાથે મેળવી. શિક્ષણકાળથી જ મરાઠી સામયિકોમાં લેખો લખવાની શરૂઆત કરી. 1939માં મરાઠી પત્રકારત્વક્ષેત્રમાં પદાર્પણ કર્યું. 1939-45 દરમિયાન ‘ધનુર્ધારી’ મરાઠી સાપ્તાહિકના તથા 1946-53 દરમિયાન ‘નવશક્તિ’ દૈનિકના સંપાદક તરીકે કામ કર્યું. વીસમી સદીના પાંચમા દાયકામાં ‘ઇન્ડિયન કમિટી ફૉર કલ્ચરલ ફ્રીડમ’ સંસ્થાના તેઓ સેક્રેટરી રહ્યા. 1955-67 દરમિયાન તે સંગઠનની માતૃસંસ્થા ‘કૉંગ્રેસ ફૉર કલ્ચરલ ફ્રીડમ’માં એશિયાખંડના પ્રતિનિધિ તરીકે સેવા આપી. 1967-8૦ દરમિયાન પુણે ખાતે સ્થાપવામાં આવેલ ‘સેન્ટર ફૉર ઇન્ડિયન રાઇટર્સ’ સંસ્થાના નિયામકપદે કામ કર્યું. 195૦માં બેલગામ ખાતે આયોજિત ગોમાંતક મરાઠી સાહિત્ય સંમેલનના તથા 1952માં કોલ્હાપુર ખાતે ભરાયેલ મરાઠી પત્રકાર પરિષદના અધ્યક્ષસ્થાને તેમની વરણી થઈ હતી.

પ્રભાકર આત્મારામ પાધ્યે

મરાઠી ભાષામાં તેમણે વિપુલ અને વૈવિધ્યપૂર્ણ લખાણ કર્યું છે. તેમાં રાજ્યશાસ્ત્ર, ઇતિહાસ, સૌંદર્યશાસ્ત્ર, લલિત સાહિત્ય (નવલકથા અને વાર્તા), વિવેચન, પ્રવાસવર્ણન વગેરેનો સમાવેશ થાય છે. વિખ્યાત મરાઠી સાહિત્યકાર શ્રી. રા. ટિકેકરની સહાયથી તેમણે લખેલ ગ્રંથ ‘આજકાલચા મહારાષ્ટ્ર’(1935)માં છત્રપતિ શિવાજીના કાળથી પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)ના અંત સુધીના કાલખંડમાં મહારાષ્ટ્રની જે સાંસ્કૃતિક, સામાજિક, બૌદ્ધિક અને રાજકીય પરિસ્થિતિ હતી તેનો ઇતિહાસ અંકિત થયેલો છે.

ભારતીય રાજકારણ વિશેના તેમના બે ગ્રંથો ‘પાકિસ્તાન કી પન્નાસ ટક્કે’ (1941) અને ‘સમાજવાદાચા પુનર્જન્મ’ (1952) વિશેષ જાણીતા છે. સૌંદર્યશાસ્ત્ર પરના તેમના ગ્રંથોમાં ‘કલેચી ક્ષિતિજે’ (194૦), ‘મર્ઢેકરાંચી સૌંદર્યમીમાંસા’ (197૦), ‘વામન મલ્હાર વ વિચારસૌંદર્ય – આસ્વાદ’ (1977), ‘પાટણકરાંચી સૌંદર્યમીમાંસા’ (1979) તથા સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત તેમના મૌલિક ગ્રંથ ‘સૌંદર્યાનુભવ’(1982)નો સમાવેશ થાય છે. તેમણે લખેલાં પ્રવાસવર્ણનોમાં ‘નવે જગ, નવી ક્ષિતિજે’ (1954), ‘અગસ્તીચ્યા અંગણાત’ (1958), ‘ઉડતા ગાલીચા’ (1959), ‘ટોકોનામા’ (1961) તથા ‘હિરવી ઉન્હે’ (1964) ઉલ્લેખનીય છે. તેમના 6 વાર્તાસંગ્રહો ‘વ્યાધ્યાચી ચાંદણી’ (1944), ‘કૃષ્ણકર્ણાલિચી વેલ’ (1945), ‘અર્ધવર્તુળે’ (1949), ‘અંધારાતીલ સાવલ્યા’ (1964), ‘નિળે દિવસ’ (1976) તથા ‘સંધ્યાકાળચ્યા સાવલ્યા’ (1984) જાણીતા છે. આ ઉપરાંત તેમની એક નવલકથા ‘મૈત્રિણ’ (1961), વ્યક્તિચિત્રોનો એક સંગ્રહ ‘વ્યક્તિવેધ’ (1973), એક વિવેચન-ગ્રંથ ‘કાદંબરીકાર ખાનોલકર’ (1977) તથા અંગ્રેજીમાં લખેલ ‘યુગોસ્લાવિયા’(1967)ની નોંધ લેવી ઘટે. ‘પ્રતિભા’ સામયિકમાં તેમણે લાંબા સમય સુધી લખેલ લેખમાળા ‘પશ્ચિમેકડચે વારે’ અને ‘ચિત્રા’ સામયિકમાં પ્રસિદ્ધ થયેલ તેમના લેખો ખૂબ લોકપ્રિય નીવડ્યા હતા.

તેમણે અમેરિકા, ઇંગ્લૅન્ડ, યુરોપના દેશો તથા જાપાનની વિદેશયાત્રા ખેડી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે