પાથફાઇન્ડર (Pathfinder) : મંગળ ગ્રહની સપાટી પર 4 જુલાઈ, 1997(અમેરિકાના સ્વાતંત્ર્યદિન)ના રોજ ઊતરેલું ‘નાસા’નું અંતરીક્ષયાન. આ પહેલાં 1976 દરમિયાન અમેરિકાનાં બે અંતરીક્ષયાન ‘વાઇકિંગ-1 અને 2’ મંગળની સપાટી પર ઊતર્યાં હતાં અને સપાટીની 50,000 જેટલી તસવીરો પૃથ્વી પર મોકલી હતી. વળી તેમણે મંગળની જમીનમાં સૂક્ષ્મ જીવસૃદૃષ્ટિના અસ્તિત્વની ભાળ મેળવવા અંગેના પ્રયોગો કર્યા હતા, પરંતુ તેનાં પરિણામો નિર્ણયાત્મક નહોતાં. આ સંદર્ભમાં નીચેના એક સંશોધનનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે :
1984માં પૃથ્વીના દક્ષિણ ધ્રુવના ‘ઍલન હિલ્સ’ (Allen Hills) નામના પ્રદેશમાંથી મળી આવેલા એક ઉલ્કાપાષાણ(meteorite)નું રાસાયણિક પરીક્ષણ કરવાથી જાણવા મળ્યું હતું કે એ ઉલ્કાપાષાણ લગભગ 13,000 વર્ષો પહેલાં મંગળ ગ્રહ ઉપરથી પૃથ્વી પર આવ્યો હોવો જોઈએ. તેનાં વિશેષ પરીક્ષણોનાં પરિણામો 1996માં બહાર પાડવામાં આવ્યાં હતાં, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમાંથી મળી આવેલાં કેટલાંક રસાયણો અને સૂક્ષ્મ અશ્મિલ અવશેષોના આધારે એમ માની શકાય કે મંગળ ગ્રહ ઉપર 3.6 અબજ વર્ષો પહેલાં પ્રાથમિક કક્ષાની એકકોષીય જીવસૃદૃષ્ટિ(primitive single cell)નું અસ્તિત્વ હોવું જોઈએ.
પાથફાઇન્ડરની યોજના એ પહેલાં જ નક્કી થઈ ગઈ હતી, તેમ છતાં ઉપર્યુક્ત પરિણામ પછી પાથફાઇન્ડરને વિશેષ મહત્વ મળ્યું હતું. મંગળ ગ્રહ ઉપર જીવસૃદૃષ્ટિના અસ્તિત્વ અંગે સઘન સંશોધન કરવાના હેતુથી ‘નાસા’ દ્વારા મંગળ ઉપર અંતરીક્ષયાનો મોકલવાની યોજનામાં 1993માં ‘માર્સ ઑબ્ઝર્વર’ અંતરીક્ષયાન મંગળ ઉપર મોકલવામાં આવ્યું હતું, પરંતુ મંગળની કક્ષામાં મુકાયા પહેલાં જ તેની સાથેનો રેડિયો-સંપર્ક કપાઈ ગયો હતો. ત્યારપછી ‘માર્સ ગ્લોબલ સર્વેયર’ નામનું યાન નવેમ્બર, 1996માં પ્રક્ષેપિત થયું હતું, જ્યારે એક મહિના પછી 4 ડિસેમ્બર, 1996ના રોજ ‘પાથફાઇન્ડર’ કૅપ કેનાવરલ (ફ્લોરિડા) ખાતેથી પ્રક્ષેપિત થયું હતું. પ્રક્ષેપન પછી મંગળ ગ્રહ સુધીનું 4970 લાખ કિમી.નું અંતર કાપીને સાત મહિના પછી 4 જુલાઈ, 1997ના રોજ ‘પાથફાઇન્ડર’ મંગળ ગ્રહ ઉપર Ares Vallis નામના વિશાળ મેદાનમાં તેના નિર્ધારિત ઉતરાણ-સ્થાનથી ફક્ત 20-30 કિમી. દૂર ઊતર્યું હતું. અંતરીક્ષ ટૅક્નૉલૉજીની આ એક મહત્વની સિદ્ધિ હતી, જે અત્યંત ચોકસાઈપૂર્વકના કક્ષા-નિયંત્રણ અને માર્ગદર્શન દ્વારા શક્ય બની હતી. પાથફાઇન્ડરના શરૂઆતના ઉડ્ડયન-પથમાં જો 2 મિમી. જેટલી પણ ક્ષતિ થઈ હોત તો તેની દિશા લાખો કિમી. જેટલી દૂર ફંટાઈ ગઈ હોત, મંગળની સપાટી પરના ઉતરાણ દરમિયાન વાતાવરણ સાથેના ઘર્ષણથી પેદા થતી ગરમી સામે