પાણકુંભો (જળશૃંખલા) : એકદળી (લિલિયોપ્સીડા) વર્ગમાં આવેલા એરેસી (સૂરણાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pstia stratiotes Linn. (સં. જલકુમ્ભિકા, વારિપર્ણો, હિં. જલકુમ્ભી; બં. ટાકાપાના; મ. પ્રાશની, પાણકુંભી, ગોંડાલી, સેડવેલ, શેર્વળ; ગુ. પાણકુંભો, જળશૃંખલા; તા. આગમાતમારાઈ; તે. આનેટેરીટામાર; મલ. કુટાપાયલ, મુટ્ટાપાયલ; ક. આંતરાગંગે; ઉ. બોરાઝાંઝી; અં. વૉટર લેટિસ, ટ્રૉપિકલ ડકવીડ) છે.
વિતરણ : તે ઉષ્ણ અને ઉપોષ્ણ એશિયા, આફ્રિકા અને અમેરિકામાં થાય છે. લગભગ સમગ્ર ભારતમાં તળાવો, ઝરણાં અને ખાબોચિયામાં 1000 મી.ની ઊંચાઈ સુધી વિપુલ પ્રમાણમાં થાય છે. તે પાણીની સપાટી ઉપર ગાઢી ચાદર બનાવે છે અને જળમાર્ગોને ગંભીરપણે અવરોધે છે. તે મચ્છરની ઇયળોના વસવાટ માટે અત્યંત અનુકૂળ છે અને હાથીપગાનો રોગ ફેલાવતા પરોપજીવીનું વહન કરે છે.
બાહ્યલક્ષણો : તે નાની, જલજ, તરતી, શાકીય, એકવર્ષાયુ વનસ્પતિ છે. પ્રકાંડ ભૂસ્તારિકા (offset) સ્વરૂપે જોવા મળે છે, જે પાણીની સપાટી પર વિકાસ પામે છે. તેની ગાંઠ પરથી પર્ણો એકબીજાં પર કુંતલાકારે ગાઢ રીતે આચ્છાદિત થતા સમૂહમાં ગોઠવાયેલાં હોય છે. તે સાદાં, અદંડી, પ્રતિઅંડાકાર-સ્ફાનાકાર (obovate-cuneate), પર્ણાગ્ર ગોળ, રોમમય, અનુપપર્ણીય અને પેશીઓમાં સૂચિસ્ફટ(raphides)ની હાજરીવાળાં હોય છે. પર્ણોની સપાટી પર મીણનું આવરણ હોય છે. પુષ્પવિન્યાસ માંસલ શૂકી (spadix) હોય છે. પૃથુપર્ણ નાનું, ત્રાંસું, ઘંટાકાર, નીચેથી બંધ, મધ્યભાગે સંકોચાયેલું અને ઉપરથી પહોળું હોય છે.
નર અને માદા પુષ્પો જુદાં જુદાં હોય છે. નરપુષ્પો ઉપરની તરફ, મધ્યમાં વંધ્ય પુષ્પો અને તલસ્થ ભાગે માદા પુષ્પો આવેલાં હોય છે. પુષ્પમાં પરિપુષ્પ હોતું નથી. નરપુષ્પ થોડાંક પુંકેસરો ધરાવે છે. પરાગાશય દ્વિખંડી, સ્ફોટન લંબવર્તી, પુંકેસર-તંતુ અને યોજી સ્પષ્ટ હોતાં નથી.
માદા પુષ્પો માંસલ શૂકીના અક્ષના તલસ્થ ભાગે આવેલાં હોય છે. તે પણ પરિપુષ્પવિહીન હોય છે. ફક્ત સ્ત્રીકેસરનાં બનેલાં હોય છે. તેના તલસ્થ ભાગે આવેલું બીજાશય ઊર્ધ્વસ્થ અને એકકોટરીય હોય છે. તેની દીવાલ ઉપર આવેલા જરાયુમાંથી અસંખ્ય અંડકો ઉત્પન્ન થાય છે અને ચર્મવર્તી જરાયુવિન્યાસ બનાવે છે. ચંબુ જેવું એકકોટરીય બીજાશય ત્રાંસું ગોઠવાયેલું હોય છે. બીજાશયની ટોચ પર શંકુ આકારની પરાગવાહિની આવેલી હોય છે. તેના અગ્રભાગે ચપટા બિંબ જેવું પરાગાસન આવેલું હોય છે. ફળ કદમાં નાનાં, અનેક બીજ ધરાવતાં અસ્ફોટી પ્રકારનાં હોય છે. બીજ સૂક્ષ્મ, લંબગોળાકાર, ચપટાં હોય છે. તે જૂજ પ્રમાણમાં ભ્રૂણપોષ ધરાવે છે. ભ્રૂણ કદમાં અતિસૂક્ષ્મ હોય છે.
