પાઠક પી. ડી.; ડૉ. પાઠક તારો (પાઠક પુષ્કરરાય દલપતરાય)
January, 1999
પાઠક, પી. ડી.; ડૉ. પાઠક તારો (પાઠક, પુષ્કરરાય દલપતરાય) (જ. 16 એપ્રિલ 1916, ભરૂચ) : ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભૌતિકવિજ્ઞાની. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વડોદરા ખાતે લીધેલું. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી સંશોધન દ્વારા એમ. એસસી.ની પદવી પ્રાપ્ત કરી. 1937થી 1946 સુધી મ. સ. યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં શૈક્ષણિક સેવાઓ આપી. 1946માં અમદાવાદની એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં અધ્યાપક તરીકે જોડાયા. આ સંસ્થામાં તેમણે અનુસ્નાતક શિક્ષણ અને સંશોધનપ્રવૃત્તિ ધબકતી કરી. પરદેશથી મંગાવેલા એક્સ-કિરણોના એકમ વડે સંશોધન દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને એમ.એસસી.ની ઉપાધિ અપાવી. તેમના પ્રથમ સંશોધનશિષ્ય પ્રો. એન. વી. પંડ્યાને સાથે રાખીને એક્સ-કિરણો ઉપર કેટલાક સંશોધનલેખો લખ્યા અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની એક પરિયોજના પૂરી કરી.

પી. ડી. પાઠક
1959માં પ્રો. પાઠક ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના અનુસ્નાતક શિક્ષણ અને સંશોધન-વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે નિમાયા. પોતે પીએચ.ડી. થયા ન હતા, છતાં પાંચ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી પીએચ.ડી.ની પદવી અપાવી. 1977માં આ પદેથી નિવૃત્ત થયા. તેમણે આપેલ શિક્ષણ અને કરેલ સંશોધનની કદર રૂપે પ્રો. પાઠક નિવૃત્તિ બાદ સન્માનનીય (emeritus) પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા અને આ સ્થાને 1981 સુધી શૈક્ષણિક અને સંશોધન સેવાઓ આપી.
વડોદરા ખાતે શરૂ કરેલ તેમના સંશોધનનો વિષય હીલિયમ-II હતો. −268oથી −271o સે. તાપમાન વચ્ચે હીલિયમ અપેક્ષિત ગુણધર્મો ધરાવે છે. તેને હીલિયમ-I કહે છે. −271o સે.થી નીચા તાપમાને ઉક્ત ગુણધર્મો ઊલટા થઈ જાય છે, તેવું સૌપ્રથમ વાર પ્રો. પાઠકે પ્રતિપાદિત કર્યું.
ધ્વનિતરંગો દાબ-તરંગો (pressure waves) છે. આવા તરંગો માધ્યમમાં સંઘનન (જ્યાં માધ્યમના કણો ભેગા થાય છે) અને વિઘનન (જ્યાં માધ્યમના કણો છૂટા પડે છે) દ્વારા પ્રસરે છે. હીલિયમ-II ના સંશોધનથી ધ્વનિતરંગોના પ્રસરણની પ્રક્રિયાને પ્રો. પાઠકે નવું પરિમાણ આપ્યું. દાબ-તરંગોની જેમ હીલિયમ-IIમાં ઉષ્મીય તરંગો (જેને દ્વિતીય ધ્વનિ-second sound કહે છે) પેદા થાય છે. તેમણે તારવેલું દ્વિતીય ધ્વનિનું સમીકરણ પાયાનું પુરવાર થતાં, ભૌતિકવિજ્ઞાનમાં સીમાચિહ્ન ગણાય છે.
ગુજરાત યુનિવર્સિટીમાં તેમણે અધાતુઓ(nonmetals)ના ઉષ્મીય વિસ્તરણ ઉપર સંશોધન શરૂ કર્યું અને તેને લગતા કેટલાક સંશોધનલેખો પ્રસિદ્ધ કર્યા. આ વિષયને લગતા આંતરરાષ્ટ્રીય અમેરિકન કાર્યક્રમમાં ભાગ લેવાનો તેમને મોકો મળ્યો. ઘનઅવસ્થા- ભૌતિકવિજ્ઞાન અને ખાસ કરીને સ્ફટિકના ઉષ્મીય ગુણધર્મો ઉપર 40 જેટલા નોંધપાત્ર સંશોધનલેખો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં સામયિકોમાં પ્રસિદ્ધ કર્યા. આ સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તેમણે 12 જેટલાં પાઠ્યપુસ્તકો લખી ગુજરાતના અને ભૌતિકવિજ્ઞાનના શિક્ષણમાં મહત્વનું પ્રદાન કર્યું. આ બધાંની કદર રૂપે યુ.એસ.ની આંતરરાષ્ટ્રીય ફાઉન્ડેશન સંસ્થાએ તેમને 1989માં ‘ડૉક્ટર ઑવ્ સાયન્સ’ની માનાર્હ પદવી આપી. ઉપરાંત કેન્દ્ર સરકારે વિજ્ઞાનશિક્ષણ સુધારણા કાર્યક્રમના ઉપક્રમે પ્રો. પાઠકને 1970માં યુ.એસ. મોકલ્યા હતા.
પ્રહલાદ છ. પટેલ