પાટીલ, શિવરાજ (. 12 ઑક્ટોબર, 1935, ચાકુર ગામ, લાતુર જિલ્લો, મહારાષ્ટ્ર; અ. 12 ડિસેમ્બર, 2025, લાતુર, મહારાષ્ટ્ર) : ભૂતપૂર્વ ભારતીય ગૃહ મંત્રી, લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને 1980ના દાયકામાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી. કૉંગ્રેસના પીઢ રાજકારણી હોવાની સાથે પાંચ દાયકાથી વધારે સમય રાજકારણમાં સક્રિય રહ્યા હતા. 1980થી 2004 સુધી લાતુર સંસદીય બેઠક પરથી સતત સાત વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1991થી 2006 વચ્ચે લોકસભાના 10મા અધ્યક્ષ તરીકે કામગીરી કરી હતી. સત્ય સાંઈ-બાબાના અનુયાયી તરીકે પણ પ્રસિદ્ધ. બંધગળાનો સૂટ અને ચમકદાર વ્હાઇટ શૂ પહેરવા માટે પ્રસિદ્ધ.

મૂળ નામ – શિવરાજ વિશ્વનાથ પાટીલ ચાકુરકર. મૂળે પંચમસાળી લિંગાયત સમુદાયના. હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન શાખામાં સ્નાતકની પદવી મેળવી હતી. પછી બૉમ્બે યુનિવર્સિટીમાંથી કાયદાશાખામાં સ્નાતકની ઉપાધિ મેળવી હતી. પછી કૉંગ્રેસમાં સામેલ થયા હતા. 1967થી 1969 દરમિયાન તેઓ લાતુર મ્યુનિસિપાલિટીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં નગરસેવક બન્યા હતા. કેશવરાવ સોનાવણે અને માણિકરાવ સોનાવણેએ શિવરાજ પાટીલને લાતુર વિધાનસભા પર કૉંગ્રેસના ઉમેદવાર બનવા માટે મદદ કરી હતી. 1972થી 1980 વચ્ચે પહેલાં 1972થી 1978 અને પછી 1978થી 1980 સુધી બે વાર લાતુર શહેરમાંથી ધારાસભ્ય બન્યા. આ ગાળામાં તેમણે રાજ્ય સરકારમાં જાહેર સાહસ સમિતિના અધ્યક્ષ, કાયદો અને ન્યાય, સિંચાઈના નાયબમંત્રી, ધારાસભાના નાયબઅધ્યક્ષ અને પછી અધ્યક્ષ તરીકેનાં પદ સંભાળ્યાં હતાં.

1980 સુધીમાં પાટીલની છાપ ઇન્દિરા ગાંધીના વફાદાર કૉંગ્રેસી નેતા તરીકે ઊભી થઈ ગઈ હતી. ઇન્દિરા ગાંધીએ 1980માં લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો અને પાટીલે લાતુર સંસદીય બેઠક પરથી પહેલી વાર સાતમી લોકસભામાં પ્રવેશ કર્યો હતો. ઇન્દિરા ગાંધીની સરકારમાં સૌપ્રથમ તેમને રાજ્ય કક્ષાના સંરક્ષણમંત્રી, પછી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી મંત્રી બનાવ્યા હતા. ઇન્દિરાના અવસાન પછી રાજીવ ગાંધીની સરકારમાં પણ તેમનો પ્રભાવ વધતો ગયો. રાજીવ સરકારમાં તેઓ સૌપ્રથમ સંરક્ષણ ઉત્પાદન અને પછી નાગરિક ઉડ્ડયન અને પ્રવાસનમંત્રી બન્યા હતા.

1980 પછી 1984, 1989, 1991, 1996, 1998 અને 1999માં યોજાયેલી તમામ લોકસભા ચૂંટણીમાં શિવરાજ પાટીલ લાતુર સંસદીય બેઠક પર અજેય રહ્યા હતા. આ દરમિયાન કૉંગ્રેસનું રાષ્ટ્રીય સ્તરે અને મહારાષ્ટ્રમાં વર્ચસ્વ ઘટ્યું હતું, પરંતુ લાતુરમાં શિવરાજ પાટીલનો દબદબો જળવાઈ રહ્યો હતો. રાજીવ ગાંધીના અવસાન પછી પી. વી. નરસિંહરાવની સરકારમાં તેમને 1991થી 1996 સુધી લોકસભાના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.