વનસ્પતિરસાયણ(phytochemistry) : પર્ણો અને પ્રકાંડનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 92.9 %, પ્રોટીન 1.4 %, લિપિડ 0.3 %, કાર્બોદિતો 2.6 %, રેસો 0.9 %, ભસ્મ 1.9 %, કૅલ્શિયમ (CaO) 0.20 %, ફૉસ્ફરસ (P2O5) 0.06 %, પોષકગુણોત્તર (nutritive ratio) 3.1 પર્ણો વિટામિન A અને C, સ્ટિગ્મેસ્ટેરૉલ, સ્ટિગ્મેસ્ટેરાઇલ, સ્ટિગ્મેસ્ટેરેટ અને પામિટિક ઍસિડ વિપુલ પ્રમાણમાં ધરાવે છે તથા વિટામિન B સંકુલ પણ હોય છે. ભસ્મીકૃત (incinerated) વનસ્પતિ લવણીય (saltish) ભસ્મ ઉત્પન્ન કરે છે; જેમાં પોટૅશિયમ ક્લોરાઇડ અને સલ્ફેટ સારા પ્રમાણમાં હોય છે.
પાણકુંભાના નિષ્કર્ષો વિવિધ આલ્કેલૉઇડો, ગ્લાયકોસાઇડો, ફ્લેવોનૉઇડો અને ફાઇટોસ્ટેરૉલો ધરાવે છે. છોડમાંથી વિસેનિન અને લ્યુસેનિન પ્રકારના અને તેમના જેવા 2-ડાઈ-C-ગ્લાયકોસીલ ફ્લેવોનો તથા તેમના વ્યુત્પન્નો ઍન્થોસાયનિન સાયનિડિન-3-ગ્લુકોસાઇડ, લ્યુટિયોલિન-7-ગ્લુકોસાઇડ અને વિટેક્સિન અને ઓરિયેન્ટિન પ્રકારના મોનો-C-ગ્લાયકોસીલ ફ્લેવૉનો પ્રાપ્ત કરવામાં આવ્યા છે. આ વનસ્પતિનો સ્ટ્રેટિયોસાઇડ-II (એક નવો C13 નૉર્ટર્પીન ગ્લુકોસાઇડ) મુખ્ય ઘટક છે. પર્ણો પ્રોટીન, આવશ્યક ઍમિનોઍસિડો, સ્ટિગ્મેટેન, સિટોસ્ટેરૉલ, ઍસીલ ગ્લાયકોસાઇડોનો વિપુલ સ્રોત છે. વિસેનિન પ્રતિકૅન્સર (anticancer) રસાયણ છે.
સ્તંભ વર્ણલેખિકી (column chromatography)નો ઉપયોગ કરી સ્ટિગ્મેસ્ટેનો અને આઠ નવાં સંયોજનો અલગ તારવવામાં આવ્યાં છે, જે આ પ્રમાણે છે :
અર્ગોસ્ટે-7, 22 -ડાયેન -3, 5, 6 -ટ્રાયૉલ, 7-હાઇડ્રૉક્સિલ-સિટૉસ્ટેરૉલ, સિટોઇન્ડોસાઇડ, સોયા-સેરીબ્રોસાઇડ, લ્યુટીઓલિન, ક્રાઇસોઇરિયૉલ 4-O-D-ગ્લુકોપાયરેનોસાઇડ, સિટોસ્ટેરૉલ અને ડૉકોસ્ટેરૉલ.
એક સ્ટેરૉલ, સ્ટિગમેસ્ટેન અને ત્રણ સિટોસ્ટેરૉલ ઍસાઇલ ગ્લાયકોસાઇડો, સિટોસ્ટેરૉલ-3-O-[2′-4′-O ડાઇએસિટાઇલ-6′-સ્ટીઅરીલ]-B-D-ગ્લુકોપાયરેનોસાઇડ અને સિટોસ્ટેરોલ-3-O-[4′-O-સ્ટીઅરીલ]-B-D-ઝાયલો પાયરેનોસાઇડ વનસ્પતિમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા છે.