પાથફાઇન્ડરને રક્ષણ આપવા માટે ઉષ્ણતા-કવચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તથા તેની પ્રવેગિત ગતિને રોકવા માટે હવાઈ છત્રી તથા ઊર્ધ્વ-રૉકેટ અને છેલ્લે સપાટી પર અથડાવાથી તેને નુકસાન ન થાય તે માટે હવા ભરેલા ફુગ્ગાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી તે સપાટી સાથે ત્રણ વાર અથડાઈને પાછું 15 મી. જેટલું અધ્ધર ઊછળ્યા પછી સુરક્ષિત રીતે સપાટી પર સ્થિર થયું હતું. ત્યારપછી પૃથ્વી પરથી રેડિયો-આદેશ મોકલીને તેની સૌર પૅનલો ખુલ્લી કરવામાં આવી હતી. તે પછી તેનો રંગીન સ્ટીરિયો (ત્રિ-પરિમાણીય) કૅમેરા અને મંગળના વાતાવરણ અને હવામાનનાં પરિબળો માપવા માટેનાં ઉપકરણો ચાલુ કરવામાં આવ્યાં હતાં. તેના કૅમેરા દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં ‘પાથફાઇન્ડર’ના ઉતરાણસ્થાનની આજુબાજુ પથ્થરોથી છવાયેલાં મોટાં, સૂકાં મેદાન જોવા મળ્યાં હતાં, જેમાં એક અબજ વર્ષ પહેલાંના ભૂતકાળમાં સેંકડો કિમી.ના મોટા વિસ્તારમાં પ્રચંડ ધસમસતાં પૂર ફરી વળ્યાં હોય તેવી નિશાનીઓ દેખાતી હતી. ‘પાથફાઇન્ડર’ દ્વારા મળતી તસવીરો ટેલિવિઝન અને ‘ઇન્ટરનેટ’ની મદદથી દુનિયાભરમાં જોવા મળી હતી.
‘પાથફાઇન્ડર’ની ખાસ વિશેષતા તેમાં રાખવામાં આવેલી ‘સોજર્નર’ (Sojourner) નામની ગાડી (Rover) હતી. છ પૈડાંવાળી અને 10 કિગ્રા. વજનની 60 સેમી x 30 સેમી. કદની આ ગાડી અન્ય ગ્રહની સપાટી પર ફરી શકે તેવું પ્રથમ માનવસર્જિત વાહન હતું. આ ગાડી 1 સેમી/સેકંડની ધીમી ગતિથી ફરી શકતી હતી. તેની ગતિ, દિશા અને કાર્યનું સંચાલન પૃથ્વી પરથી થઈ શકતું હતું. ભૂમિ પરથી તેને વિવિધ પ્રકારના આદેશ મોકલી શકાતા હતા; દા. ત., ‘આગળ 1 મીટર જાઓ, ડાબી બાજુ વળો, માટી ખોદીને તેના નમૂનાનું પરીક્ષણ કરો’ વગેરે. તેના માર્ગમાં આવતા અવરોધોથી તેને દૂર રાખવા માટે તેમાં પારરક્ત લેસરો અને કૅમેરા રાખવામાં આવ્યા હતા. ‘સોજર્નર’ના કૅમેરા વડે અત્યંત નજીકથી મંગળની સપાટી અને તેના પથ્થરોની તસવીરો મળી હતી. ‘સોજર્નર’ના કાર્ય દરમિયાન તેના સ્થાનની આજુબાજુના કેટલાક પથ્થરોનાં નામ પાડવામાં આવ્યાં હતાં; દા. ત., Barnacle Bill, Yogi, Flat Top, Casper વગેરે. આ નામો પથ્થરોના આકાર, રંગ, દેખાવ ઉપરથી તથા અમેરિકાની પ્રખ્યાત ટેલિવિઝન-કાર્ટૂન શ્રેણીનાં પાત્રો ઉપરથી પાડવામાં આવ્યાં હતાં. મંગળની સપાટી પર ઊતરેલા ‘પાથફાઇન્ડર’નું નામ નાસાના વિશ્વવિખ્યાત વિજ્ઞાની અને લેખકની સ્મૃતિમાં Carl Sagan રાખવામાં આવ્યું હતું. જ્યારે ‘સોજર્નર’ નામ ગુલામીની પ્રથાની વિરુદ્ધમાં જેહાદ જગાવનાર આફ્રિકન-અમેરિકન Sojourner Truthની સ્મૃતિમાં રાખવામાં આવ્યું હતું.