લોકસભાના અધ્યક્ષ તરીકે સંસદસભ્યોની માહિતીને લોકો સુધી પહોંચાડવા

કમ્પ્યૂટરાઇઝેશન કરાવ્યું હતું, સંસદીય પુસ્તકાલય ભવનનું નિર્માણ કરાવ્યું હતું; એટલું જ નહીં, લોકસભાના અધ્યક્ષ તરીકે તેમના જ કાર્યકાળમાં સંસદનાં બંને ગૃહોની કામગીરીના જીવંત પ્રસારણનો શુભારંભ થયો હતો. આ રીતે તેમણે લોકસભાના અધ્યક્ષ તરીકે નોંધપાત્ર કામગીરી કરી હતી.

લગભગ બે દાયકા સુધી લાતુર સંસદીય બેઠક પર દબદબો જાળવ્યા પછી વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રુપાતાઈ પાટીલ નિલાંગેકર સામે પરાજય થયો હતો. તેમ છતાં સોનિયા ગાંધીના વિશ્વાસ હોવાથી તેમને મનમોહન સિંઘના નેતૃત્વમાં યુપીએ-1 સરકારમાં ગૃહમંત્રી જેવું મહત્ત્વપૂર્ણ મંત્રાલય મળ્યું હતું. કહેવાય છે કે, જો 2004ની લોકસભાની ચૂંટણીમાં શિવરાજ પાટીલનો લાતુર બેઠક પર પરાજય ન થયો હોત, તો મનમોહન સિંઘની જગ્યાએ તેઓ પ્રધાનમંત્રી બન્યા હોત, પછી તેમને 2004થી 2010 સુધી રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા હતા.

વર્ષ 2004થી વર્ષ 2008 સુધી દેશના ગૃહમંત્રી તરીકે શિવરાજ પાટીલની કામગીરીની આકરી ટીકા થઈ હતી. આ ગાળામાં 2005માં દિમાપુર બૉમ્બવિસ્ફોટ, જયપુર ટ્રેનમાં બૉમ્બવિસ્ફોટ, દિલ્હીમાં ત્રણ અલગ અલગ જગ્યાએ શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટ, 2006માં વારાણસીમાં બૉમ્બવિસ્ફોટ, મુંબઈમાં 7 ટ્રેનમાં શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટ, માલેંગાવ બૉમ્બવિસ્ફોટ, 2007માં સમઝૌતા એક્સપ્રેસમાં બૉમ્બવિસ્ફોટ, હૈદરાબાદમાં બે જગ્યાએ બૉમ્બવિસ્ફોટ જેવા આતંકવાદી હુમલાઓ થયા હતા. તેમાં દિલ્હી અને મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટોમાં 300થી વધારે લોકો માર્યા ગયા હતા. આ તમામ હુમલાઓ વચ્ચે પણ શિવરાજ પાટીલનું ગૃહમંત્રીનું પદ ટકી રહ્યું હતું, પરંતુ મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલા પછી તેમની આકરી ટીકા થઈ હતી

તેમને 30 નવેમ્બર, 2008ના રોજ મંત્રીપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. વર્ષ 2007માં કૉંગ્રેસે તેમને રાષ્ટ્રપતિ બનાવવાનું પણ વિચાર્યું હતું, પરંતુ યુપીએ-1 સરકારમાં સાથીદાર ડાબેરી પક્ષોએ તેમનો વિરોધ કરતાં તેમના નામ પર વિચારણા અટકી ગઈ હતી.

વર્ષ 2008 પછી તેઓ સક્રિય રાજકારણમાંથી લગભગ નિવૃત્ત થઈ ગયા હતા. ત્યાર બાદ તેમને વર્ષ 2010થી 2015 વચ્ચે સૌપ્રથમ પંજાબના રાજ્યપાલ અને ચંડીગઢના લેફ્ટનન્ટ જનરલ બનાવવામાં આવ્યા હતા. 2015 પછી તેમણે રાજકારણમાંથી સંપૂર્ણપણે સંન્યાસ લીધો હતો અને લાતુરમાં પોતાના નિવાસસ્થાન ‘દેવઘર’માં નિવૃત્ત જીવન પસાર કર્યું હતું. 90 વર્ષની જૈફ વયે તેમનું અવસાન થયું હતું.

તેમણે વર્ષ 2004માં ‘ઓડિસી ઑફ માય લાઇફ’ નામે આત્મકથા પણ લખી હતી.  જોકે, તેમણે તેમાં આત્મકથામાં 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. આ કારણસર પણ તેઓ ટીકાને પાત્ર બન્યા હતા. અગાઉ 1992માં તેમને ઉત્કૃષ્ટ સાંસદનો પુરસ્કાર એનાયત થયો હતો.

કેયૂર કોટક