પાણકુંભો લિનોલેઇક ઍસિડ, ત્ર્-લિનોલેનિક ઍસિડ, (12R,9Z,13E, 15Z)-12-હાઇડ્રોક્સિ-9, 13, 15-ઑક્ટાડેકાટ્રાઇ-ઇનૉઇક ઍસિડ, (9S, 10E, 12, 15Z)-9-હાઇડ્રૉક્સિ – 10, 12, 15-ઑક્ટાડેકાટ્રાઇનૉઇક ઍસિડ, ત્ર્-એસેરૉન અને 245ઇથાઇલ-4,22કોલેસ્ટેડાઇન3, 6ડાયૉન ધરાવે છે. ઘન માધ્યમમાં આ સંયોજનો કેટલીક સૂક્ષ્મ લીલની વૃદ્ધિને અવરોધે છે. -એસેરૉન પ્રવાહીમય માધ્યમમાં સંવેદી લીલના વિભેદોની વૃદ્ધિ માટે વિષાળુતા (toxicity) દર્શાવે છે.
પાણકુંભાનું ફ્લેવોનૉઇડ રસાયણવિજ્ઞાન ઍરેસી કુળ અને લૅમ્નેસી કુળ વચ્ચે એક ઉત્ક્રાંતિ (evolutionary) કડી (Link) દર્શાવે છે; કારણ કે આ બંને વનસ્પતિસમૂહોના મોટા ભાગના ફ્લેવોનૉઇડોના જૈવરાસાયણિક (bio-chemical) પથ સમાન છે અને પાણકુંભા જેવા પૂર્વજોમાંથી લેમ્નેસી કુળની ઉત્ક્રાંતિ થઈ છે આ પરિકલ્પનાને દૃઢ બનાવે છે. પાણકુંભાનો ઑક્સેલિક ઍસિડ નિર્માણ અને કૅલ્શિયમના નિયમનના જૈવરાસાયણિક અભ્યાસ માટે એક પ્રતિરૂપ (model) વનસ્પતિ તરીકે ઉપયોગ થઈ શકે તેમ છે. કેમ કે, શુદ્ધ સંવર્ધનોમાં તે કૅલ્શિયમ ઑક્સેલેટના નિર્માણ સાથે સંબંધિત છે.
ઉપયોગ : બાયોગૅસનું ઉત્પાદન : બાયોગૅસના ઉત્પાદન માટે પાણકુંભાનો કાર્યદ્રવ (substrate) તરીકે ઉપયોગ થાય છે. ગોબરગૅસ એકમોમાં પાણકુંભો ઉમેરવાથી બાયોગૅસના ઉત્પાદનના દરમાં વધારો થાય છે. બાયોગૅસનો ઊંચો દર લગભગ 10 દિવસ સુધી ટકે છે. તે દરમિયાન 58-68 % મિથેનનું સરેરાશ ઉત્પાદન થાય છે અને પ્રોપિયોનિક, આઇસોબ્યુટીરિક, વેલેરિક અને આઇસોવેલેરિક ઍસિડ નોંધપાત્ર સાંદ્રતાએ ઉત્પન્ન થાય છે. પ્રથમ ચાર દિવસ આ ઍસિડોની સાંદ્રતા માત્ર પરખ કરી શકાય તેટલી જ હોય છે. કાર્યદ્રવ્યના ઉમેરાથી નિષ્પાદન (performance)માં નોંધપાત્ર સુધારણા થાય છે. ઘાણ સંપાચિત્ર(batch digestors)માં પાણકુંભો 11.07 લિ./કિગ્રા. બાયોગૅસ ઉત્પન્ન કરે છે. ગાયનું છાણ, પાણકુંભો અને પાણીનું 1:2:1ના પ્રમાણે તૈયાર કરેલું મિશ્રણ, બીજાં મિશ્રણોની તુલનામાં વધારે બાયોગૅસ ઉત્પન્ન કરે છે. બાયોગૅસમાં મિથેનનું પ્રમાણ લગભગ 75 % જેટલું હોય છે. જૈવઇંધન(biofuel) માટે GM (genetically modified – જનીનીય રીતે રૂપાંતરિત) જીવાણુઓના ઉપયોગ કરી શકાય તેમ છે. તેથી આ અપતૃણ પ્રબંધમાં સહાય થશે; જલપ્રદૂષણને હળવું કરી શકાશે; ઊર્જાની સમસ્યાઓનું નિરાકરણ થશે અને જલીય નિવસનતંત્રને રક્ષણ મળશે.