‘સોજર્નર’ના એક્સ-કિરણ વર્ણપટમાપકની મદદથી સપાટી પરની લાલ માટીનું રાસાયણિક બંધારણ તપાસવામાં આવ્યું હતું, જેનાં પરિણામો 21 વર્ષો પહેલાં ‘વાઇકિંગ’ યાનના પ્રયોગોનાં પરિણામો સાથે બધી રીતે સુસંગત હોવાનું જાણવા મળ્યું હતું. આ પથ્થરોમાં પૃથ્વીની જેમ મુખ્યત્વે ક્વાર્ટ્ઝ(સિલિકોન ડાયૉક્સાઇડ)નું પ્રમાણ વિશેષ હોવાનું જાણવા મળ્યું હતું. આ પરિણામ બતાવે છે કે એ પથ્થરો ભૂતકાળમાં વારંવાર પીગળ્યા હશે અથવા પાણીની હાજરીમાં પીગળ્યા હશે. આ ઉપરથી એમ અનુમાન કરવામાં આવે છે કે ભૂતકાળમાં મંગળ ઉપર લાંબા સમય સુધી જ્વાળામુખીની પ્રવૃત્તિ વારંવાર થઈ હશે.
પાથફાઇન્ડર અને સોજર્નરનું કાર્ય 83 દિવસો સુધી ચાલ્યું હતું. આ દરમિયાન મળેલી સંખ્યાબંધ તસવીરો અને વૈજ્ઞાનિક માહિતીનું વિશ્લેષણ, પૃથક્કરણ લાંબા સમય સુધી ચાલ્યા કરશે. જોકે મંગળ ઉપર જીવસૃદૃષ્ટિનું અસ્તિત્વ છે કે નહિ તે પ્રશ્ર્નનો ઉત્તર હજી મળતાં ઘણો સમય લાગશે. બીજો મુખ્ય પ્રશ્ર્ન મંગળની સપાટી નીચે પાણી છે કે નહિ તે છે. તેનો ઉત્તર પણ મળ્યો નથી. મંગળ ગ્રહનાં વધુ અન્વેષણો ભવિષ્યમાં કરવાની નાસાની યોજના છે. દર 26 મહિના પછી પૃથ્વી અને મંગળ એવી રીતે તેમની કક્ષામાં આવે છે કે જેથી તેમની વચ્ચેનું અંતર ન્યૂનતમ થાય. આ તકનો લાભ લેવા માટે મંગળ પર અંતરિક્ષયાનો દર 26 મહિનાના અંતરે મોકલવામાં આવે છે. પાથફાઇન્ડર અભિયાન 1998માં સમાધી ઘોષિત કરવામાં આવ્યું. ત્યાર બાદ નાસાએ 2001, 2003, 2005, 2007, 2011, 2013 અને 2018માં અંતરીક્ષયાનો મંગળ પર મોકલ્યા હતા. વર્ષ 2013માં ભારતનાં ઇસરોએ મંગળ અભિયાન હાથ ધર્યું હતું.
‘પાથફાઇન્ડર’ અંતરીક્ષયાનનું સૌથી મહત્વનું જમા પાસું એ હતું કે 1970 અને 1980નાં અંતરીક્ષયાનો કિંમતમાં લગભગ ચોથા ભાગનું, ઝડપથી તૈયાર થયેલું, છતાં વધારે સંકુલ અને કાર્યક્ષમ હતું. આમાં છેલ્લાં 40 વર્ષો દરમિયાન પરિપૂર્ણ રીતે વિકસિત ટૅક્નૉલૉજીનો સૌથી વિશેષ ફાળો રહ્યો છે.
પરંતપ પાઠક