જલશુદ્ધીકરણ : પાણકુંભો પાણીમાંથી ભારે ધાતુઓ, કાર્બનિક સંયોજન અને વિકિરણસક્રિય ન્યુક્લાઇડ (radio-nuclides)નો નિકાલ કરે છે. તેથી તે ‘અતિસંચાયક’ (hyperaccumulator) ગણાય છે. તે વિનાશક ધાતુઓથી પ્રદૂષિત જલજ નિવસનતંત્રનું શુદ્ધીકરણ કરે છે. સંદૂષિત (contaminated) મૃદા (soil) અને જલીય તંત્રના ઉપચાર માટે વનસ્પતિઓનો ઉપયોગ અન્ય પદ્ધતિઓની તુલનામાં તેમની ઓછા ખર્ચ અને ઓછી હાનિકારક અસરોને કારણે વધતો જાય છે. પાણપુટી (Eichornia cresipes, Water hyacinth)ની તુલનામાં પાણકુંભાનું કદ નાનું હોવાનો પણ લાભ છે. ઔદ્યોગિક કચરામાંથી ઝિંક (Zn)ના નિષ્કર્ષણ (extraction) માટે તેનો ઉપયોગ થઈ શકે તેમ છે; કારણ કે પર્યાવરણાનુકૂલ (ecofriendly) રીતે Znના શોષણ માટે પ્રબળ રાસાયણિક આકર્ષણ ધરાવે છે. તે જ પ્રમાણે મર્ક્યુરી (Hg) માટે પણ આકર્ષણ ધરાવે છે. આયર્ન (Fe), Zn, કૉપ (Cu), ક્રોમિયમ (Cr) અને કૅડ્મિયમ (Cd) જેવી ભારે ધાતુઓના સંચયથી વનસ્પતિ ઉપર કોઈ વિષાળુ (toxic) અસર ઉત્પન્ન થતી નથી. તેથી ભારે ધાતુઓનો મોટા પાયે નિકાલ કરવા માટે પાણકુંભો આદર્શ વનસ્પતિ છે.
પાણકુંભો અને પ્રતિજૈવિકો : પશુધનના આહારમાં ઉપયોગમાં લેવાયેલ પ્રતિજૈવિક (antibiotic) ઔષધોનું ભાવિ માનવઆહારમાં તેમની હાજરી સાથે સંબંધિત છે. તેઓ ચારના ઢગલાઓ અને ફાર્મયાર્ડ ખાતરમાંથી દૂષિત પાણીના ઝરણામાં પ્રવેશે છે. પાણીમાં રહેલા સૂક્ષ્મજીવો આ પ્રતિજૈવિકો સામે અવરોધના વિકાસ માટે પૂર્વાનુકૂલિત (predisposed) હોય છે અને તેથી માનવરોગજનો (pathogens) અવરોધક (resistant) બને છે. આ રોગજનો ગંભીર રોગો ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. આ પ્રતિજૈવિકોનો વનસ્પતિ-ઉપચાર (phyto-remediation) સમસ્યાના નિરાકરણ માટે એક ઉપયોગી સાધન છે. પાણકુંભાના મૂળ દ્વારા થતો સ્રાવ ટેટ્રાસાયક્લિન અને ઑક્સિ-ટેટ્રાસાયક્લિન જેવાં પ્રતિજૈવિકોનું રૂપાંતર ઊંચા દરે કરે છે. પશુઓના આહારમાં અને ચિકિત્સાઓમાં આ ઔષધો વારંવાર ઉપયોગમાં લેવાય છે. અન્ય જલજ વનસ્પતિઓની તુલનામાં પાણકુંભો જૈવ-ઉપચાર બાબતે સર્વશ્રેષ્ઠ વનસ્પતિ ગણાય છે. તેની ક્વિનોલોન જૈવ ઉપચાર માટે ભલામણ કરાઈ છે; પરંતુ તે સલ્ફોનેમાઇડ માટે ઓછી અસરકારક છે.
જીવવિજ્ઞાનીય અને ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) સક્રિયતાઓ : મુક્તમૂલકો(free radicals) પેશીઓને હાનિ પહોંચાડે છે અને તેથી સંધિશોથ (arthritis), રક્તસ્રાવ(hemorrhage), ધમનીકાઠિન્ય (arteriosclerosis)નો વાહિકીય (vascular) રોગ, મધુપ્રમેહ (diabetes), યકૃતશોથ (hepatitis) જેવા ઘણા રોગો થાય છે. પાણકુંભાનાં પર્ણોનો નિષ્કર્ષ સુપરઑક્સાઇડો અને નાઇટ્રિક ઑક્સાઇડ મૂલકો દૂર કરી મુક્તમૂલકો પ્રેરિત કોષની હાનિમાં થતા વધારાને અટકાવે છે. તેનાં પર્ણોનો ઇથેનૉલીય નિષ્કર્ષ ઝૅન્થિન ઑક્સિડેઝ ઉત્સેચકનો પ્રતિરોધ કરી યુરિક ઍસિડના નિર્માણને અટકાવે છે. તેથી ગાંઠિયાવા(gout)માં ઝૅન્થિન ઑક્સિડેઝ પ્રતિરોધક (inhibitor) તરીકે વાપરવામાં આવે છે. નિષ્કર્ષ જ્વરહર (antipyretic) ગુણધર્મ ધરાવે છે. તેનો જ્વરની ચિકિત્સામાં ઉપયોગ થાય છે. પર્ણો ચેપરોધક (disinfectant) તરીકે વપરાય છે. તે ક્ષય, મરડો (eczyma), કુષ્ઠ (leprosy), વ્રણ (ulcer), મસા (piles), ઉપદંશ (syphilis) અને પરોપજીવી કૃમિઓની ચિકિત્સા માટે ઉપયોગી છે. પાણકુંભાની ભસ્મનો દદ્રુ (tinea) મટાડવા માટે ઉપયોગ થાય છે. તે પ્રતિ-ઉપચાયી (anti-oxidant), શ્વસનીવિસ્ફારક (bronchodilator), અર્બુદરોધી (anti-tumor), ફૂગરોધી (antifungal), મૂત્રલ (diuretic), પ્રતિ-પ્રોટીએઝ (anti protease), મૃદુકારી (emollient), મધુપ્રમેહરોધી(antidiabetic), પ્રતિસૂક્ષ્મજીવી (antimicrobial), પ્રતિશોથકારી (anti-inflammatory), વ્રણવિરોહણ (wound healing), પરસ્પર પ્રભાવક (allelopathic) ગુણધર્મો ધરાવે છે.
આયુર્વેદ અનુસાર તેના ગુણધર્મો આ પ્રમાણે છે :
ગુણ – લઘુ, રુક્ષ | રસ – તિક્ત, મધુર |
વિપાક – મધુર | વીર્ય – શીત |
કર્મ (action) : તે ત્રિદોષશામક છે. સ્નિગ્ધ હોવાથી વાત; તિક્ત, મધુર અને શીત હોવાથી પિત્ત અને રુક્ષ-તિક્ત હોવાથી કફનું શમન કરે છે. તે કૃમિઘ્ન, કુષ્ઠઘ્ન, રક્તસ્તંભક અને દાહપ્રશમક છે. તે અનુલોમન, મૃદુરેચન, શોણિતસ્થાપન, શોથહર, કફનિ:સારક, મૂત્રલ, જ્વરઘ્ન અને બલ્ય છે.
પ્રયોગ : તે ત્રિદોષજ વિકારોમાં ઉપયોગી છે. તેનો માંકડ જેવા બાહ્ય કૃમિઓનો નાશ કરવા માટે ઉપયોગ થાય છે. તેનો સ્વરસ રક્તસ્રાવ અટકાવવા લગાડવામાં આવે છે. પર્ણોના કલ્કનો લેપ વ્રણ અને દાહ ઉપર કરવામાં આવે છે. તેની ભસ્મ કંડૂ દદ્રુ વગેરે પર લગાડવામાં આવે છે. વિબંધ (કબજિયાત) અને રક્તપ્રવાહિકામાં તે ઉપયોગી છે. તેનો રક્તપિત્ત જેવા રક્તવિકારમાં અને ભસ્મ ગોમૂત્ર સાથે ગલગંડ (thyroid)માં લગાડવામાં આવે છે. તે શ્વાસ, કાસ, મૂત્રકૃચ્છ્ર જ્વર, દાહ અને દૌર્બલ્યમાં લાભદાયી છે.
પ્રયોજ્ય અંગ – પંચાગ
માત્રા – સ્વરસ 10-20 મિલી.
વક્તવ્ય – આજકાલ ખાબોચિયામાં ફૂલેલા પર્ણદંડ અને નીલા રીંગણ રંગનાં પુષ્પો ધરાવતો ક્ષુપ પાણપુટી વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેને કેટલાક લોકો ભ્રમવશ જલકુંભી કહે છે; પરંતુ તે પાણપુટી (Eichhornia crassipes Solms) છે; તે પ્રાચીન જલકુંભી નથી.
`वारिपर्णी हिमा तिक्ता लध्वी स्वाद्वीसरा कटु: ।
दोषत्रयहरी रुक्षा शोणितज्वरशोषकृत ।।’
ભૌમિક (terrestrial) વનસ્પતિઓ ઉપર પરસ્પર પ્રભાવ અસરો : પાણકુંભો પ્રતિહૅક્ટર 10-30 ટન શુષ્ક જૈવભાર (biomass) ઉત્પન્ન કરે છે. અન્ય એક અંદાજ મુજબ તે વર્ષે પ્રતિહેક્ટર 60-110 ટન જૈવભાર ઉત્પન્ન કરે છે. આટલા વિપુલ જૈવભારનું ઉત્પાદન પાણકુંભમાં પરસ્પર પ્રભાવિતા (allelopathy)ની ઉચ્ચ ક્ષમતાનું સૂચન કરે છે. તે તેની આસપાસ પરસ્પર પ્રભાવક રસાયણો(allelochemicals) મુક્ત કરે છે, જેથી અન્ય વનસ્પતિ તેની સાથે સ્પર્ધા કરી શકતી નથી. તેની વનસ્પતિવિષાળુ (phytotoxic) અસર તેના અવશેષ (residue)ના જથ્થા અને બંધારણ, પર્યાવરણ અને પ્રબંધ તથા ઉપચારો ઉપર આધાર રાખે છે. પર્ણોના ઇથાઇલ-ઈથર નિષ્કર્ષમાંથી છ પરસ્પર પ્રભાવક રસાયણો મળી આવ્યાં છે; જે કેટલાક વનસ્પતિ પ્લવકો (phytoplankotns) અને બહુકોષી લીલની વૃદ્ધિ અટકાવે છે. પાણકુંભાની પરસ્પર પ્રભાવક ક્ષમતા અપતૃણ પ્રબંધ (weed management) માટેનો શ્રેષ્ઠ સ્રોત છે. બીજાંકુરણ સમયે કેટલાંક પરસ્પર પ્રભાવક રસાયણો પ્રતિક્રિયાશીલ ઑક્સિજન પ્રકાર (Reactive oxygen species-ROS)ના ઉત્પાદન દ્વારા મૂળના કોષોનો પરોક્ષ રીતે નાશ કરે છે અને ROS અંત:સ્રાવી સંતુલનમાં ફેરફાર કરે છે. મકાઈના અવશેષોના જલીય નિષ્કર્ષોમાં પાણકુંભાનું અંકુરણ કરાવતાં મૂલાગ્રની પેશીનો ક્ષય થાય છે અને વર્ધનશીલ (meristematic) પેશીને હાનિ થતાં ટૂંકાં મૂળ ઉત્પન્ન થાય છે. યુકેલીપ્ટોલ પાણકુંભાના અંકુરોના મૂળની વૃદ્ધિ અવરોધે છે. આમ પ્રરોહ (shoot) અને મૂળના પ્રતિરોધકો(inhibitors)નો અપતૃણ પ્રબંધ માટે ઉપયોગ થઈ શકે તેમ છે. પાણકુંભાનું પાણી અને મિથેનૉલીય નિષ્કર્ષો કેટલીક દ્વિદળી અને એકદળી વનસ્પતિઓની વૃદ્ધિ ઉપર અસર કરે છે.
અન્ય ઉપયોગો : એશિયા અને આફ્રિકા ઘણા દેશો અને બ્રાઝિલમાં પાણકુંભાના પર્ણોનો નિષ્કર્ષ ત્વચાના રોગોમાં અને રેચક (laxative) તથા મૂત્રલ (diuretic) તરીકે ઉપયોગમાં લેવાય છે. ગુલાબના પાણી અને શર્કરા સાથે કફ અને દમમાં તેનો ઉપયોગ થાય છે. તેનો ક્વાથ (decoction) અજીર્ણ (indigestion) અને મૂત્રોત્સર્ગની વારંવારતા (frequency)માં ઉપયોગી છે. પાણકુંભાનો મસા અને પરમિયા (gonorrhoea)માં ઉપયોગ કરવામાં આવે છે. પર્ણોનો ક્ષુધાવર્ધક (appetizer) તરીકે ઉપયોગ થાય છે; પરંતુ જો વધારે માત્રામાં લેવાય તો પાતળા ઝાડા થાય છે. જાવાના માછીમારો માટે પાણકુંભો મૂલ્યવાન ગણાય છે; કારણ કે તે વિવિધ પ્રકારની માછલીઓ માટે આશ્રયસ્થાન અને આહાર પૂરો પાડે છે. ભારતીયો અને ચીનાઓ તેને રાંધી સૂવર અને બતકોને ખવરાવે છે. સસલાંઓને તાજા છોડ આપવામાં આવે છે. આહારની કટોકટી વખતે તેનો ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે છે. પોટૅશિયમ વિપુલ પ્રમાણમાં હોવાથી તેનો પોટાશરહિત જમીનમાં લીલા ખાતર તરીકે ઉપયોગ થઈ શકે તેમ છે. તેનો જલગૃહો (aquariums) અને તળાવોમાં સુંદરતા વધારવા ઉપયોગ થાય છે; પરંતુ શિયાળામાં તેને જળાશયોમાં ફેંકી દેવામાં આવતાં તે હાનિકારક અપતૃણ બની જાય છે.
જલજ નિવસનતંત્ર ઉપર અસર : તે આક્રમક અપતૃણ છે. સિંચાઈની કૅનાલોમાં પાણકુંભો વિપુલ પ્રમાણમાં પાણીનું બાષ્પોત્સર્જન કરે છે અને ડાંગરના પાકનો અવરોધ કરે છે. તે ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં જળાશયો(waterbodies)ની સમગ્ર સપાટી ઉપર છવાઈ ગાઢ ચાદરો બનાવે છે, તે પ્રકાશને અટકાવે છે. તેથી પાણીના ઉપયોગની ક્ષમતા ઘટી જાય છે. પ્રાપ્ય O2 ઘટે છે અને જૈવિક ઑક્સિજન માંગ (biological Oxygen demand-BOD) પર નકારાત્મક રીતે અસર કરે છે. પાણકુંભાનો પાણીમાં વિકાસ થતાં અન્ય જૈવવિવિધતા (biodiversity) ઘટે છે. વળી, તે પાણીના પ્રવાહને અવરોધે છે. બંધ ઉપર વિદ્યુતઉત્પાદન પણ ઘટે છે અને ભયજનક જીવજંતુઓનું આશ્રયસ્થાન બને છે. પાણકુંભાની ગાઢ જાલમય ચાદરોમાં માનવ અને ઢોરો ફસાતાં તેમના જીવનું જોખમ ઉત્પન્ન થાય છે.
પાણકુંભાનો પ્રબંધ : ભૌતિક અને યાંત્રિક નિયંત્રણ : પાણકુંભાના છોડ હાથ વડે ખેંચીને પાણીમાંથી બહાર કાઢી શકાય છે. પાણી ઊંડું હોય તો જાળ દ્વારા કે કેટલાંક યંત્રો દ્વારા કાઢવામાં આવે છે. યાંત્રિક રીતે આ અપતૃણની ચાદરને કાપી ટુકડાઓ કરી જળાશયના કિનારે માણસો દ્વારા કે ટ્રૅક્ટર, હોડી જેવાં યંત્રો દ્વારા જળાશયના કદને આધારે લાવી શકાય છે. જો તે અન્ય મૂળવાળાં જલજ અપતૃણો સાથે થતો હોય તો ભારે યંત્રોની જરૂર ઊભી થાય છે. પાણકુંભો અતિશય પ્રમાણમાં ઊગી નીકળ્યો હોય તો સંયુક્ત લણણીયંત્ર(combined harvester)નો ઉપયોગ કરવો જોઈએ, જે અપતૃણોને કાપી, એકત્રિત કરી તેમને જળાશયને કિનારે ઠાલવી શકે, પરંતુ તેનાથી અપતૃણનું સંપૂર્ણ નિર્મૂલન થતું નથી અને તે ફરીથી થઈ શકે છે. તેથી આ નિયંત્રણનો કાર્યક્રમ લાંબાગાળાનો રાખવો અનિવાર્ય છે. જળાશયને ધ્યાનમાં રાખી એવા નિયંત્રણના ઉપાયો યોજવા જોઈએ જે આર્થિક રીતે પરવડે તેવા અને અસરકારક હોય.
રાસાયણિક નિયંત્રણ – ક્લોરસલ્ફ્યુરોન જેવા રાલ્ફોનીલયુરીઆ શાકનાશકો (herbicides) દ્વારા, પૅરાક્વેટ અને ડાઇક્વેટ જેવા સંપર્ક શાકનાશકો, ગ્લાયફૉસ્ફેટ જેવા અવરણાત્મક (non-selective) સર્વાંગી (systemic) શાકનાશકો, ડાઇક્વેટ અને ટ્રાઇક્લોપાયર, ટર્બ્યુટ્રાઇન અને ઍન્ડોથેલ દ્વારા પાણકુંભાનું અસરકારક નિયંત્રણ થાય છે. જોકે રાસાયણિક નિયંત્રણ પર્યાવરણને જોખમમાં મૂકે છે; કારણ કે લાંબા સમય સુધી પાણીનો ઉપયોગ થઈ શકતો નથી અને તેઓ જલજ નિવસનતંત્રના સંતુલનને ખોરવી નાખે છે, અન્ય વનસ્પતિઓ અને પ્રાણીઓના જીવન ઉપર નકારાત્મક અસર કરે છે. સ્થાનિક લોકોમાં અને પશુ-પક્ષીઓમાં સ્વાસ્થ્યની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો સંભવ હોય તો અન્ય વધારે સારા વૈકલ્પિક અભિગમનો ઉપયોગ કરવો જોઈએ. અલ્પ સસ્તનીય વિષાળુતા (mammalian toxicity) ધરાવતા AF 101 જેવા ખાસ સૂત્રણ-(formulation)નો અનિવાર્ય સંજોગોમાં ઉપયોગ કરી શકાય.
જૈવિક નિયંત્રણ (biological control) – Neohydronomus affinis નામની જીવાત પાણકુંભાની એક ઉત્તમ જૈવિક નિયંત્રણ(biological control) કારક (agent) છે. આ જીવાત દક્ષિણ અમેરિકાની મૂળવતની છે. તેની દુનિયાની વિવિધ ભાગો માટે ભલામણ કરવામાં આવી છે; જ્યાં તેણે પૂરતા પ્રમાણમાં પાણકુંભાનું નિયંત્રણ કર્યું છે. બીજું પાણકુંભા ઉપર થતું ફૂદું (spodoptera pectinicornis) છે. તેનું પરીક્ષણ થાઇલૅન્ડમાં કરાયું હતું અને ઉત્તર અમેરિકામાં તેની ભલામણ કરવામાં આવી છે. ત્રણ જીવાતો (Argentinorhynchus bruchi, A. breyeri અને A. squamosus) ઉપર પાણકુંભાના જૈવિક નિયંત્રણની પ્રયોગશાળામાં થયેલા એક અભ્યાસમાં સફળતા સાંપડી હતી. એ જ રીતે, પાણકુંભાના પ્રબંધ માટે Ramularia spp. અને Sclerotinia sclerotium નામની ફૂગ સક્ષમ સિદ્ધ થઈ હતી. અત્યાર સુધીમાં પાણકુંભાનું નિયંત્રણ કરતા 25 જેટલા જૈવિક કારકો (આફ્રિકામાંથી 5, એશિયાઈ દેશોમાંથી 11 અને ફ્લોરિડામાંથી 9) શોધાયા છે. A. draumalisની ઇયળો પોષણ માટે પાણકુંભાના મૂળ ઉપર નભે છે.
બળદેવભાઈ પટેલ